Wednesday, December 14, 2011

મંદીનો હાઉ ઊભો થયો છેઃ આંકડાની વિશ્વસનીયતા કેટલી?

બાળકને માતાના ખોળામાં અને પિતાના ખભા પર જીવનનું અમૂલ્ય સુખ પ્રાપ્ત થાય છે. - શ્રી હર્ષ

કેટલાક સરકારી વિભાગના આંકડાને આધારે સમગ્ર રાષ્ટ્રમાં મંદી હોવાના ગભરાટભર્યા અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યા છે. શેરબજારનો સૂચકઆંક, ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટે એટલે એવું વાતાવરણ નિર્માણ કરી દેવામાં આવે છે કે જાણે આકાશ તૂટી પડ્યું છે!! પરંતુ સમગ્ર ચિત્ર તદ્દન અલગ છે.

સૌથી પહેલી વાત એ છે કે રાષ્ટ્રની જનસંખ્યા ૧૨૦ કરોડની છે જે યુરોપ અને અમેરિકાની કુલ જનસંખ્યા કરતાં પણ ૪૫ કરોડ વધારે છે. યુરોપ- અમેરિકા તેમના કર્યા ભોગવે તો તેની કોઈ જ અસર ભારત પર થવાની નથી. જે અર્થશાસ્ત્રીઓ આવી કાગારોળ મચાવી રહ્યા છે તે વધુ પડતી છે.

ભારતમાં બચત સર્જનદર આજે પણ ૩૦ થી ૩૫ ટકા છે. જ્યાં બચત થતી હોય ત્યાં મૂડીસર્જન આપોઆપ થતું રહે છે. આથી અર્થતંત્ર ધબકતું રહે છે. યુરોપમાં મંદી આવી છે તેનું કારણ વૈભવી જીવનશૈલી અને બેફામ ખર્ચા છે. અલબત્ત, ભારતમાં નવાંગતુક યુવાનવર્ગ બેફામ પૈસા વાપરી રહ્યા છે, પરંતુ તે સંખ્યા બહુ મર્યાદિત છે.

રાષ્ટ્રનું અર્થતંત્ર ખેતીવાડી પર નિર્ભર છે. તેમાં આજે પણ રોજગારીની તકો વધતી જ રહી છે. કોઈને બેરોજગાર થવાનું ખેતીવાડીના ક્ષેત્રમાં બનતું નથી. આવે વખતે મંદીની જે વાત થાય છે તે સ્વીકાર્ય બનતી નથી. યુરોપના ધારાધોરણ ભારતને લાગુ પડી શક્તા નથી. બન્ને ક્ષેત્રમાં પરિસ્થિતિ અલગ છે.

છેલ્લા ૧૦ વર્ષથી તો ચોમાસા સારા હોવાને કારણે અનાજ, કઠોળ વગેરેના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. કોઈ ચીજવસ્તુની તંગી નથી. માગ અને પુરવઠાની સમતુલા સારી રીતે જળવાઈ રહે છે. જે બે-ચાર નાની મોટી બાબત છે તે ચારે તરફ છે એટલે ભારત કોઈ અપવાદ નથી.

એક તરફ મંદી છે તેવી હવા ઊભી કરવામાં આવી છે તો પછી ભાવ કેમ વધે છે? પ્રજા પાસે પૂરતા પ્રમાણમાં ખરીદશક્તિ છે એટલે તો ભાવ વધે છે. આમ મંદીનો ડર ઊભો કરાયો છે તે આવી બાબતથી પુરવાર થાય છે, તેજી અને મંદી તે સતત ચાલતી પ્રક્રિયા છે. મંદી એટલે ઓછી માગની પરિસ્થિતિ જે કદાચ કામચલાઉ હોય છે.

