Sunday, October 30, 2011

બહારના પરિબળોની જાસૂસી રાષ્ટ્રને ખોખલું બનાવી રહી છે

ક્ષતિ અને ખામી બતાવ્યા કરવાની વૃત્તિ એ નકારાત્મક દષ્ટિકોણ છે.


જાસૂસી તંત્રની કાર્યક્ષમતા અને વ્યાપ અંગે વારંવાર સમાચાર પ્રસિદ્ધ થાય છે, પરંતુ તે અંગેની વિગતવાર માહિતી કે સત્તાવાર આંકડા મળી શકતા નથી. રાષ્ટ્રનું જાસૂસીતંત્ર નબળું છે તેવી ઘણી બાબતો પરસ્પર વિરોધાભાસ સાથે બહાર આવે છે તેવે વખતે કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકને ચિંતા થાય છે.એક ચોંકાવનારા સમાચાર છે કે જેને દેખીતી રીતે યોગ્ય રીતે મૂલવવા રહ્યા. અમેરિકાની જાસૂસી સંસ્થા આપણા અણુ સંસ્થાન - મહત્ત્વના સુરક્ષા વિભાગના કાર્યાલય અને ‘ઈસરો’માં વ્યાપક જાસૂસી જાળ ધરાવે છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે. ભારતની તમામ માહિતી તેમને મળી રહી છે તે બાબત રાષ્ટ્રના વ્યાપક હિત માટે જોખમ છે.રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગના એક મહત્ત્વના અધિકારી રવીન્દ્રસિંઘ વર્ષ ૨૦૦૪માં અમેરિકા નાસી ગયા હતા. તે વખતે ઘણી ધમાલ થઈ હતી, પરંતુ ત્યાર બાદ કઈ કાર્યવાહી થઈ તે વિશે સંપૂર્ણ શૂન્યાવકાશ પ્રવર્તી રહ્યો છે. આવું તો ઘણું છે, પરંતુ તે સઘળું સામાન્ય વ્યક્તિના પરિપ્રેક્ષ્યની બહાર છે.
૧૯૯૮માં જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા તે વખતે ભારતે ભૂગર્ભ અણુપ્રયોગ કર્યો હતો. અમેરિકાના જાસૂસી ઉપગ્રહના કેમેરા તે વખતે મેઈન્ટેનન્સ માટે બંધ હતા. આ બાબતની જાણકારી ભારતને હતી. આથી ભૂગર્ભ અણુપ્રયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતે હજુ સુધી અમેરિકા ભૂલ્યું નથી.અમેરિકાએ તેના બદલામાં મહત્ત્વના વિભાગોમાં પોતાનો પથારો એટલો વધાર્યો છે કે તે જાસૂસી જાળના વ્યાપ વિશે કોઈને પણ પર્યાપ્ત માહિતી નથી. કારણ કે ઈન્ટેલિજન્સ અને તેના નેટવર્ક અંગે કોઈ જ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. આ બધી બાબત અંગે ખુદ સંસદમાં પણ શૂન્યાવકાશ પ્રવર્તે છે. જો કે કેટલાક અનુભવ બાદ ઈન્ટેલિજન્સ બ્યૂરોની ઓફિસમાં સેલ ફોન અને એડવાન્સ હાર્ડવેરના ઉપયોગનું નિયંત્રણ થઈ રહ્યું છે, પરંતુ આવી પદ્ધતિ ૧૦૦ ટકા સુરક્ષિત નથી. સાઈબર સિક્યોરિટીના નિષ્ણાતો કહે છે કે આ બાબત ટેકનોલોજી કરતાં વ્યક્તિની નિષ્ઠા સાથે વધુ છે.

ભારત - અમેરિકા વચ્ચે ન્યૂક્લીઅર સમજૂતી થઈ છે. અમેરિકા હજુ દબાણ કરી રહ્યું છે કે નાગરિક અને લશ્કરી હેતુ માટે થતાં અણુસામગ્રીના ઉપયોગનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવે અને તેની વિગત પૂરી પાડવામાં આવે, કારણ કે અમેરિકાને ભારતની કોઈ જ ખાતરીમાં વિશ્વાસ નથી.અમેરિકાએ ભારત પાસેથી માહિતી મેળવવા ઘણા અભ્યાસ જૂથની રચના કરી છે. તેમાં સુરક્ષા નીતિ અભ્યાસ જૂથ, ત્રાસવાદ નિષેધ જૂથ - હાઈ ટેકનોલોજી ગ્રુપ વગેરે પણ આ તમામની પાછળ આશય કંઈક ન સમજી શકાય તેવો છે. આવા જૂથ દ્વારા કોઈક તો માહિતી મળી જ રહે છે.ઈન્ટેલિજન્સ બ્યૂરો આંતરિક સુરક્ષાને લગતી બાબત સંભાળે છે - જ્યારે રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ દ્વારા વિદેશી બાબતોને લગતું વિશ્લેષણ કરવામાં આવે છે. પરંતુ એવું જણાય છે કે આ બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આપસનું કોઈ જ સંકલન નથી. એટલે કમનસીબી આપણા પક્ષે છે તેમ સ્વીકારવું રહ્યું.
લશ્કરી દળો અને અર્ધલશ્કરી દળોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વારંવાર ફરિયાદ આવે છે. અલબત્ત કેટલાક કિસ્સામાં તો કિન્નાખોરી પણ હોય છે. તેમ છતાં આવું બની રહ્યું છે તે હકીકત છે. ભ્રષ્ટાચાર અને બહારના પરિબળોની જાસૂસી એ બંને બાબત રાષ્ટ્રને ખોખલું બનાવી દેશે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ.
બંગલા દેશ અને પાકિસ્તાનના જાસૂસો ખૂબ જ વ્યાપ વધારી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત ભારતના દૂતાવાસમાં એક મહિલા અધિકારી થોડા સમય અગાઉ રંગેહાથ પકડાઈ ગઈ હતી. દરેક બાબતના પુરાવા હોતા નથી. આવી તો ઘણી બાબત છટકી જતી હશે તે વિશે કોણ વિચારતું હશે?જાસૂસો એ રાષ્ટ્રના આંખ-કાન છે અને તેના થકી જ દુશ્મનની ચાલનો અંદાજ મળી શકે છે. રાષ્ટ્રની આજુબાજુ ઘણા દ્રોહી તત્ત્વો કાર્યરત છે તેવે વખતે સજાગ રહેવાની ખાસ જરૂર છે. આ બાબત કોઈ એક વ્યક્તિને નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રને લાગુ પડતી વાત છે. રાષ્ટ્રના ભવિષ્યને સ્પર્શતી આ વાત છે.ભૂતકાળમાં આક્રમકો આવી જ રીતે આવતા હતા અને તેની જાણકારી કમજોર હોવાથી પ્રતિકાર નહિ થઈ શકયો અને શું પરિણામ આવ્યા તે નજર સમક્ષ છે. ભૂતકાળમાંથી શીખવવાની બાબત આવી છે. ઈતિહાસ અને ભૂગોળના જાણકાર હોય તેઓ જાસૂસી અને જાસૂસીતંત્રનું મહત્ત્વ સારી રીતે જાણે છે

Friday, October 28, 2011

પ્રજાની સહનશક્તિની પરીક્ષા ક્યાં સુધી?

રાતોરાત મળેલી સફળતા પાછળ વર્ષોના ઊજાગરા કામ કરતા હોય છે.


વિક્રમ સંવત ૨૦૬૮ના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે તેવે વખતે જો મૂલ્યાંકન કરવામાં આવે તો હવે ખોટું બહુ લાંબુ ચાલવાનું નથી. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સફળ થયું કે કેમ અને જનલોકપાલ ખરડો ક્યારે આવશે તે બાબતે ચર્ચા પછી, પરંતુ એકંદરે પ્રજા જાગૃત થઈ ગઈ છે.

દરેક બાબતને એક ચોક્કસ દષ્ટિકોણ હોય છે, ચોક્કસ દિશા અને સૂઝ હોય છે. પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. તેમના પર કાયદા અને નિયમોને જોરે દમન કરવામાં આવ્યું, પરંતુ હવે પ્રજા બરાબર જાણી ગઈ છે. માત્ર વિફરી નથી તેટલો જ પાડ શાસક પક્ષે માનવાનો છે. જ્યારે વિફરશે તે વખતે સમગ્ર ચિત્ર અલગ જોવા મળશે.

કાયદાઓ અને ન્યાયતંત્ર છતાં ભ્રષ્ટાચારનો જે વ્યાપ છે તે અસહ્ય છે. આ બાબત ન્યાયતંત્રને માટે પણ એક પડકાર છે. કોમવાદ કરતાં વધુ ભયાનક ભ્રષ્ટાચાર છે તે વાતનો પ્રજાએ સ્વીકાર કર્યો છે. બીજી વાતોમાં પડવાને બદલે ન્યાયતંત્રએ ભ્રષ્ટાચારની પદ્ધતિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

સ્વ. નાની પાલખીવાલાએ એક વાર જણાવ્યું હતું કે સરકારી તંત્ર છે પરંતુ વહીવટ ઘણો ઓછો છે, કાયદા ઘણા છે પરંતુ ન્યાય ઓછો છે, સરકારી કર્મચારીઓ છે પરંતુ પ્રજાને તેમના તરફથી સેવાનો સંતોષ નથી. જ્યારે ઘણાં નિયંત્રણો છે પરંતુ પ્રજાનું કલ્યાણ મર્યાદિત છે. આજે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.

અઢળક કરવેરા ભરવા છતાં પ્રજા બેહાલ કેમ રહે છે? સરકારની કલ્યાણ યોજનાઓ દ્વારા પ્રજાનું કોઇ કલ્યાણ થતું નથી, કારણ કે આવી યોજનાની નાણાકીય રકમ તો ભ્રષ્ટાચારમાં જ ખતમ થઈ જાય છે. તમામ સમસ્યાના મૂળમાં ભ્રષ્ટ રીતરસમ પડેલી છે. હવે પ્રજા આ તમામ બાબતથી માહિતગાર થઈ રહી છે.

શિક્ષણ જેવી પાયાની બાબત પણ આજે તેનું મૂલ્ય ગુમાવી રહી છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે તે હવે જૂની વાત છે. તેને સ્થાને હવે તો ચર્ચા એવી છે કે શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે. તબીબી અને ઇજનેરી શિક્ષણની ગુણવત્તા નીચે ઊતરી રહી છે. આ બાબતના ભયસ્થાન ઘણાં છે જે વિચારવા જેવા છે. કળિયુગમાં પ્રજાની સંઘશક્તિ હશે તો જ પરિણામ મળવાના છે. ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માગણી થઇ તો શરૂઆતમાં ધ્યાન અપાયું નહોતું પરંતુ બાદમાં પ્રધાનોએ નમતું મૂકવું પડ્યું હતું. આ એક જ બાબત પુરવાર કરે છે કે જો લોકો સંગઠિત હશે તો જ કંઇક હકારાત્મક બાબત આકાર લઈ શકશે.

સમગ્ર વિશ્વમાં મંદીનો નવો તબક્કો તોળાઈ રહ્યો છે તેવે વખતે આપણે તેમાંથી બાકાત રહીએ તે માટે ‘હોમવર્ક’ કરવાની જરૂર છે. વ્યવહારુ કરકસર અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જીવન જીવવાની કળાનો સ્વીકાર થવો જોઇએ. આ બાબત આપણા માટે જરા પણ અશક્ય નથી. આપણે તેનો પૂરો અનુભવ ધરાવીએ છીએ.

બદલાતી જતી રાજકીય વ્યવસ્થા અને વૈશ્વિક સ્તરે પ્રજાની માનસિકતામાં આવેલું પરિવર્તન નવા નવા પડકાર લાવ્યું છે, પરંતુ રાજકીય સંચાલકો, વ્યવસ્થાપક અને નીતિ ઘડનારા આવું કંઇ જોઇ શકતા નથી અથવા તો સમજી શકતા નથી. પ્રજાની લાગણીને નહીં સમજનારા અંતમાં ફેંકાઈ જતા હોય છે. રાષ્ટ્રની પાસે જે કુદરતી સાધનો છે તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી. આથી આર્થિક પ્રશ્ન ઉકેલાતા નથી. કેટલાક પ્રશ્ન તો ૪૦ વર્ષ અગાઉ હતા તેવા જ આજે છે. ‘અન્ન સુરક્ષા’ જેવી બાબત હવે ચિત્રમાં આવી છે. કૃષિ ક્ષેત્ર સામે જબરો પડકાર ઊભો થયો છે. જો અનાજનું ઉત્પાદન વધે તેવા સંકલિત પ્રયાસ નહીં થાય તો આગળ જતાં શું થશે તે પ્રશ્ન છે. યુરોપે ખેતીવાડીની ઉપેક્ષા કરી અને અનાજની આયાત પરનુ અવલંબન વધાર્યું પછી શું થયું તે નજર સમક્ષ છે. આજે મંદીના ઓછાયા હેઠળ સમગ્ર યુરોપ છે. નાણાકીય કટોકટીનો તેઓ સામનો કરી રહ્યા છે. આવી બાબત આવતી કાલે આપણી સાથે ન થાય તે માટે સતત જાગૃત રહેવાની જરૂર ગણી શકાય.

સમગ્ર વિશ્વ આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા સગવડતા, સુવિધામાં વધારો થવા સાથે એક નિશ્ચિત વાતાવરણનો સામનો કરી રહ્યું છે. આવતી કાલે શું થશે તેની કોઇ જ ખાતરી આપી શકાય તેવું નથી. આ એક બાબતને કેન્દ્રમાં રાખીને હવે પછીના વ્યૂહ અને નીતિનું આયોજન થવું જોઇએ.

સમસ્યા અને પ્રશ્ન ઘણાં છે. નેતૃત્વની અછત છે, સાથે પ્રજામાં દષ્ટિ મર્યાદિત છે, અસંગઠિત હોવાથી પ્રજા લાચાર છે. આવે વખતે વ્યક્તિગત જાગૃતિ અને પ્રત્યાઘાત પણ મહત્ત્વના પુરવાર થાય છે. એક વ્યક્તિ શું કરી શકે તેનું ઉદાહરણ અણ્ણા હઝારેએ પૂરું પાડ્યું છે તેમના પરથી પ્રેરણા લેવા જેવી છે. 



Saturday, October 22, 2011

કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે!

  • કોર્પોરેટ કલ્ચર અને સામાજિક દાયિત્વ

  • ‘બીઈંગ હ્યુમન’નું ટી શર્ટ પહેરેલાં કેટલા કોલેજિયનોને તમે જોયા છે? લગભગ દરેક ગલી ને દરેક નુક્કડ પર. પરંતુ તમને ખબર છે કે ‘બીઈંગ હ્યુમન’ સૂત્ર અને એનો સૂત્રધાર કોણ છે? લોકપ્રિય ફિલ્મ અભિનેતા સલમાન ખાન. ચેરિટી માટે જાણીતા સલમાન ખાને ‘બીઈંગ હ્યુમન’ના નેજા હેઠળ પુષ્કળ દાન કર્યું છે. તેણે ગરીબોને નિઃશુલ્ક સારવાર મળે એ માટે એક દવાખાનુ પણ શરૂ કર્યું છે જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડૉક્ટર્સ જરૂરતમંદ દર્દીઓને સારવાર આપે છે. તાજેતરમાં જુહી ચાવલાએ ગરીબ બચ્ચાં માટે શાળા ખોલવાની જાહેરાત કરી, નીતા અંબાણી તો ઘણા વખતથી કન્યાકેળવણી ક્ષેત્રે પ્રવૃત્ત છે અને હજુ હમણાં જ અલવિદા લેનાર જગજિત સિંહ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને અંગત ધોરણે પણ તેમણે ઘણું દાન કરેલું. વાત છે જે સમાજે તમને માન-અકરામ, સિદ્ધિ-પ્રસિદ્ધિ અને અઢળક નાણાં આપ્યાં છે એ સમાજને કંઈક પરત આપવાની. કંઈક પરત કરવાના સંકલ્પ માટે દિવાળીથી રૂડો અવસર કયો હોઈ શકે? 
  • માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કેન્સર પીડિત, ગરીબ, નબળાં અને અશક્ત બાળકોની તંદુરસ્તી માટે વિવિધ સંસ્થાઓમાં દાન આપે છે.
  • ક્રિકેટ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના શહેર રાંચીની હોસ્પિટલમાં ત્રણ એમ્બ્યુલન્સ દાન કરી હતી. જાણીતા ઉદ્યાગપતિ કુમારમંગલમ્ બિરલાનાં પત્ની નિરજા બિરલા એજ્યુકેશન પ્રોજેક્ટનાં વાઈસ ચેરમેન છે તથા મેક અ વિશ ફાઉન્ડેશન, મુક્તાંગન, આકાંક્ષા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. અન્ય કેટલાક ફિલ્મસ્ટાર્સ પણ ચેરિટી સાથે સંકળાયેલાં છે જેમાં પ્રિયંકા ચોપરા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં સહયોગ આપે છે, ઐશ્વર્યા રાય બચ્ચને ‘ઐશ્વર્યા રાય ફાઉન્ડેશન’ સ્થાપ્યું છે જેમાં ગત વર્ષે એ ‘સ્માઈલ ટ્રેન’ની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી અને કદરૂપા હોઠ ધરાવતાં બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરતી હતી. તેણે કહ્યું હતું કે મારા ચહેરા પર સ્મિત રેલાય એવાં અનેક કારણો ભગવાને મને આપ્યાં છે તો હું શા માટે એ સ્મિત બાળકોના ચહેરા પર ન રેલાવું?’’ રિતીક રોશને પણ થોડા વખત પહેલાં દસ લાખ રૂપિયાની સ્કૂલ બસ ભેટ આપી હતી. રવિના ટંડન અને કટરીના કૈફ અનાથ છોકરીઓ માટે તેમજ ભ્રૂણહત્યા અટકાવવા પ્રતિબદ્ધ છે. વાત મૂળ થોડા માનવીય બનવાની છે. સમાજે જો તમને ભરપૂર આપ્યું હોય તો તમારે કોઈક રીતે પાછું વાળવું જોઈએ એ તમારી નૈતિક જવાબદારી છે. 
  • કોઈ તમને હાથ પકડીને દાન કરાવવાનું નથી, પરંતુ, જેમની પાસે કરોડો-અબજો રૂપિયાની મિલકત છે એ ધનિકો સમાજોપયોગી કાર્યમાં થોડોક અંશ આપે, સાંસ્કૃતિક સમૃદ્ધિ વિકસાવવા થોડોક ભાગ આપે તો એમને કોઈ ઘસારો નહીં પહોંચે, પરંતુ સમાજને, વંચિતોને, જરૂરતમંદોને એનાથી બેશુમાર ફાયદો થાય છે. સામાન્ય રીતે મોટાભાગનાં કોર્પોરેટ હાઉસીઝ આ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. બેંકિંગ ક્ષેત્રના એક અગ્રણી, જેમને પ્રસિદ્ધિની જરાય પડી નથી, એ દર વર્ષે કન્યાશિક્ષણ પાછળ રૂ. પાંચથી દસ લાખ ખર્ચે છે. અન્ય એક મહાનુભવે પણ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દર નવા વર્ષે તેઓ અનાથ બાળકોના ભણતર પાછળ મોટી રકમનું દાન કરે છે. દિવાળી નિમિત્તે આપણે આપણા અંગત સ્વજનોને નાની-મોટી ભેટ આપીએ છીએ પરંતુ, સમાજમાં એવી કેટલીય પ્રવૃત્તિઓ છે જેમાં નાનું મોટું દાન-પ્રદાન બહુ મોટો ફરક લાવી શકે છે. સ્મોલ થિંગ, બિગ ડિફરન્સ! અરે, કંપનીઓનું બોનસ પણ કર્મચારીઓના હોઠ કેવું સ્મિત લાવી દે છે! તો ચાલો આ દિવાળીએ નક્કી કરીએ કે કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાય, કોઈક એકાદ કન્યાને ભણાવી-ગણાવીને આત્મનિર્ભર બનાવીએ અથવા તો ગરીબ-બીમાર-અશક્ત અને વૃદ્ધોને માટે કંઈક કરી છુટીએ.

