Thursday, January 20, 2011

અમીનાના નહીં ડોક્ટરના મોતથી તંત્ર વાઈરસ સામે ઊમટ્યું!

ક્રિમીયન કોંગો હેમોરેજિક વાઇરસના ઉદ્દભવસ્થાન ગણાતા સાણંદ પાસેના કોલટ ગામથી ગ્રાઉન્ડ રિપોર્ટ
દર દસ ચેપગ્રસ્ત વ્યક્તિઓમાંથી નવનો ભોગ લેતા ક્રિમીયન કોંગો હેમોરેજિક ફિવરનું હાલનું ઉત્પત્તિસ્થાન સાણંદ પાસેનું કોલટ છે. આ ગામને તાજેતરમાં જ ખબર પડી છે કે અહીં આટલા ઘાતક વાઇરસે માથું ઊંચક્યું છે. વાઇરસ આક્રમણના ‘ગ્રાઉન્ડ ઝીરો’ એવા કોલટની જાત મુલાકાતે ગયેલા રિપોર્ટર મનીષસિંહ રાઠોડનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.

અમીનાનાં મોતના ૧૩ દિવસ બાદ ગામલોકોને ભેદી વાઇરસની જાણ થઇ

અમીનાના નહીં ડોક્ટરના મોતથી તંત્ર કોલટ ગામે ઊમટી પડ્યું!

હજુ પણ પૂરતી તકેદારી વગર ગંદકી વચ્ચે જ પૂર્વવત્ જીવન જીવે છે
‘અમીના તો ૩જી જાન્યુઆરીના રોજ ખુદાને પ્યારી થઇ હતી. તેના લગભગ બે અઠવાડિયા બાદ તંત્ર એકાએક કોલટ જેવા અંતરિયાળ ગામમાં ઊમટી પડ્યું છે, તે સમજાતું નથી. હા, હોસ્પિટલના ડોક્ટર અને નર્સનાં મોતે તંત્રને હચમચાવી મૂક્યું હોય અને તેથી જ તંત્ર દોડતું થઇ આવા છેવાડાના ગામમાં ઊમટી પડ્યું હોય તેવું જણાય છે. અમીનાનું મોત તો આ સમગ્ર ઘટનામાં એક માધ્યમ બની ગયું છે.’ આ શબ્દો છે ક્રિમીયન કોંગો હેમોરેજિક ફિવર નામના શંકાસ્પદ વાઇરસથી મૃત્યુ પામનારા ૩૨ વર્ષીય અમીનાબહેન મોમીનના ગામની મસ્જિદના ઇમામ અબ્દુલભાઇ મોમીનના.

સરખેજથી સાણંદ જતાં વચ્ચે પડતાં તેલાવ ગામથી ત્રણ કિમી અંદર આવેલા ક્રિમીયન કોંગો હેમોરેજિક ફિવરના ઉદ્દભવસ્થાન ગણાતા કોલટ ગામમાં હજુ પણ ગ્રામજનોને આ વાઇરસ વિશે કોઇ જાણ નથી. ક્યાંય કોઇ વ્યક્તિના મોં પર માસ્ક નથી! વાઇરલ જેનાથી ફેલાય તેવા પશુઓ પણ ઘરના વાડામાં જ હાજર છે! અને બાળકો ગંદકીથી ખદબદતી ગામડાની સાંકડી ગલીઓમાં રમી રહ્યાં છે! 

હા, ગામની પંચાયત ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુપાલન ખાતું હાજર થઇ ગયું છે. આરોગ્યખાતાના અધિકારીઓ હોમ ટુ હોમ સર્વેમાં લાગી ગયા છે તો પશુપાલનખાતાના કર્મચારીઓ દ્વારા પશુઓ પર દવાના છંટકાવ થઇ રહ્યાં છે. 