આજે અર્થતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર એ ખર્ચાને નિયંત્રણમાં રાખવાનો છે. દરેક સ્તરે અને દરેક સ્થળે એટલા વ્યાપક ખર્ચા થઈ રહ્યા છે કે જો કેસ દીઠ વિશ્લેષણ કરવામાં આવે તો ખાનગી એકમો પણ બેફામ ખર્ચા કરી રહ્યા છે. જરૂરી નથી તેવા ખર્ચા આવક- ખર્ચની અસમતુલા ઊભી કરે છે.

જો સરકારી વિભાગ અને ખાનગી ક્ષેત્ર કેટલાક ખર્ચા ઓછા કરવા પ્રયત્ન કરે તો ઊલટું અર્થતંત્રને માટે ફાયદાની વાત બને તેવું છે. અર્થતંત્રમાં નાણાકીય સંચાલનમાં અવ્યવસ્થા ઊભી થાય છે તેવે વખતે તેજી અથવા મંદી તરફી વાતાવરણ નિર્માણ થાય છે. આ માટે નક્કર પગલાં લેવાય તે જરૂરી છે.

રાષ્ટ્રની બેન્કમાં થાપણો વિક્રમસર્જક છે. બેન્કો સમક્ષ આજે ધિરાણના પ્રશ્ન છે. સારા ખાતેદાર મળતા નથી કે જેમને નાણાં વ્યાજે પૂરા પાડી શકાય. આથી જ કહી શકાય કે હાલમાં જે સુસ્ત આર્થિક વાતાવરણ છે તે મંદી નથી, પરંતુ સરકારી કક્ષાએ અનિર્ણાયકતા પ્રવર્તી રહી છે તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે.

સૌ કોઈ જાણે છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ મહત્ત્વના નિર્ણય લેવાયા નથી. ભ્રષ્ટાચારમાં પ્રધાનોની સંડોવણીને કારણે જવાબદારીની ફેંકાફેંકી થઈ રહી છે. મહત્ત્વની કામગીરીમાં આગળ વધી શકાતું નથી. એક પછી એક બાબતમાં પીછેહઠ થઈ રહી છે.

આથી જ મંદી કે ઓછી માગની પરિસ્થિતિ માટે ઘરઆંગણાની બાબત જવાબદાર છે. વિદેશ વ્યાપાર- આયાત- નિકાસ અને એવી જ અન્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારી બાબતમાં ક્યાંય ઘટાડો જોવામાં આવતો નથી. આવા સંજોગોમાં જે વાત છે તે મંદીની છે કે પછી સ્થાપિત હિતોની છે.

પ્રજાના વિશાળ વર્ગે વ્યક્તિગત કરકસર કરીને ઈલેક્ટ્રિસિટી ટેલિફોન, મનોરંજન વગેરેના ખર્ચા પર હેતુલક્ષી નિયંત્રણ લાવવાની જરૂર છે. કેટલાક ખર્ચા એવા છે કે જે અવશ્ય ઓછા કરી શકાય છે. યુરોપમાં મંદી હોય એટલે ભારતમાં તેની અસર હોય જ તેમ સ્વીકારી લેવાની પણ જરૂર નથી.

મોટા ભાગના સરકારી આંકડા તકલાદી હોય છે. આવા આંકડા ક્યાંથી મેળવવામાં આવે છે તે માત્ર તેઓ જ જાણે છે!! છૂટક બજારમાં ભાવ વધે છે અને એક પણ ચીજ સસ્તી થઈ નથી તેવે વખતે જથ્થાબંધ ખાદ્યચીજવસ્તુના ભાવમાં ઘટાડો થયો છે તેવી બાબતને કોણ સ્વીકારશે? આવું જ મંદીનું છે. બે-ચાર આધાર આપીને મંદી છે તેમ કહેવાય છે તે ગળે ઉતરે તેવું નથી.

Thursday, December 8, 2011

મુસ્લિમ મહિલાઓની ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ?


