Tuesday, September 27, 2011

વૈશ્વિક મંદી માત્ર ઔદ્યોગિક રાષ્ટ્રોને જ અસરકર્તા રહેશે



આંતરરાષ્ટ્રીય સ્તરે અમુક રાષ્ટ્ર આર્થિક ભીંસમાં આવ્યાં છે. તેમણે વૈશ્વિક મંદીની કાગારોળ મચાવી છે, પરંતુ હાથના કર્યા તેમને જ વાગી રહ્યા છે. અત્યાર સુધી ઔદ્યોગિક માલસામાન નિકાસ કરીને તેના ઊંચા ભાવ મેળવતાં રાષ્ટ્ર હવે હાંફી ગયાં છે અને તેમને વધુ આવક મળતી નથી.

ભારત જેવા રાષ્ટ્રએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. જેટલા ઊંચા ખર્ચા તેટલી મંદીની વધુ શક્યતા છે. જે રીતે મંદીને ગજવવામાં આવે છે તે જોતાં અસર ઊભી થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે કે જે સ્વીકાર્ય નથી. તેજી અને મંદી એ સતત ચાલતી પ્રક્રિયા છે.

અમેરિકામાં મંદી આવે તેવું છે, પરંતુ અમેરિકામાં મંદીના કારણ અમેરિકા જાણે છે. ઈરાક - અફઘાનિસ્તાનમાં યુદ્ધનો બિન ઉત્પાદક ખર્ચ કરનાર અમેરિકા અનેક આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઘરઆંગણે બેરોજગારી વધી છે. જો રોજગારી ન હોય તો દેખીતી રીતે જ ખર્ચ ઓછો થઈ જાય અને મંદીના પગરણ થાય.

છેલ્લાં કેટલાક સમયથી વિશ્વના કોઈને કોઈ ભાગમાં વાયુ, જળ અને અગ્નિનો પ્રકોપ જોવા મળે છે. અમેરિકામાં ભયંકર વાવાઝોડું કેટલાક પ્રાંતમાં આવ્યું. આર્થિક નુકસાન ઘણું થયું છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ હજુ દાવાની પતાવટ કરી રહી છે. આ નુકસાની ઈન્શ્યોરન્સ કંપનીની નથી, પરંતુ અમેરિકાની છે.

તેવી જ રીતે અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ હતી. જાપાન અને ચીનમાં વરસાદથી નુકસાની થઈ હતી. વર્ષ દરમિયાન અડધો ડઝન સ્થળે વિશ્વમાં ધરતીકંપની ઘટના બની હતી. જે ભૂગર્ભ ગરમીને કારણે હતી. આમ જળ, વાયુ અને અગ્નિને કારણે વિશ્વમાં નુકસાની થઈ હતી.

મંદી લાવનારાં આવાં પરિબળોનું વિશ્લેષણ થતું નથી. વાસ્તવમાં મંદી માટે માત્ર આર્થિક અને બેન્કિંગ કારણ નથી. તે સિવાયના સર્વગ્રાહી કારણોનું વિશ્લેષણ થવું જોઈએ. અમેરિકા દરેક બાબતને અન્ય રાષ્ટ્ર પર ઢોળવા પ્રયત્ન કરે છે, પરંતુ પોતાની ક્ષતિ અને મર્યાદા સ્વીકારવાની તૈયારી નથી. હાલમાં ઘણાં અર્થશાસ્ત્ર ખોટાં પડી રહ્યાં છે. ખાસ કરીને પશ્ચિમના રાષ્ટ્ર જેના આધારે કાર્ય કરતા હતા તેવી આર્થિક વિચારધારાના વળતા પાણી થઈ રહ્યા છે. યુરોપના એક પછી એક રાષ્ટ્ર નાદારી તરફ ધકેલાતાં જાય છે. છતાં તેઓ પોતાની ભૂલ સ્વીકારતાં નથી. આવું ક્યાં સુધી ચાલશે?

અમેરિકા અને યુરોપની ઝાકઝમાળ હવે ઝાંખી પડી રહી છે. તેઓએ દાયકાઓ સુધી પોતાનું આર્થિક પ્રભુત્વ જાળવી રાખ્યું અને હવે કંઈ જ પોસાતું નથી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેન્ક દ્વારા કઈ કઈ કામગીરી થઈ હતી તેનું વિશ્લેષણ કરવામાં આવે તો અમેરિકાની આર્થિક અસ્થિરતાનાં સાચાં કારણ જાણવા મળે. છેલ્લાં ૪૦ વર્ષમાં વિશ્વ બેન્કની સહાય કે લોન વડે કયા રાષ્ટ્રનો ઉદ્ધાર થયો છે? લેટિન અમેરિકાનાં રાષ્ટ્રો દેવાળિયાં બન્યાં તેના કારણમાં વિશ્વ બેન્કની કામગીરી હતી. બ્રાઝિલ, આર્જેન્ટિના, ઈક્વાડૉર, ચીલી આ તમામ રાષ્ટ્ર ખેતીવાડીમાં આગળ હતાં અને તેમની આયાત-નિકાસ વચ્ચે સમતુલા હતી.

પરંતુ ‘‘આર્થિક હત્યારાઓ’’ દ્વારા આ રાષ્ટ્રોને મોટા પ્રોજેક્ટના રવાડે ચડાવી દેવાયાં. પરિણામ એ આવ્યું કે તેઓ પર દેવાના ડુંગર ખડકાયા - નિકાસ વધારવી પડી અને ત્યાં સામાજિક સંવાદિતા સામે જોખમ ઊભું થયું અને તંગદિલી - સંઘર્ષનું વાતાવરણ નિર્માણ થયું. બાદમાં ત્યાંના શાસકોને નિષ્ફળ પુરવાર કરીને પોતાના મળતિયાને ગોઠવી દેવાયા હતા.

અમેરિકાની ફેડરલ રિઝર્વ જે કારણ આપે છે તે ગળે ઊતરે તેવા નથી. રાજકીય અને આર્થિક બાબતોમાં ઘણી ભૂલો થઈ છે. હવે તે સ્વીકારીને સુધારાત્મક પગલાં ભરવાં એક જ વિકલ્પ છે. બાકી વિશ્લેષણ કરવાનો કોઈ અર્થ નથી. આવી બાબતનું પ્રવર્તમાન સમયમાં કોઈ જ મહત્ત્વ નથી.

સમગ્ર વિશ્વ કોઈક ત્રિભેટે આવીને ઊભું રહ્યું છે. તેમાં હવે કઈ દિશા પકડવામાં આવશે તે કહેવું મુશ્કેલ છે. વિશ્વમાં આવક, રોજગારી, જીવન આવશ્યક ચીજવસ્તુના ભાવમાં સતત વધારો અને એવા જ અન્ય આર્થિક પ્રશ્નો દિવસે ને દિવસે જટિલ બની રહ્યા છે. સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલી વધી રહી છે.

અમેરિકાના નેતૃત્વના ધોરણ કથળી રહ્યા છે. દરેક પ્રમુખ સમક્ષ પડકાર વધે છે અને તેઓ પડતર પ્રશ્ન છોડીને સત્તાનો ત્યાગ કરે છે. અમેરિકાની આર્થિક પરિસ્થિતિ કથળતી જાય છે, પરંતુ કોઈ ઉપાય મળતા નથી. જે કોઈ ઉપાય સૂચવે તે સ્વીકારવા નથી. 

No comments:

Post a Comment