Thursday, September 29, 2011

શહેરીકરણથી જમીનની તંગી અને માફિયા પેદા થયા છે.


શહેરો વસતિથી ફાટફાટ થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોની સમસ્યા છે, તેમજ કાયદો - વ્યવસ્થા, ગરીબી અને સામાજિક અસંતુલનના પ્રશ્નોની ભરમાર છે તેવે વખતે હજુ પણ શહેરોના વિકાસને જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

કેન્દ્રના આવાસ અને શહેરી ગરીબી નાબૂદી વિભાગના મંત્રી કુમારી શૈલજાએ બારમી યોજનામાં શહેરોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ૬૦ ટકા રકમ ફાળવવા નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત તેમણે શહેરી ગરીબોને ઘર ખરીદવા કે બાંધવા લોન પર વાર્ષિક પાંચ ટકાના દરે વ્યાજ સબ્સિડીની જોગવાઈ કરવામાં આવી છે તેવી જાહેરાત કરી છે.શહેરી ગંદા વસવાટોનો જો ઈતિહાસ તપાસવામાં આવે તો જ્યાં જ્યાં ઉદ્યોગો શરૂ થયા છે ત્યાં ઝૂંપડપટ્ટી વધી છે. મુંબઈનો દાખલો નજર સમક્ષ છે. મુંબઈમાં ગંદા વસવાટ એ ઔદ્યોગિકીકરણને કારણે ઊભા થયા છે. યુરોપમાં પણ તેવું જ હતું, પરંતુ બે મહાયુદ્ધમાં આવા ગંદા વસવાટ સાફ થઈ ગયા હતા, હવે તેમને તે પ્રશ્ન નથી. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ એવી માગણી કરી હતી કે મુંબઈની આવાસ સમસ્યાને હળવી કરવા મીઠાના અગરને ડેવલપમેન્ટ માટે ખુલ્લાં મૂકવામાં આવે તો જમીનની અછત ઓછી થાય. મુંબઈમાં સેંકડોની સંખ્યામાં ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટ છે તેમની યોજના સફળ થતી નથી જેના કારણ તદ્દન અલગ છે.સમગ્ર રાષ્ટ્રમાં ૬૫ લાખ મકાનની જરૂરત છે. તેમાં મહારાષ્ટ્રની માગણી ૩૭ લાખ આવાસની છે. જો મીઠાના અગર ડેવલપમેન્ટ માટે ખુલ્લા મૂકવામાં આવે તો સૌથી મોટું જમીન કૌભાંડ આકાર લઈ શકે છે. તેને બદલે જો વિકેનિ્દ્રત આર્થિક વ્યવસ્થા અને નગર આયોજન સ્વીકારવામાં આવે તો લાંબે ગાળે ઘણા ફાયદા થાય તેવું છે.મીઠાનાં અગરોને રહેઠાણ બાંધવાની પરવાનગી આપવામાં અબજો રૂપિયાના કૌભાંડ થઈ શકે છે. આવી બાબતોમાં જવાને બદલે નાના કેન્દ્ર અને સ્થાનિક ધોરણે રોજગારી મેળવવાની બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે તો ઘણો ફરક પડે તેવું છે. આથી ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રિસિટી જેવા ક્ષેત્ર પરનું દબાણ ઘટાડી શકાય તેવું છે.મુંબઈ મહાનગરની જનસંખ્યા આજુબાજુના ઉપનગર સાથે બે કરોડ થવા જાય છે. આ મહાનગરમાં પર્યાવરણની સાથે આરોગ્યના પ્રશ્ન વધી રહ્યા છે. પ્રદૂષણ - શુદ્ધ હવાનો અભાવ, ધૂળ, રજને કારણે શ્વસનતંત્ર - ફેફસાંનાં રોગ વધ્યાં છે. કઈ સરકાર અને કઈ વ્યવસ્થા આ તમામને પહોંચી વળી શકે તેવું છે?આજના મહાનગરો એટલે સિમેન્ટ કોંક્રિટના જંગલો સમજવાનું છે. ૧૯૬૦ બાદ જે ઔદ્યોગિકીકરણ થયું છે તે તમામ થકી માત્ર પ્રશ્નો જ ઊભા થયા છે. જમીનના માફિયાઓ સાથે પાણીના માફિયા, રેતીના માફિયા, સુપારી લેનારા અને સુરક્ષા માટે પૈસા ઉઘરાવનારાનો એક વર્ગ ઊભો થયો છે. તેને કઈ રીતે નિયંત્રણમાં લેવામાં આવે? આ એક પ્રશ્ન છે.કેન્દ્ર સરકાર શહેરોની સમસ્યા હળવી કરવા અબજો રૂપિયાનો જે વાર્ષિક ખર્ચ કરે છે તે સમુદ્રમાં જતાં વહાણમાં કાણું પડ્યું હોય તે વખતે પાણી ઉલેચીને સમુદ્રમાં નાખવા જેવી પ્રક્રિયા સાથે સરખાવી શકાય. વહાણમાંથી પાણીને ઉલેચીને ફરીથી સમુદ્રમાં નાખીએ તો તે કાણામાંથી વહાણમાં જ આવે છે. આવો ક્રમ વિકાસની બાબતમાં જોવામાં આવે છે.એક પણ સ્તરે પારદર્શકતા નથી. રાજકારણીઓને માટે જમીન એક જણસ બની ગઈ છે અને તેઓ અગરની જમીન, સમુદ્રની કાંઠાળ જમીન, ગૌચરની જમીન અને હવે સ્મશાનની જમીન વેચી મારતા જરા પણ ખચકાટ અનુભવતા નથી. જો આવો ક્રમ અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ભારે અનર્થ થવાનો છે.એક પણ રાજકીય પક્ષ આ બાબતે ગંભીર નથી. રહેઠાણ માટે નવી જમીન જરૂરી નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારની વસતિનું સ્થળાંતર શહેરો તરફ થઈ રહ્યું છે તે અટકાવવા માટે વિવિધ પ્રોજકેટ - પ્રોત્સાહન અને નીતિની જરૂર છે. ગ્રામ્ય વિસ્તાર તરફ ઝોક ધરાવતી રહેઠાણ નીતિ કેમ ન હોઈ શકે?કેન્દ્ર સરકારના વર્તમાન શહેરી આવાસ કાર્યક્રમમાં ખોટા અગ્રતાક્રમ પ્રવર્તી રહ્યા છે. કેન્દ્ર સરકારની વર્તમાન કોઈ જ નીતિ દ્વારા શહેરી ગરીબોનું ભલું થવાનું નથી. વળી શહેરી ગરીબો પોતાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વરોજગારના માલિક હતા. તેઓ આજે શહેરી વિસ્તારના મજૂર બન્યા છે અને તેમનું દરેક રીતે શોષણ થઈ રહ્યું છે. જમીનનો વ્યવસાય અનેકને માટે ઘી-કેળાં બની ગયો છે. તમામ રાજકીય પક્ષના અગ્રણીઓ બિલ્ડર્સ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા છે, કારણ કે તેમને ચાંદી આ એક જ વ્યવસાયમાંથી મળી રહે છે. પરંતુ એટલું યાદ રાખવાનું છે કે કુદરત આવી બાબતોને બહુ લાંબો વખત ચલાવી શકે તેવું નથી. 

No comments:

Post a Comment