માટી, તને મૃદુ ફૂલ બનીને મહેંકવાનું સૂઝયું ક્યાંથી? - ઉમાશંકર જોશી

માર્કેટમાં ક્યાંય માટીની સુગંધવાળું પરફયુમ મળતું હોય તેવું હજી ખ્યાલમાં નથી. અપરંપાર જીવનું સર્જન કરવામાં માટીનો જોટો જડવો મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ છે તેની મીઠી સુગંધની બરોબરી કરી શકે તેવા પદાર્થને શોધવો. માટી જેવું જ માણસોનું પણ ખરું. અમુક માણસોને મહેંકવાનો નૈસર્ગિક પરવાનો મળ્યો હોય છે. તેમને મહેલમાં રાખો કે ઝૂંપડામાં, ટોળામાં રાખો કે એકાંતમાં, તેમના વ્યક્તિત્વની સુગંધથી તેમની આસપાસનું વાતાવરણ મઘમઘી જ ઊઠે. આવા માણસ હોવું એ આનંદની વાત છે. ના હોઈએ તો આવા માણસ બની બતાવવું એ સાધનાની વાત છે. દરેક જણે બીજી બધી દ્વિધા સાથે એક દ્વિધાનો કાયમ વિચાર કરવો જોઈએ કે મારી હાજરીથી આસપાસના સૌ રાજી થાય છે કે નહીં. જેની પાસે આનો જવાબ માટીની મહેંક જેટલો મીઠો છે તે માણસે બીજી બધી ખામીઓની ચિંતા કરવી જ નહીં. મહેંકવાનો સદ્ગુણ મળ્યા પછી શ્રીમંતાઈ કે ગરીબી બધું ગૌણ બની જાય છે. હવા જેમ સુગંધ લઈ ફર્યા કરે છે તેમ મહેંકતા માણસની વાહ વાહ કરતા લોકો તેમનું માન વધાર્યા કરે છે. એવા બન્યા પછી જીવનમાં ક્યારેય કોહવાઈ ગયા જેવું નહીં લાગે. 

સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં હાલકડોલક વાતાવરણ છે

આવક અને ખર્ચા પર નિયંત્રણ સાથે સમતોલન હશે તે પરિસ્થિતિ આદર્શ છે.



રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વધતા જતા ભાવ અને ફુગાવા સામે ચેતવણી ઉચ્ચારી છે પરંતુ આવી બાબતોનો હવે કોઈ જ અર્થ નથી. ભાવ વધે એટલે પગાર વધારો અપાય છે. પગાર અને મોંઘવારી વધે એટલે ફરીથી ભાવમાં વધારો થાય છે!! આવો ક્રમ છેક ૧૯૫૦થી ચાલુ છે અને દરેક તેના વિશે જાણે છે.

ખાધાખોરાકીની ચીજવસ્તુમાં જે ભાવવધારો થઈ રહ્યો છે તેના કારણ જાહેર થતાં નથી. સારો વરસાદ છતાં શાકભાજીના ભાવ વધે છે તે અચરજની વાત ગણાય. જેમ જેમ કરવેરાનું પ્રમાણ વધે છે તેટલી જ અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર વધી રહ્યા છે. તમામ ગેરરીતિના મૂળ માત્ર કરવેરા વ્યવસ્થામાં પડેલા છે.સર્વિસ ટેક્સ શરૂ થયો છે. પરંતુ શા માટે? ઉદારીકરણ વખતે સ્પષ્ટ કહેવાયું હતું કે ઓછામાં ઓછા ખર્ચા અને ઓછી સરકારી દખલગીરી હશે. પરંતુ આ બાબતે ૨૦ વર્ષ પછી શું પરિસ્થિતિ છે. સૌથી વધુ સરકારી દખલગીરી આજે વ્યાપાર - વાણિજય ક્ષેત્રમાં છે.હજુ તો આરોગ્ય સેવા નિઃશુલ્ક પૂરી પાડવા નવા નવા પ્લાન બની રહ્યા છે. નોકરીમાં હોય તેમના પગારમાંથી કપાત કરીને આરોગ્યની સેવા પૂરી પાડવા તૈયારી થઈ રહી છે. અંદાજે ૩ કરોડ નોકરિયાતના પગારમાંથી ટકાવારી અનુસાર આરોગ્ય કર કપાત કરવાની દરખાસ્ત છે.

ભ્રષ્ટાચારના નવા નવા વિકલ્પ ખૂલી રહ્યા છે. તેમાં આ રીતે કરવેરા વધારા દ્વારા ભ્રષ્ટાચાર વધવાનો છે. આવકવેરા અને વેટ જેવા ટેકસથી કેવાં કેવાં કૌભાંડ થાય છે તે હવે કોઈને જાણ કરવાનો મુદ્દો રહ્યો નથી. તેવી જ રીતે એકસાઈઝ અને કસ્ટમ તો ભ્રષ્ટાચારના અડ્ડા છે. આવી રીતે કોને ટેક્સ ભરવાનું મન થાય તેવું છે?

સરકારની ખોટી નીતિને કારણે જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેની નકારાત્મક અસર અર્થતંત્ર પર થઈ રહી છે. છતાં કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. વેપાર ઉદ્યોગે એ વાત સ્વીકારી લીધી છે કે ભ્રષ્ટાચાર એ કોઈ નવી બાબત નથી તેની સામે પ્રતિકાર કે આંદોલન એ કોઈ ઉપાય નથી. ભ્રષ્ટાચારને વેપાર - ઉદ્યોગનો ભાગ ગણીને જ ચાલવાનું છે.

આવી માનસિકતા છે એટલે જ પ્રજાને લૂંટવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભાવ - વધારા સામે કોઈ પગલાં લેવાતાં નથી માત્ર આશ્વાસન આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રીએ ફરીથી વાયદો કર્યો છે કે ભાવો ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી જશે!! પરંતુ આવી ખાતરી અનેકવાર આપવા છતાં કંઈ જ પરિણામ મળ્યા નથી.

હજુ વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં હાલકડોલક થઈ રહી છે. મંદીનો દોર આગળ વધે તેવું છે. જર્મનીમાં મુશ્કેલી શરૂ થઈ છે. ગ્રીસને આપવાના થતાં ભંડોળમાં જર્મનીનો નોંધપાત્ર હિસ્સો હતો. આવો ફાળો અપાશે કે કેમ તે અંગે અનિશ્ચીત વાતાવરણ ઊભું થયું છે.

વિશ્વમાં જો આમ જ ચાલ્યું તો લોકશાહી વ્યવસ્થા સામે જબરો પડકાર ઊભો થશે. તેને પહોંચી વળવું મુશ્કેલ બની રહે તેમ છે. પ્રજાને સ્થાપિત યંત્રણામાંથી વિશ્વાસ ઊઠી જાય તેવું છે. કારણ કે તમામ બાબતોમાં અનિશ્ચીત વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રે સાતત્યતા અને એકસૂત્રતા દેખાતી નથી.

ભાવ સપાટી જાળવવા જેવું એક સર્વમાન્ય કાર્ય જો સરકારી વિભાગ ન કરી શકે તો તેમની પાસેથી બીજી કઈ અપેક્ષા રાખી શકાય? કેટલાક લોકોને મન માત્ર શેરબજાર અને તેનો સૂચક આંક એ જ વિકાસની પારાશીશી છે. આવું યોગ્ય નથી. આનો અર્થ મતલબ પરસ્તી જ કહી શકાય.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં વિશ્વમાં તમામ ક્ષેત્રે પરિવર્તન જોવામાં આવ્યું, પરંતુ હવે તેના માત્ર નકારાત્મક પાસાં જોવા મળી રહ્યાં છે. આવી બાબતોના બન્ને પ્રકારના પ્રત્યાઘાત પ્રજા આપી રહી છે. તેમ છતાં એટલું કહી શકાય કે ગરીબીનું પ્રમાણ વધ્યું છે પછી ભલે ગમે તેટલી ઊંચા પ્રકારની આર્થિક નીતિ પ્રવર્તમાન હોય.

હાલમાં જે આર્થિક બખડજંતર ચાલી રહ્યું છે તે માત્ર આર્થિક રીતે નબળા રાષ્ટ્રમાં જ છે તેવું નથી. સમૃદ્ધ અને આર્થિક મજબૂતાઇ ધરાવતાં રાષ્ટ્રમાં તે વધુ છે. આર્થિક ગુનાખોરીને વ્યાપ પણ વધી રહ્યો છે. જેમાં ભાવ - વધારો નિયંત્રણમાં લેવા નિષ્ફળતાનો પણ સમાવેશ થાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજ દર વધારશે એટલે બેન્કમાંથી ધિરાણ લેનારાને વધુ વ્યાજ ચૂકવવું પડશે તેનાથી કિંમત અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે. આવો ક્રમ સતત ચાલ્યા કરે છે. તેનો અંત કોઈપણ નાણાં મંત્રી લાવી શકે તેવું હાલમાં તો દેખાતું નથી. 

Thursday, October 20, 2011

અમે અજાણ્યા ક્યાં લગ રહીશું કહો તમારા ઘરમાં


સામી દિવાળીએ સારા સમાચાર કયા હોઇ શકે તે આમ તો વ્યકિતગત સંદર્ભે જ પામી શકાય. અત્યારે રાજકીય પક્ષોની વાત કરી દિવાળી બગાડવી નથી. વળી પ્રજાના ઉત્સવો નહીં, રાજકીય હાર-જીતમાં તેમના ઉત્સવો હોય છે. પણદેસનાં હિન્દુ સમાજને ગમે તેવા એક સમાચાર એવા છે કે યુનાઇટેડ આરબ અમિરાતમાં બહુધાર્મિક અંતિમવિધિ સ્થાન શરૂ થયું છે. આ સમાચાર ખરેખરા અર્થમાં તો માત્ર હિન્દુ સમાજ અંગેના જ નથી બલ્કે હે વિશ્વભરના સમાજો માત્ર પોતાના દેશમાં જ રહીને જીવનયાપન કરી શકે તેમ નથી. લોકો વિશ્વનાગરિક બન્યા કે નહીં તે જરા જુદો પ્રશ્ન છે, પણ કામધંધા માટે હવે તે વિશ્વના અનેક દેશોના ફરતો, રઝળતો સ્થાયી થયો છે. વૈશ્વિકીકરણના આરંભ પહેલાંથી આ પ્રક્રિયા ચાલુ હતી અને વિત્યા વીસ વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે. ખાડીના દેશોમા તો ૧૯૭૫-૮૦થી ભારત, પાકિસ્તાન, બાંગલાદેશના લોકોએ નોકરી ધંધાર્થે જવું શરૂ કરેલું અને વીત્યા ચાર-પાંચ દાયકામાં એ દેશોની શિકલ -સૂરત બદલવામાં બિનમુસ્લિમ લોકોનો મોટો ફાળો છે. ત્યાં બહાઇ મંદિર છે તે પણ આ કારણે. દેશનાં જુદાં જુદાં ક્ષેત્રના કલાકારો ત્યાં નિયમિત કાર્યક્રમો કરતા થયા તેમાં પણ બહુસંસ્કૃતિવાદનો સ્વીકાર થતો જોઇ શકાય. વળી જે દેશ અન્ય દેશોના લોકોનાં કૌશલ્ય, કાર્યક્ષમતાના, આધારે જ પોતાના આર્થિક માળખાના વિકાસને સાધી શકતો હોય તેણે ધીમે ધીમે જે તે દેશથી આવી વસેલા લોકોના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો પડે છે. બ્રિટન અને અમેરિકામાં એવું ઘણું વહેલું થયું અને તે તેમની સતત બદલાતી વિઝા-નીતિ અને નિયમોમાં પણ પ્રમાણી શકો. બ્રિટનમાં વસતા હિન્દુઓ માટે અગ્નિસંસ્કાર એક મોટી સમસ્યા હતી, પરંતુ તે દેશે પોતાના નિયમોમાં રહી તે વ્યવસ્થા ઊભી કરી. હિન્દુઓ માટે પોતાના વિદાય પામેલા સ્વજનના અસ્થિફૂલ નદીમાં વહાવવા એ એક મહત્ત્વનું ક્રિયા-કર્મ છે. બ્રિટનની નદીમાં અસ્થિ વિસર્જન કરી શકાતા નહોતા, પરંતુ હવે તે પણ લાંબા સમયની લડતે થઇ શકે છે. થેમ્સ નદીમાં ગંગાની ધારા તો વહાવી ન શકાય તો ય હિન્દુઓ માટે આ પૂરતું છે.

પરંતુ મુસ્લિમ દેશોમાં હિન્દુઓ પોતાની ધાર્મિક પ્રણાલીઓ, સામાજિક પ્રણાલીઓ જાળવી શકે તે ઘણું મુશ્કેલ રહ્યું છે. ઇસ્લામ ધર્મમાં અન્ય ધર્મીઓ માટે અમુક સ્તરનો જ સ્વીકાર છે. અન્ય ધર્મનાં લોકો ઇસ્લામધર્મી દેશોમાં વસવા, વ્યવસાય -નોકરી કરવા સહજ ઉત્સુક નથી હોતા. વળી એ દેશોની ઇકોનોમી પણ ભારત યા અન્ય દેશોના વ્યવસાય, નોકરી ઉત્સુકો માટે લલચાવે એવી નથી હોતી. એવું બન્યું ખાડીના દેશોમાં અને તેથી મુખ્યત્વે તેની આસપાસનાં દેશોના નાગરિકો ત્યાં જતા થયા એ બધા માટે હજુ આજ સુધી પણ એવું માળખું તો અલબત્ત નથી જ રચાયું કે સામાજિક, સાંસ્કૃતિક મોકળાશ અનુભવે. જેણે પોતાનો ધર્મ પાળવો હોય તે તેમના ઘરના ખૂણે ચૂપચાપ પાળે. જાહેર ભૂમિકાએ ત્યાંના મુખ્ય ધર્મનાં સામાજિકોને ડિસ્ટર્બ થાય તેવું ન કરવું. એક અર્થમાં આ વિશે કોઇ દબાણ પણ ન કરી શકાય. કારણ કે જે તે દેસ પોતાના નિયમોનો આગ્રહ ન રાખે તો તેમની ઓળખ પણ ભૂંસાતી જાય, પરંતુ જો મોટા પ્રમાણમાં તેઓ વિદેશીઓને વસાવવા મજબૂર હોય તો કેટલીક બાબતે તેમણે ખુલ્લા થવું પડે. યુએઇમાં બિનમુસ્લિમ રહીશો માટે અંતિમવિધિ સ્થાન શરૂ થવું એ અર્થમાં મોટી ઘટના છે. આમ તો વિત્યા પાંચ વર્ષથી એ સ્થાન બનીને તૈયાર હતું પણ તેના માટે સંચાલક નહોતા મળતા. હવે અબુધાબીના એ શબઘરનું સંચાલન એક બ્રિટિશ નાગરિક કરવાના છે. ૪૦,૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલા આ સ્થાનમાં કબ્રસ્તાન અને અગ્નિસંસ્કાર કેન્દ્ર છે. ચર્ચ, પ્રતીક્ષાખંડ પણ છે. આજ સુધી અબુધાબીમાં અગ્નિસંસ્કારને સત્તાવાર પરવાનગી ન હતી. તેથી કચરાના ઢગ પાસે પરવાનગી લીધા પછી મૃત સ્વજનનાં શરીરને નષ્ટ કરવું પડતું હતું. પોતાના મૃત સ્વજનને આ રીતે અંતિમ વિદાય આપવી ખાસ્સું અપમાનજનક કહેવાય અને માનવસંસ્કારની ય વિરુદ્ધ ગણાય. જો કોઇ પણ દેશમાં એવું થતું હોય તો તે અયોગ્ય જ ગણાય. વિત્યા પાંચ વર્ષથી દુબઇમાં હિન્દુ મંદિરમાં અગ્નિસંસ્કારની વ્યવસ્થા હતી હવે અબુધાબીમાં અધિકૃત વ્યવસ્થા થઇ અને સ્વયં તેની સરકારે એ માટે તત્પરતા દાખવી તે સૂચવે છે કે ત્યાંના સમાજમાં સાંસ્કૃતિક, ધાર્મિક ઉદારતા આવી રહી છે. શતાબ્દિઓથી જોવાયું છે કે ધંધા, વ્યાપાર કરનારા સમૂહો જ મોટા પરિવર્તક બન્યાં છે. અહીં પણ કદાચ એવું જોઇ શકાય. ઇસ્લામી દેશમાં અનુભવાતી આ હકારાત્મક વર્તણૂકનો વિશ્વનો કોઇ પણ ઉદાર સમાજ આદરથી સ્વીકાર કરશે.

માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય.

માણસનો ભાવ કેટલો? અહીં કિંમતને બદલે ભાવ શબ્દ સારા અર્થમાં જ લખ્યો છે. શું છે કે કિંમત તો એક જ અર્થમાં વિચારાય, ભાવ તો સારા અને ખરાબ અર્થમાં બેઉમાં બોલાય. સાત્વિક અને ધાર્મિક અર્થમાં પણ માણસનો ભાવ ઠરાવાય, કહેવાય કે આના ભાવ કેવા છે. અને કાળ ચડે તો એવું પણ કહેવાય કે આનો કોઇ ભાવ પૂછતું જ નથી. જો કે માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય. જેનો ભાવ જેવો હોય, એવું એનું જીવન બને. બીજા કોઇને આપણે આપણા જીવનની દશા કે અવદશા માટે દોષિત ઠરાવીએ તો એ સદંતર ખોટું ગણાય. દિવસભરની પ્રવૃત્તિઓનો વિચાર કરજો ક્યારેક તો સમજાશે, સાચું તરત સમજાશે. આપણાથી જેવા વિચાર કરાય છે તેવા જ દિવસો તેના ફાળે આવે છે. જાતે સારા હશું તો આપોઆપ ખરાબ સ્થિતિમાં પણ ગમે ત્યાંથી સારું જીવન સામે આવીને આલિંગન આપે છે. ભાવ ખરાબ હશે તો આનાથી સાવ ઊંધું થશે જ થશે. તહેવારોના દિવસોમાં ચાલો એકવાર ફરી આત્માનો ભાવ ઉજવીએ. ઠરાવીએ કે આપણે કેવા છીએ, કેવા ભાવથી છીએ અને કેવા થવાની જરૂર છે. 

સિદ્ધાંત અને સદાચાર સાથેના નેતૃત્વની અછત જણાય છે

ઘરને શાંતિમય બનાવવું છે? તેનો એક જ મંત્ર છેઃ સ્વીકારભાવ.


જો ભારતવર્ષનો ઇતિહાસ તપાસવામાં આવે તો એમ લાગે છે કે આંતરિક ફાટફૂટ- થોડા લોભ કે લાલચ માટે સિદ્ધાંતોને દગો દેવો- પાટલી બદલવી- વિચારોમાં સ્વાર્થ સાથે પરિવર્તન લાવવું, આવું જ જોવા મળે છે. આથી તો દેશમાં ધર્માંતર થયું અને પછી રાષ્ટ્રાંતર થયું હતું.

આજે પણ તે જ સીલસીલો ચાલુ છે. ઇતિહાસના એવા જ પાત્રો જોવા મળે છે. ઇતિહાસનું તત્ત્વ એ જ રહ્યું છે, પરંતુ પાત્રો બદલાયાં છે. અણ્ણા હઝારે દ્વારા સારું કાર્ય કરવામાં આવ્યું હતું. પ્રચાર માધ્યમોએ પણ તેની સુખદ નોંધ લીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં પણ હવે ડખા જોવા મળી રહ્યા છે.

વિદેશી આક્રમણખોરો સફળ કેમ થયા? તુર્ક, મોંગોલ, અફઘાન, આરબ, ઇરાની આક્રમકો સફળ થયા તેની પાછળ રાષ્ટ્રમાં આંતરિક ખટપટ હતી. એકબીજાને પછાડવાના ખેલ થતા હતા તેનો લાભ વિદેશી આક્રમકોએ લીધો હતો. આજે પણ તેવો જ લાભ લેવાય છે તે જુદી રીતે છે જે સામાન્ય વ્યક્તિને સમજાય તેવું નથી.

રાષ્ટ્ર સમક્ષ સૌથી મોટો પડકાર નેતૃત્વના અભાવનો છે. સિદ્ધાંત અને સદાચાર સાથે નેતૃત્વ આપી શકે તેવા નેતાઓ જ દેખાતા નથી. જો કોઈ આગળ આવીને કોઈક પ્રયત્ન કરે તો પ્રજામાંથી જ કોઈ વિઘાતક પરિબળ આવીને તેને તોડી પાડવા- મોટા પાયે ભાંગફોડ કરે છે. આવો ક્રમ સતત ચાલુ છે.

આવે વખતે એમ થાય છે કે આના કરતાં સરમુખત્યારશાહી હજાર દરજ્જે સારી છે. ન્યાયતંત્રમાં માત્ર મુદતો જ પડે છે. એક સામાન્ય કેસ હોય તેના નિકાલમાં ત્રણથી પાંચ વર્ષ લાગે છે. આમાં ન્યાય મળે છે કે પછી અન્યાયને પ્રોત્સાહન મળે છે તે સમજવું મુશ્કેલ બની જાય છે.

વર્તમાન શાસકોમાં ઉદ્ધતાઈ અને તુંડમિજાજીપણું જોવા મળી રહ્યું છે તેમને નિયંત્રણમાં રાખનારું કોઈ જ પરિબળ નથી. હજારો કરોડ રૂપિયાના કૌભાંડ બદલ માત્ર જેલની સજા થાય છે અને પછી જામીન મળી જાય છે. તેમાં ન્યાય નથી, પરંતુ ન્યાયનું અપમાન છે. ખોટા અગ્રતાક્રમને કારણે જ આવું બને છે.

ચૂંટણી આવે છે તેવે વખતે શિક્ષિત વર્ગ મતદાન કરવા જતો નથી, પરંતુ ત્યાર બાદ થતાં વિશ્લેષણમાં સૌથી વધુ સક્રિય તેઓ જ હોય છે!! લોકશાહીમાં મતદાન ન થાય તો તેવી વ્યવસ્થાનો શું અર્થ? ૧૯૫૨ પછી થયેલી તમામ ચૂંટણીમાં માત્ર લઘુમતી સરકાર જ આવી છે. મતલબ કે ૫૦ થી ૬૦ ટકા મતદાન થયું છે તેમાં ૨૫ થી ૨૭ ટકા મત મેળવનાર પક્ષ શાસનમાં આવે છે.

ચૂંટણી માત્ર પૈસા હોય તે જ જીતી શકે છે અને જામીન જેમને વગ છે તેમને જ મળે છે. આવો ક્રમ ધરાવતી લોકશાહી વ્યવસ્થા આપણે ત્યાં છે. વાસ્તવમાં આ પદ્ધતિ ખરેખર લોકશાહી છે? ચૂંટણી એ લોકશાહીનો ભાગ છે કે પછી સ્થાપિત હિતો સત્તામાં જ રહે તેવી કોઈ ગોઠવણ છે?

પ્રજા મર્યાદિત સરમુખત્યારશાહીને ઇચ્છે છે. દીવાલ પરના અક્ષરો શાસકોએ વાંચી લેવાની જરૂર છે કે આવી રીતે બહુ લાંબુ ચાલવાનું નથી. યુરોપ - અમેરિકામાં શરૂ થયેલો જુવાળ સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં પહોંચી શકે છે. આવી બાબતોથી ચેતી જવાની જરૂર છે. ક્રાંતિની આગ કોઈને પૂછીને શરૂ થતી નથી. પ્રજામાં કેટલી નારાજગી છે તેનો અનુભવ થશે તે વખતે ઘણું મોડું થઈ ગયું હશે.

આજની સૌથી મોટી આવશ્યકતા સત્ય આધારિત ચારિત્ર્યની છે. જો સમગ્ર બાબત અસત્ય પર આધારિત હશે તો તે બહુ લાંબુ ટકવાની નથી, કારણ કે તે આંતરિક વિરોધાભાસવાળી હશે. વિશ્વનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સત્ય આધારિત બાબત જ ટકી છે તે સિવાયનું સઘળું કાળની ગર્તામાં વિલીન થયું છે.

રાષ્ટ્રમાં આંતરિક પડકાર, સુરક્ષા, આર્થિક વ્યવસ્થા, રોજગારી અને સુરક્ષિત ભવિષ્ય વગેરે જેવા મુદ્દાઓ પર તો કોઈ ધ્યાન અપાતું જ નથી. વળી જે કંઈ કાર્ય થઈ રહ્યું છે તે માત્ર ચોક્કસ વર્ગ અને કોમ પૂરતું જ થતું હોય તેમ લાગે છે. પ્રજાના વિશાળ વર્ગની ઉપેક્ષા થઈ રહી છે તેના સેંકડો પ્રમાણ છે.

મોકો આવ્યે પ્રહાર થશે તેવી જે નીતિ છે તે અયોગ્ય છે. ખોટું થતું હોય ત્યાં તુરત જ અટકાવવું જોઈએ. વિદેશી આક્રમકો પહેલા તો મંદિરની સંપત્તિ લૂંટવા આવતા હતા, પરંતુ તેનો મુકાબલો થતો નહોતો એટલે પછી લૂંટીને નાસી જવાને બદલે તેમણે અહીં જ રહેવાનું યોગ્ય લાગ્યું- પછીનો ઇતિહાસ નજર સમક્ષ છે.
ઇતિહાસમાંથી આપણે કંઈ જ શીખ્યા નથી તેમ ઇતિહાસ પુરવાર કરે છે. આ માટે હવે કોઈ જ પ્રમાણની જરૂર નથી. વેપાર કરવાને બદલે અંગ્રેજોએ રાજસત્તા કબજે કરી હતી. આ દષ્ટાંત પરથી શું શીખવાનું મળ્યું છે? જો વિશ્લેષણ કરવામાં આવે તો ઘણી જ અસંતોષકારક બાબત બહાર આવે છે. 

Wednesday, October 19, 2011

જમાનાથી જુદી વાટ કેમ ના પકડીય ?

હમણાં એક સમાચાર આવ્યા હતા કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અર્થાત પુરાતત્ત્વ વિભાગમાં અનેક સારી નોકરીઓ હોવા છતાં યોગ્ય ઉમેદવારો મળતા નથી. માનવ સંશાધનની આ ખેંચને કારણે દેશનાં કેટલાંય ભવ્ય સ્થાપત્યોની અપેક્ષા મુજબની જાળવણી થઈ શકતી નથી. આના પરથી એક વાત મનમાં આવવી જોઈએ કે શા માટે દરેક વિદ્યાર્થીએ એવો અભ્યાસ જ કરવાનો જે આજકાલ ટ્રેન્ડ છે એવી વ્યાખ્યામાં બેસતો હોય વરસો પહેલાં બધાને ડોક્ટર કે એન્જિનિયર થવું હતું, પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનો ટ્રેન્ડ આવ્યો. હવે જાતજાતના એમબીએના કોર્સ ડિમાન્ડમાં છે. સૌ કરે છે તેથી મારા પરિવારના વિદ્યાર્થી બાળકે પણ આવું જ કરવાનું એ યોગ્ય છે ખરું? એવું કરીને આપણે પોતે જ નવી પેઢીને એ વિશ્વમાં ધકેલતા નથી જ્યાં સફળ વ્યવસાયિક થવા માટે કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડે? તેની બદલે જમાનાથી જુદી વાટ કેમ ના પકડી શકાય એવો અભ્યાસ, એવા કામ, એવી દિશા અને એવા વિચાર શા માટે અપનાવી ના શકાય જે અસામાન્ય હોય? જુદા થવા માટે જુદી રીતે જ આગળ વધવું પડે છે એ કોણ જાણતું નથી? ટ્રેન્ડ તો જાણે સમજ્યા, જિંદગીના આનંદનું, ઓછી સ્પર્ધાનું અને ભરપૂર સંતોષનું પણ ક્યારેક વિચારવાનું કે નહીં? 

Tuesday, October 18, 2011

પ્રજાને હવે રાજકીય પક્ષોની કોઈ વાતમાં ભરોસો નથી,

લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પક્ષો ભાગ્યે જ એકસરખા વિચાર ધરાવે છે. તેમને દરેકને પોતાનો એજન્ડા અને વિચારધારા છે. તેઓ આ મુદ્દે જ એકબીજાની સાથે આખડી રહ્યા છે. એકબીજાને ચમકી આપવા તત્પર છે. લોકોને તો હવે રાજકીય પક્ષોની કોઈ જ વાતમાં તસુભાર વિશ્વાસ રહ્યો નથી. રાજકીય પક્ષોના અગ્રણીઓ અને નેતાઓની ખાતરીમાં પ્રજાને આદર સન્માન જેવું કશું જ રહ્યું નથી. વાસ્તવમાં તમામ રાજકારણીઓ તિરસ્કારને પાત્ર છે. સંસદનો કોઈ વિકલ્પ નથી, પરંતુ ત્યાં કંઈ જ થતું નથી. તે માત્ર વાતોનાં વડાં કરવાનું મથક છે. બીજી બાજુ રાજકીય પક્ષો પાસે કોઈ એજન્ડા નથી. તેમની એકમાત્ર મહેચ્છા સત્તા કબજે કરવાની છે. વિરોધાભાસી બાબત એ છે કે રાજકીય પક્ષો પ્રજાની નજીક આવવા પ્રયાસ કરે છે તો તેઓ તેનાથી વધુ દૂર ધકેલાતા જાય છે. નિરાશ થયેલા અડવાણી હવે રથયાત્રાએ નીકળ્યા છે. આ માટે તેમણે જયપ્રકાશ નારાયણના જન્મસ્થળને પસંદ કર્યું છે. અડવાણીની રથયાત્રા પાછળનો આશય વિદેશી બેન્કમાં પડેલા ભારતીય પ્રજાના નાણાં પરત લાવવાની વાત છે. ભ્રષ્ટાચાર નાબૂદીની તેમની માગણી છે, પરંતુ આ બાબત અણ્ણા હઝારેએ ક્યારનીય કરી છે, પરંતુ મને તો આ સમગ્ર બાબત કોમવાદી લાગે છે. અડવાણીની રથયાત્રા એ ભાજપના આંતરિક રાજકારણનો ભાગ છે. અડવાણી વડા પ્રધાન બને કે પછી નરેન્દ્ર મોદીને આગળ કરે રાષ્ટ્રને તેમની કોઈ જ પરવા નથી. લોકોને તેઓ જે રાજકારણ ખેલે છે તેનાથી નુકસાન થાય તેવું છે. સમાજમાં ભાગલા પડી રહ્યા છે. ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ તો યાત્રામાં એક છોગું ઉમેરવા જેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા ખાતે રામમંદિરનો મુદ્દો હજુ ભાજપના એજન્ડામાં છે. બીજી બાજુ કોર્પોરેટ જગત નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદે લાવવા માગે છે. તેમણે મોદીને સીઈઓ તરીકે નવાજ્યા હતા. જ્યાં સુધી કૉંગ્રેસને લાગુ પડે છે તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા સાવ તળિયે પહોંચી ગઈ છે. કૉંગ્રેસ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી આજે વર્ષોથી બેકસીટ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. તેમણે પક્ષ પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. કદાચ આરોગ્ય પણ એક કારણ હશે. તેમને સૌથી મોટી ચિંતા તેમના પુત્ર રાહુલ ગાંધીની છે. રાહુલ રાજકારણમાં કોઈ નવા પરિમાણ લાવવામાં નિષ્ફળ છે. તેઓ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્થાન લઈ શકે તેવું દેખાતું નથી. કૉંગ્રેસ તેના સિવાય કોઈને આગળ આવવા દે તેવું નથી. મધ્યમ વર્ગને હવે કૉંગ્રેસમાં કોઈ ભરોસો રહ્યો નથી. કૉંગ્રેસ પક્ષે લોકોના કલ્યાણ, ગરીબી નાબૂદી માટે યોજનાઓ આપી તેને કારણે તેની લોકપ્રિયતા વધી હતી. હજુ કૉંગ્રેસ વધુ લોકપ્રિય યોજના અમલી બનાવશે. કૉંગ્રેસ પક્ષે સીબીઆઈને સુપ્રીમ કોર્ટના નિયંત્રણ હેઠળ મૂકવાની જરૂર હતી. કૌભાંડમાં ઘણી મોટી રકમની સંડોવણી છે. અણ્ણા હઝારેની ટીમ માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ અકાર્યક્ષમતાની પણ વિરુદ્ધમાં છે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે, છતાં અણ્ણાની ટીમમાં કોઈએ તેમને સંસદની ઉપર જણાવ્યા છે. આવું બોલવું તે જરા પણ યોગ્ય નથી. અણ્ણાની ટીમમાં કોઈકને સત્તા કબજે કરવામાં રસ છે. સંસદમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોની જરૂર છે. ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણની ચળવળ તે હેતુથી જ હતી. સંસ્થાઓનું કદી અવમૂલ્યન નહીં થવું જોઈએ. કૉંગ્રેસ પક્ષે અણ્ણા હઝારેને આરએસએસના ટેકેદાર ગણાવ્યા તે યોગ્ય નથી. તે અગાઉ વર્ષો પહેલાં કૉંગ્રેસે જયપ્રકાશ નારાયણને સીઆઈએના માણસ ગણાવ્યા હતા. જ્યારે અણ્ણાએ સ્પષ્ટતા કરી છે તેવે વખતે બાબત બંધ થવી જોઈએ. મૂળભૂત પ્રશ્ન એ છે કે હવે કઈ રીતે વ્યવસ્થાતંત્રને અસરકારક બનાવવું કારણ કે ભ્રષ્ટાચારને કારણે કંઈ જ થઈ શકતું નથી. શું આ માટે સામૂહિક વિચારણા કરવી જોઈએ? તેના માટે તમામ રાજકીય પક્ષોને ભેગા કરવા કે પછી સર્વસંમત વાતાવરણ ઊભું કરવું? જ્યાં સુધી રાજકારણમાં નૈતિકતા નહીં આવે આવું કંઈક જ કરવું અશક્ય છે.