ઈસ્લામે ઔરતને ઊંચો દરજ્જો આપ્યો છે. કુરાને મજીદમાં ફરમાવાયું છે કે, પરવરદિગારથી ડરતા રહો કે જેણે તમને એક વ્યક્તિથી પેદા કર્યા અને તેનાથી જ તેનું જોડું પેદા કર્યું અને તે બંનેથી ઘણા પુરુષો અને સ્ત્રીઓને દુુનિયામાં ફેલાવ્યાં. સ્ત્રીઓ પુરુષો માટે પોષાક સમાન છે અને તમે સ્ત્રીઓ માટે પોષાક સમાન છો. જેવા અધિકારો સ્ત્રીઓ પર પુરુષના છે તેવા જ હકો સ્ત્રીઓ માટે પુરુષો પર છે. નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિવસલ્લામનું કથન છે - સ્ત્રી પુરુષો સાથે અવતરેલા બે સરખા ભાગમાંની એક છે. એક સદ્ગુણી સ્ત્રી ઘણી મૂલ્યવાન છે. સ્ત્રી સાથે સારો વ્યવહાર કરવાનો અલ્લાહનો આદેશ છે, કારણ કે એ જ સ્ત્રી જાત તમારી માતા, બહેન, દીકરી વગેરે છે. ઔરતના અધિકારો સર્વ માન્ય રીતે પવિત્ર છે અને તેઓના હક-અધિકારો બરાબર સચવાતા રહે એ જોવાની પુરુષોની ફરજ છે. 

૧૪૦૦ વરસ પૂર્વે દીને ઈસ્લામનું આગમન થયું. જગતમાં જેટલા ધર્મો આવ્યા તેમાં સૌથી છેલ્લે ઈસ્લામનો ઉદય થયો. ઈસ્લામના આવવા પૂર્વે લોકો એમ સમજતા હતા કે સ્ત્રીઓને રૂહ છે જ નહીં એટલે તેઓ પવિત્ર સ્થાનોમાં દાખલ થઈ શકે નહીં. કુરાને મજીદે આ અસત્ય માન્યતાના જવાબમાં ફરમાવ્યું કે ઔરત નીતિ અને રૂહાની ખિલવણીના બંને દષ્ટિબિંદુથી પુરુષને એકસરખી ઉપયોગી છે. આગળ ફરમાવાયું - ઔરત જન્નત (સ્વર્ગ)માં દાખલ થઈ શકશે કે રૂહ જે (આત્મા)નું છેલ્લું સ્થાન છે. રસૂલ્લલ્લાહ (સલ.) ફરમાવે છે, તમારામાંનો ઉત્તમ માનવી તે છે જે પોતાની પરણેતર માટે ઉમદા પુરુષ છે. એક સદ્ગુણી સ્ત્રી પુરુષનો સૌથી શ્રેષ્ઠ ખજાનો છે. જો તમે તમારી ઔરતોને ઠપકો આપો તો પણ તે કાર્ય નરમાશ અને દયાની લાગણી સાથે થવું જોઈએ. પુરુષે પોતાની સ્ત્રીને ધિક્કારવી જોઈએ નહીં. તે તેની કોઈ અણગમતી આદતને લીધે નાખુશ હોય તો તેની બીજી સારી ટેવને માટે તેણે ખુશ થવું જોઈએ. તમે જમો ત્યારે તમારી સાથે તમારી ઔરતને પણ જમાડો. તમે કપડાં બનાવો તો તમારી સ્ત્રી માટે પણ બનાવો. તેને અપશબ્દો બોલશો નહીં અને તેને મારશો નહીં. 