કોલટ ગામના મૃતક અમીનાબહેનનાં સાસુ રહીનબહેને જણાવ્યું હતું કે,‘અમીનાને માત્ર બે દિવસ તાવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને તેનું મૃત્યુ થયું હતું.’ એસ.ટી.માં ડ્રાઇવરની ફરજ બજાવતાં તેના સસરા પીરભાઇ મોમીને કહ્યું હતું કે,‘અમે હજથી આવ્યાં ત્યાર પછી કોઇ પણ બીમારી અમને થઇ નહોતી. અમને કોઇ ચેપ પણ નહોતો. અમીનાને કયો વાઇરસ હતો તેની અમને હજુ ખબર જ નથી.’ગામમાં આરોગ્ય તંત્રના ધામા હોવા છતાં આશ્ચર્યજનક વાત એ જોવા મળી કે અમીના વાઇરસની શંકાસ્પદ દર્દી હતી, તો પછી તેના ઘર કે તેની નજીક કોઇ જવું જોઇએ નહીં તેવું માર્ગદર્શન મળવું જોઇએ, પરંતુ અહીં બેરોકટોક બધા આવી શકે છે! તંત્ર પંચાયત કાર્યાલયથી જ પોતાનું ઓપરેશન ચલાવી રહ્યું છે પણ ગામ પોતાની રીતે જ ચાલી રહ્યું છે!

ડોક્ટરની સલાહ વગર ‘સીસીએચએફ’ વાયરસની દવાથી બોર્નમેરો સપ્રેશન થઇ શકે

દર્દી સાથે ડોક્ટર અને નર્સનો ભોગ લેનાર ‘ક્રિમિયન કોન્ગો હેમોરેજિક ફીવર’(સીસીએચએફ)નામનો વાયરસને વધતો અટકાવવા માટે ‘રિબાવિરીન’ નામની એન્ટી વાયરલ દવા આપવામાં આવે છે, પરંતુ શહેરના કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને ડોક્ટરની સલાહ વગર આ દવાનો વધુ પડતો ડોઝ લેવાથી બોર્નમેરો (હાડકાંના માવા)ને ગંભીર અસર થતી હોવાથી ‘બોર્નમેરો સપ્રેશન’ થવાની સંભાવના નકારી શકાય નહિ. 

પરંતુ આ રોગનો ચેપ ન લાગે તે માટે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદેલી દવાનો વધુ પડતા ડોઝથી ગંભીર આડઅસરની સંભાવના નકારી શકાય નહિ. એક હોસ્પિટલના અધિકારીએ નામ નહિ લખવાની શરતે જણાવ્યું હતું કે આ દવા હાલમાં શહેરના ગણતરીના મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે, જે અમને શોધતાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. 

હાલમાં હોસ્પિટલમાં ત્રણ દર્દીને આપી શકાય તેટલી ગોળીઓનો જથ્થો મગાવાયો છે. આ દવાની ચાર ગોળી R૨૮૦માં વેચાય છે, એટલે કે એક ગોળીની કિંમત R ૭૦ જેટલી થાય છે, પરંતુ આ રોગનો ચેપ ન લાગે તે માટે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદેલી દવાનો વધુ પડતા ડોઝથી ગંભીર આડઅસરની સંભાવના નકારી શકાય નહિ.

સામાન્ય રીતે આ દવા ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર મળતી નથી. વળી, ડોક્ટરની સલાહ વગર આ દવા લેવાથી વ્યક્તિના બોર્નમેરો (હાડકાંના માવા)ને આડઅસર પેદા કરે છે, જેથી હાડકાંના માવામાંથી લોહી બનતું બંધ થાય છે. જોકે ગોળી બંધ કરવાથી ફરી લોહી બનવાની પ્રક્રિયા ફરી શરૂ થઇ જાય છે.

અમને વાઇરસની ખબર જ નથી

નાના મોમીનવાસમાં રહેતાં વડીલ જમાલભાઇએ જણાવ્યું હતું કે,‘ગામમાં અમીનાબહેનનું મોત ખતરનાક વાઇરસના લીધે થયું છે, તેની જાણ તો અમને પેપર વાંચીને થઇ. અમે તો હજુ પણ પહેલાંની જેમ જ જીવીએ છીએ, વાઇરસની ખબર અમને કોઇને જ નથી!’’ 

જમાલભાઈ, ગામવાસી

અમીનાબહેનના ઘેર પશુ છે જ નહીં!

