- દેશના વર્તમાન રાજકીય સંજોગો જોતાં કેન્દ્રમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તે એક સ્વપ્ન બની ગયું છે. સંસદમાં બેતૃતીયાંશ... બહુમતી સાથે સત્તા મેળવતો... પક્ષ, એવા અખબારી મથાળાં આગામી સમયમાં વાંચવા મળે તો જ આશ્ચર્ય થશે. આજે પ્રાદેશિક રાજકીય પક્ષો એટલા જોરાવર - બળુકા બની ગયા છે કે રાષ્ટ્રીય પક્ષોની થાળીમાંથી ભાગ પડાવે છે. કોઈ એક પક્ષની સત્તા સંસદમાં આવે એવું હવે દેખાતું નથી. સૌથી મોટા પક્ષ તરીકે ઉપસતા પક્ષોને પ્રાદેશિક પક્ષોને સલામ મારવી પડશે. જુદા જુદા પ્રાદેશિક પક્ષોના દરવાજે ભટકવું પડશે.
આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે માટે ખુદ રાષ્ટ્રીય પક્ષો જ જવાબદાર છે. સૌથી દયાજનક હાલત તો કોંગ્રેસની છે કારણ કે કોંગ્રેસ, રાષ્ટ્રીય રાજકારણમાં માત્ર સત્તા નહીં પણ પ્રાણવાયુ છે. દેશને આઝાદ કરાવવા કોંગ્રેસે નેતૃત્વ પૂરું પાડ્યું છે. ભારત-પાક વિભાજન પૂર્વેના આ રાષ્ટ્રીય પક્ષના સ્વાતંત્ર્ય આંદોલનની વિગતોથી આજે ભાગ્યે જ કોઈ અજાણ હશે. હાલની મનમોહન સિંહની સરકારમાં ટુ-જી ગોટાળા પ્રકરણે પ્રાદેશિક પક્ષની ભૂમિકા વાચકોને ખ્યાલમાં આવી જ હશે! મમતા બેનરજીની તૃણમુલ - કોંગ્રેસની ભૂમિકા પણ લોકોએ જોઈ જ છે!
દેશમાં ૧૯૭૧ની ચૂંટણી મહત્ત્વની બની ગઈ હતી કારણ કે દેશની જૂની વ્યવસ્થા સામે સ્વ. ઈન્દિરા ગાંધીએ સારો એવો ખળભળાટ મચાવ્યો હતો અને ગજબની સફળતા મેળવી હતી. આ ચૂંટણી સ્વ. ઈન્દિરા ગાંધીની નવી કોંગ્રેસ અને છૂટાછવાયા વિપક્ષો વચ્ચે ખરાખરીના જંગ સમાન બની ગઈ હતી.
સ્વાતંત્ર્યના છ દાયકા પૂરા થતાંની સાથે જ દેશમાં લોકશાહી યાત્રામાં મોરચાના રાજકારણનું નવું પ્રકરણ ઉમેરાયું છે. મોરચાનું રાજકારણ શરૂ થયું છે. તેના માટે કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં ઘટતું જતું વર્ચસ્વ મુખ્ય કારણ છે. રાષ્ટ્રીય પક્ષોનો જનાધાર પણ ઘટતો જાય છે. તે સાથે પ્રાદેશિક રાજકીય પક્ષોનો પ્રભાવ -વર્ચસ્વમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ચૂંટણીઓમાં રાષ્ટ્રીય પક્ષોને સ્પષ્ટ બહુમતી મેળવવા કપરું બની ગયું છે. જેથી કેન્દ્રમાં મોરચા સરકારની રચના અનિવાર્ય બની ગઈ છે. જોકે રાજ્યોમાં મોરચા રાજકારણનો આરંભ ક્યારનો યે શરૂ થઈ ગયો છે. સૌપ્રથમ મોરચા સરકાર ૧૯૫૬માં કેરળમાં ઈ. એમ. નાંબુદ્રીપાદે રચી હતી. ૧૯૫૯માં કેન્દ્ર સરકારે નાંબુદ્રીપાદ સરકારને બરતરફ કરી હતી. આમ મોરચા રાજકારણનો પ્રારંભ કોંગ્રેસે કરાવ્યો છે. આ નીતિની આજે કોંગ્રેસ ભારે કિંમત ચૂકવે છે. પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસના હાથમાં વાટકો પકડાવી દીધો છે.
