Tuesday, September 13, 2011

નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટની રાહત

૨૦૦૨ના રમખાણો અંગે ન.મો. અને અન્ય સામે કેસ નોંધવા આદેશ ન આપ્યો

મેજિસ્ટ્રેટની કોર્ટ આ અરજી પર તપાસ કરીને આગળની કાર્યવાહીનો નિર્ણય કરશે. - મોદીના ભાવિનો ફેંસલો નીચલી અદાલત કરશે. - સંજીવ ભટ્ટની એફિડેવિટ તથા કોર્ટના મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહેલા રાજુ રામચંદ્રનનો અહેવાલ નિર્ણાયક પુરવાર થશે.

  • નવી દિલ્હીઃ ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો રોકવામાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની કહેવાતી ઉદાસીનતા અંગે સર્વોચ્ચ અદાલતે સોમવારે કોઇ આદેશ ન આપીને એમને મોટી રાહત પૂરી પાડી ખાસ તપાસ ટુકડી(સિટ)ના અહેવાલના આધારે એમની સામે આગળની કાર્યવાહી કરવાનું સંબંધિત મેજિસ્ટ્રેટની અદાલત પર છોડ્યું હતું.આ રમખાણો દરમિયાન અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં જાન ગુમાવનારા માજી કૉંગ્રેસી સાંસદ એહસાન જાફરીનાં પત્ની ઝાકીઆ જાફરીની ફરિયાદમાં પક્ષકાર બનાવાયેલા નરેન્દ્ર મોદી અને બીજા સરકારી અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવા સંબંધે ન્યાયમૂર્તિ ડી.કે. જૈનની આગેવાની હેઠળની સર્વોચ્ચ દાલતની બૅન્ચે કોઇ ચોક્કસ આદેશ આપ્યો નહોતો.સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર સિટ દ્વારા થયેલી તપાસનો અંતિમ અહેવાલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થવા દો અને તેઓ જ ભાવિ કાર્યવાહી અંગે નિર્ણય લેશે, એમ પણ ન્યાયમૂર્તિઓ પી. સતશિવમ અને આફતાબ આલમને સમાવતી બૅન્ચે કહ્યું હતું.જોકે, બૅન્ચે એવી સ્પષ્ટતા કરી હતી કે મેજિસ્ટ્રેટની અદાલત કેસ બંધ કરવાનો નિર્ણય કરે તો ઝાકીઆ જાફરીને એમના વિચારો પ્રગટ કરવાની અમે તક આપીશું અને એમને સિટનો અહેવાલ પણ પૂરો પડાશે. સિટે પોતાના ગુપ્ત અહેવાલમાં નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપી હોવાનું મનાય છે. અમારો એવો અભિપ્રાય છે કે ફોજદારી ગુનાની દંડ સંહિતાના ૧૨મા પ્રકરણને ધ્યાનમાં લેતાં સિટ દ્વારા એકવાર તપાસ થાય અને એ પૂરી થાય પછી એનો અંતિમ અહેવાલ કલમ ૧૭૩(૨) મુજબ સંબંધિત અદાલતમાં રજૂ કરવા સિવાય કોઇ બીજો રસ્તો રહેતો નથી, એમ બૅન્ચે કહ્યું હતું.ગોધરામાં ૨૦૦૨ની ૨૭મી ફેબ્રુઆરીએ બનેલી ટ્રેનને આગ ચાંપવાની ગોઝારી ઘટનાથી આરંભાયેલાં ગુજરાતવ્યાપી રમખાણો અંકુશમાં લેવાનાં પગલાં નરેન્દ્ર મોદી અને બીજા ઉચ્ચ અધિકારીઓએ હેતુપૂર્વક નહોતાં લીધાં એવા આક્ષેપવાળી ઝાકીઆ જાફરીની અરજી અંગે અદાલતે આ ચુકાદો આપ્યો હતો.૨૦૦૨ના ગુના અહેવાલ નંબર ૬૭ની નોંધ લેનારી અદાલતને સિટે એકત્ર કરેલી તમામ સામગ્રી સહિત એનો અંતિમ અહેવાલ સુપરત કરવાનો અમે સિટના વડાને આદેશ આપીએ છીએ, એમ કહી ટોચની અદાલતે ઉમેર્યુું હતું કે નીચલી અદાલતને સુપરત થનારા અદાલતના સલાહકારના અહેવાલને પણ એ અદાલત ધ્યાનમાં લઇ શકે છે.નરેન્દ્ર મોદી અને બીજાઓ સામે એફઆઇઆર નોંધવાની ઝાકીઆ જાફરીની અરજી ગુજરાત વડી અદાલતે ૨૦૦૭ની બીજી નવેમ્બરે નકારી કાઢી એ પછી એમણે સર્વોચ્ચ અદાલતનાં બારણાં ખખડાવ્યાં હતાં. 

    આ કેસ પર હવે પછી વધુ નજર રાખવાની જરૂર ન હોવાનું પણ ટોચની અદાલતે કહ્યું હતું. આ કેસ અંગેના સિટના અને અદાલતના સલાહકાર તરીકે સેવા આપી રહેલા સર્વોચ્ચ અદાલતના અનુભવી ધારાશાસ્ત્રી રાજુ રામચન્દ્રનના અહેવાલોનો અભ્યાસ કર્યા પછી સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો. સિટે અગાઉ નરેન્દ્ર મોદી, વિહિપ નેતા પ્રવીણ તોગડિયા અને કેટલાક પોલીસ અધિકારીની ઊલટતપાસ કરી વિવિધ આરોપી અને શકમંદનાં વર્તન સંબંધી રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. 

    ગોધરાકાંડ રમખાણોમાં અંદાજે ૨,૦૦૦ જણે જાન ગુમાવ્યા હતા.  
  • રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને વિવિધ બિનસરકારી સંસ્થાઓએ રમખાણોની તપાસ છિંડાંવાળી અને અવિશ્વસનીય હોવાની કરેલી રજૂઆત પછી સિટ ઝાકીઆ જાફરીની ફરિયાદ ઉપરાંત ૧૦ સંવેદનશીલ કેસની તપાસ કરી રહી છે.(એજન્સી)

    હવે શું?

    નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના રમખાણોમાં ગુજરાત સરકારની કથિત નિષિ્ક્રયતાને લઇને કોઇ આદેશ આપવાનો ઇનકાર કરતા ગુલબર્ગ હત્યાકાંડ કેસ અમદાવાદની સંબંધિત નીચલી અદાલતને મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. કે. જૈનના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપતા સીટ તથા એમીક્યસ ક્યુરી રાજુ રામચંદ્રનના અહેવાલ પરનો નિર્ણય મેજિસ્ટ્રેટને સોંપ્યો છે. હવે મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે નરેન્દ્ર મોદી તથા ૬૩ અન્ય આરોપીઓ સામે એફઆઇઆર નોંધવી જોઇએ કે નહીં. આ સાથે સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હવે તે આ કેસનું મોનિટરિંગ નહીં કરે. સુપ્રીમે જણાવ્યું હતું કે મોદી સામેનો કેસ પડતો મૂકવો કે નહીં તેનો નિર્ણય મેજિસ્ટ્રેટ કરશે. 



No comments:

Post a Comment