Saturday, October 1, 2011

શરમ એ કઇ બલાનું નામ?


બીફોર નવરાત્રિ ગરબાની રમઝટની હારોહાર બીફોર ચૂંટણીની પ્રચાર સભાના ઉધામા વચ્ચે ગુજરાત ખરેખર વાયબ્રન્ટ ગુજરાત સાબિત થઇ રહ્યું છે. નવરાત્રિ નવ દિવસની. દસમા દિવસે રાવણનું દહન થશે. ચૂંટણી આખું વર્ષ રાસડા લેવડાવશે! રાસલીલા અને રાજલીલા વચ્ચે ફરક છે! રાસલીલા ઉત્સવ છે. રાજલીલા ઉધામા છે. આ ઉધામા લાંબા સમયના પુરવાર થશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષની વાર છે અને અત્યારથી પ્રચારસભાઓ ગાજવા માંડી છે. એસ.ટી. બસો ભરીભરીને ગુજરાતના ચારે ખૂણેથી લોકો સભાસ્થળે ઠલવાયા અને બસની રાહ જોતા મુસાફર બસસ્ટેન્ડો પર અટવાયા! રાજ્યની તમામ રૂટની બસ એક જ રૂટ પર દોડવા માંડી હતી! કેટલી રોકડી થઇ અને કેટલા રૂપિયા બસ ભાડા પેટે સરકારના ખાતે ઉધારવામાં આવ્યા. એ તો એસ.ટી બોર્ડવાળા ને પૂછવું પડે! પણ અહીં કોને પડી છે કે એવું બધું પૂછવા જાય! પુછનારું જ કોઇ નથી! બોલવાવાળો કોઇ નથી! માત્ર નેતાઓ બોલે છે. એ બોલે છે પણ સાંભળતા નથી. સાંભળવાની કુટેવ એમણે કેળવી નથી!

