કૂતરાની પૂંછડી વાંકી હોય તો એની પાછળ એનો નૈસર્ગિક આકાર છે. માણસની બુિ દ્ધસીધુંસટ વિચારી, જાણી અને સમજી શકવાને સમર્થ હોય છતાં આડીઅવળી હરકત કર્યા કરે તો એ એનો પોતાના પરનો અત્યાચાર છે. અરીસાની સામે ઊભા રહીને કે પછી એકાંતની અદાલતમાં પોતાને જ આરોપીના કઠેડામાં ઊભા રાખીને કેટલાય જણે વિચાર્યું હોય છે, ‘‘મારે આ ભૂલ કરવી જોઈતી નહોતી. આની પહેલાંય આવું થયું હતું ત્યારે...’’ ત્યારે જે શીખ્યા હતા તે સુધરી જવા માટેની પૂરતી ચેતવણી હતી. છતાં જો વારંવાર ખાડામાં પગ પડે તેમ વર્તો પછી કોણ તમને સાચવવાનું? સ્વભાવ, વહેવાર, વાણી જેવા બધા મોરચે માણસ ઘણીવાર પોતાની સામે જ લાચાર થઈ જતો હોય છે. એ જાણવા છતાં કે ખોટું થઈ રહ્યું છે. ભૂલ કરનાર ડાહ્યો ત્યારે જ કહેવાય જ્યારે ભૂલમાંથી મળેલા પાઠ દ્વારા એ સમયને ચાતરી જઈને સુખી, સફળ અને સર્વશ્રેષ્ઠ બની જાય. સચોટ ના રહીએ તો ચાલે પણ જેનાથી ચોટ લાગતી જ રહે તેવી ભૂલો ક્યારેય દોહરાવવી જોઈએ નહીં. તો ક્યારે સુધરવું છે?
No comments:
Post a Comment