જિંદગીનું ‘બેલેન્સ’ ક્યારેય ગુમાવવું નહીં!

આપણે ઘણીવાર બોલીએ છીએ, શ્વાસોચ્છવાસ - શ્વાસ એટલે જે બહારથી અંદર આવે છે, ઉચ્છ્વાસ એટલે જે અંદરથી બહાર જાય છે. શ્વાસ એ પ્રાણશક્તિનું ‘બાહ્ય’ રૂપ છે. શ્વાસ એ સ્થૂળ છે. પ્રાણ એ સૂક્ષ્મ છે. માટે જો શ્વાસોચ્છ્વાસ પર કંટ્રોલ આવે તો આ પ્રાણશક્તિ પર પણ કંટ્રોલ આવે. અને પ્રાણનો કંટ્રોલ એટલે જ મનનો કંટ્રોલ. મન કામ કરે છે કારણ પ્રાણ છે. આ પ્રાણના સ્પંદનથી જ મનમાં વિચારો આવે છે. માટે જ જો શ્વાસને નિયંત્રણમાં લાવો (પ્રાણાયામ) તો પ્રાણશક્તિ પર નિયંત્રણ આવે. જેમ સોનાને શુદ્ધ કરવા એની અશુદ્ધિ દૂર કરવા એને તપાવવામાં આવે છે એવી જ રીતે શરીર અને મનની અશુદ્ધિ દૂર કરવા એને પ્રાણાયામ દ્વારા તપાવવામાં આવે છે. માટે જ પ્રાણાયામને ‘તપ’ કહ્યું છે. પણ આ બધું ખરેખર સાધના માગી લે છે, આ કોઈ એક્સરસાઈઝ નથી. આ પ્રાણની અસર હૃદય, બ્લડપ્રેશર, પાચનક્રિયા, ઉત્સર્ગક્રિયા, લાળ, પિત્ત, વાત્ત, કફ, ચાલવા, રમવા, વાત કરવા, વિચારવા, લાગણી પર, ટૂંકમાં દરેક પર પડે છે. આમ શરીર, મન, આત્મા સુધી પહોંચવા પણ શ્વાસનો સહારો લેવાય છે. તે દ્વારા પ્રાણ સુધી પહોંચાય. શાંત ચિત્તે, ધીમે ધીમે શ્વાસને અંદર લો. (શરૂમાં રોકવો નહીં) અને એવી જ રીતે ધીરે ધીરે આ જ શ્વાસને બહાર કાઢો - પૂરા નિયંત્રણ સાથે. મનને શ્વાસ સાથે જોડેલું રાખો. નિયમિત રીતે આટલેથી શરૂઆત કરો.

ઘણી વાર આપણી અંદર જ ‘ઝઘડો’ ચાલતો હોય. આપણી અંદરના કોઈ અવયવને આરામ કરવો હોય, તે જ સમયે, બીજાને કામે લાગવું હોય આથી અસંતુલન વધે. આપણે અનુભવ કર્યો છે. ક્યારેક તો શરીર આરામ માગે, પણ મન કહેશે ના, હજી ઘણું કામ બાકી છે. આ મનને રોકવું અઘરું છે. ક્યારેક મન કહેશે ‘મૂડ’ નથી અને શરીરને કામ જ નહીં કરવા દે, આવા બધાં કારણોસર પણ માંદગી આવી શકે. ક્યારેક તાવ આવી જાય, ક્યારેક ‘રેસ્ટલેસ’ ફીલ થાય, આવે વખતે યોગ્ય કારણ જાણી બેલેન્સ સાધવું. આ માટે શાંતિ લાવવી જરૂરી છે. જસ્ટ રીલેક્સ. ક્યારેક ક્રોધ, આવેશ, અભિમાન, ગિલ્ટ, કપટ, માયા, લાલચ, લોભ જેવા ભાવોથી/ ફિલિંગ્સથી પણ માંદગી આવે. કારણ આ બધા નકારાત્મક પરિબળો પ્રાણશક્તિનો હ્રાસ કરે, અસંતુલન વધે અને માંદગી આવે. માટે જીવનનાં કોઈ પણ સંજોગોમાં આ ‘બેલેન્સ’ ન ગુમાવવું. જાગૃકતા રાખવી, ધ્યાન દઈ કરેક્ટીવ એકશન લેવા. એક પંચાવન વર્ષના ભાઈ, અમેરિકા વર્ષો સુધી હતા, પછી ભારત આવ્યા. ખાસ્સી મોટી ઉંમરે લગ્ન કર્યા, બે જ વર્ષમાં પત્ની સાથે ફાવ્યું નહીં, પણ ચલાવ્યું. (કારણ છૂટાછેડા લે તો મોટી રકમ આપવી પડે તેમ હતી) પણ પછી અસંતુલન વધ્યું, ખોટા નિર્ણયો લેવાવા લાગ્યા. એમની કરોડો રૂપિયાની મૂડી, મોટાં વ્યાજની લાલચે કહેવાતાં ‘મિત્રે’ પડાવી. જ્યારે આ ભાઈને જાણ થઈ ત્યારે તો બધું જતું રહેલું. ખૂબ ગ્લાનિ/દુઃખમાં રહેતાં. જાણે જીવન જ લૂંટાઈ ગયું. અંદરનું બેલેન્સ બગડવા લાગ્યું. ખૂબ પસ્તાવો થાય પણ પરિસ્થિતિનો ‘સ્વીકાર’ થાય નહીં. એમાં અધૂરામાં પૂરું ભયંકર બીમારી આવી, જે નાઈલાજ છે. કહેવાનો આશય એટલો જ કે જીવ બાળવો નહીં. એટલે કે પ્રાણશક્તિ કોઈ કાળે બળવા ન દેવી. એના વગર બધું નકામું. પૈસા ગયા, ભલે ગયા, કંઈક ‘શીખવીને’ ગયા ને? લગ્ન કર્યા એ ભૂલ થઈ એમ લાગે છે, ભૂલથી ગભરાવું નહીં ડોન્ટ રીપિટ. જાગૃકતા અને સ્વીકાર, યોગ્ય દિશામાં ફોકસ, જરૂરી બેલેન્સ લાવવું. આંતરિક સૂઝથી કરેકશન કરતાં જવું, આંતરિક બળ વધે, કરુણા, શાંતિ જેવા ગુણો કેળવવા. જીવન એટલે જ ચેલેન્જ. એમાં ક્યારેય મોડું થતું જ નથી. જાગ્યા ત્યારથી સવાર. નવજીવન મળ્યું છે માની, નવી ગોળી, નવો દાવ. નવચેતના લાવો. આ બધું સમજથી પોતે જ કરવું, ચાખવું, અનુભવવું. બીજા બધા મદદરૂપ થાય (ડોક્ટર, શિક્ષક, ગુરુ) પણ જવાબદારી ફક્ત પોતાની જ. અંદરની હિંમત ન ગુમાવાય. બીજાં એક બહેનની ઉંમર છે ૬૮ વર્ષ. પતિ ગુજરી ગયા છે, અઢળક સંપત્તિ છે, પતિના જીવતાં ખૂબ તાણા દબાવમાં રહ્યાં છે, પોતાની બધી શક્તિને કુંઠિત કરી નાખી છે. આજે બધા અનુકૂળ સંજોગો છે પણ અંદરની ‘શક્તિ’ મરી પરવારી છે. રૂટિન જીવન જીવે છે, ઉત્સાહ-ઉમંગ નથી. વર્ષોથી ટેબેલેટ્સના સહારે છે. આ બધી દવાઓ (બિનજરૂરી) પણ પ્રાણશક્તિને કુંઠિત કરી નાખે છે, પોતાની અંદરનો દીપક, જ્યોત કોણ પ્રગટાવે? આ દિવાળીની તૈયારીમાં અંદરની જ્યોતને પણ અજવાળીએ? ક્યાં સુધી બાહ્ય ભપકા, ખાણી, પીણી, ગિફ્ટ્સ પર જ ધ્યાન આપશું? ભલે આપીએ પણ સાથે સાથે પ્રાણશક્તિને પણ પ્રગટાવીએ. અઘરું છે, અફકોર્સ અઘરું છે પણ અશક્ય નથી જ. પહેલું સુખ તે જાતે નર્યા તો એવી સરસ જીવનશૈલી અપનાવીએ જેમાં ભૂતકાળ કે ભવિષ્યકાળનો કોઈ ભાર કે ડર ન હોય, ચિંતા ન જ હોય. વર્તમાનની મસ્તી સાથે પૂરતી સાવચેતી. આ દિવાળીમાં થોડા વધુ જાગૃત બનીએ. મેવા, મીઠાઈ, પકવાન જરૂર ખાઓ પણ માપમાં, શરીરનાં સિગ્નલ્સને જાણીને, જે ફાવે તે લઈ શકાય. ફટાકડાનાં પ્રદૂષણ અને હિંસાથી બચાય તેટલું સારું. ઘણાં દલીલ કરે છે, બાળકો તો ફટાકડા ફોડે જ ને! એને સાચી વાત જણાવો કે આનાંથી કેટલાં જીવોની હિંસા થાય છે, તો કોઈ બાળક જીદ નથી કરતું ઊલટું એના મિત્રોને પણ રોકે છે. એટલા પૈસાથી બીજા ગરીબ બાળકો માટે કપડાં, મીઠાઈ લઈ વહેંચવામાં એમને અતિશય આનંદ આવે છે. માટે બાળકોનાં નામે આળ ન ચડાવો. એમને સત્ય હકીકત જણાવો. ક્યારેક શંકા એ આવે છે કે ક્યાંક બાળકોનાં નામે આપણે જ આ બધું નથી કરતાં? આપણી જ અધૂરી ઈચ્છાઓ છે કે નહીં? આ સત્ય પણ સ્વીકારો અને બદલો જેથી પ્રાણશક્તિ ઘવાય નહીં.

ફોટો પડાવવા રસિયું દિવાળીઘોડો

ગયા મહિનાની વાત છે. સપ્ટેમ્બર મહિનાની પંદરમી તારીખ હતી. સાંજેે ચાર વાગ્યે ત્રણ ઇનોવામાં અઢાર જણનો અમારો કાફલો હરિયાણાના પીંજોરથી ઊપડયો. રસ્તામાં ચૈલ, સિમલા, સોલોન વગેરે વટાવી પહાડોના વાંકાચૂકા કઠીન રસ્તાઓ પસાર કરી અંધારી, સૂમસામ રાત્રિએ નવ વાગ્યે ૯૦૦૦ ફીટની ઊંચાઇએ આવેલા ફાગુ ગામ પહોંચ્યા. હિમાચલ પ્રદેશ ટુરિઝમની હોટેલમાં રાત્રે જમવાની અને રહેવાની વ્યવસ્થા અગાઉથી થઇ ગઇ હતી. શિયાળામાં આ આખો વિસ્તાર બરફથી ઢંકાઇ જાય છે. અત્યારે પણ કડકડતી ઠંડી હતી. ઓરડાઓમાં હીટર મૂકવામાં આવ્યા હતા. ડૉરીન ડીસા નામની સાહસિક યુવતીએ યોજેલો પ્રવાસ હતો. તેના પ્રવાસોમાં પગપાળા ટ્રેકિંગ અને પક્ષી, પતંગિયાં અને વનસ્પતિ અવલોકન ઉપર ધ્યાન અપાય છે. સાથે સ્થાપત્ય માટે જાણીતાં સ્થળો પણ તે શોધી કાઢે છે. અમારી સાથે સાત પારસી યુવતીઓ હતી. ગમે તેવા સાહસ માટે હંમેશાં તત્પર રહેતી હતી. મુંબઇના રાણીબાગના આધુનિકીકરણના ક્રૂર સપાટામાંથી બચાવનાર ‘સેવ રાણીબાગ કમિટી’નાં હુતૌક્ષી રૂસ્તમ ફરાન કેટી બગલી અને સુનંદા નિખારેને પણ હતાં. ભારતનાં પહેલાં ફીમેલ પ્લાસ્ટિક સર્જન ડૉ. મૃદુલા કિર્લોસ્કર પણ હતાં. સવારે ઊઠીને ગાડીઓમાં ગોઠવાઇને અમારે પાછી ચાર કલાકની મુસાફરી કરીને વધુ ઉત્તરમાં શારાહાન પહોંચવાનું હતું, પરંતુ સવારે હોટેલનાં ચોગાનમાં હલચલ મચી ગઇ. કાબર જેવા કદનું કાબરૂં પક્ષી ચોગાનમાં ફરતું હતું. સપ્ટેમ્બર- ઓકટોબરમાં પરદેશથી આવનારુંએ યાયાવર પક્ષી દિવાળીઘોડો કે ખંજન હતું. આ પક્ષીને મનુષ્ય સહવાસ ગમે છે. જંગલોથી દૂર રહે છે. તસવીરો પડાવવી પણ ગમે છે. ચેમ્બુરના સુભાષભાઇ ઠક્કર ઝડપથી તસવીરો ખેંચી રહ્યા હતા. આ પક્ષીનું પ્રચલિત નામ વ્હાઇટ વેગ ટેઇલ (રૂત્ર્જ્ઞ્દ્દફૂ ર્રૂીરં વ્઱્ીજ્ઞ્શ્ર) છે. શાસ્ત્રીય નામ પ્ંઁર્દ્દીણૂજ્ઞ્શ્રર્શ્રી ઱્ીશ્રર્ણુી છે. આપણે ત્યાં આવતી ચાર પ્રજાતિઓમાં બે (પ્. ફુ્યત્ત્ત્ર્્યઁસ્ર્ફૂઁસ્ર્જ્ઞ્સ્ર્ અને પ્. ષ્ટફૂશ્વસ્ર્઱્ંીઁર્જ્ઞ્દ્દી) સામાન્ય રીતે જોવા મળે છે. હજુ આ નર પક્ષીએ લગ્નનો વેષ ત્યજ્યો ન હતો. સફેદ મુખાવટી, માથાની પાછળ કાળી ટોપી ગળામાં કાળું લાળિયું, રાખોડી રંગની પીઠ અને તેમાં ઘેરી રેખાઓની સજાવટ, કાળા રંગની ઉપર નીચે પટપટ કરી પૂંછ અને સફેદ પેટાળ એ ખાસ લક્ષણો છે. શિયાળામાં કાળો રંગ ત્યજીને સફેદ રંગ ધારણ કરે છે. આંખો, લાંબા પગ વગેરે કાળા હોય છે. માદા રંગે થોડી ફિક્કી હોય છે. ભારતભરમાં દિવાળી દરમિયાન ફેલાઇ જાય છે. તેથી દિવાળી ઘોડો નામ પડયું છે. જોકે દશેરા દરમિયાન પણ વહેલું આગમન થાય છે. માર્ચ એપ્રિલ સુધી રહે છે. પછી પશ્ચિમ એશિયામાં પાછા ફરે છે. એક પ્રજાતિ ..... કાશ્મીર અને પાકિસ્તાનના સરહદી પ્રાંતમાં પ્રજનન કરે છે. આગમન વખતે અને વિદાય સમયે મીઠા અવાજે ગુંજન કરે છે. પાણી અને લીલોતરી, ઘાસ વગેરે જોઇ આકર્ષાય છે. 

હવે આવ્યો ‘ઈ-ટોઈલેટ’નો જમાનો!

મુંબઈઃ મહાપાલિકાએ થાણેવાસીઓની સુવિધા માટે હાઈટેક ટોઈલેટની પ્રસ્તાવ મૂકાયો છે. બે રૂપિયા અથવા તો સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કરતાં ઓટોમેટિક દરવાજો ખુલશે. રાજ્યનું આ પહેલું ઈ-ટોઈલેટ હશે.

એક સીટનો આશરે ખર્ચ ૫.૫૦ લાખ જેટલો હશે, અને મહાપાલિકા કોન્ટ્રેક્ટર કંપનીને જગ્યા, પાણી અને વીજળીની સગવડ કરી આપશે. વીજળીનું બિલ સંબંધિત કંપનીને ચૂકવવાનું રહેશે.

મેડ ઈન દુબઈવાળા આ ટોઈલેટનો વિચાર આ પહેલાં કેરળમાં લાગુ કરવામાં આવ્યો હોઈ તેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્યાં પ્રથમ તબક્કામાં ૧૫૦ યુનિટ બેસાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુંબઈ, નવી મુંબઈ મહાપાલિકામાં પણ આ યોજના અમલમાં મૂકાશે એવું સાધનોએ જણાવ્યું હતું.

આવા હશે ઈ-ટોઈલેટ...

* ઈલેક્ટ્રોનિક પદ્ધતિના આ ટોઈલેટ ઓટોમેટિક હશે અને તેમાં સેન્સરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

* પીસીઓમાં કોઈન નાખવામાં આવે છે એ રીતે અહીં પણ બે રૂપિયાનો સિક્કો અથવા તો સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કર્યા બાદ જ દરવાજો ખુલશે.

* આ ટોઈલેટમાં પંખા, લાઈટની સગવડ હશે અને જો તમે પાણીનો ઉપયોગ કરવાનું ભૂલી પણ જશો તો જાતે જ ટોઈલેટ ચકાચક થઈ જશે. 