સ્ત્રી સાથે જુલ્મો સીતમના વ્યવહારથી દૂર રહેવા ઉપરાંત તલાક આપવા સંબંધે કુરાને મજીદ તેના અનુયાયીઓને ગંભીર ચેતવણી આપતા ફરમાવે છે - તલાકથી અર્શ પણ કંપી ઊઠે છે. પયગંબરસાહેબે એક જ શબ્દથી સ્ત્રીને સૌથી શ્રેષ્ઠ દરજ્જો અપાવ્યો છે. આપ ફરમાવો છો, તમારી માતાના પગ તળે જન્નત છે. ઈસ્લામી કાનૂન અનુસાર સ્ત્રીઓ પુરુષજાત તરફથી ભરણપોષણ મેળવવાનો હક ધરાવે છે. એક ઔરત પોતાના હાથે પરિશ્રમ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. સ્ત્રીનું ગુજરાન ચલાવવા ઉપરાંત તેનું રક્ષણ કરી સંભાળ રાખવાનું પણ ઈસ્લામમાં પુરુષ પર ફરજિયાત ઠેરવવામાં આવ્યું છે. 

ઈસ્લામે સ્ત્રીઓને અનેક અધિકારો આપ્યા હોવા છતાં એ હકો - અધિકારોની જાળવણી માટે કોમમાં અનેક ઉણપો જોવા મળે છે. ઉપરાંત અમલી સ્વરૂપોનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે. જોકે આ માટે દોષ કોમના અગ્રણીઓ તથા ખુદ સ્ત્રીઓનો પણ ઓછો નથી. જો ઈસ્લામી ઔરતો શિક્ષિત હોત, તાલીમ હાંસલ કરી હોત તો આજે તેઓની સામાજિક અને આર્થિક સ્થિતિ બેશક ગૌરવભરી હોત. પ્રગતિકર્તા રાજ્યો અને શહેરોમાં જે મુસ્લિમ મહિલાઓ શિક્ષિત છે તેઓ પોતાની તાલીમનો ઉપયોગ કોમની સ્ત્રીઓને શિક્ષણ લેતી કરી સ્વાવલંબી બનાવવા માટે પણ કરે તો એ સમય દૂર નહીં હોય જ્યારે મુસ્લિમ ઔરતો પણ પુરુષ સમોવડી બની પોતાના હકો-અધિકારો પ્રાપ્ત કરવા કામિયાબ નિવડી શકશે. અલ્લાહ અને તેના રસૂલ તરફથી પોતાની ઉમ્મતને મળેલ બોધને તે આ રીતે જગતભરમાં રોશન કરી ઈસ્લામને ઔર બુલંદ સ્થાને પહોંચાડી શકશે. 

શિક્ષણ વિભાગમાં સંખ્યાબંધ નિર્ણયો એક વર્ષથી પડતર છે

શિક્ષણ એટલે સંસ્કાર, સદાચાર અને સમર્પણની ત્રિમૂર્તિ.





કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગના પ્રધાન કપિલ સિબ્બલ પાસે સંદેશવ્યવહારનો પણ અખત્યાર છે. આ બન્ને વિભાગ પ્રશ્નો અને સમસ્યાથી ભરપૂર છે. કોઇ પણ મંત્રી ગમે તેટલો કાર્યક્ષમ હોય પરંતુ આ બે ‘હેવી વેઇટ’ ગણાતા વિભાગને કોઇ પણ વ્યક્તિ સંભાળી શકે તેવું નથી.શિક્ષણ વિભાગને લગતા ૧૧ ખરડા હાલમાં પડતર છે, એક વર્ષથી તેના પર કોઇ જ કાર્યવાહી થઇ નથી. કારણ કે શિક્ષણ વિભાગ સંભાળનારા કપિલ સિબ્બલ રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. બાકી હતું તો તેઓ ટેલિકોમ્યુનિકેશન વિભાગના કૌભાંડ, તેની અદાલતી કામગીરી અને સુપ્રીમ કોર્ટ વચ્ચે આંટાફેરા કરવામાં જ તેમનો સમય અને શક્તિ વ્યય કરી રહ્યા છે.યુનિવર્સિટીની સંખ્યા વધારવી, ટેક્નિકલ યુનિવર્સિટી અને વિદેશી યુનિવર્સિટીને પરવાનગી વગેરે જેવી ડઝનબંધ બાબતો કોઇ જ નિર્ણય વગર બાકી છે તેવે વખતે શિક્ષણમંત્રી પક્ષીય રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. તેઓ વડા પ્રધાન અને પક્ષના અધ્યક્ષા સામે વેબસાઈટ પર ટીકાત્મક લખાણોને હવે કાયદેસર પગલાંનો ધંધો બનાવી દીધો છે.

