Friday, October 28, 2011

પ્રજાની સહનશક્તિની પરીક્ષા ક્યાં સુધી?

રાતોરાત મળેલી સફળતા પાછળ વર્ષોના ઊજાગરા કામ કરતા હોય છે.


વિક્રમ સંવત ૨૦૬૮ના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે તેવે વખતે જો મૂલ્યાંકન કરવામાં આવે તો હવે ખોટું બહુ લાંબુ ચાલવાનું નથી. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સફળ થયું કે કેમ અને જનલોકપાલ ખરડો ક્યારે આવશે તે બાબતે ચર્ચા પછી, પરંતુ એકંદરે પ્રજા જાગૃત થઈ ગઈ છે.

દરેક બાબતને એક ચોક્કસ દષ્ટિકોણ હોય છે, ચોક્કસ દિશા અને સૂઝ હોય છે. પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. તેમના પર કાયદા અને નિયમોને જોરે દમન કરવામાં આવ્યું, પરંતુ હવે પ્રજા બરાબર જાણી ગઈ છે. માત્ર વિફરી નથી તેટલો જ પાડ શાસક પક્ષે માનવાનો છે. જ્યારે વિફરશે તે વખતે સમગ્ર ચિત્ર અલગ જોવા મળશે.

કાયદાઓ અને ન્યાયતંત્ર છતાં ભ્રષ્ટાચારનો જે વ્યાપ છે તે અસહ્ય છે. આ બાબત ન્યાયતંત્રને માટે પણ એક પડકાર છે. કોમવાદ કરતાં વધુ ભયાનક ભ્રષ્ટાચાર છે તે વાતનો પ્રજાએ સ્વીકાર કર્યો છે. બીજી વાતોમાં પડવાને બદલે ન્યાયતંત્રએ ભ્રષ્ટાચારની પદ્ધતિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

સ્વ. નાની પાલખીવાલાએ એક વાર જણાવ્યું હતું કે સરકારી તંત્ર છે પરંતુ વહીવટ ઘણો ઓછો છે, કાયદા ઘણા છે પરંતુ ન્યાય ઓછો છે, સરકારી કર્મચારીઓ છે પરંતુ પ્રજાને તેમના તરફથી સેવાનો સંતોષ નથી. જ્યારે ઘણાં નિયંત્રણો છે પરંતુ પ્રજાનું કલ્યાણ મર્યાદિત છે. આજે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.

અઢળક કરવેરા ભરવા છતાં પ્રજા બેહાલ કેમ રહે છે? સરકારની કલ્યાણ યોજનાઓ દ્વારા પ્રજાનું કોઇ કલ્યાણ થતું નથી, કારણ કે આવી યોજનાની નાણાકીય રકમ તો ભ્રષ્ટાચારમાં જ ખતમ થઈ જાય છે. તમામ સમસ્યાના મૂળમાં ભ્રષ્ટ રીતરસમ પડેલી છે. હવે પ્રજા આ તમામ બાબતથી માહિતગાર થઈ રહી છે.

શિક્ષણ જેવી પાયાની બાબત પણ આજે તેનું મૂલ્ય ગુમાવી રહી છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે તે હવે જૂની વાત છે. તેને સ્થાને હવે તો ચર્ચા એવી છે કે શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે. તબીબી અને ઇજનેરી શિક્ષણની ગુણવત્તા નીચે ઊતરી રહી છે. આ બાબતના ભયસ્થાન ઘણાં છે જે વિચારવા જેવા છે. કળિયુગમાં પ્રજાની સંઘશક્તિ હશે તો જ પરિણામ મળવાના છે. ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માગણી થઇ તો શરૂઆતમાં ધ્યાન અપાયું નહોતું પરંતુ બાદમાં પ્રધાનોએ નમતું મૂકવું પડ્યું હતું. આ એક જ બાબત પુરવાર કરે છે કે જો લોકો સંગઠિત હશે તો જ કંઇક હકારાત્મક બાબત આકાર લઈ શકશે.

સમગ્ર વિશ્વમાં મંદીનો નવો તબક્કો તોળાઈ રહ્યો છે તેવે વખતે આપણે તેમાંથી બાકાત રહીએ તે માટે ‘હોમવર્ક’ કરવાની જરૂર છે. વ્યવહારુ કરકસર અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જીવન જીવવાની કળાનો સ્વીકાર થવો જોઇએ. આ બાબત આપણા માટે જરા પણ અશક્ય નથી. આપણે તેનો પૂરો અનુભવ ધરાવીએ છીએ.

બદલાતી જતી રાજકીય વ્યવસ્થા અને વૈશ્વિક સ્તરે પ્રજાની માનસિકતામાં આવેલું પરિવર્તન નવા નવા પડકાર લાવ્યું છે, પરંતુ રાજકીય સંચાલકો, વ્યવસ્થાપક અને નીતિ ઘડનારા આવું કંઇ જોઇ શકતા નથી અથવા તો સમજી શકતા નથી. પ્રજાની લાગણીને નહીં સમજનારા અંતમાં ફેંકાઈ જતા હોય છે. રાષ્ટ્રની પાસે જે કુદરતી સાધનો છે તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી. આથી આર્થિક પ્રશ્ન ઉકેલાતા નથી. કેટલાક પ્રશ્ન તો ૪૦ વર્ષ અગાઉ હતા તેવા જ આજે છે. ‘અન્ન સુરક્ષા’ જેવી બાબત હવે ચિત્રમાં આવી છે. કૃષિ ક્ષેત્ર સામે જબરો પડકાર ઊભો થયો છે. જો અનાજનું ઉત્પાદન વધે તેવા સંકલિત પ્રયાસ નહીં થાય તો આગળ જતાં શું થશે તે પ્રશ્ન છે. યુરોપે ખેતીવાડીની ઉપેક્ષા કરી અને અનાજની આયાત પરનુ અવલંબન વધાર્યું પછી શું થયું તે નજર સમક્ષ છે. આજે મંદીના ઓછાયા હેઠળ સમગ્ર યુરોપ છે. નાણાકીય કટોકટીનો તેઓ સામનો કરી રહ્યા છે. આવી બાબત આવતી કાલે આપણી સાથે ન થાય તે માટે સતત જાગૃત રહેવાની જરૂર ગણી શકાય.

સમગ્ર વિશ્વ આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા સગવડતા, સુવિધામાં વધારો થવા સાથે એક નિશ્ચિત વાતાવરણનો સામનો કરી રહ્યું છે. આવતી કાલે શું થશે તેની કોઇ જ ખાતરી આપી શકાય તેવું નથી. આ એક બાબતને કેન્દ્રમાં રાખીને હવે પછીના વ્યૂહ અને નીતિનું આયોજન થવું જોઇએ.

સમસ્યા અને પ્રશ્ન ઘણાં છે. નેતૃત્વની અછત છે, સાથે પ્રજામાં દષ્ટિ મર્યાદિત છે, અસંગઠિત હોવાથી પ્રજા લાચાર છે. આવે વખતે વ્યક્તિગત જાગૃતિ અને પ્રત્યાઘાત પણ મહત્ત્વના પુરવાર થાય છે. એક વ્યક્તિ શું કરી શકે તેનું ઉદાહરણ અણ્ણા હઝારેએ પૂરું પાડ્યું છે તેમના પરથી પ્રેરણા લેવા જેવી છે. 



No comments:

Post a Comment