Thursday, September 15, 2011

મોદીના ઉપવાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ


મુખ્યમંત્રીના ત્રિ-દિવસિય ઉપવાસ કાર્યક્રમના ઉપવાસ પાછળ આશરે ૫ કરોડ રુપિયાનો ખર્ચ થશે એવો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે.જેમાં કન્વેન્શન હોલ,એક્ઝિબિશન હોલ અને ગ્રાઉન્ડના રોજના ૫થી ૧૦ લાખનું ભાડુ ,હોલ ખાતે મુખ્યમંત્રી અને કેટલાક મંત્રીઓના રાત્રિ રોકાણ માટે ફોલ્ડીંગ રુમ, હાજર રહેનારા પક્ષના કાર્યકરો-આગેવાનો, સમર્થકો માટે બાથરુમ, ટોયટેલ વગેરેની મોટાપાયે સુવિધા, પાણીની વ્યવસ્થા, લાઈટિંગ ખર્ચ, પ્રવચનો માટે લાઉડ સ્પીકરનો ખર્ચ,પોલીસ કાફલાનો તૈનાતી ખર્ચ, ફાયર અને એમ્બ્યુલન્સ ખર્ચ સહિતના આવશ્યક ખર્ચ સરકાર કરશે એમ મનાય છે.

ભાજપના કેટલા કાર્યકરો-આગેવાનો હાજર રહેશે

ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદો અને જિલ્લા,તાલુકા,પાલિકા-પંચાયતોના હોદ્દેદારોને પોત-પોતાના વિસ્તારમાંથી કાર્યકરો અને સમર્થકો સાથે મોટી સંખ્યમાં મોદીના ઉપવાસ કાર્યક્રમમાં ઉમટી પડવાનું કહેવાયું છે.સંખ્યાનો અંદાજ કઢાયો નથી પણ ગુજરાતમાં હજુ મોદી અને ભાજપની લોકપ્રિયતા અકબધ્ધ છે તેની પ્રતીતિ કરાવવા વિશાળ સંખ્યા હાજર રહે તેવું આયોજન કરાયું છે.પક્ષના આગેવાનોને જનમેદની એકત્રિત કરવાની જવાબદારી સોંપી દેવામા આવી છે. હાલ આ તૈયારી પ્રાથમિક તબક્કે છે.આખરી ચિત્ર હજુ આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી રાત્રિ-રોકાણ પણ ઉપવાસના સ્થળે જ કરશે

મુખ્યમંત્રી નરેન્દ્દ મોદી જે સ્થળે ત્રણ દિવસ માટે ઉપવાસ કરશે.તે જીએમડીસી ગ્રાઉન્ડના કન્વેન્શન સેન્ટર ખાતે જ તેમના રાત્રિ-રોકાણની વ્યવસ્થા ઉભી કરાશે અને તેને આખરી ઓપ આપવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાસ બેઠક યોજાઈ હતી.જેમાં તેમની કીચન કેબિનેટના કેટલાક મંત્રીઓ પણ ત્યાં જ રાત્રિરોકાણ કરે તેવું પણ વિચારઈ રહ્યું છે.

કાર્યક્રમ પક્ષનો નહીં પણ રાજ્ય સરકાર દ્વારા આયોજિત હશે

મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીનો ઉપવાસ કાર્યક્રમ હોવાથી તે સંપૂર્ણપણે સરકારી કાર્યક્રમ છે.તેમાં ભાજપના કાર્યકરો-આગેવાનો અને ભાજપ તથા મુખ્યમંત્રીના સમર્થકોને હાજર રાખવા ભાજપને જરુર સામેલ કરાયો છે પરંતુ આ કાર્યક્રમ પક્ષનો નહીં પણ સરકારનો જ ગણાશે.

કાર્યક્રમના સ્થળ માટે આવશ્યક મંજુરીઓ સરકાર કક્ષાએ જ મેળવાઈ છે

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ, કન્વેન્શન હોલ ખાતે કાર્યક્રમ યોજાવાનો હોવાથી તથા આ માટે નિયમ મુજબની પોલીસ કમશિ્નર અને યુનિવર્સિટીની મંજુરીઓની ઔપચારિકતા રાજ્ય સરકાર કક્ષાએ જ પૂરી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપના ક્યા રાષ્ટ્રિય નેતાઓ હાજર રહેશે

મુખ્યમંત્રીના ઉપવાસ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રિય નેતા અડવાણી, અરુણ જેટલી, રાજનાથ હાજર રહે તેવી શક્યતા છે. જોકે, આ કાર્યક્રમમાં પક્ષના રાષ્ટ્રિય પ્રમુખ નીતિન ગડકરી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહિતના અન્ય ટોચના નેતાઓ પણ હાજર રહે તે માટે મુખ્યમંત્રી કક્ષાએ સંપર્ક સાધવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે.સમયની અનુકૂળતાએ જો આ નેતાઓની મંજુરી મળશે તો આખા દેશની નજર આ કાર્યક્રમ ઉપર સ્થિર થાય તેવી સંભાવના છે.

મુખ્યમંત્રીનું કાર્યાલય સચિવાલયમાં કાર્યરત રહેશે પણ અધિકારીઓ અનશનમાં જોડાશે

આ અનશનના પ્રથમ દિવસે શનિવાર અને ત્રીજા દિવસે-સોમવાર હોવાથી મુખ્યમંત્રીનું કાર્યાલય તો ગાંધીનગર સચિવાલય ખાતે જ કાર્યરત રહેશે પણ મુખ્યમંત્રી કાર્યાલયના મોટાભાગના ઉચ્ચાધિકારીઓ અનશનના સ્થળે હાજર રહે એવી શક્યતા છે.

મુખ્યમંત્રીના બંગલે કાર્યક્રમને આખરી ઓપ અપાયો

આ કાર્યક્રમમાં ભાજપના મોટીસંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સમર્થકો તથા ભાજપના રાષ્ટ્રિય નેતાઓ પણ હાજર રહેવાના હોવાથી તમામ સુવિધા સચવાઈ રહે તે મુજબનો રાષ્ટ્રિય કક્ષાનો કાર્યક્રમ બનાવવા માટેની વ્યૂહરચનાને મુખ્યમંત્રીના બંગલે સરકારના ઉચ્ચાધિકારી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપરાંત પક્ષના આગલી હરોળના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી.જેમાં સંપૂર્ણ વ્યૂહરચનાને આખરી ઓપ અપાયો હોવાનું માલુમ પડ્યું છે.

No comments:

Post a Comment