લોકશાહીમાં દરેકને વ્યંગ અને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ કપિલ સિબ્બલ કે જેઓ સુપ્રીમ કોર્ટના પ્રેક્ટિસિંગ અૅડવોકેટ છે, તેઓ જાતજાતના વાંધાવચકા કાઢે છે. સંખ્યાબંધ શિક્ષણને લગતા સુધારા જેનાથી શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અને ગુણવત્તામાં સુધારો થઇ શકે તેવું છે તે હાલમાં તો તદ્દન અનિર્ણાયક હાલતમાં છે.

અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાદ સૌથી વધુ ગભરાટ કપિલ સિબ્બલ જેવા ધારાશાસ્ત્રીઓને થાય તેવું છે, કારણ કે ખોટું ચલાવીને જ તેઓએ શાસન કર્યું છે. આથી તેઓ પારદર્શકતાની વાતનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. વેબસાઇટ પરના લખાણ સામે સેન્સરશિપની ધમકી પણ તેમણે જ ઉચ્ચારી છે. જુલાઇમાં અણ્ણા હઝારેનું આંદોલન ઉગ્ર બન્યું હતું તે વખતે ટેલિકોમ્યુનિકેશન વિભાગના મંત્રી તરીકે જથ્થામાં મોબાઇલ દ્વારા મોકલાતા એસ.એમ.એસ. પર નિયંત્રણ લાદનારા પણ કપિલ સિબ્બલ જ હતા. એક વખતે જેમને ૧૦ - જનપથની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેવા કપિલ સિબ્બલ આજે ‘વફાદારીપૂર્વક’ તેમની ‘ફરજ’ બજાવી રહ્યા છે!!

કેન્દ્ર સરકારના વર્તમાન શાસક પક્ષે જ્યારે વર્ષ ૨૦૦૯માં બીજી વખત સત્તા સંભાળી તે વખતે શિક્ષણને સૌથી વધુ મહત્ત્વ આપવાની જાહેરાત કરી હતી. આજે વાસ્તવિક્તા જુદી જ છે કે શિક્ષણમંત્રી ટેલિકોમ્યુનિકેશનને લગતી બાબતોમાં એવા તો વ્યસ્ત છે કે છેલ્લા એક વર્ષમાં તેમણે કોઇ જ મહત્ત્વનો શિક્ષણક્ષેત્રે નિર્ણય લીધો નથી.કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષા અને વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ સામે ટીકાત્મક લખાણો કેમ ન લખી શકાય? લોકશાહીમાં શિષ્ટ ભાષામાં ટીકા કરવાનો દરેકને અધિકાર છે. આવી બાબત દૈનિક સમાચાર પત્ર કે પછી વેબસાઇટ ગમે તે માધ્યમથી થઇ શકે છે. તેના પર પ્રતિબંધ લોકશાહીને અનુરૂપ બાબત નથી.૧૯૭૫ની કટોકટીનું પુનરાવર્તન કરવાની આ બાબત છે. હવે વગર કટોકટીએ સેન્સરશિપ લાદવાની ઘટના બની રહી છે, પછી ગમે તેટલી સ્પષ્ટતા કરવામાં આવે તેનો કોઇ અર્થ નથી. હાલમાં તો કેન્દ્ર સરકાર કોઇ દિશા વગર જ કાર્ય કરતી હોય તેવું લાગે છે. સુકાન વગરનું વહાણ જે રીતે સમુદ્રમાં જતું હોય તેવી હાલત રાષ્ટ્રની છે.છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ જેવા મહત્ત્વના વિભાગમાં કોઇ જ નોંધપાત્ર નિર્ણય લેવાયો નથી. ભવિષ્યને માટે કેવું વાતાવરણ હશે તે માત્ર કલ્પના જ કરવાની રહે છે. ૧૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં રાષ્ટ્રમાં નેતૃત્વની અછત છે કપિલ સિબ્બલ જેવી વ્યક્તિ કોમવાદી ધોરણે વાતો કરે છે, જાહેરાત કરે છે અને તેમની ટીકા ન થઇ શકે તે કેવી યંત્રણા ગણવી રહી?

