Sunday, September 18, 2011

આંતરિક વિકાસ માટે જરૂરી ગુણ ‘કરુણા’નો

  • દરેક વ્યક્તિમાં કરુણાનો ભાવ હોય જ છે, એવી જ રીતે ‘બેપરવા’ (કેરલેસ)નો (અવ) ગુણ પણ પડ્યો જ હોય છે. એ આપણા હાથની વાત છે, કયો ગુણ વિકસિત કરવો છે? વ્યક્તિના વિકાસ માટે પર્સનાલિટી ડેવલપ કરવા માટે જરૂરી છે કે કરુણાને વિકસાવીએ અને ‘કેરલેસ’ ન બનીએ. આની શરૂઆત બાળપણથી જ થઈ જાય. જ્યારે બાળક નાનું હોય, ત્યારે એની સાથેનો આપણો વ્યવહાર કરુણામય હોય તો, આપોઆપ આ ગુણ એનામાં રોપાઈ જાય. કરુણામય થવું એટલે ‘અવર એબિલિટી ટુ કનેક્ટ વિથ ધેમ’ આપણું આપણા બાળક સાથેનું કનેકશન, અનુસંધાન. કોને ખબર કેમ, પણ આજના સમયમાં આ શબ્દોના મતલબ જ બદલાઈ ગયા છે, આપણે જાગવાની જરૂર છે, કઈ રીતે? શબ્દોનાં અર્થ બદલાઈ ગયાં છે, એટલે મોટા ભાગે માતા-પિતાનું પોતાનાં બાળકો સાથેનું કનેકશન બદલાઈ રહ્યું છે. કરુણા, આત્મીયતાના ભાવની જગ્યાએ ભૌતિક ચીજવસ્તુથી કેમ વધારે ભરી દેવા, સતત એમને ‘પ્રોટેક્ટ’ કરવા, કઈ રીતે બાળકોને સહેલાઈથી બધું જ મળી જાય (આપી દેવું) આવા બધા બદલાવ આવી ગયા છે. આપણાં બાળકો માટેની કરુણા, આત્મીયભાવની જગ્યા, દેખાડા અને મોંઘીદાટ વસ્તુઓએ લઈ લીધી. સુખ-સગવડનાં સાધનો આપી-આપીને, એની સામે એણે મશીનની જેમ ઉત્કૃષ્ટ પરિણામો આપવા (પરીક્ષાલક્ષી જ) એવી આપણી ઈન-ડાયરેક્ટ ડિમાન્ડ થઈ ગઈ છે. આજે માતાપિતા આડેધડ બાળકો માટે બધું જ કરવા તૈયાર છે (જેની કદાચ જરૂર જ નથી) શરૂઆત જ થઈ જાય છે ભણવાથી, ટયુશન અને ક્લાસ. હજી તો ૫-૬ વર્ષની ઉંમર હોય ત્યારથી ચાલુ. ક્યાં ગઈ આપણી કરુણા? એક સુંદર જીવ, એક આત્મા આપણા ઘરે બાળક થઈ જન્મ્યો એટલે બહારના પ્રેશરથી આપણી કરુણા ખોઈ નાખવાની? આપણો વ્યવહાર બદલાવીએ. (એને પપલાવીએ નહીં) પણ ક્રૂર અને નિષ્ઠુર પણ ન જ બનીએ. કરુણા એટલે એને હૃદયથી આવકારીએ. મોટા ભાગની માતાઓ, જો ટયુશન નહીં રાખે તો પોતે જ ‘ટીચર’ બની બેસશે. એ, બી, સી, ડી થી લઈ જે ધડાધડ અંગ્રેજીનો મારો ચલાવે કે પેલું બાળક, એની પ્રતિભા તો ત્યારથી જ દબાઈ જાય. અરે, આ જીવે આપણા ઘરે આવી ખીલવાનું છે એને અત્યારથી મૂરઝાવી દેશો? પાછી બૌદ્ધિક દલીલ એવી કરવામાં આવે કે, કહેવત છે ને કે ‘એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે’ અરે, આનો અર્થ કે તમે પુસ્તકિયા જ્ઞાન નહીં પણ ખરા અર્થમાં એના શિક્ષક બનો. સરસ બોધપાઠ મળે એવા પુસ્તક આપો, એવો વ્યવહાર કરો. ભલે બાળક અંગ્રેજી શાળામાં જાય, પણ નાનપણથી ગુજરાતી બોલો, ક, ખ, ગ, જરૂર શીખવો, (એ, બી, સી એની મેળે આવડશે) જેથી આગળ જઈ, આપણી ભાષાનાં સુંદર પુસ્તકો વાંચી શકે. આજે આખી એક