રાજકીય અભ્યારણમાં વાચાળતાની મોસમ ખીલી છે! વાતો હવે ઘોંઘાટમાં ફેરવાઇ ગઇ છે. દિલ્હીના રામલીલા મેદાનથી ઉદ્દભવેલો ઘોંઘાટ હવે ગુજરાત પર ઝીંકાવા માંડ્યો છે. એકને ઊપડેલો સનેપાત બીજાને ધુણાવે છે. ન.મો. સદ્ભાવના મંચ પર ઉપવાસ પર બેઠા એટલે સામે મૂળ ભાજપના પણ કોંગ્રેસનું પાણીગ્રહણ કરીને વટલાઇ ગયેલા શંકરસિંહ વાઘેલા ઉપવાસ પર ઊતરી ગયા. બંને ઉપવાસ પર હતા ત્યારે પ્રજાને ખાતરી થઇ ગઇ કે મોદી ખાતા નથી ને ખાવા દેતા નથી! કૉંગ્રેસમાં એક સગો ને બે સાવકા પુત્રો હોવાથી પક્ષમાં કુટુમ્બ કજિયો નિવારી શકાતો નથી. સગા અને સાવકાઓ, બધાને કુટુમ્બના મોવડી બનવું છે. કૉંગ્રેસમાં મૂળભૂત કૉંગ્રેસી સગા દીકરાની ભૂમિકામાં છે. ચિમનભાઇ પટેલ છોડી દીધેલી કૉંગ્રેસમાં પાછા વળ્યા એમની સામે એમના સાથીદારોનું આખું ટોળું કૉંગ્રેસમાં આવી ગયું. શંકરસિંહ પણ કૉંગ્રેસમાં પોતાનું આખું ટોળું લઇને પ્રવેશ્યા! આ ત્રણે જૂથો પક્ષમાં પ્રભુત્વ જમાવવા રચ્યાપચ્યા રહેતા હોવાથી પક્ષને આંતરિક કજિયો પજવે છે અને ધરખમ હરીફ સામે ટક્કર લેવાની ચિંતા પણ જંપવા દેતી નથી!ભાજપમાં પણ આંતરિક સ્થિતિ ખૂબ જ ખરબચડી હોવા છતાં કોઇ બોલી શકતું નથી એટલે કૉંગ્રેસની જેમ ભાજપનો કજિયો બહાર આવતો નથી! ન.મો. ભાજપના એકલવાયા છે એટલે લાડીલા છે. એ એક સિવાય બાકીના સાવકા ન હોવા છતાં સાવકાપણું વેઠે છે, કારણ કે એકલવાયાને એમનાથી કશું કહી શકાતું નથી. તાજેતરમાં ન.મો.ને વડાપ્રધાન બનાવવાની વાતે ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પણ એ ઉત્સાહ મોદી વડાપ્રધાન બને એ પૂરતો નથી પણ એ બહાને મોદી અહીંથી જાય તો બીજા કોઇને મુખ્યમંત્રી બનવાની તક મળે! બાકી તો મોદી આજીવન મુખ્યમંત્રી જ રહેશે. નરેન્દ્ર મોદી સિવાય ભાજપના અન્ય ઉમેદવારોએ મુખ્યમંત્રી બનવાનાં સ્વપ્નો જોવાનું છોડી દેવું જોઇએ. કારણ કે આમ જોતાં કૉંગ્રેસ કરતા ંભાજપની સ્થિતિ વધુ ખરાબ છે.કૉંગ્રેસમાં ત્રણ જૂથો હોવા છતાં કૉંગ્રેસપક્ષ ટકી રહ્યો છે. ભાજપની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ભાજપ નથી ચાલતો, મોદી ચાલે છે. મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમની સામે પ્રચંડ વિરોધાત્મક વાવાઝોડાં ફૂંકાયાં એમાં મોદીના બચાવ માટે ભાજપની કોઇ ભૂમિકા નજરે ચડતી નથી. ઊલટાનો મોદીએ જાતે ખુદનો બચાવ કર્યો એ સાથે ભાજપનો પણ એમણે બચાવ કર્યો છે! એ દિલ્હીવાળા પણ જાણે છે અને વડાપ્રધાનપદના લાલકૃષ્ણ અડવાણીએ પણ સ્વૌચ્છિક રીતે પોતાના એ દાવો પડતો મૂક્યો છે! છતાં એ પૂર્વે જાહેર કરેલી રથયાત્રાને પડતી મૂકવામાં પ્રતિષ્ઠા ઘાયલ થવાનો ભય એ ખાળી શક્યા નથી. રથયાત્રાનો હવે પૂર્વવત પ્રભાવ પડવાનો નથી. અણ્ણા હઝારે પણ એવી જ કોઇ યાત્રા માટે થનગની રહ્યાં છે! એમની લડત ભ્રષ્ટાચાર સામે છે પણ ભ્રષ્ટાચાર દૂર થવાની શક્યતા નથી, કારણ કે ભ્રષ્ટાચારનાં મૂળ પ્રજામાં પડ્યાં છે.પ્રજાને નેતાગીરીમાં વિશ્વાસ નથી એટલે પ્રજા પોતાનાં કામો પોતાની રીતે કરાવી લે છે. નેતાઓના કાલાવાલા કરવા છતાં જે કામો થઇ શકતાં નથી એ કામો લાંચ આપવાથી થઇ જાય છે. પ્રજાને એ માર્ગ સરળ લાગ્યો છે. અને પ્રજાએ એ માર્ગ સ્વીકારી લીધો છે. સભામાં પાંચ હજાર કે પચાસહજારની ભીડ એકઠી કરવાથી કશું વળતું નથી! ભીડ એ સફળતાનું પ્રમાણપત્ર નથી!