કેન્દ્ર સરકાર તમામ વર્ગ અને પ્રજા માટે છે. કોઇ ચોક્કસ વર્ગ કે કોમ માટે કાર્ય કરતી નથી, છતાં જે રીતે કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તે ટીકાને પાત્ર છે. વેબસાઈટનો ઉપયોગ યુવાન વર્ગ વધુ પ્રમાણમાં કરી રહ્યો છે. તેઓ હંમેશાં સત્તાધારી પક્ષના વિરોધી હોય છે. યુવાનવર્ગ પરિવર્તનની તરફેણમાં જ બોલે છે. આવી સોશિયલ વેબસાઇટ પરથી જે માહિતીની આપ-લે થતી હોય છે તે આગની જેમ ચારે તરફ પ્રસરે છે. કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન વિશે ઘણી માહિતીનો પ્રસાર થતો હોય છે, પરંતુ જો સારા કાર્ય થતાં હોય તો પછી ડરવાનું શું કારણ છે?શિક્ષણ, વ્યાપાર, આર્થિક બાબતો જેવી અનેક બાબત સાવ ઠપ છે, જાણે કે તંત્ર જ ન હોય તેવું વાતાવરણ જણાય છે. આટલા વિશાળ રાષ્ટ્રમાં કોઇ આગેવાન બનવા તૈયાર ન થાય તે અચરજ પમાડે તેવી બાબત ગણવી જોઇએ. શાસક પક્ષે પોતાનો પ્રમાદ ખંખેરવાની જરૂર છે.