આ ભેદી વાઇરસ પશુઓમાં રહેતી જીવાતોના લીધે ફેલાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આશ્ચર્યજનક રીતે મૃતક અમીનાબહેનના ઘેર એક પણ પશુ નથી! તેમ છતાંય તેઓ વાઇરસના શંકાસ્પદ ગણાય છે. એટલું જ નહીં તેમના પતિ રહેમાનભાઇ અને ભાઇ હુસૈનભાઇ પણ હાલ ભેદી સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે. અમીનાબહેનને આ વાઇરસ કઈ રીતે લાગ્યો તે તેની તપાસ ચાલી રહી છે.

Wednesday, January 12, 2011

આત્મહત્યાઓમાં ગુજરાતના બે શહેરો ટોપ ટેનમાં

- એક લાખ દીઠ 34.2 આત્મહત્યાઓ સાથે રાજકોટ દેશભરમાં ત્રીજુ શહેર
- 18.9 આત્મહત્યાઓ સાથે સુરત દસમા સ્થાને
રાજ્યના બે ઔદ્યોગિક શહેરો આત્મહત્યાઓ બાબતે દેશભરમાં મોખરે રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે રાજકોટમાં દર એક લાખની વસતિ દીઠ 34.2 આત્મહત્યાઓ નોંધાઇ છે. જેના કારણે રાજકોટ ત્રીજા સ્થાને આવ્યું છે. 2008માં રાજકોટમાં આત્મહત્યાનો દર 31.5 હતો. જ્યારે રાજ્યના બીજા શહેર સુરતે પણ 18.9 આત્મહત્યાઓ સાથે દેશભરમાં દસમુ સ્થાન મેળવ્યું છે. 2008માં સુરતમાં આત્મહત્યાઓનો દર 17.9 હતો.
એનસીઆરબીના નવા આંકડાઓ રાજ્ય માટે ચિંતાજનક બની રહ્યા છે. જો કે આત્મહત્યાઓના દરમાં ગુજરાત 17મા સ્થાને છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં આત્મહત્યાઓનો દર 12.9 % ઓછો નોંધાયો છે. જ્યારે રાજકોટ અને સુરતમાં વધારો નોંધાયો છે.
15થી 29 વર્ષની વયના યુવાનોની આત્મહત્યાનું પ્રમાણ 40% નોંધાયું છે. આ વયના યુવાનોની આત્મહત્યાઓનું સૌથી વધુ પ્રમાણ અમદાવાદમાં (180) નોંધાયું છે. આવી આત્મહત્યાઓ પાછળ પારિવારિક પ્રશ્નો બાદ બીમારી વધુ જવાબદાર હોય છે.
સુરતમાં એઇડ્સ અને કેન્સર જેવી બિમારીઓને કારણે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં નોંધાયેલા 54 કિસ્સાઓમાં કોઇપણ ઘટનાનો ભોગ બનનારનું ગાંડપણ જવાબદાર હોય છે. પરીક્ષામાં નાપાસ થવાથી વિદ્યાર્થીઓએ જિંદગીનો અંત આણ્યો હોય તેવા 99 કિસ્સાઓ રાજ્યમાં નોંધાયા છે. પારિવારકિ પ્રશ્નોને કારણે રાજકોટમાં સૌથી વધુ (214) આત્મહત્યાઓ નોંધાઇ છે.
- આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો અને વ્યાવસાયિકો વધુ
વર્ષ 2009માં સૌથી વધુ ગૃહિણીઓએ આત્મહત્યાઓ કરી હતી. અમદાવાદમાં 175 અને રાજકોટમાં 164 આત્મહત્યાઓ નોંધાઇ છે. ઘરેલુ હિંસા અને પારિવારિક પ્રશ્નો આવી આત્મહત્યાઓ પાછળ વધુ જવાબદાર રહ્યા છે. રાજકોટમાં પ્રાઇવેટ સેક્ટરમાં આત્મહત્યાઓનું પ્રમાણ 30% નોંધાયું છે. રાજ્યમાં બેરોજગારોની આત્મહત્યાઓનો આંકડો 600 પર પહોંચ્યો છે. આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો (588) અને વ્યાવસાયિકો (552) પણ આગળ છે.
એક અભ્યાસ મુજબ આત્મહત્યા કરનારાઓમાં પરિણીતોનું પ્રમાણ વધુ છે. આત્મહત્યાઓ કરનારામાં 70% લોકો પરિણીત છે. જેમાં 60% પરિણીત સ્ત્રીઓ છે.
આત્મહત્યાઓ પર શિક્ષણની કોઇ અસર નથી થતી. સેકેન્ડરી સુધી અભ્યાસ કરનારાઓની (2244) આત્મહત્યા નોંધાઇ છે. જ્યારે અભણ લોકોની 1273 આત્મહત્યાઓ નોંધાઇ છે. રાજ્યમાં 84 ગ્રેજ્યુએટ અને 7 પોસ્ટ ગ્રેજ્યુએટે આત્મહત્યા કરી છે.
ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરવાનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. 20% લોકો પોતાના જ ઘરે પોતાની જાતને લટકાવીને મોતને ભેટ્યા છે. જ્યારે 1454 લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. તો 1041 વ્યક્તિઓએ અગનપછેડી ઓઢીને મોત વ્હાલું કર્યું છે. 2008ની સરખામણીએ 2009માં ઉંઘની ગોળીઓ દ્વારા અને ઉંચાઇથી કૂદીને મોતને ભેટવામાં 25% નો ઘટાડો નોંધાયો છે.