ખેતીવાડીની જમીનમાંથી કુદરતી સત્ત્વો ઘટી રહ્યાં છે

કુદરત એ વિશ્વમાં શ્રેષ્ઠ અને સફળ શિક્ષક છે.


આર્થિક બાબતોના અગ્રતાક્રમ જેટલા ખોટા છે તેટલા જ ખોટા શહેરીકરણ અને ઔદ્યોગીકરણના અગ્રતાક્રમ છે. મોટા શહેરોને કારણે જે પ્રશ્ન ઊભા થયા છે તેના ઉકેલ માટે આજે હવે ક્ષમતા રહી નથી. એક પણ સુધરાઈ તંત્ર ગંદકી, કચરો, અસ્વચ્છતા વગેરેના પ્રશ્નને ઉકેલી શકવાને સક્ષમ રહ્યા નથી.

ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ખેતીવાડીને લાયક જે જમીન છે તેના સત્ત્વોનો એવો તો વિનાશ થઈ રહ્યો છે કે જ્યારે જાણકારી થશે તે વખતે ત્યાં કંઈ જ બચ્યું નહીં હોય!! ખેતીવાડીની જમીન સાવ કસ વગરની થઈ ગઈ છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે છાણિયા ખાતરની તંગી છે.

નદીઓને પ્રદૂષિત કરવામાં કેમિકલ્સનો કેટલો મોટો ફાળો છે તે વાત હવે ચવાઈ ચવાઈને જૂની થઈ ગઈ છે. યમુના નદીમાં દિલ્હીનો માનવ સર્જિત કચરો ઠલવાય છે અને પછી તે જ યમુના નદીને માટે શુદ્ધિકરણના કરોડો રૂપિયાના બજેટ નક્કી કરવામાં આવે છે!!

આ કઈ જાતની વ્યવસ્થા છે અને કઈ જાતનો વિકાસ છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે. ઈલોકોજિકલ સેનિટેશન પર ખાસ વિચારણા કરવાની જરૂર છે. આ બાબતે માત્ર કૃષિ સાથે સંકળાયેલા જ નહીં, પરંતુ છેક ઉપલી કક્ષાએ નીતિ વિષયક આયોજન કરનારાઓએ પણ ગંભીરતાથી રસ લેવાની જરૂર છે.

જમીનની ફળદ્રુપતા જરૂરી છે કારણ કે તેનાથી અનાજનું ઉત્પાદન જાળવી શકાશે. જો કોઈ કારણથી અનાજના ઉત્પાદનમાં ઘટાડો થયો તો શું થાય તે માત્ર ચર્ચાનો વિષય બને છે. ઉત્તરાખંડ એક જ રાજ્ય છે કે જ્યાં ઢોર ચરાવવા માટે જંગલ બચ્યું છે. ઉત્તરાખંડમાંથી છાણિયું ખાતર પંજાબના શ્રીમંત ખેડૂતોને વેચવામા આવે છે. આ બાબત પરથી તેનું મહત્ત્વ પ્રજાએ સમજવું રહ્યું.

નદીઓ જ ગટર બની ગઈ છે. કારણ કે તમામ કચરો ગટરમાં ઠલવાય છે અને આવા પ્રદૂષિત પાણીથી ખેતીવાડી નબળી પડે છે અને જમીનની ફળદ્રુપતાને ઘસારો લાગે છે. આવો ક્રમ તમામ નદીઓની આસપાસ આવેલા શહેર, નગર અને ગામડાંમાં જોવા મળે છે, પરંતુ કોઈનું પણ ધ્યાન જતું નથી.

ખાવા-પીવાની ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થયા કરે છે. પ્રતિ વર્ષ ઉત્પાદન ઢગલાબંધ થાય છે, પરંતુ ભાવ વધે છે અને તેના સ્વાદ, મીઠાશ ઘટી રહ્યા છે. આવો વિરોધાભાસ દરેક વ્યક્તિની નજર સામે છે, પરંતુ કોઈ વિચારણા કરતું નથી. તેના કારણ શોધવા આગળ આવતું નથી. તેમ જ તેનું વિશ્લેષણ પણ થતું નથી.

ચીકુ, પપૈયા, દાડમ, સફરજન જેવા ફળો પણ હવે તો સત્ત્વ વગરના થઈ ગયા છે. તેમનો કુદરતી સ્વાદ જ હવે રહ્યો નથી. જે જમીનમાં તે પાકે છે તે જમીન જ સત્ત્વહીન થઈ ગઈ છે આથી દેખીતી રીતે જ તે જમીનમાંથી નીપજતી ઉપજ કસ વગરની, સ્વાદ કે સોડમ વગરની હોય તે સ્વાભાવિક છે.

ગુજરાતી ભાષામાં કહેવાયું છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, આ બાબત જમીનમાંથી ઉત્પાદિત તમામ ચીજવસ્તુને લાગુ પડે છે. એક સમયે ભાલ કાંઠામાં થતાં ઘઉં વેઢા જેવડો દાણો ધરાવતા હતા, આજે આવા મૂલ્યવાન દેશી ઘઉં સાવ અલભ્ય છે ક્યાંક થતાં હોય તો જાણકારી નથી.

તેવી જ રીતે કઠોળમાં મગ, ચણા વગેરેના ગુણધર્મ ઓછા થઈ ગયા હોય તેવું લાગે છે. કઠોળમાં ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય વ્યક્તિને તેના ભાવ પરવડે તેવા નથી. આ સઘળું જમીનની ફળદ્રુપતા ઘટી જવાને કારણે થયું છે તે અંગે વ્યાપક ચર્ચા થવી જોઈએ.

આયુર્વેદના ઓસડિયાંઓએ તેનું પરંપરાગત મૂલ્ય ક્યારનું ય ગુમાવ્યું છે. આયુર્વેદિક ઔષધ આજે અસરકારક રહ્યા નથી. કારણ કે જે જમીન પર તે થાય છે તે જમીન જ મૂળભૂત સત્ત્વ વગરની થઈ ગઈ છે. કુદરતી સંપત્તિ ધરાવતા તત્ત્વો જમીનમાં હોય તે જ ખતમ થઈ ગયા છે.

ઘણા કહે છે કે હવે કંઈ થઈ શકે તેવું નથી, પરંતુ જો પ્રયાસ કરવામાં આવે તો હજુ બગડી ગયેલી બાજી સુધારી શકાય તેવું છે. જમીનના સત્ત્વો જે કારણોથી ઘટી રહ્યા છે તેની જાણકારી છે. હવે નિષેધાત્મક પ્રયાસો થવા જોઈએ. બાકી વાતો ઘણી થઈ છે. ચોક્કસ અને નક્કર કાર્ય થવું જોઈએ.

આ બાબતે સ્વૈચ્છિક સંગઠનોએ જ પોતાની કામગીરીનો વ્યાપ વધારવો પડશે. સમગ્ર પ્રજાને સ્પર્શતી આ બાબત છે. વળી પ્રજાના કલ્યાણનો મુદ્દો છે. જમીનની ગુણવત્તા સુધારવા પ્રજાએ જ કેટલાક નિષેધાત્મક ઉપાય સ્વીકારવા પડશે. આધુનિકતા ઘણી વખત અભિશાપ સમાન પુરવાર થાય છે. 

Saturday, October 15, 2011

કપ્તાનનો વાહ વાકાનેરનો પ્રથમ અક (દર મહીના પ્રથમ સોમવારે પ્રસિધ્ધ થશે.)


કાર્યક્ષમતા અને ઉત્પાદકતા મંદી સામે ઢાલ બની શકે છે

સમાજમાં સમજશક્તિ વધારે તેવા પરિબળ, નેતૃત્વ અને વ્યક્તિની આજે જરૂર છે.


સમગ્ર વિશ્વના રાષ્ટ્ર આર્થિક પરિસ્થિતિની વિચિત્રતાનો સામનો કરી રહ્યા છે. એક પણ રાષ્ટ્ર રોજગારી, ભાવ સ્થિરતા, કૃષિ ક્ષેત્રનો સમતોલ વિકાસ, સ્વચ્છ પર્યાવરણ, પ્રદૂષણ વગરનું વાતાવરણ. આ તમામથી સંતુષ્ટ નથી. તેમ છતાં નોબલ પ્રાઈઝ પશ્ચિમના જ અર્થશાસ્ત્રીઓને મળે છે કે જેમની વિચારધારાથી યુરોપ - અમેરિકા ખાડામાં ગયા છે!!

કંઈક ખોટું થયું છે. પશ્ચિમનું અર્થશાસ્ત્ર અને તેમના અર્થશાસ્ત્રીઓ ભારતના અર્થતંત્રને ‘કાઉ ડંગ ઈકોનોમી’ એટલે કે છાણિયા ખાતરનું અર્થતંત્ર કહીને વગોવતા હતા. ભારત તેની ઓછી આવશ્યકતા અને કરકસરને કારણે જ સુખી હતું. પશ્ચિમ તો છતે ઉત્પાદને આજે તેમના ચલણની આબરૂ ગુમાવી રહ્યું છે, પરંતુ તેનું વિશ્લેષણ કોઈ કરતું નથી.

ભારતે આવી અસરથી બચવા માટે પોતાની પાસે જે કંઈ સાધનો છે તેને જાળવી રાખીને હવે પછી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા તરફ ધ્યાન આપવું જોઈએ. મતલબ કે પ્રત્યેક દિવસ જો એક કલાક વધુ કામ કરવામાં આવે તો ઉત્પાદકતાની સાથે કાર્યક્ષમતા પણ વધવાની છે.

આજે વિશ્વનાં તમામ રાષ્ટ્રમાં કાર્યક્ષમતા તદ્દન નીચે ઊતરી ગઈ છે. મૂડીરોકાણ થાય છે તે ટેક્નોલોજી અને માળખાકીય સગવડતા વધારવા તરફ થાય છે, પરંતુ ઉત્પાદકતા વધારવાના કેન્દ્રમાં રહેલી માનવશક્તિ અને માનવસંપદા સુધારવા તરફ કોઈ ધ્યાન આપતું નથી. આ એક વિરોધાભાસી બાબત છે કે જે ધ્યાનમાં હોવા છતાં તેના માટે કોઈ પગલાં લેવાતાં નથી.

ભારત જેવા રાષ્ટ્રને ઉત્પાદકતા વધારવાના ઢગલાબંધ ફાયદા મળે તેવું છે. શિક્ષણ, બેન્ક, પોસ્ટલ સેવા, સુધરાઈ તંત્ર વગેરેમાં કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા પુષ્કળ અવકાશ છે. આવી બાબતો વેપાર - ઉદ્યોગ માટે મંદીની સામે ઢાલ તરીકે કામ આવે છે. યુરોપમાં મંદી આવી છે તેના કારણમાં ખર્ચ અને વળતર વચ્ચે ગાબડું છે. મતલબ કે યુરોપની વેપારી પેઢીઓ જે ખર્ચા કરે છે તેના પર તેમને વળતર ઓછું મળે છે, પરંતુ તે વધારવા કાર્યક્ષમતા વધારવી જોઈએ. માત્ર છથી સાત કલાક કામ કરવાનો નિયમ છે તેમાં સ્વૈચ્છિક રીતે ૧ કલાકનો દૈનિક વધારો થાય તો ઘણું ઉત્પાદન વધે. કામમાં ઝડપ આવે અને તે રીતે એકંદરે તો અર્થતંત્રને જ ફાયદો થાય. અત્રે એ નોંધવું જરૂરી છે કે જો ખર્ચા ઘટે તો જ ઉત્પાદકતા - કાર્યક્ષમતામાં પ્રતિબિંબ પડે. ખર્ચા કઈ રીતે ઘટાડવા તે જે તે વેપાર - ઉદ્યોગ અને તેની કાર્યપ્રણાલિકા પર નિર્ભર છે. આ માટે ચોક્કસ પ્રમાણ અને આધાર વિકસાવવા જોઈએ. યુરોપ આજે મુશ્કેલ દિવસોનો સામનો કરી રહ્યું છે તેના મૂળમાં બેફામ ખર્ચા છે.

ભારતની પ્રજા ‘‘કોસ્ટ કોન્શિયસ’’ મતલબ કે ખર્ચા કરતા અગાઉ બે વખત વિચારે તેવી છે. દરેક બાબતે જોખીજોખીને નિર્ણય કરવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ માત્ર બજાર કબજે કરવા જે રીતે આડેધડ ખર્ચ થાય છે તે યોગ્ય નથી. વેપારમાં આજે નફાનો ગાળો સંકોચાયો છે. કોઈપણ વેપાર કસવાળો રહ્યો નથી. ઓછે નફે બહોળો વેપાર થઈ રહ્યો છે.

પરંતુ નફાનું પ્રમાણ ઘટ્યું છે કારણ કે આડકતરા ખર્ચા વધ્યા છે. જેવા કે ટેલિફોન, મકાન, દુકાન પરના વેરા તેમજ ઈલેક્ટ્રિસિટી, બેન્ક, વ્યાજ, - સર્વિસ ચાર્જ વગેરે જેવા ખર્ચા હજુ તો ૨૦ વર્ષ અગાઉ હતા તેના પ્રમાણમાં અનેકગણા વધી ગયા છે. નફો ચવાઈ જાય છે તેના મૂળમાં આવી બાબતો છે. આથી તો મંદી હવે દર બે - ત્રણ વર્ષે જોવા મળે છે. અગાઉના સમયમાં મંદી આવતી હતી, પરંતુ તેને પહોંચી વળી શકાતું હતું. જ્યારે આજે મંદીના છાંટા મહિનાઓ સુધી ઊડે છે. અનેક વેપાર - ધંધા બંધ થઈ જાય છે. કામદાર - કર્મચારીઓની છટણી થાય છે. સમાજમાં નારાજગી - અસંતોષનું વાતાવરણ ફેલાય છે. આવા ઘણા પ્રત્યાઘાત અર્થતંત્રમાં પડે છે.

અર્થતંત્રમાં જો કૃષિ મહત્ત્વની હોય તો તેના પ્રત્યાઘાત પણ તેવી જ રીતના હોય છે. ભારતે આ તમામ પ્રકારની ચડ-ઊતર સામે સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે ૧૨૦ કરોડની જનસંખ્યા ધરાવતા રાષ્ટ્રમાં રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે એક નાનકડો પ્રત્યાઘાત પણ અનેક અસર ઊભી કરી શકે છે. ભારતને હવે પછી મંદીની અસર ન થાય તે માટે ખર્ચા પર નિયંત્રણ સાથે કામદાર - કર્મચારીઓની કાર્યક્ષમતા, ઉત્પાદકતા માટે વિશેષ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. હાલમાં તો આ દિશામાં એક ટકો પણ વિચારણા થતી નથી, પરંતુ વેપારી - મંડળો અને ટ્રેડ એસોશિયેશન તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમાં આગેવાની લેવાય તે જરૂરી છે.

કાર્યક્ષમતા એટલે શું? તેમાં કઈ રીતે વધારો કરી શકાય? જુદા જુદા વ્યવસાય માટે કાર્યક્ષમતાના આધાર નક્કી કરવા અને તેવી જ રીતે ઉત્પાદકતા વધારવા વિવિધ પગલાં લેવા વગેરે માટે આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આથી રાષ્ટ્ર મંદી સામે ટકી શકશે અને લાંબે ગાલે મજબૂત બની શકશે.

પાણી બન્યા પણ કેવાં?

પાણી જો એકધારું પાણા પર પડે તો પાણાનેય કાપી નાખે. પાણીનો સ્પર્શ મખમલી અને આમ જુઓ તો એની તાકાત કાંઈ નહીં, પણ પાણી ધારે તો વિરાટ, વિકરાળ અને વિનાશક પણ બની જાય. અદ્દલ માણસ જ જોઈ લો, નહીં?
આ જુઓ તો ખરા, ગ્લાસમાં ભરેલા પાણીની જેમ લોકો નિરુપદ્રવી અને નિરર્થક જીવીનેય કેવા રાજી રહે છે? બધાને મનમાં કેમ થતું નથી કે પોતાના જ અસ્તિત્વના પાણા પર સ્વભાવના સુધારાની પાણીની ધાર પટકાવી પટકાવીને કોઈક ચેન્જ લાવીએ. નકરી ધાંધલ-ધમાલ સહન કરીને ઢસરડા કરનારને ધોધ બનીને ધૂબકતાં અને કોઈક ચમત્કાર કરતાં કેમ આવડે નહીં? ખાબોચિયું, તળાવ, નદી, ઝરણું કે દરિયો, બધું પાણી છે, ઝરમર અને અનરાધાર વરસાદ પાણી છે. આપણેય આવી જ વ્યક્તિત્વની વરાઈટી છીએ. બસ, અંદરના ઉપદ્રવને ઉપજાઉ બનાવીને નિરુપદ્રવીમાંથી નક્કર પરિણામલક્ષી બનવાની વાર છે. પાણી એવાં બનો કે ધાર હોય, ધરાર આગળ વધવાની ધગશ હોય. સવારે જાગો ત્યારે ઊઠી ગયા એવી નહીં પણ સૂર્યની જેમ ઊગ્યા તેવી ફીલિંગ હોય. આખરે પાણીદાર માનવીનો જન્મ મળ્યો છે શા માટે?ગ્લાસમાં ભરાઈને હવે સિક્યોર્ડ ન રહો, જરા ઢોળાવ, જરાક વહેવા માંડો. તમે આવું નહીં કરો તોય વરાળ બનીને ઊડી જવાના છો. ઊડી જતાં પહેલાં ઉજાસ તો ફેલાવો, ચમકારો તો બતાવો અને જગતને જરા ઈમ્પ્રેસ તો કરો, પ્લીઝ.

Friday, October 14, 2011

કાશ્મીરને સ્વાયત્તા નહીં આર્થિક ઉત્કર્ષની જરૂર છે

આર્ય પ્રદેશમાં મૂડીવગરનો કોઇ પેઢીવાળો નહોતો જ્યારે આજે પેઢીવાળા પાસે મૂડી નથી. શ્રીમંત પણ દુઃખી છે અને શ્રીમંતની જેમ ઇચ્છા રાખનારા પણ દુઃખી છે.

જમ્મુ-કાશ્મીર માટે નીમવામાં આવેલા ત્રણ વિષ્ટિકારોએ રાજ્ય સંબંધિત અહેવાલ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સુપરત કર્યો હતો. રાજ્યના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવા તેમાં માત્ર રાજકીય સૂચન કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં લશ્કરી દળોને આપવામાં આવેલી વિશિષ્ટ સત્તા પાછી ખેંચી લેવા ભલામણ કરવામાં આવી છે. ત્રણ વ્યક્તિની જે ટુકડી હતી તેમાં દિલીપ પડગાંવકર, પૂર્વ માહિતી કમિશનર એમ. એમ. અન્સારી અને રાધાકુમારનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી એકપણ વ્યક્તિને જમ્મુ-કાશ્મીરના અર્થશાસ્ત્ર અને ભૂગોળનું જ્ઞાન નથી. જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા નહીં, પરંતુ આર્થિક પ્રવૃત્તિનો વ્યાપ વધે તેની ખાસ જરૂર છે. જે ભલામણ કરવામાં આવી છે તેનાથી તો રાજ્ય ફરી ૧૯૫૩માં ધકેલાઇ જાય તેવું છે. કાશ્મીરનો પ્રશ્ન ગૂંચવી મારવામાં તેના ભૂતકાળે ઘણો જ ભાગ ભજવ્યો છે. કારણ કે કોઇને પ્રશ્નના ઉકેલમાં રસ નથી, પરંતુ વધુ ગૂંચવાય તો કોઇક તેમને પૂછે આવી બાબતમાં રસ છે.

એક બિનભારતીય સ્વૈચ્છિક સંગઠને થોડા વર્ષ અગાઉ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના નેતાઓની વફાદારી ભારત કે પાકિસ્તાન બેમાંથી કોઇની પણ સાથે નથી. તેઓ પાકિસ્તાનમાંથી પૈસા મળે તો તેમની તરફેણમાં બોલે છે. તેઓ વારંવાર ભારતને બદનામ કરવાની એકપણ તક જતી કરતા નથી. ભારતે તેમને દરેક સગવડતા અને સુવિધા આપી છે છતાં ભારતને ભાંડવાનું ચાલુ જ રાખે છે. જમ્મુ-કાશ્મીરના વિવિધ રાજકીય પક્ષોના ફૂટકળીયા નેતાઓ પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. તેમાં મકાનો - વિશાળ ખેતર - વાડી - હોટલ અને ફાર્મનો સમાવેશ થાય છે. તેમના સંતાનો કાં તો દિલ્હી અથવા બેંગલોર કે વિદેશમાં અભ્યાસ કરે છે. તેઓ ખુદ વૈભવી જીવનશૈલી જીવે છે. પ્રશ્ન એ છે કે આવા રાજકીય નેતાઓ પાસે નાણાં આવ્યાં ક્યાંથી?હાલના સત્તાધારી પક્ષના નેતાઓએ પણ અબજો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી છે. ધાર્મિક પરિવર્તન થવા સાથે કાશ્મીરમાં વફાદારીનું પણ પરિવર્તન થયું છે. આ સમગ્ર બાબત ઊંડી તપાસ માગે છે. બાકી વિવિધ રાજકીય પક્ષો - હુર્રિયત અને નેશનલ કોન્ફરન્સ ઉપરાંત પીડીએફ આ તમામના નેતાઓ ભ્રષ્ટ પુરવાર થયા છે. આજની પરિસ્થિતિમાં જમ્મુ-કાશ્મીર ખીણ વિસ્તારમાં ભારતના સુરક્ષા દળો કઇ રીતે કામગીરી બજાવે છે તેની કોઇ જાણકારી દિલીપ પડગાંવકર અને તેમની ટીમને છે ખરી? સુરક્ષા દળના જવાનો ભીંતસરસા થઇને સરહદોની સુરક્ષા કરી રહ્યા છે. બાકી વિવેચકો અને વિશ્લેષકો તો ખુરશીમાં બેસીને અભિપ્રાય આપે છે. તેમનાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી.આ વિષ્ટિકારોમાંથી કોઇએ પણ બંધારણના અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાની વાત કેમ કરી નથી? કાશ્મીરના વિકાસમાં અવરોધક તો આ બાબત છે. આથી તો ત્યાં કોઇ મૂડીરોકાણ કરતું નથી. જો દિલીપ પડગાંવકરને ઇતિહાસ-ભૂગોળની જાણકારી હોત તો સૌપ્રથમ આ વાત કરી હોત. માત્ર અમેરિકાને રાજી રાખવા સઘળી ભલામણ થઇ હોય તેમ જણાય છે.જમ્મુ-લડાખ અને કાશ્મીર ખીણ વિસ્તાર એમ ત્રણ ભાગલા પાડવાની વિદેશી સત્તાની યોજના ઘણા વર્ષોથી છે, પરંતુ ભાગલા શા માટે? ૧૯૪૭માં એક વખત ધર્મના નામે ભાગલા પડી ગયા છે. હવે કોઇ કાળે કોઇપણ વિસ્તારને અલગ થવા દેવાશે નહીં. ૧૯૮૨થી શરૂ થયેલી ખાલિસ્તાનની ચળવળ અને માગણીને મોંઘા બલિદાન આપીને કબ્રસ્તાન ભેગી કરી દેવામાં આવી હતી. કાશ્મીરમાં વેપાર-વાણિજ્ય અને કુટિર ઉદ્યોગ વધે, ફળોની ખેતી થાય - ઉત્પાદન વધે અને બીજાં રાજ્યો - પ્રદેશ વિસ્તાર સાથે વ્યાપારી પ્રવૃત્તિ વધે તો પ્રજાને ફાયદો થવાનો છે. બાકી પ્રજાને અળગી રાખવાથી તેમને સંકુચિત બનાવી દેવાથી કોઇ જ ફાયદો કોઇને થવાનો નથી. કાશ્મીરી પ્રજાએ તેમના દુશ્મનો કે જે તેમના નેતાઓ છે તેમને ઓળખી લેવાની જરૂર છે.કાશ્મીર કદી પણ સ્વાયત્ત બની શકે તેમ નથી તેવી તેની ભૌગોલિક પરિસ્થિતિ છે. બહારથી આવેલા આક્રમણખોરોની સેંકડો વર્ષની નીતિને કારણે જ હાલમાં અવિશ્વાસનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. ત્રણેય વિષ્ટિકારોને આવી બાબતની કેટલી જાણકારી છે તે એક પ્રશ્ન છે. જો શ્રેણીબદ્ધ આર્થિક પગલાં લેવાય તો ટૂંકા સમયગાળામાં જ પ્રશ્નનો ઉકેલ આવી જાય તેવું છે. ૧૯૪૭માં અંગ્રેજોએ જ્યારે ભારતને સ્વાતંત્રતા આપવાનો નિર્ણય કર્યો તે વખતે રજવાડાઓએ ભારત અથવા પાકિસ્તાનની પસંદગી કરવાની હતી. આથી કાશ્મીર પણ સ્વાયત્ત ન રહી શકે. મોડેથી કાશ્મીરના મહારાજાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો. આથી હવે કાશ્મીરને સ્વાયત્તતા બાબતે કોઇ જ બાંધછોડને સ્થાન જ નથી. વિ

આપણે જે કરવાને સજ્જ છીએ તે આપણી શક્તિની પરીક્ષા છે.

જીવનની મુશ્કેલી તેમાં નથી કે ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાયું નહીં. મુશ્કેલી તો એ છે કે જીવનમાં કોઈ લક્ષ્ય છે કે નહીં. - બૅન્જામિન મૅયસ

કલાકારો મોટે ભાગે એક વાક્ય સૌને ઈમ્પ્રેસ કરવા છૂટથી વાપરતા હોય છે, ‘મારો શ્રેષ્ઠ અભિનય તો હજી આવવાનો બાકી છે.’ વાસ્તવમાં આ વાક્યમાં જે સૌંદર્ય છે તેનો સૌના જીવનમાં અમલ થવો આવશ્યક છે. આપણે જે કરી ચૂક્યા છીએ તે આપણી તવારીખ છે, આપણો ભૂતકાળ છે. આપણે જે કરવાને સજ્જ છીએ તે આપણી શક્તિની પરીક્ષા છે. અંગ્રેજોએ ભારતમાં મુંબઈથી થાણે વચ્ચે રેલવે લાઈન નાખી હતી. તેના પછી એમણે જો, ‘ચાલો, ભારતમાં ટ્રેન શરૂ કરી નાખી, લક્ષ્ય હાંસલ થઈ ગયું,’ ‘તેવું વિચાર્યું હોત તો? આજે વિશ્વમાં સૌથી વિસ્તૃત રેલવે લાઈનનું માળખું ભારત પાસે છે એ કેવી રીતે બન્યું? એ પછી હજી રેલવે લાઈનના વિકાસ માટે કેટલીયે શક્યતાઓ તો છે જ. આગળ વધવાની મર્યાદા પર્વત પર હોય, જીવનપ્રવાસીના સ્વભાવમાં કેવી રીતે હોઈ શકે? હમણાં સુધી જે થયું તેની વાત જવા દો. સવારે જાગીને પહેલો વિચાર એ કરવાનો છે કે હવે પછી શું થઈ શકે છે? જેમની પાસે વ્યસ્તતા છે, વિચાર છે તેમને વળી ક્યારેય કંટાળો આવે કે? જેમને માની લેવું છે કે બસ, હવે ઘણું થયું, તેમના જીવનમાં જ કંટાળા સિવાય કોઈ વાત આવે નહીં. હવે તો જાગો, નવા કોઈક ધ્યેય ઠરાવો પછી જુઓ તો ખરા, પછી શું થાય છે તે જુઓ, જીવનની મુશ્કેલીઓ રફેદફે થઈ જ જશે. 


Wednesday, October 12, 2011

કોણ વધારે હાનિકારક ?

કોણ વધારે હાનિકારક છે, મનમાં છવાયેલી નિરાશા કે વધુ પડતી આશા? આ પેચીદા પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો લાગે છે? તો ફરી વિચારો કે મનમાં નિરાશા આવી ક્યાંથી? નિરાશા જન્મી છે ફળીભૂત નહીં થયેલી આશામાંથી. એક આશા જે ક્યારેક કરી હતી અને આજે પૂરી થઇ નથી, તેણે તો નિરાશાને જન્મ આપ્યો છે. તેણે પાછું મનને એવું હચમચાવી નાખ્યું છે કે નવી આશા જગાવતા એને ભય લાગી રહ્યો છે. પણ જો નવી આશા જાગશે, ફરી કંઇક કરી બતાવવા માટે થનગનાટ અનુભવાશે તો શું થશે? તો વીતી ગયેલી વાત તડકે મૂકાઇ જશે અને નવી આશાને આકાર આપવામાં આખું ચિત્તતંત્ર વ્યસ્ત થઇ જશે. વાસ્તવમાં વધુ પડતી આશા જેવું જગતમાં કશું નથી. માણસે માનવદેહ મેળવીનેય ભગવાન જેવું સ્થાન મેળવ્યું છે, ઝૂંપડામાં મોટા થઇને અપાર સંપત્તિ સર્જી છે અને એલેકઝાંડર તરીકે દુનિયા પર જીત મેળવવાની મહત્ત્વકાંક્ષા પણ સેવી છે. પોતાની નાનકડી આશાને વધુ પડતી ગણવાની જ બંધ કરી નાખો. થયું તેને ભૂલીને મનમાં ગણગણવા માંડો કે નાસીપાસ થઇને એક ક્ષણ બગાડવી પાલવે તેમ નથી. એટલું કરશો તો આ ક્ષણથી સાવ નવા માણસ થઇ જ જશો. 

Tuesday, October 11, 2011

ભૂખ લાગે તો શું ખાવું તેની ચિંતા ગરીબોને છે, તો શું કરીએ તો ભૂખ લાગે એ ચિંતા શ્રીમંતોની છે. - શ્રી રત્નસુંદરસૂરિ
છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર રાષ્ટ્રનું રાજકારણ સંઘર્ષ અને નકારાત્મક માર્ગે જઈ રહ્યું છે. એક પણ બાબતે સંતોષ લઈ શકાય તેવું દેખાતું નથી. પ્રજાના સુખાકારીના કે કલ્યાણના કોઈ કાર્ય થતાં દેખાતાં નથી. આર્થિક નિર્ણયોમાં સાવ ટાઢક જોવા મળે છે. રાષ્ટ્ર તરીકે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ?

મોટા ભાગનો સમય કૌભાંડ, ગેરરીતિ અને અદાલતી કાર્યવાહીમાં જાય છે. જાણે તે સિવાય કોઈ કામધંધો જ રહ્યો નથી!! આવી નકારાત્મક ઊર્જા કોઈને પણ ફાયદો કરાવવાની નથી. કેન્દ્ર સરકાર ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં ગળાડૂબ છે તેવે વખતે ટેલિકોમ ક્ષેત્રમાં નવું મૂડીરોકાણ આવે તેવી શક્યતા નહિવત છે. આજે સૌથી વધુ જરૂરત એક પછી એક આર્થિક નિર્ણયોની છે. વહીવટીતંત્ર છેલ્લા કેટલાક સમયથી ઠપ્પ છે. કોઈ જવાબદારી લેવા માગતું નથી. દરેકને એમ લાગે છે કે બિનજરૂરી રીતે બદનામ થઈ જતાં વાર લાગતી નથી. દેખીતી રીતે જ વહીવટનો સ્ટાફ આવું વિચારતો હોય છે.

છેલ્લાં બે વર્ષથી કેન્દ્ર સરકારમાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાયા નથી. પોલીસતંત્ર અને ન્યાયતંત્ર બન્ને તનાવ હેઠળ છે. તેમને ત્યાં રાજકારણનો ગંદવાડ ઠલવાઈ રહ્યો છે, પરંતુ તેનો ઉપાય શું? બૌદ્ધિક વર્ગે આ બાબતે વિચારણા કરવાની જરૂર છે. કારણ કે હાલની પરિસ્થિતિ વ્યાપાર- ઉદ્યોગ- વાણિજયને માટે નુકસાનકારક છે.

દીપોત્સવીના તહેવાર નજીક આવી રહ્યા છે. એકંદરે સમગ્ર રાષ્ટ્રમાં કૃષિ ઉત્પાદન સંતોષકારક છે તેવે વખતે બજારમાં માગ વધવી જોઈએ. વપરાશી ચીજવસ્તુઓ, કપડાં, વાસણ અને એવી જ અન્ય વસ્તુની માગ વધવી જોઈએ જે પ્રક્રિયા દેખાય છે. અવશ્ય પરંતુ તેમાં ઝડપ વધવી જોઈએ.

નેતૃત્વ જ્યારે કમજોર થાય છે તેવે વખતે સમસ્યાનું પ્રમાણ વધે છે. દરેક બાબતે પ્રજા જોખીજોખીને આગળ વધી રહી છે. કારણ કે તેમને ખ્યાલ છે કે જોખમનું તત્ત્વ વધારે હોય છે. તેવે વખતે રાજકીય નેતૃત્વ કદી તેમને પીઠબળ પૂરું પાડતું નથી.

સૌથી મોટી બાબત એ છે કે રાષ્ટ્રને માટે આપત્તિરૂપ પાકિસ્તાન હાલમાં અસ્થિર છે. સમગ્ર ક્ષેત્રને અસમતુલ બનાવનાર પાકિસ્તાનને ઠેકાણે કરવાની શ્રેષ્ઠ તક ભારત પાસે છે. છતાં કોઈ તે દિશામાં વિચારતું નથી. ૧૯૭૨માં સીમલા કરાર વખતે પાકિસ્તાનને ૯૩ હજાર સૈનિકો પરત આપતાં અગાઉ જો કાશ્મીર અંગે આખરી નિકાલ થયો હોત તો ચિત્ર જુદું હોત.

સમયને ઓળખવામાં થાપ ખવાતી હોય છે તે વખતે સમસ્યા જટિલ બનતી હોય છે. ત્રાસવાદ, સરહદ પરથી ઘૂસણખોરી, બોમ્બધડાકા આ તમામ બાબતોનો નિકાલ જો માત્ર પાકિસ્તાન સાથે હિસાબ કરવામાં આવે તે વખતે જ શક્ય બનશે. આજે તે માટેની તક છે તેવે વખતે આંતરિક વિવાદમાં સમગ્ર રાષ્ટ્ર વ્યસ્ત છે.

એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં શાંતિથી સ્થિરતા સાથે વહીવટ ચાલી રહ્યો હોય. પ્રજાની અપેક્ષાને સમજવા અને સુલઝાવવામાં રાજકીય પક્ષો સાવ નિષ્ફળ રહ્યા છે. વળી એક રાષ્ટ્ર તરીકે આપણે કદી એકતા સ્થાપિત કરી શક્યા નથી. જે કંઈ હતું તે માત્ર આભાસી હતું.

રાષ્ટ્રનો છેલ્લાં ૫ હજાર વર્ષનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે બરાબર ત્રિભેટે હોઈએ તે વખતે જ ભૂલ કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં આર્થિક મહાસત્તા બનવા માટેના સૌથી વધુ ગુણ આજે ભારત પાસે છે તેવે વખતે અદાલતોમાં દરેક બાબત લઈ જઈને જે રીતે રાગ આલાપવામાં આવી રહ્યો છે તે ‘બેનમૂન’ છે!!

આજે યુવાનવર્ગ રોજગારી માગી રહ્યો છે, જ્યારે એક પછી એક સમસ્યા આવી રહી છે તેમાં આ બાબતને તો ક્યાંય પાછળ ધકેલી દેવામાં આવી છે. નોંધવા યોગ્ય આ બાબત છે. પ્રજાની અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું આવું ભયજનક અંતર સમાજમાં વિદ્રોહ અને વિપ્લવનું વાતાવરણ નિર્માણ કરશે.

આજે પણ વ્યાપાર ઉદ્યોગના એવા ઘણા ક્ષેત્ર છે કે જેમાં ખોટી સરકારી નીતિને કારણે નકારાત્મક વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. નકારાત્મક એટલે મૂડીરોકાણ પૂરતી જ વાત નથી, પરંતુ જે રીતે વૃદ્ધિદર હોવો જોઈએ તેનો અભાવ દેખાય તેવું વાતાવરણ.

રાજકીય પક્ષોએ પ્રજાના મનને સમજવાની જરૂર છે. દરેક બાબતે સંઘર્ષ અને મુકાબલાનું વાતાવરણ કોઈને પણ માટે યોગ્ય નથી. ૧૨૦ કરોડની પ્રજાને સમજવામાં નિષ્ફળ જનાર રાજકીય પક્ષો સામે પણ પ્રજા તેવો જ પ્રત્યાઘાત વ્યક્ત કરી શકે છે. 

Thursday, October 6, 2011

ખોટા/ખોટા = સાચા?

પોતે જ્યોતિષી ન હોય તો પણ આગાહી કરી શકે અને તે પણ સાચી નીવડશે તેની સો ટકા (ઘણા લોકો ૧૦૧ ટકા, બસો ટકાની ખાતરી આપે છે, પણ ખાતરી ૧૦૦% જ હોઈ શકે) ખાતરી આપી શકે એવી આગાહી એ છે કે ૨૦૧૪ સુધીમાં ભારતના જે રાજનેતા પર સૌથી વધુ આરોપો થશે, જે રાજનેતાને સૌથી વધુ વિવાદોમાં ઘેરવામાં આવશે, તે રાજનેતા નરેન્દ્ર મોદી છે. ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ વડા પ્રધાન પદના સક્ષમ દાવેદાર હોવાનું દેશમાં મનાય રહ્યું છે એટલે અનેક મહત્ત્વાકાંક્ષી પક્ષો અને નેતાઓ તેમની પર આરોપો લગાવશે, વિવાદો ઊભા કરશે. આજના રાજકારણમાં મેલી મથરાવટી એવી ભણેલી છે કે કોણ સાચું, કોણ ખોટું કાંઈ નક્કી જ ન થઈ શકે. વાસ્તવમાં તો રાજકીય પક્ષો અને તેમના નેતાઓ જ કેસ ઊભા કરે, તેની દલીલો કરે અને જેને આરોપી ઠેરવવું હોય તેને ઠેરવે. લોકોને તો તેઓ વિચારવાની તક જ આપવા માગતા નથી. સામે ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે તો નાના નાના મુદ્દાઓ પર પણ દળકટક લઈ આક્રમણ શરૂ થતું હોય છે. મૂળ તો આજના દરેક મોટા રાજકીય પક્ષો અને તેમના મોટા નેતાઓ મોટા મોટા આરોપાથી ઘેરાયેલા છે અને એવા આરોપોથી બચવા તેઓ સામેના પક્ષના નેતાઓ પર તેનાથી મોટા આરોપ લગાડી બેલેન્સ કરવા મથે છે. લોકો માટે હવે સારા નેતા ચૂંટવા એ કસોટી બની ગઈ છે. બધા આરોપો, વિવાદો વચ્ચે તેઓ કોણ વધુ સક્ષમ, મર્યાદા વચ્ચે પણ કોણ વધુ સારું પરિણામ લાવી શકે, તે જોતો હોય છે. રાજકીય પક્ષો અને નેતાઓ બીજા પક્ષનેતા પર જે આરોપો લગાડે તેને પણ તેઓ સ્વસ્થતાથી જોતા હોય છે.

હમણાં ચિદમ્બરમ પોતે જ મોટા આરોપીથી ઘેરાયેલાં છે અને સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પ્રણવ મુખરજીની ગરજે તેમને બચાવાઈ રહ્યાં છે. મનમોહન સરકારે મોટા મોટા મંત્રીઓ, નેતાઓને જેલમાં ધકેલવા પડે તેનો અર્થ જ એ થાય કે તેમની સરકારના શાસનમાં અપરાધી કૃત્યોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે કેન્દ્રની સત્તા તેમના હાથમાં છતાં એ સત્તાના પહેરામાંથી પણ અપરાધો બહાર ફૂટી જાય. ચિદમ્બરમ જેલમાં જાય તો છેવટે મનમોહન સિંહ પણ બચવા જેવા ન રહે. જન લોકપાલ બિલમાં વડા પ્રધાન ન આવે તેની તકેદારી આ માટે જ તો રાખવામાં આવી હતી! હવે એવા ચિદમ્બરમ નરેન્દ્ર મોદી સામેના આક્રમણનું નેતૃત્વ સંભાળતા હોય તો તેમાં સચ્ચાઈ - જુઠ્ઠાઈ નહીં માત્ર રાજકીય વસૂલી જ કેન્દ્રમાં રહે. સંજીવ ભટ્ટનાં પત્ની ચિદમ્બરમને પત્ર લખે તેમાં પણ કોની દોરવણી છે તે સ્પષ્ટ સમજી શકાય એમ છે. ખરેખર તો કેન્દ્રનાં ગૃહ પ્રધાન રાજ્યની આવી બાબતોમાં પડી નહીં શકે, પરંતુ ગુજરાત કૉંગ્રેસ અને કેન્દ્રીય કૉંગ્રેસે (યુપીએ સરકાર) સાથે મળી મોરચો ઘડી કાઢ્યો છે.

સવાલ એ નથી કે નરેન્દ્ર મોદી આમાં ખોટા છે કે ખરા. પોતાના બચાવ માટે જ સંજીવ ભટ્ટને જેલમાં નાખ્યા છે કે સંજીવ ભટ્ટ ખરેખર એને લાયક હતા. આ લડાઈ સત્તા પર બેસીને લડાઈ તેની જ છે અને નરેન્દ્ર મોદી તેમાં તેવા કુશળ છે યા નથી કે તે જ પુરવાર થશે. વણઝારાથી માંડી ગુજરાતના ગૃહમંત્રીને જેલ મોકલવાના મામલે અને અમિત શાહને તડીપાર કહેવાય એ રીતે ગુજરાત બહાર રખાયા ત્યારે નરેન્દ્ર મોદી રાજકીય ચાતુર્યથી ચૂપ રહ્યા છે. કેન્દ્ર શું, લગભગ દરેક રાજ્ય સરકારોએ હવે રાજકીય પેચીદગી માટે તૈયાર રહેવું પડે છે. તમે ખેલંદા તો અમે તમારાથી ઉપરના ખેલંદા. ગુજરાતના કૉંગ્રેસી નેતાઓને મોદી ગાંઠતા નથી તેથી આ વેળા કૉંગ્રેસમાં નર્યા ઉપેક્ષિત, ઓશિયાળા બનાવી દેવાયેલા શંકરસિંહ વાઘેલાને મોદીને ઝાલવા સુકાન સોંપાયું છે. ૨૦૧૨ની રાજ્યની ચૂંટણીમાં વાઘેલા ગુજરાત જીતાડી આપે તેવી શરત તેમાં કામ કરે છે ને વાઘેલા માટે આ છેલ્લો મોકો છે તેથી તે પણ એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. આ બધા સંજોગોમાં આરોપો, આક્રમણો થવાના જ! સંજીવ ભટ્ટના મુદ્દે દિલ્હીમાં અને પટણામાં પણ દેખાવો થાય તેમાં બીજું કાંઈ નથી, મુદ્દાને મોટો કરવાનો અને નરેન્દ્ર મોદી ભાવિ વડા પ્રધાન તરીકે લાયક નથી તેવું દેશની પ્રજાને સંદેશો આપવાનું વલણ છે. મતલબ કે હવે મોદીનો વિરોધ પણ ‘રાષ્ટ્રીય’ સ્તરે કરાઈ રહ્યો છે. આનો સીધો અર્થ ૨૦૧૪ની ચૂંટણી માટે મોદીને અત્યારથી નબળા ચીતરવાનો છે.

સામાન્યજને આમાં વકીલ દષ્ટિ કેળવવાની જરૂર નથી. સંજીવ ભટ્ટની ખોટી રીતે ધરપકડ થઈને જેલમાં નખાયા અને પછી જે થઈ રહ્યું છે યા નરેન્દ્ર મોદીના ઉપવાસ વેળા હરેન પંડયાની પત્ની જે રીતે જાહેરમાં આવવા આક્રમક બન્યાં એ બધું જ રાજકારણ છે. ન્યાય - અન્યાયનું રાજકીયકરણ આ રીતે હજુ આગળ વધશે. રાજકીય કૌશલ્ય હવે બદલાયેલી વિભાવના સાથે આગળ વધી રહ્યું છે, આમાં બધા જ કહેશે, અમે વધુ સાચા અને જે ખોટા હશે તે એવું વધુ કહેશે. ખોટાઓ ખોટાને મોટા ખોટા પાડી પોતાને સાચા પાડવા મથી રહ્યા છે. આ અત્યારના રાજકારણની તાસીર છે. આવામાં પેેલા કુતુબુદ્દીન અન્સારીને અમદાવાદ પોલીસ કમિશનરને અરજી કરવી પડી છે કે મારી તસવીરો હવે વધુ ન ચમકે એ માટે કાંઈ કરો. પ્રતીકાત્મક રીતે તેને ગોધરા પછીનાં કાંડનો પ્રતિનિધિ, રાષ્ટ્રીય પ્રતિનિધિ બનાવી દેવાયો છે. 

સીમાંકન અને સીમોલ્લંઘન

આજનો દશેરાનો દિવસ એટલે સીમાંકન અને સીમોલ્લંઘનનો દિવસ. પોતપોતાની આજીવિકાનાં સાધનની પૂજા કરી તેના પ્રત્યેનો આદર પ્રગટ કરવાનો દિવસ. નથી આપણે રાજા-મહારાજ કે નથી આપણે અબજોપતિ ઉદ્યોગપતિ. અઢળક સત્તા અને સંપત્તિ અને બીજું ઘણું બધું મેળવી શકાય એવા રાજકારણી આપણે નથી તો આકારણ અનશીન કરનાર પણ આપણે નથી. તો આપણે ક્યાં સીમાંકન કરશું? કઈ સીમાનું ઉલ્લંઘન કરી વિજય પ્રસ્થાન કરશું? આપણું સાધન તો છે અક્ષર, ભાષા. ‘અક્ષર’ એટલે જેને અંગ્રેજીમાં લેટર કહે છે તે જ માત્ર? ના. આપણો ‘અક્ષર’ એ ‘અ-ક્ષર’ પણ છે. જે કદી નાશ પામતો નથી. તેવો અ-ક્ષર ‘અક્ષર’.તો ચાલો, આજે પહેલી સીમા પાર કરીએ આ ‘અક્ષર’ને લગતી કેવળ ક્ષણજીવી એવા બોલાતા શબ્દને લિપિએ સ્થિર રૂપ આપ્યું. મુદ્રણે તેને લાંબુ આયુષ્ય આપ્યું. પણ હવે શબ્દને અક્ષર બનાવનારા બીજાં સાધનો, માધ્યમો આપણી સામે આવ્યાં છે. કમ્પ્યુટર, સીડી, ઈન્ટરનેટ જેવા આ નવાં સાધનોને ભાષાના, પુસ્તકના દુશ્મન માનવાની સીમાનું આપણે હવે ઉલ્લંખન કરવું જ રહ્યું. છાપેલું હોય તે જ પુસ્તક એવી માનસિક મર્યાદામાંથી બહાર આવવું જ રહ્યું.બીજી સીમા પાર કરવાની છે તે આપણી માતૃભાષા અંગેની. ‘ગુજરાતી ભાષા મરવા પડી છે’ એવાં રોદણાં રડવાનું હવે બંધ કરીએ આવાં રોદણાંનો ઉપયોગ પોતાના લેખન, અભિનય, સંગીત વગેરેની ભાખરી શકેવા માટે કરવાનું બંધ કરીએ. છ-આઠ કરોડ લોકોની ભાષા એમ કાંઈ ટપ દઈને મરી જતી નથી. હા, જરૂર છે એની તંદુરસ્તી અને મનદુરસ્તી માટેના સાચકલા પ્રયત્નો કરવાની. એવા પ્રયત્નો કરીએ, ભાષાના ઉઠમણાની તૈયારીઓ નહીં.

સીમોલ્લંખન કરી વિજય પ્રસ્થાન કરનારને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ લડાઈ જીતી શકાય તેમ છે, કઈ જીતી શકાય તેમ નથી. અંગ્રેજી માધ્યમ અંગેની લડાઈ જીતવાનું અશક્ય નહીં તોય અત્યંત અઘરું છે. ‘સિગરેટ પીવાથી કેન્સર થાય છે’ એવી રાતીચોળ ચેતવણી દરેક પાકિટ પર છાપી હોય છે છતાં લોકો સિગરેટ પીતાં અચકાતા નથી. અંગ્રેજી માધ્યમનાં દૂષણો અને ગુજરાતી માધ્યમનાં ભૂષણો અંગે ગમે તેટલું બોલીએ - લખીએ, પણ તેની અસર પેલી રાતીચોળ ચેતવણી કરતાં વધુ થવાની નથી. અંગ્રેજી માધ્યમના જ ફાયદા લોકોને તેમની નજરે દેખાય છે તેને કારણે આ દોટ મૂકાઈ છે. લોકોનાં પર્સેપ્શનને બદલવાનું સહેલું નથી હોતું. ગમે તેટલી વાતો કે હકીકતોનાં ગાડાં એ પર્સેપ્શનને બદલી નહીં શકે. એટલે માધ્યમની લડાઈ લડવાનું હાલતુરત તો મોકૂફ રાખી શકીએ.

દશેરાને દિવસે આપણે શેની પૂજા કરશું? આપણી સફળતાનાં સાધનો ક્યાં? પણ એ સાધનો ઘરમાં હશે તો તેની પૂજા કરી શકશું ને? એટલે પહેલો સંકલ્પ કરવાનો તે તો આ સાધનોને ઘરમાં અને હૈયામાં સ્થાન આપવાનું. પહેલું સાધન ગુજરાતી છાપું, બીજું સાધન ગુજરાતી સામયિક, ત્રીજું સાધન ગુજરાતી પુસ્તક. આપણી જાતને જ વચન આપીએ કે ઘરમાં રોજ ઓછામાં ઓછું એક ગુજરાતી અખબાર તો આવશે જ. ઘરના સેન્ટર ટેબલ પર બે-ચાર ગુજરાતી સામયિકો તો હશે જ. દર મહિને, બે મહિને એકાદ ગુજરાતી પુસ્તક ખરીદીને વાંચશું જ. એ ઉપરાંત સક્રિય ટેકો આપશું ગુજરાતી નાટકને, ગુજરાતી સુગમ સંગીતને, ગુજરાતી સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને.અને આ સપરમા દિવસે આપણે શી પ્રતિજ્ઞા લેશું? માતૃભાષા માટે બીજાએ શું કરી શકે, બીજાઓએ શું કરવું જોઇએ* તેની સલાહ આપવાને બદલે હું શું કરી શકું, હું શું કરીશ એનો વિચાર કરશું. પણ આવી પ્રતિજ્ઞા લીધા પછી આગળ લખી કઈ રીતે શકાય? 

સુખી જીવન જીવવાની ખ્વાહીશ છે?

તાજેતરમાં શેખ સા’દીના જીવન સાથે સંકળાયેલો એક સરસ પ્રસંગ જાણવા મળ્યો. એકવાર એમના પગના અંગૂઠાનો નખ ઊખડી ગયો. ખૂબ પીડા થઈ. લોહી નીકળ્યું. શેખસાહેબ મસ્જિદમાં જઈને શિકાયત કરવા લાગ્યાઃ યા પરવરદિગારે આલમ! હું તો તારો નમ્ર બંદો છું. રોજ પાંચવાર અચૂક નમાઝ પઢું છું. રોજા રાખું છું. ગરીબો-હાજતમંદોને મદદ કરું છું છતાં મને જ તકલીફ કેમ? હૈયાવરાળ નીકળી જતાં શેખ બહાર નીકળ્યા ત્યાં ગોઠણથી બંને પગ કપાઈ ગયેલા એવા એક શખસને પૈડાંવાળા લાકડાના પાટિયા પર ઘસડાતો જોયો. પેલો તો એની મોજમાં હતો. શેખસા’દી સાહેબને તરત મનમાં બત્તી થઈ. ત્વરિત દોડ્યા. મસ્જિદમાં જઈને રબની માફી માગવા લાગ્યાઃ આ અદના સેવકને માફ કરી દો બંદાપરવર. મેં ખોટી ફરિયાદ કરી. અંગૂઠાનો નખ ઊખડી ગયો તેમાં ઘણું બોલી નાખ્યું. પેલાને તો બે પગ પૂરા નથી તોય પોતાની મસ્તીમાં જીવ્યે જાય છે. હું બેકદર છું. હું સ્વાર્થી છું. તારી દયા, દુવા અને રહેમોકરમને પિછાણી ન શક્યો. મને ક્ષમા કર મારા પરવરદિગાર...!

આજે આદમી ઘડિયાળને કાંટે સતત દોડ્યા કરે છે. મશીનની જેમ કામ કરે છે, પણ એના મનને જંપ નથી. તે પોતાના દુઃખનાં ગાણાં ગાયાં કરે છે.સાવ નાની નાની વાતે ઓછું લાવે છે. તાણમાં જીવવું જાણે તેની આદત બની ગઈ છે. તે આધુનિક ઉપકરણોને વસાવી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ પોતાના નિર્દોષ હાસ્યને વહાવી નથી શકતો. હરપળે તેનું જીવન ભારે જ લાગે છે. તે જીવનને માણી શકતો નથી. આર્થિક સદ્ધરતા તો છે, પણ માનસિક સદ્ધરતાનો નાશ થયો છે. ગુસ્સો, ચિંતા, નફરત, દોષ તેને શાંતિથી જીવવા દેતાં નથી.જીવનની દરેક ક્ષણ તે તાણમાં જ વિતાવતો હોય છે. તે પોતાના સાથી-સંગાથીઓને પણ વિશ્વાસમાં રાખી શકતો નથી. કારણ કે તેને પોતાનામાં વિશ્વાસ રહ્યો નથી. ગમે તેટલું મળવા છતાં શિકવા, શિકાયત તેની રોજિંદી આદત બની જવા પામી છે.

ઈસ્લામ ધર્મના ઉપદેશ અનુસાર વ્યક્તિએ પોતાના જીવનને સુમધુર બનાવવા માટે પોતે જ પ્રયાસ કરવો પડે છે. તે વ્યક્તિ આનંદમાં નહીં રહે તો કોઈ પણ વ્યક્તિ તેને આનંદમાં રાખી નહીં શકે.‘ સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈની’ પંક્તિ મુજબ પોતે હસશે તો દુનિયા હસશે, પણ પોતે રડશે તો કોઈને પડી નથી કે તેની પાછળ રડવા લાગે.બીજાના દુઃખે દુઃખી થઈને પોતાના સુખને બરબાદ કરનારને આજના સમયમાં ‘બેકાર લાગણીશીલ’ માનવામાં આવે છે. તેને ‘દૂબળો’ ગણવામાં આવે છે - કમજોર લેખવામાં આવે છે.

સુખી જીવનની સૂફી સલાહ વર્ણવતી એક પ્રેરણાદાયક લઘુકથા જાણવા જેવી છે. પોતાને ત્યાં વરસો સુધી અભ્યાસ કરીને સંસારમાં જઈ રહેલા શાગીર્દને ઉસ્તાદે કહ્યું,‘એક વાત સદા યાદ રાખજે, સુખ અને દુઃખ બંને માણસના મનમાં હોય છે. ભૂખ્યા માણસને સમયસર ભોજન મળે તો એ સુખી થાય છે, પરંતુ પોતાનું ભોજન કોઈ અન્યને મળે તો એ દુઃખી થાય છે.ઘણીવાર તો માણસ સુખ - દુઃખની વ્યાખ્યા વિશે સ્પષ્ટ હોતો નથી, માટે તને ક્યારેક દુઃખની લાગણી થાય ત્યારે તારાથી નીચલા સ્તરના કોઈ માણસને જોજે. તું તારું દુઃખ ભૂલી જઈશ. કદી ઊંચે નહીં જોતો, નીચે જોજે.’સાચે જ ઊંચે જોનારને દુઃખની ભાવના જલદી પજવે છે. સૂફી, ઓલિયા, સંતો ઓછામાં ઘણું કહી દેતા હોય છે. એ સાંભળવાની અને સાંભળીને સમજવાની જરૂર હોય છે. સમજીને આચારમાં ઉતારો તો દુઃખ જેવો શબ્દ જીવનની ડિક્શનરીમાં રહે નહીં. 

કોઈને કંઈ નવું મળે તેનાથી આપણને શા માટે દુઃખ થવું જોઈએ?

દુઃખ ક્યારેક ઈર્ષામાંથી જન્મે છે. બે સગાં ભાઈ હોય અને બેમાંથી એકની તરક્કી, સંપત્તિ, જાહોજલાલી વધે ત્યારે બીજાને અદેખાઈ આવે તો એ દુઃખી થવાનો, પણ અદેખાઈને બદલે એમ વિચારે કે આ પ્રગતિ, સંપત્તિ મારા ભાઈની છે. ભાઈ ક્યાં પારકો છે? તો આપોઆપ દુઃખની લાગણી ઓગળી જવાની. એ અર્થમાં પણ સૂફી, ઓલિયાઓની વાત સમજવા જેવી છે. શબ્દો થોડા બદલીને કહીએ તો કંઈક આમ કહી શકાય. તને દુઃખની લાગણી થાય ત્યારે તારાથી વધુ દુઃખી કોઈને જોજે. તારી પીડા ઘટી જશે. તકલીફ મૂળ અહીં છે. આપણે પીડાની પળોમાં આપણાથી વધુ સુખી હોય એની તરફ જોઈએ છીએ. એટલે આપણું દુઃખ બમણું થઈ જાય છે. એનો છેડો ક્યાંય દેખાતો નથી. અંત આવતો જ નથી.બધા જ સંબંધ સ્વાર્થી નથી હોતા. તેને પરોક્ષ રીતે જોવાથી તેમાં રહેલા આનંદને માણી શકાય છે. સંબંધની પરીસીમાઓ નક્કી કરવાથી અનેક મુસિબતોમાંથી ઉગરી જવાય છે.ટૂંકમાં નીચું જુઓ, અપેક્ષા ઘટાડો. અસહ્ય થઈ પડે તો તમારાથી ઓછા સુખી કે વધુ દુઃખીને જુઓ. પછી એક જાણીતા શાયરે હિન્દી ફિલ્મના ગીતમાં કહેલી આ આશાસ્પદ વાતને તમારા જીવનમાં વણી લો અને તેને સતત વાગોળતા રહોઃ-

દુનિયા મેં કિતના ગમ હૈ

મેરા ગમ કિતના કમ હૈ,

લોગોં કા ગમ દેખા તો

મેં અપના સારા ગમ ભૂલ ગયા...

Saturday, October 1, 2011

શરમ એ કઇ બલાનું નામ?


બીફોર નવરાત્રિ ગરબાની રમઝટની હારોહાર બીફોર ચૂંટણીની પ્રચાર સભાના ઉધામા વચ્ચે ગુજરાત ખરેખર વાયબ્રન્ટ ગુજરાત સાબિત થઇ રહ્યું છે. નવરાત્રિ નવ દિવસની. દસમા દિવસે રાવણનું દહન થશે. ચૂંટણી આખું વર્ષ રાસડા લેવડાવશે! રાસલીલા અને રાજલીલા વચ્ચે ફરક છે! રાસલીલા ઉત્સવ છે. રાજલીલા ઉધામા છે. આ ઉધામા લાંબા સમયના પુરવાર થશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષની વાર છે અને અત્યારથી પ્રચારસભાઓ ગાજવા માંડી છે. એસ.ટી. બસો ભરીભરીને ગુજરાતના ચારે ખૂણેથી લોકો સભાસ્થળે ઠલવાયા અને બસની રાહ જોતા મુસાફર બસસ્ટેન્ડો પર અટવાયા! રાજ્યની તમામ રૂટની બસ એક જ રૂટ પર દોડવા માંડી હતી! કેટલી રોકડી થઇ અને કેટલા રૂપિયા બસ ભાડા પેટે સરકારના ખાતે ઉધારવામાં આવ્યા. એ તો એસ.ટી બોર્ડવાળા ને પૂછવું પડે! પણ અહીં કોને પડી છે કે એવું બધું પૂછવા જાય! પુછનારું જ કોઇ નથી! બોલવાવાળો કોઇ નથી! માત્ર નેતાઓ બોલે છે. એ બોલે છે પણ સાંભળતા નથી. સાંભળવાની કુટેવ એમણે કેળવી નથી!

રાજકીય અભ્યારણમાં વાચાળતાની મોસમ ખીલી છે! વાતો હવે ઘોંઘાટમાં ફેરવાઇ ગઇ છે. દિલ્હીના રામલીલા મેદાનથી ઉદ્દભવેલો ઘોંઘાટ હવે ગુજરાત પર ઝીંકાવા માંડ્યો છે. એકને ઊપડેલો સનેપાત બીજાને ધુણાવે છે. ન.મો. સદ્ભાવના મંચ પર ઉપવાસ પર બેઠા એટલે સામે મૂળ ભાજપના પણ કોંગ્રેસનું પાણીગ્રહણ કરીને વટલાઇ ગયેલા શંકરસિંહ વાઘેલા ઉપવાસ પર ઊતરી ગયા. બંને ઉપવાસ પર હતા ત્યારે પ્રજાને ખાતરી થઇ ગઇ કે મોદી ખાતા નથી ને ખાવા દેતા નથી! કૉંગ્રેસમાં એક સગો ને બે સાવકા પુત્રો હોવાથી પક્ષમાં કુટુમ્બ કજિયો નિવારી શકાતો નથી. સગા અને સાવકાઓ, બધાને કુટુમ્બના મોવડી બનવું છે. કૉંગ્રેસમાં મૂળભૂત કૉંગ્રેસી સગા દીકરાની ભૂમિકામાં છે. ચિમનભાઇ પટેલ છોડી દીધેલી કૉંગ્રેસમાં પાછા વળ્યા એમની સામે એમના સાથીદારોનું આખું ટોળું કૉંગ્રેસમાં આવી ગયું. શંકરસિંહ પણ કૉંગ્રેસમાં પોતાનું આખું ટોળું લઇને પ્રવેશ્યા! આ ત્રણે જૂથો પક્ષમાં પ્રભુત્વ જમાવવા રચ્યાપચ્યા રહેતા હોવાથી પક્ષને આંતરિક કજિયો પજવે છે અને ધરખમ હરીફ સામે ટક્કર લેવાની ચિંતા પણ જંપવા દેતી નથી!ભાજપમાં પણ આંતરિક સ્થિતિ ખૂબ જ ખરબચડી હોવા છતાં કોઇ બોલી શકતું નથી એટલે કૉંગ્રેસની જેમ ભાજપનો કજિયો બહાર આવતો નથી! ન.મો. ભાજપના એકલવાયા છે એટલે લાડીલા છે. એ એક સિવાય બાકીના સાવકા ન હોવા છતાં સાવકાપણું વેઠે છે, કારણ કે એકલવાયાને એમનાથી કશું કહી શકાતું નથી. તાજેતરમાં ન.મો.ને વડાપ્રધાન બનાવવાની વાતે ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પણ એ ઉત્સાહ મોદી વડાપ્રધાન બને એ પૂરતો નથી પણ એ બહાને મોદી અહીંથી જાય તો બીજા કોઇને મુખ્યમંત્રી બનવાની તક મળે! બાકી તો મોદી આજીવન મુખ્યમંત્રી જ રહેશે. નરેન્દ્ર મોદી સિવાય ભાજપના અન્ય ઉમેદવારોએ મુખ્યમંત્રી બનવાનાં સ્વપ્નો જોવાનું છોડી દેવું જોઇએ. કારણ કે આમ જોતાં કૉંગ્રેસ કરતા ંભાજપની સ્થિતિ વધુ ખરાબ છે.કૉંગ્રેસમાં ત્રણ જૂથો હોવા છતાં કૉંગ્રેસપક્ષ ટકી રહ્યો છે. ભાજપની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ભાજપ નથી ચાલતો, મોદી ચાલે છે. મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમની સામે પ્રચંડ વિરોધાત્મક વાવાઝોડાં ફૂંકાયાં એમાં મોદીના બચાવ માટે ભાજપની કોઇ ભૂમિકા નજરે ચડતી નથી. ઊલટાનો મોદીએ જાતે ખુદનો બચાવ કર્યો એ સાથે ભાજપનો પણ એમણે બચાવ કર્યો છે! એ દિલ્હીવાળા પણ જાણે છે અને વડાપ્રધાનપદના લાલકૃષ્ણ અડવાણીએ પણ સ્વૌચ્છિક રીતે પોતાના એ દાવો પડતો મૂક્યો છે! છતાં એ પૂર્વે જાહેર કરેલી રથયાત્રાને પડતી મૂકવામાં પ્રતિષ્ઠા ઘાયલ થવાનો ભય એ ખાળી શક્યા નથી. રથયાત્રાનો હવે પૂર્વવત પ્રભાવ પડવાનો નથી. અણ્ણા હઝારે પણ એવી જ કોઇ યાત્રા માટે થનગની રહ્યાં છે! એમની લડત ભ્રષ્ટાચાર સામે છે પણ ભ્રષ્ટાચાર દૂર થવાની શક્યતા નથી, કારણ કે ભ્રષ્ટાચારનાં મૂળ પ્રજામાં પડ્યાં છે.પ્રજાને નેતાગીરીમાં વિશ્વાસ નથી એટલે પ્રજા પોતાનાં કામો પોતાની રીતે કરાવી લે છે. નેતાઓના કાલાવાલા કરવા છતાં જે કામો થઇ શકતાં નથી એ કામો લાંચ આપવાથી થઇ જાય છે. પ્રજાને એ માર્ગ સરળ લાગ્યો છે. અને પ્રજાએ એ માર્ગ સ્વીકારી લીધો છે. સભામાં પાંચ હજાર કે પચાસહજારની ભીડ એકઠી કરવાથી કશું વળતું નથી! ભીડ એ સફળતાનું પ્રમાણપત્ર નથી!રાજકીય ક્ષેત્રે જે ઉધામા શરૂ થયા છે તે ચૂંટણીલક્ષી છે. એ માટે લોકોની ભીડ એકઠી કરવામાં આવે છે પણ હેતુ લોકલક્ષી નથી. જંતરમંતરથી રામલીલા મેદાન અને રામલીલા મેદાનથી ગુજરાત સુધી સભાઓને છલકાવતી ભીડ વચ્ચે સામાન્ય માણસની સમસ્યાનો કોઇ ઉલ્લેખ ક્યાંય સંભળાયો નથી. ર-જી સ્પેક્ટમ, આદર્શ સોસાયટી, કલમાડી ગેમ, કનીમોઝી, મધુકોંડા અને સ્વિસ બેંકના સંદર્ભે કરોડો રૂપિયાની વાતોમાં પાંચપચાસ રૂપિયામાં દિવસ ગુજારતા માણસની સમસ્યા પ્રત્યે કોઇનું ધ્યાન જતું નથી. સ્વિસ બેંકમાંનું કાળું નાણું કઢાવવા માટે ઉધામા થયા કરે છે, પરંતુ સામાન્ય માણસ સુધી રોજીરોટી પહોંચાડવાનાં કોઇ પ્રયાસો થતા નથી. સ્વિસ બેંકમાં કાળું નાણું હોવાને કારણે ગરીબો ભૂખે મરે છે. એવું તો નથી જ! સ્વિસ બેંકમાં નાણાં આવી જાય તો પણ ગરીબોની સ્થિતિ સુધરવાની નથી. સુધારવાની દાનત પણ નથી! કારણ કે ગરીબની ખરી વ્યાખ્યા શું છે, એ કોઇને સમજાતું નથી. ગરીબ માણસને રોજના બત્રીસ રૂપિયા બહુ થઇ ગયા એવો નાણાકીય બાબતના નિષ્ણાત મોન્ટેકસિંહ અહલુવાલિયાએ ફતવો જાહેર કરી દીધો છે. આવો ફતવો જાહેર કરતા પહેલાં અહલુવાલિયાએ પોતાના ડ્રાઇવરને, વોચમેનને અને માળીને જ પૂછી લીધું હોત કે બત્રીસ રૂપિયામાં માણસ દિવસ ગુજારી શકે ખરો? પૂછવામાં નાનમ લાગતી હોય તો વોચમેન અને ડ્રાઇવરને એ કેટલો પગાર આપે છે, એ પ્રત્યે ધ્યાન આપ્યું હોત તો પણ બત્રીસ રૂપિયામાં દિવસ ગુજારવાની વાત એમણે કરી ન હોત! ગરીબને માત્ર દિવસ જ ગુજારવાનો છે? કપડાંલત્તાનું શું? માંદગી અને તેની તબીબી સારવારનું શું? એને પણ સંતાનોને ભણાવવાના ન હોય? વળી આયોજનપંચનું તારણ તો એવું છે કે શહેરી માણસ મહિને નવસો પાંસઠ રૂપિયા અને ગ્રામીણ માણસ મહિને સાતસો એંસી રૂપિયા ખર્ચી શકતો હોય તો એને ગરીબ ના કહેવાય? રોજના માત્ર બત્રીસ રૂપિયામાં દિવસ ગુજારવા પ્રજાને મજબૂર કરતી સરકારને પોષણ અને કુપોષણ વચ્ચેનો ભેદ સમજાતો નથી? પણ એવાય લોકો છે જેમને રોજના બત્રીસ રૂપિયા પણ મળતા નથી, એમને કઇ કેટેગરીમાં મૂકશો તમે? કેટેગરી પણ એક કન્ડિશનલ ઓફિસોમાં બેસીને નક્કી કરવામાં આવતી હોય છે. પરિણામે આજે પણ સવાસો કરોડની વસ્તીવાળા દેશમાં ચાળીસ કરોડ લોકો ગરીબીરેખા નીચે મોત નથી આવતું માટે જીવતા હોય છે! આ અત્યાચાર પણ છે અને ભ્રષ્ટાચાર પણ છે.સ્વિસબેંક સુધી લાંબા થતા સવાયા સેવકોનાં ધ્યાનમાં એ વાત નથી આવતી કે ખાધેપીધે સુખી સંપન્ન એવા સાઠ ટકા લોકોએ બી.પી.એલ.નું પ્રમાણપત્ર મેળવી લીધું છે. અને જે ખરેખર બી.પી.એલ.ની સંજ્ઞામાં આવે છે, એવા વીસ ટકા લોકો બી.પી.એલ.ના પ્રમાણપત્રથી વંચિત છે! શું આ ભ્રષ્ટાચાર નથી? આવા લોકો માટે જ્યાં કોઇ વ્યવસ્થા નથી એવા દેેશમાં ‘નોટ ફોર વોટ’ના નામે કરોડો રૂપિયા ભરી સંસદમાં ઉછાળવામાં આવે છે. એ તો અત્યંત શરમજનક ભ્રષ્ટાચાર છે! પરંતુ શરમ કઇ બલાનું નામ છે એ જ કોઇ જાણતું નથી ત્યાં શરમાવાનું વળી કેવું?