Thursday, December 1, 2011

આ અબ લૌટ ચલે


કોઈ મોટી જેલની સઘન મુલાકાત લઈને બહાર નીકળો તો કદાચ એવું જરૂર થાય કે ‘આ દુનિયામાં અપરાધ સિવાય કશું થતું જ નથી કે શું? અલબત્ત, આ અનુભવ કોઈ મોટી હોસ્પિટલમાંથી બહાર નીકળતા ‘દુનિયામાં રોગ સિવાય કશું જ નથી કે શું’ની ભાવના જન્મે તેવો છે. પણ હવે અપરાધની દુનિયા ખાસ્સી મોટી થઈ ગઈ છે એ નક્કી. આ અપરાધીઓ રીઢા જ હોય તેવું તો કોઈ નહીં માને. ઘણીવાર સંજોગો, નિયતિ અચાનક જ માણસને એવા અપરાધમાં ધકેલી દે, જે તેણે ખુદે પણ કદી કલ્પ્યો ન હોય. આજકાલ તો જીવનની ભારે અફરાતફરી મચી છે અને જીવનના નીતિ-મૂલ્યોના આગ્રહોનાં ધોરણો પણ ઘણાં નીચાં ગયાં છે. ‘કોઈ પણ ભોગે જીવી લો, પછી જે થવાનું હશે તે થશે’નું વલણ એક મોટા વર્ગમાં પ્રચલિત છે. આ કારણે અપરાધ સતત વધી રહ્યા છે. દેશમાં કુલ ૧૧૪૦ જેલો છે તેમાંની જે ૧૦૭ સેન્ટ્રલ જેલ છે તેના અપરાધીઓ અખબારોના પાને ચર્ચા જગાવ્યા પછી જેલજીવન ભોગવતા હોય તેવા છે. તેમાંય આર્થર રોડ અને બિહાર જેલના કેદીઓ વળી ચર્ચામાં રહે છે. ભારતની જેલો ૨,૩૩,૫૪૩ કેદીઓને સંઘરી શકે એમ છે અને અત્યારે ૩,૨૬૫૧૯ જેટલા કેદીઓથી તો ભરચક છે. આ કેદીઓમાં ૩,૧૩,૭૯૩ પુરુષ કેદીઓ (૯૬.૧ ટકા) અને ૧૨,૭૮૦ મહિલા કેદીઓ (૩.૯ ટકા) છે. આ આંકડા સ્વયં સૂચવે છે કે અપરાધની માત્રા કેટલી વધી છે. સામાન્યપણે અપરાધીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનું વલણ સમાજ ધરાવતો નથી. અલબત્ત, આજથી કેટલાંક દાયકા પહેલાં સાવ ઉપેક્ષા કરાતી તેવું આજે નથી પણ તેના સહાનુભૂતિ નહીં બલકે ‘તે તેનું ફોડે, આપણે આપણું ફોડો’ એવું વલણ કામ કરે છે. પણ શું તેઓ સાચી અને સક્રિય સહાનુભૂતિના અધિકારી નથી? શું કોઈ વ્યક્તિ એક અપરાધ કરે તેથી તેની બીજી બધી જ ક્ષમતાઓ નકામી થઈ જાય છે? તે કોઈ કામનો રહેતો જ નથી? બંગાળના લેખક જરાસંઘે ‘ઉજળા પડછાયા કાળી ભોંય’ નામે પુસ્તક લખેલું. જરાસંઘ જેલર હતા અને સ્વપરિચયે તેમણે કેદીઓના જીવનમાં ડોકિયું કરેલું. (તેમના એ પુસ્તકની એક સાચી કથા પરથી ‘બંદિની’ ફિલ્મ બનેલી) વ્હી. શાંતારામની ‘દો આંખે બારાહ હાથ’ પણ અપરાધીઓને માનવીય સંવેદનથી જુએ છે. જયપ્રકાશ નારાયણ જેવાએ ચંબલના ડાકુઓ પાસેથી બંદૂક છોડાવેલી. રાજ કપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ એ જ રીતે અપરાધી (ડાકુઓને) બદલવાનું આહવાન હતી. વિદેશમાં જ્યાં જેને જેવા સર્જકને જેલમાંથી શોધી વિશ્વ સમક્ષ મૂકવાનું કામ જ્યાં પૉલ સાર્ગએ કરેલું. 