Monday, January 10, 2011

- મોદી સરદાર પટેલની પ્રતિમા બનાવવાની વાતો કરે છે, પ્રફુલ્લે મૂકી બતાવી - દિનશા પટેલ


- એરપોર્ટના આંગણે સરદાર પટેલની ૧૮ ફૂટ ઊંચી પ્રતિમાનું

  અનાવરણ ૪૫ લાખના ખર્ચે પ્રતિમાનું નિર્માણ

  અ'વાદ એરપોર્ટ પર સરદારની પ્રતિમાનું અનાવરણ

દિનશા પટેલે કહ્યું હતું કે, સરદારની વાતો કરનારા જ ઘણીવાર સરદારને ભૂલી જાય છે, જે દુ:ખની વાત છે. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે પ્રક્ષ્લ્લે પ્રતિમા મૂકીને બતાવી દીધી છે. માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી, તેનો અમલ થવો જોઈએ.

હરિનભાઈ પાઠકે કહ્યું હતું કે, સરદાર ગુજરાતના પનોતા પુત્ર છે અને તેમણે ભારતને અખંડ ભારત બનાવ્યું છે. તેથી તેમના નામ સાથે જોડાયેલા એરપોર્ટ પર આ પ્રતિમા મુકાતાં હું આનંદની લાગણી અનુભવું છું


પ્રતિમા બનાવવા ૮૫ ટકા કોપરનો વપરાશ
આ પ્રતિમાના નિર્માણ પાછળ એરપોર્ટ ઓથોરિટીએ ૪૫ લાખનો ખર્ચ કર્યો છે. તેનું નિર્માણ પદ્મશ્રી રામ વી. સુથારે કર્યું છે. તેઓ ૬૦ વર્ષોમાં ૧૫૦થી વધુ પ્રતિમાઓ બનાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રતિમા બનાવવા ૮૫ ટકા કોપરનો ઉપયોગ થયો છે, જ્યારે બાકી અન્ય ધાતુઓનું મિશ્રણ કરાયું છે. ઝડપથી પ્રતિમાનું કામ પૂરું કરવાનું હોવાથી બે દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી છે.

- આવી પ્રતિમા માત્ર દેશની સંસદમાં છે: કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી

છ મહિનાની પ્રતીક્ષા બાદ અંતે અમદાવાદ એરપોર્ટના આંગણે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી પ્રક્ષ્લ્લ પટેલે રવિવારે આ પ્રતિમાનું અનાવરણ કરતાં કહ્યું હતું કે, સરદારની પ્રતિમા મૂકવામાં વિલંબ થયો છે, પરંતુ આ પ્રતિમા બેજોડ છે. આવી પ્રતિમા માત્ર દેશની સંસદમાં છે, તેથી અમદાવાદ એરપોર્ટ પરની આ પ્રતિમા મુસાફરો માટે યાદગાર બની રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી દિનશા પટેલ અને સાંસદ હરિનભાઈ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા.