Tuesday, October 11, 2011

ભૂખ લાગે તો શું ખાવું તેની ચિંતા ગરીબોને છે, તો શું કરીએ તો ભૂખ લાગે એ ચિંતા શ્રીમંતોની છે. - શ્રી રત્નસુંદરસૂરિ
છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર રાષ્ટ્રનું રાજકારણ સંઘર્ષ અને નકારાત્મક માર્ગે જઈ રહ્યું છે. એક પણ બાબતે સંતોષ લઈ શકાય તેવું દેખાતું નથી. પ્રજાના સુખાકારીના કે કલ્યાણના કોઈ કાર્ય થતાં દેખાતાં નથી. આર્થિક નિર્ણયોમાં સાવ ટાઢક જોવા મળે છે. રાષ્ટ્ર તરીકે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ?

મોટા ભાગનો સમય કૌભાંડ, ગેરરીતિ અને અદાલતી કાર્યવાહીમાં જાય છે. જાણે તે સિવાય કોઈ કામધંધો જ રહ્યો નથી!! આવી નકારાત્મક ઊર્જા કોઈને પણ ફાયદો કરાવવાની નથી. કેન્દ્ર સરકાર ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં ગળાડૂબ છે તેવે વખતે ટેલિકોમ ક્ષેત્રમાં નવું મૂડીરોકાણ આવે તેવી શક્યતા નહિવત છે. આજે સૌથી વધુ જરૂરત એક પછી એક આર્થિક નિર્ણયોની છે. વહીવટીતંત્ર છેલ્લા કેટલાક સમયથી ઠપ્પ છે. કોઈ જવાબદારી લેવા માગતું નથી. દરેકને એમ લાગે છે કે બિનજરૂરી રીતે બદનામ થઈ જતાં વાર લાગતી નથી. દેખીતી રીતે જ વહીવટનો સ્ટાફ આવું વિચારતો હોય છે.

છેલ્લાં બે વર્ષથી કેન્દ્ર સરકારમાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાયા નથી. પોલીસતંત્ર અને ન્યાયતંત્ર બન્ને તનાવ હેઠળ છે. તેમને ત્યાં રાજકારણનો ગંદવાડ ઠલવાઈ રહ્યો છે, પરંતુ તેનો ઉપાય શું? બૌદ્ધિક વર્ગે આ બાબતે વિચારણા કરવાની જરૂર છે. કારણ કે હાલની પરિસ્થિતિ વ્યાપાર- ઉદ્યોગ- વાણિજયને માટે નુકસાનકારક છે.

દીપોત્સવીના તહેવાર નજીક આવી રહ્યા છે. એકંદરે સમગ્ર રાષ્ટ્રમાં કૃષિ ઉત્પાદન સંતોષકારક છે તેવે વખતે બજારમાં માગ વધવી જોઈએ. વપરાશી ચીજવસ્તુઓ, કપડાં, વાસણ અને એવી જ અન્ય વસ્તુની માગ વધવી જોઈએ જે પ્રક્રિયા દેખાય છે. અવશ્ય પરંતુ તેમાં ઝડપ વધવી જોઈએ.

નેતૃત્વ જ્યારે કમજોર થાય છે તેવે વખતે સમસ્યાનું પ્રમાણ વધે છે. દરેક બાબતે પ્રજા જોખીજોખીને આગળ વધી રહી છે. કારણ કે તેમને ખ્યાલ છે કે જોખમનું તત્ત્વ વધારે હોય છે. તેવે વખતે રાજકીય નેતૃત્વ કદી તેમને પીઠબળ પૂરું પાડતું નથી.

સૌથી મોટી બાબત એ છે કે રાષ્ટ્રને માટે આપત્તિરૂપ પાકિસ્તાન હાલમાં અસ્થિર છે. સમગ્ર ક્ષેત્રને અસમતુલ બનાવનાર પાકિસ્તાનને ઠેકાણે કરવાની શ્રેષ્ઠ તક ભારત પાસે છે. છતાં કોઈ તે દિશામાં વિચારતું નથી. ૧૯૭૨માં સીમલા કરાર વખતે પાકિસ્તાનને ૯૩ હજાર સૈનિકો પરત આપતાં અગાઉ જો કાશ્મીર અંગે આખરી નિકાલ થયો હોત તો ચિત્ર જુદું હોત.

સમયને ઓળખવામાં થાપ ખવાતી હોય છે તે વખતે સમસ્યા જટિલ બનતી હોય છે. ત્રાસવાદ, સરહદ પરથી ઘૂસણખોરી, બોમ્બધડાકા આ તમામ બાબતોનો નિકાલ જો માત્ર પાકિસ્તાન સાથે હિસાબ કરવામાં આવે તે વખતે જ શક્ય બનશે. આજે તે માટેની તક છે તેવે વખતે આંતરિક વિવાદમાં સમગ્ર રાષ્ટ્ર વ્યસ્ત છે.

એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં શાંતિથી સ્થિરતા સાથે વહીવટ ચાલી રહ્યો હોય. પ્રજાની અપેક્ષાને સમજવા અને સુલઝાવવામાં રાજકીય પક્ષો સાવ નિષ્ફળ રહ્યા છે. વળી એક રાષ્ટ્ર તરીકે આપણે કદી એકતા સ્થાપિત કરી શક્યા નથી. જે કંઈ હતું તે માત્ર આભાસી હતું.

રાષ્ટ્રનો છેલ્લાં ૫ હજાર વર્ષનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે બરાબર ત્રિભેટે હોઈએ તે વખતે જ ભૂલ કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં આર્થિક મહાસત્તા બનવા માટેના સૌથી વધુ ગુણ આજે ભારત પાસે છે તેવે વખતે અદાલતોમાં દરેક બાબત લઈ જઈને જે રીતે રાગ આલાપવામાં આવી રહ્યો છે તે ‘બેનમૂન’ છે!!

આજે યુવાનવર્ગ રોજગારી માગી રહ્યો છે, જ્યારે એક પછી એક સમસ્યા આવી રહી છે તેમાં આ બાબતને તો ક્યાંય પાછળ ધકેલી દેવામાં આવી છે. નોંધવા યોગ્ય આ બાબત છે. પ્રજાની અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું આવું ભયજનક અંતર સમાજમાં વિદ્રોહ અને વિપ્લવનું વાતાવરણ નિર્માણ કરશે.

આજે પણ વ્યાપાર ઉદ્યોગના એવા ઘણા ક્ષેત્ર છે કે જેમાં ખોટી સરકારી નીતિને કારણે નકારાત્મક વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. નકારાત્મક એટલે મૂડીરોકાણ પૂરતી જ વાત નથી, પરંતુ જે રીતે વૃદ્ધિદર હોવો જોઈએ તેનો અભાવ દેખાય તેવું વાતાવરણ.

રાજકીય પક્ષોએ પ્રજાના મનને સમજવાની જરૂર છે. દરેક બાબતે સંઘર્ષ અને મુકાબલાનું વાતાવરણ કોઈને પણ માટે યોગ્ય નથી. ૧૨૦ કરોડની પ્રજાને સમજવામાં નિષ્ફળ જનાર રાજકીય પક્ષો સામે પણ પ્રજા તેવો જ પ્રત્યાઘાત વ્યક્ત કરી શકે છે. 

No comments:

Post a Comment