Tuesday, September 20, 2011

કુદરત આક્રમક બની છે દરેક આફત સંદેશ આપે છે

પૂર, ભારે વરસાદ, આગ, અકસ્માત, ધરતીકંપ આ તમામ બાબત આવનારા દિવસોના એંધાણ સૂચવે છે.

સિક્કીમ સહિત પૂર્વ- ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં થયેલા ધરતીકંપની નુકસાનીની વિગતો ધીમે ધીમે બહાર આવી રહી છે. નેપાળમાં પણ ભારે નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે. અંદરના ભાગે થયેલી નુકસાનીના અહેવાલ હજુ મળવા બાકી છે.પ્રારંભિક મૃત્યુનો આંક ઘણો ઓછો છે. પરંતુ તે વધવાની પૂરી શકયતા છે. પહાડી વિસ્તારમાં સંદેશાવ્યવહારની સુવિધા મર્યાદિત છે એટલે સાચી માહિતી મળતાં હજુ સમય લાગશે. તેમ છતાં મિલકતોને અનહદ નુકસાન થયાના અહેવાળ મળી રહ્યા છે જે ગંભીર છે.જે વિસ્તારમાં ધરતીકંપ થયો છે તે આર્થિક રીતે વિકસિત નથી. પરંતુ સંપત્તિને જે નુકસાન થયું છે. તેનાથી આંચકો લાગે છે. આવો ધરતીકંપ ક્યા કારણથી થયો છે તે પણ જાણી શકાતું નથી. ધરતીકંપ માટે કદી વૈજ્ઞાનિક કારણ બહાર આવતા નથી. માત્ર અનુમાન આધારિત કારણ હોય છે.

વિશાળ જનસંખ્યા ધરાવતા મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, હૈદ્રાબાદ જેવા મહાનગરોએ આવી કુદરતી આપત્તિમાંથી બોધપાઠ ગ્રહણ કરવાની જરૂર છે. સંપત્તિ, જનસંખ્યા, આર્થિક વ્યવસાય વગેરેનું વિકેનિ્દ્રકરણ હોવું જોઈએ. દરેક બાબત એક જ સ્થળે કેનિ્દ્રત કરવાના ભયસ્થાન ઘણા છે.મુંબઈ જેવા મહાનગર માટે આવી બાબત લાલબત્તી સમાન છે. કારણ કે છેલ્લા ૧૦ વર્ષમાં બહુમાળી અને ટાવર સિવાયના મકાન બનતાં જ નથી. ટેનામેન્ટ તો હવે ભૂતકાળની બાબત બની ગઈ છે. પરંતુ આવા ઊંચા મકાન આગ- અકસ્માત કે ધરતીકંપ વખતે ભયાનક યાતના લાવી શકે છે.

નેપાળ કે જે ચારેબાજુથી માત્ર જમીન માર્ગ સિવાય કોઈ વિકલ્પ ધરાવતું નથી અને રસ્તાઓ પણ પહાડ પર્વત વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં ધરતીકંપથી ભારે નુકસાન થયાના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા નેપાળની હાલત ઘણી ખરાબ બની છે.

પાટનગર દિલ્હીમાં પણ ધરતીકંપના આંચકા લાગ્યા હતા. ભારત જેવા રાષ્ટ્રને કોઈપણ રીતે આવી નુકસાની પોસાય તેવી નથી. ઘણી બાબતોમાં ખોટા અગ્રતાક્રમ ધરાવતાં ભારત જેવા રાષ્ટ્ર સમક્ષ મુશ્કેલી અને સમસ્યાનો કોઈ પાર નથી તેવે વખતે આવી કુદરતની થપ્પડ ખૂબ જ આકરી લાગે છે.

આયોજનની પ્રક્રિયા અને નગર આયોજનમાં વિકેન્દ્રીત અર્થવ્યવસ્થા અને જનસંખ્યાનું પણ વિકેન્દ્રીકરણ ખૂબ જ અનિવાર્ય બન્યું છે. ત્રાસવાદ, આગ, ધરતીકંપ અને અન્ય કુદરતી આફત વખતે માત્ર નાના- નાના કેન્દ્ર હશે તેજ બચી શકવાના છે. તે સિવાયના માટે મુશ્કેલી ઊભી થશે.

માહિતી અને સંદેશાવ્યવહારના નેટવર્કને પણ ભારે નુકસાન થયું હોવાથી સાચી આંકડાકીય માહિતી મેળવવામાં વાર લાગી રહી છે. વળી મિલકતોની નુકસાની માટેની આકારણી થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. વરસાદ હજુ પડી રહ્યો છે એટલે ઢીલ થવાની સંભાવના છે.

ધરતીકંપનું કેન્દ્ર દૂર પૂર્વ- જેમાં જાપાન, ઈન્ડોનેશિયા, ચીન અને હવે ભારત તરફ ખસી રહ્યું છે. અલબત્ત આ કોઈ પ્રમાણ ગણી શકાય નહીં. પરંતુ આવી પ્રક્રિયા થઈ છે તે ધ્યાનમાં લેવાની જરૂર છે. જાપાનમાં થયેલો ધરતીકંપ આંખ ખોલનારી બાબત બની હતી કે જે ગત માર્ચમાં બનેલી ઘટના છે.

મોટા શહેરોને સ્થાને નાના કેન્દ્ર- ઊંચા મકાનોને સ્થાને તદ્દન નાનાં રહેણાંક અને તમામ બાબતો છૂટી છવાઈ હોવી જોઈએ. અણુમથકો- ઇલેકિટ્રસિટીના કેન્દ્ર અને આગ લાગે તેવી બાબતો આ તમામ સામે નવેસરથી વિચારણા કરવી અનિવાર્ય બની છે. આ બાબતે ટોચની કક્ષાએથી ગંભીર વિચારણા થવી જોઈએ.

જેટલી બાબતો બની ગઈ છે તે ભલે રહી પરંતુ હવે નવીન બાબતોને નગર આયોજનમાં સ્થાન દેવાની જરૂર નથી. નવા ઊંચા ગગનચુંબી મકાનોમાં કંઈક થાય તેવે વખતે બચાવના કેટલા સાધનો છે? ઊંચા મકાનમાં આગ લાગે તો ૩૨મે માળે આગ ઠારવાની સીડી મહાપાલિકા પાસે કેટલી?

આપદ્દકાલીન પરિસ્થિતિને પહોંચી વળવાની સજ્જતા વિશે વારંવાર શંકા જાય તેવું છે. પ્રત્યેક આફત એક સંદેશ અને ચેતવણી આપે છે. અમેરિકામાં પણ હમણાં જ વાવાઝોડું આવી ગયું. તે સિવાય ઘણે સ્થળે છેલ્લા આઠ મહિનામાં ધરતીકંપની ઘટના બની છે. કુદરત આક્રમક બની રહી છે.

No comments:

Post a Comment