રાજકીય ક્ષેત્રે જે ઉધામા શરૂ થયા છે તે ચૂંટણીલક્ષી છે. એ માટે લોકોની ભીડ એકઠી કરવામાં આવે છે પણ હેતુ લોકલક્ષી નથી. જંતરમંતરથી રામલીલા મેદાન અને રામલીલા મેદાનથી ગુજરાત સુધી સભાઓને છલકાવતી ભીડ વચ્ચે સામાન્ય માણસની સમસ્યાનો કોઇ ઉલ્લેખ ક્યાંય સંભળાયો નથી. ર-જી સ્પેક્ટમ, આદર્શ સોસાયટી, કલમાડી ગેમ, કનીમોઝી, મધુકોંડા અને સ્વિસ બેંકના સંદર્ભે કરોડો રૂપિયાની વાતોમાં પાંચપચાસ રૂપિયામાં દિવસ ગુજારતા માણસની સમસ્યા પ્રત્યે કોઇનું ધ્યાન જતું નથી. સ્વિસ બેંકમાંનું કાળું નાણું કઢાવવા માટે ઉધામા થયા કરે છે, પરંતુ સામાન્ય માણસ સુધી રોજીરોટી પહોંચાડવાનાં કોઇ પ્રયાસો થતા નથી. સ્વિસ બેંકમાં કાળું નાણું હોવાને કારણે ગરીબો ભૂખે મરે છે. એવું તો નથી જ! સ્વિસ બેંકમાં નાણાં આવી જાય તો પણ ગરીબોની સ્થિતિ સુધરવાની નથી. સુધારવાની દાનત પણ નથી! કારણ કે ગરીબની ખરી વ્યાખ્યા શું છે, એ કોઇને સમજાતું નથી. ગરીબ માણસને રોજના બત્રીસ રૂપિયા બહુ થઇ ગયા એવો નાણાકીય બાબતના નિષ્ણાત મોન્ટેકસિંહ અહલુવાલિયાએ ફતવો જાહેર કરી દીધો છે. આવો ફતવો જાહેર કરતા પહેલાં અહલુવાલિયાએ પોતાના ડ્રાઇવરને, વોચમેનને અને માળીને જ પૂછી લીધું હોત કે બત્રીસ રૂપિયામાં માણસ દિવસ ગુજારી શકે ખરો? પૂછવામાં નાનમ લાગતી હોય તો વોચમેન અને ડ્રાઇવરને એ કેટલો પગાર આપે છે, એ પ્રત્યે ધ્યાન આપ્યું હોત તો પણ બત્રીસ રૂપિયામાં દિવસ ગુજારવાની વાત એમણે કરી ન હોત! ગરીબને માત્ર દિવસ જ ગુજારવાનો છે? કપડાંલત્તાનું શું? માંદગી અને તેની તબીબી સારવારનું શું? એને પણ સંતાનોને ભણાવવાના ન હોય? વળી આયોજનપંચનું તારણ તો એવું છે કે શહેરી માણસ મહિને નવસો પાંસઠ રૂપિયા અને ગ્રામીણ માણસ મહિને સાતસો એંસી રૂપિયા ખર્ચી શકતો હોય તો એને ગરીબ ના કહેવાય? રોજના માત્ર બત્રીસ રૂપિયામાં દિવસ ગુજારવા પ્રજાને મજબૂર કરતી સરકારને પોષણ અને કુપોષણ વચ્ચેનો ભેદ સમજાતો નથી? પણ એવાય લોકો છે જેમને રોજના બત્રીસ રૂપિયા પણ મળતા નથી, એમને કઇ કેટેગરીમાં મૂકશો તમે? કેટેગરી પણ એક કન્ડિશનલ ઓફિસોમાં બેસીને નક્કી કરવામાં આવતી હોય છે. પરિણામે આજે પણ સવાસો કરોડની વસ્તીવાળા દેશમાં ચાળીસ કરોડ લોકો ગરીબીરેખા નીચે મોત નથી આવતું માટે જીવતા હોય છે! આ અત્યાચાર પણ છે અને ભ્રષ્ટાચાર પણ છે.સ્વિસબેંક સુધી લાંબા થતા સવાયા સેવકોનાં ધ્યાનમાં એ વાત નથી આવતી કે ખાધેપીધે સુખી સંપન્ન એવા સાઠ ટકા લોકોએ બી.પી.એલ.નું પ્રમાણપત્ર મેળવી લીધું છે. અને જે ખરેખર બી.પી.એલ.ની સંજ્ઞામાં આવે છે, એવા વીસ ટકા લોકો બી.પી.એલ.ના પ્રમાણપત્રથી વંચિત છે! શું આ ભ્રષ્ટાચાર નથી? આવા લોકો માટે જ્યાં કોઇ વ્યવસ્થા નથી એવા દેેશમાં ‘નોટ ફોર વોટ’ના નામે કરોડો રૂપિયા ભરી સંસદમાં ઉછાળવામાં આવે છે. એ તો અત્યંત શરમજનક ભ્રષ્ટાચાર છે! પરંતુ શરમ કઇ બલાનું નામ છે એ જ કોઇ જાણતું નથી ત્યાં શરમાવાનું વળી કેવું? 

No comments:

Post a Comment