Friday, September 16, 2011

ચીનની વધતી જતી આર્થિક ક્ષમતા વિચારણાની બાબત છે

માફી માત્ર શક્તિશાળી વ્યક્તિ જ આપી શકે છે.

પડોશી રાષ્ટ્ર ચીનની દરેક પ્રકારની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. લશ્કરી, આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય તાકાતમાં જે ક્રમશઃ વધારો થઈ રહ્યો છે, પરંતુ ભારતના કોઈ રાજકીય પક્ષ કે બૌદ્ધિક સ્તરે તેની ભાગ્યે જ કોઈ નોંધ લેવામાં આવી છે.

રાજકીય પક્ષોમાં પરસ્પર મતભેદ - આંતરિક ડખાઓને કારણે ૧૯૮૯થી ચીનની શક્તિમાં થઈ રહેલા વધારા પ્રતિ કોઈનું ધ્યાન ગયું નથી. ચીન દ્વારા પોતાની સમુદ્રી તાકાતમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. હિન્દી મહાસાગરમાં પ્રભુત્વ સ્થાપવા ચીન કટીબધ્ધ છે. આ બાબતની નોંધ લેવાની જરૂર છે.

ભારત અને ચીન બન્નેની રાજકીય સંચાલન પદ્ધતિ તદ્દન અલગ છે. ચીનમાં સામ્યવાદી પક્ષ હવેથી મૂડીવાદી નિર્ણય લઈને સરમુખત્યારશાહી ઢબનો વહીવટ ચલાવે છે. જ્યારે ભારતમાં પક્ષ અને સરકાર બન્ને વચ્ચે શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી જેવો વહીવટ ચાલી રહ્યો છે.

ચીન વપરાશી ચીજવસ્તુ અને ઘરગથ્થુ ચીજોની નિકાસ આફ્રિકા તેમજ મધ્યપૂર્વના રાષ્ટ્રમાં વિશાળ પાયે કરી રહ્યું છે. તેની તુલાનામાં ભારતનું પ્રમાણ નગણ્ય છે. ભારત આફ્રિકામાં પગપેસારો કરવામાં ઘણું ઠંડું પુરવાર થયું છે. આ દિશામાં સરકારી નીતિ અને વ્યાપાર - ઉદ્યોગના પ્રયાસ વચ્ચે કોઈ નક્કર સંકલન નથી.

આફ્રિકામાં ચીન દ્વારા યંત્રસામગ્રી, મશીન ટૂલ્સ, હાર્ડવેર અને કમ્પ્યુટર્સ મશીનરી વગેરેની મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. તેવી જ રીતે સુતરાઉ કાપડ, તૈયાર વસ્ત્રો, ચામડાની ચીજવસ્તુ અને અન્ય વપરાશી ચીજો મોટા પ્રમાણમાં ચીન દ્વારા આફ્રિકાનાં વિવિધ રાષ્ટ્રમાં મોકલવામાં આવે છે.

મધ્યપૂર્વ બાદ આફ્રિકા એ ચીન માટે મોટું બજાર છે, પરંતુ આ બાબતે ભારતની આર્થિક વ્યૂહરચના ઘણી જ કંગાળ પુરવાર થઈ રહી છે. આયાત - નિકાસની નીતિમાં આવી બાબતો સ્થાન પામતી નથી. જે આયાત - નિકાસ નીતિનું ઘડતર થાય છે તેમાં લાંબા ગાળાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં લેવા રહ્યા.

તેવી જ રીતે કરવેરા ઓછા કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો માલસામાન કિંમતની દષ્ટિએ સ્પર્ધાત્મક બનાવવાની જરૂર છે. તમામ પ્રકારના કરવેરા માત્ર લૂંટ ચલાવવા માટે જ વસૂલ થતાં હોય તેવી રીતના છે. ચીન સામે ટક્કર લેવા આર્થિક માળખામાં સંખ્યાબંધ ફેરફાર કરવા જોઈએ.

ચીન દ્વારા શ્રીલંકા અને પાકિસ્તાનમાં બંદરગાહ (પોર્ટ) વિકસાવવામાં આવી રહ્યાં છે. આ બન્ને રાષ્ટ્રમાં બનતી ઘટનાની લાંબા ગાળે ભારતના વ્યાપારી હિત પર શું અસર થશે તે અંગે ભાગ્યે જ કોઈ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે. વિચાર તો ઠીક તે મુદ્દા તરફ ધ્યાન પણ આપવામાં આવ્યું નથી.

ચીનનો આર્થિક વિકાસ ભારત કરતાં ઝડપી છે. ચીનના યુવાનોને રોજગારી મળી રહે તે માટે વ્યૂહ અપનાવાયો છે. તેની તુલનામાં ભારત સામે આવા કોઈ સ્પષ્ટ ઉદ્દેશ્ય દેખાતા નથી. આર્થિક મોરચે જે દિશાશૂન્યતા છે તેનું પ્રતિબિંબ આવી બાબતે પડી રહ્યું છે કે જે રાષ્ટ્ર માટે યોગ્ય બાબત નથી.

લશ્કરી સુસજ્જતાની બાબતમાં ચીન બહુ માહિતી આપતું નથી, પરંતુ આધુનિક ચીનનું લશ્કર શિક્ષિત અને ટેક્નોલોજીનો ઉપયોગ કરનારું બની ગયું છે. ચીન પાસે અણુશસ્ત્રોનો જથ્થો છે, પરંતુ તેની વધુ વિગત ઉપલબ્ધ થતી નથી. ચીનનું નેતૃત્વ બોલવા કરતાં કરી બતાવવામાં વધારે માને છે.

ભારત અને ચીન જનસંખ્યામાં વિશ્વનાં અગ્રણી રાષ્ટ્ર છે. ચીન સાથે સ્પર્ધા કરવાને બદલે તેની સાથે કાર્યક્ષેત્રની વહેંચણી સમજીને કરવામાં આવે તે વધારે વ્યવહારુ બાબત બની રહેવાની છે. ભારતની રાજકીય પદ્ધતિ કદી ચીનના પડકારને ઝીલી શકવાની નથી. વળી ચીનનું નેતૃત્વ ઘણી જ ખંધી વ્યક્તિના હાથમાં છે.

ચીન કૃષિક્ષેત્રે ક્યાંય આગળ છે. જ્યારે આપણે ત્યાં કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર આ તમામ ક્ષેત્રે માત્ર નિયમન અને બંધન જ જોવા મળે છે. રાજકીય નેતૃત્વને ચીનની તાકાત અંગે કોઈ પરવા નથી. તેઓ માત્ર ચૂંટણી જીતવા પૂરતી જ તેમની બાબતને મર્યાદિત રાખે છે.

ભારતે એક આર્થિક મહાસત્તા તરીકે પોતાના હરીફોની હિલચાલ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. અલબત્ત આવું કાર્ય સમૂહમાં થવું જોઈએ. તેમાં સરકારી એજન્સી - આર્થિક વ્યાપારી વ્યૂહના ઘડવૈયા અને વેપાર - ઉદ્યોગના એકમોએ તેમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. 

No comments:

Post a Comment