એવી યુવાન પેઢી તૈયાર થઈ છે, જેમણે એક પણ ગુજરાતી પુસ્તક વાંચ્યું જ નથી. આપણા ગુજરાતી લેખકોની કહેલી વાત, જ્ઞાનસભર વાતો એમના વ્યક્તિત્વને ઊભારવા સક્ષમ છે (અમે અંગ્રેજી ભાષાની વિરુદ્ધ નથી, પણ પાયો તો મજબૂત કરો પછી ફક્ત અંગ્રેજી નહીં, ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ બધું શીખજો) ખરેખર, આ પેઢી કેટલું ગુમાવે છે, જેમણે ક્યારેય બાળપણમાં બકોર પટેલ, મિયાં - ફૂસકી, અડુકિયો - દડુકિયો, બાની પ્રામાણિક વાતો વાંચ્યું જ નથી. એમનું બાળપણ છીનવી લેનાર આપણે કઠોર અને ક્રૂર નહીં તો બીજું શું? આપણી કચાશ છે. આપણી કરુણા, એમના તરફ વહાવીએ. ગાડરિયા પ્રવાહમાં વહેવાની જરૂર નથી. આ બધું શોર્ટ-ટર્મ છે. થોડું લાંબું જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ, આપણાં બાળકો પર પડતા કારણ વગરના, અર્થ વગરના બોજાની. એ તરફ કરુણા રાખીએ? આપણો ખાલીપો, એનામાં ન ભરીએ. એનાં મોઢાં પરથી તેજ ગયું, આનંદ ગયો, ચશ્મા અને માયકાંગલાપણું અથવા મેદસ્વીપણું આ તો જાણે ફરજિયાત થઈ ગયાં છે. ફેશનના નામે અંગપ્રદર્શન, (આ પણ નાનપણથી જ) જ્ઞાન વગરનું ભણતર, જવાબદારી વગરનું ભણતર, ધક્કા મારી - મારીને ડિગ્રીઓ મેળવે, અઢળક ખર્ચા કર્યા પછી નોકરી મેળવે અને છતાંય એ ક્યાંય ટકે નહીં. હજી આપણી કરુણા ન જાગે? સમથિંગ ઈઝ સિરિયસલી રોંગ વિથ અસ. બહાર ચાલતી ધમધોકાર પ્રવૃત્તિઓમાં બાળકોને ધકેલવાની જરૂર છે? એક બાળકને માટે, સૌથી વધુ વિશ્વાસપાત્ર, શ્રદ્ધેય પાત્ર હોય છે, એની માતા કે પિતા. માનો કે ન માનો પણ આ જ એમના બેસ્ટ રોલ મોડલ છે અને જ્યારે એમનો વ્યવહાર જ આત્મવિશ્વાસ વગરનો હોય, એ લોકો જ સતત સ્કૂલ ટીચર્સ, પ્રિન્સિપાલથી ડરતા હોય, ખૂબ જ દબાણમાં હોય, હોટેલ - મુવી - કપડાં - ગાડી - બાહ્ય ભપકાઓમાં ખોવાયેલા હોય, તો બાળક પર શું અસર પડશે? સવાલ જ નથી, એ તમારા રસ્તે જ ચાલવાનું છે. તમે ગમે એટલા ટ્યુશન રાખો, પણ તમારી એનાં પર પડેલી છાપ કોઈ કાળે નહીં ભૂંસાય. માટે બદલાવ આપણામાં લાવીએ, એની અસર ત્યાં પડશે જ. આપણો કરુણાનો ભાવ ઊભારીએ, વિકસાવીએ. કરુણા દરેક પ્રત્યે પણ ખાસ તો આપણા ઘરથી જ શરૂઆત કરીએ. બાળકો અને સાથે રહેનાર દરેક કુટુંબીજન પ્રત્યે કરુણા, આત્મિયભાવ દ્વારા કનેકશન લાવીએ. આટલું કરશું તો ભવિષ્યમાં આપણાં બાળકો કદી, ખોટા માર્ગે નહીં જાય, કારણ પાયો ખૂબ મજબૂત હોય પછી ચિંતા જ નહીં. માટે આજથી આપણે પણ અદીન બનીએ. આપણે લાચાર નથી. બિચારા નથી જ. પૈસા નથી તો પણ તમે દીન નથી. અંદરનો વૈભવ વધારો, બાહ્ય સમૃદ્ધિ તમને વગર માગ્યે મળશે, તો કરુણામય બનીએ?

No comments:

Post a Comment