એક પક્ષની બહુમત સરકાર કે પ્રાદેશિક પક્ષોના ટેકાથી રચાયેલી સરકાર શ્રેષ્ઠ? આ મુદ્દા અંગે વિભિન્ન સૂર વ્યક્ત થાય છે. એક વિચારધારાના નિષ્ણાતોનું માનવું છે કે સ્પષ્ટ લોકચુકાદો સ્થિર સરકાર, સ્થિરતા સાથે વહીવટ-આર્થિક વ્યવસ્થાની દષ્ટિએ જરૂરી છે. આનાથી વિરુદ્ધ વિચાર મુજબ લાંબા સમયથી એકચક્રી શાસન ચલાવતા પક્ષની નિષ્ફળતાથી હતાશ થયેલા મતદારોએ કોઈ એક પક્ષને બહુમતી આપવાનો માર્ગ છોડી મોરચાને બહુમતી આપવાનો નવો ચીલો પાડ્યો છે. સ્થિર, ભ્રષ્ટ, અસક્ષમ સરકાર કરતાં અનેક પક્ષોના મોરચા સાથેની સરકાર ઘણી સારી ગણાય, એવું મોરચા સરકારના ટેકેદારોનું માનવું છે. આ તો ‘જો’ અને ‘તો’નો સવાલ છે.
દેશની વર્તમાન રાજકીય જરૂરિયાતો દ્વારા મોરચા રાજકારણનો જન્મ થયો છે અને તેનો વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવું ખોટું નથી. દુર્ભાગ્યે પ્રાદેશિક રાજકીય પક્ષો સમગ્ર રાષ્ટ્રનું હિત વિચારવાને બદલે ધર્મ, જાતિ, ભાષા, પ્રાદેશિક પ્રશ્નો - સમસ્યાઓના નામે મતો ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સત્તા મેળવવા મતદારોને કેમ ભરમાવવા તેના નવા નવા પ્રયોગો કરતાં રહે છે.
વર્ષ ૧૯૯૬માં થયેલી ચૂંટણીઓનાં પરિણામોનો મુખ્ય સૂર એ હતો કે રાષ્ટ્રીય પક્ષોએ મતદારોના બદલાતા મિજાજની અવગણના કરવી જોઈએ નહીં. મતદારો, રાષ્ટ્રીય પક્ષો સિવાયના પ્રાદેશિક પક્ષો નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારોને મત આપતા ખચકાશે નહીં. કેટલાંયે રાજ્યોમાં નવા રાજકીય પક્ષો, વિશેષ વોટ બેન્કોના પ્રતિનિધિત્વ સાથે ઊભરી આવ્યા હતા. વિજેતા થવાની આશા નહીં હોવા છતાં મતદાનના સાક્ષી બની ગયા. કુલ મતદારોના એક તૃતીયાંશથી પણ વધુ મતદારોએ ત્રણ મુખ્ય રાજકીય પક્ષ, કોંગ્રેસ, ભાજપ અને રાષ્ટ્રીય મોરચા - ડાબેરી મોરચાને મત આપ્યા નહીં પણ પ્રાદેશિક પક્ષોને વધુ મત આપી પસંદગી ઉતારી હતી.
- કોંગ્રેસ - ભાજપનો ઘટતો જતો રાષ્ટ્રીય પ્રભાવ અને ઘટતા જનાધાર તથા તેમની પાછળ પ્રાદેશિક પક્ષોની ભીડ, રાજકીય વિચારમંથનની બાબત બની ગઈ છે. રાષ્ટ્રીય રાજકારણમાં પ્રાદેશિક પક્ષોનું જોર વધી રહ્યું છે અને વધતું રહેવાનું છે. તેમની ક્ષમતા-પ્રભાવ - વર્ચસ્વની અવગણના કરવી રાષ્ટ્રીય પક્ષોને પોષાય નહીં. આજે બહુજન સમાજપાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, તેલુગુદેશમ, અન્નાદ્રમુક, મનસે જેવા પ્રાદેશિક પક્ષો અસ્તિત્વ ધરાવે છે. ત્રિશંકુ લોકચુકાદાના પ્રસંગોમાં આ પ્રાદેશિક પક્ષોનું વજન વધી જાય છે. સત્તા વહેંચણીમાં પોતાનો હિસ્સો પડાવે છે. બસપ જેવા પ્રાદેશિક પક્ષો પોતાના રાજ્યમાં લોકપ્રિય છે તેમ ગુજરાત સહિત કેટલાંક રાજ્યમાં ભાજપ પણ લોકપ્રિય છે. ઉમેદવારોના જય-પરાજયમાં તેની ભૂમિકા યાદ કરવી જ પડે.
No comments:
Post a Comment