આ ત્રીજી ડિસેમ્બરે અમદાવાદની સાબરમતી જેલમાં ૫૬ કેદી વિદ્યાર્થીઓને પદવી આપવાનો સમારોહ યોજાવાનો છે. આ રીતે અગાઉ કદી જેલમાં પદવી દાનનો સમારોહ નથી થયો. આ એક ખરેખર જ ગમે એવું પગલું છે. આ પ્રસંગ સાથે તિહાર જેલમાં ગયા ફેબ્રુઆરીમાં થયેલા અને હવેના મહિનામાં થનારા કેમ્પસ ઈન્ટરવ્યુને પણ યાદ કરવા જોઈએ. ફેબ્રુઆરીમાં જ્યારે આ પ્રકારે ઈન્ટરવ્યુ થયા ત્યારે ૪૬ જેટલા કેદીઓને જુદી જુદી કંપનીઓએ નોકરી આપેલી. હવેના ઈન્ટરવ્યુ વેળા નવ મોટી કંપનીઓ પેલા કેદી - ગ્રેજ્યુએટસને સમાવવા તત્પર છે. આ જ એક ઉત્તમ રસ્તો છે. અપરાધ કરનારને સમાજ ગૌરવપૂર્વક પાછો પોતાનામાં સમાવે તો પેલી વ્યક્તિનું આત્મબળ વધી જતું હોય છે. આમ પણ તિહાર અને એવી મોટી જેલોમાં વધુ ભણેલા કેદીઓ ઓછા ભણેલા કેદીઓને ભણાવે એવું હવે અપનાવાયું છે. મતલબ કે જેલમાં ગયા એટલે પથ્થર તોડવા જેવા કપરા કામ જ કરવાનું એવું હવે નથી. આખર તો આ માનવસમાજ છે અને કોઈ અપરાધ કરે તો તે માત્ર વ્યક્તિગત જ નથી હોતો, તેમાં સામાજિક અન્યાયની અને વ્યક્તિની ખુદની પ્રકૃતિ, નિયતિનો ય હિસ્સો હોય છે. પણ આપણે ત્યાં તકલીફ બીજી પણ છે. હજુ ૧૮૯૪ અને ૧૯૦૦મા જેલ માટે જે કાયદાઓ બનેલા તે ચાલે છે. કાયદાઓ બદલાય, સરકારના અને સમાજમાં અભિગમ બદલાય તો ઘણું બદલાય શકે છે. અમદાવાદની સાબરમતી જેલ અને તિહાર જેલમાં જે બની રહ્યું છે તે ઉદાહરણ માત્ર ન રહેતાં જાગૃતિ બને તે અપેક્ષિત છે. બાકી આજે તો થોડા - ઘણાં અપરાધી માનસ સિવાય જીવન વ્યવહાર જ શક્ય નથી એવું બની ચૂૂક્યું છે. કહો તો, કોણ નથી અપરાધી? 

Sunday, November 27, 2011

એક થપ્પડ ઈધર ભી, ઉધર ભી...

ચિત્ર એવું ઉપસાવાઇ રહ્યું છે કે વિદેશી કંપનીઓ વેપાર કરવા નહીં ખેરાત કરવા આવી રહી છે


ભારતકુમાર મનોજકુમારની ‘રોટી, કપડા ઔર મકાન’ ફિલ્મમાં પ્રેમનાથને મોંઘવારી એવી હાડોહાડ લાગે છે કે લલકારે છેઃ પહેલે મુઠ્ઠી મેં પૈસા દેકર થેલે મેં શક્કર લાતેં થે, અબ થેલે મેં પૈસે જાતેં હૈ, મુઠ્ઠીભર શક્કર આતી હૈ... બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ.

પ્રેમનાથનો એ ચિત્કાર ત્રણ-સાડાત્રણ દાયકામાં કેટલો હિંસક બની ગયો છે તેનું પ્રમાણ સૌએ ‘લાઈવ’ નિહાળ્યું. સ...ટા...ક એક થપ્પડ ૭૧ વર્ષના કૃષિપ્રધાનને ૨૭ વર્ષના શીખ હરવિંદર સિંહે જડી દીધી અને રાષ્ટ્રીય સ્તરે હીરો બની ગયો. એ આખી વાતને નાદાન માણસની પબ્લિસિટી ભૂખ કહી વગોવી ઠેકાણે પાડી દેવી કદાચ રાજકીય કૂટનીતિ ભલે હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશભરમાં આબાલ-વૃદ્ધ, શિક્ષિત-અશિક્ષિત, ગરીબ-તવંગર તમામ વર્ગના પ્રત્યાઘાત સરખા જ પડ્યા છે. તેનો પડઘો છેઃ આખરે માણસ કરે તો કરે શું? તમામ પક્ષના રાજકારણીઓએ ગંભીર વદને પોતાનો વિરોધ, વખોડનીતિ ભલે દર્શાવી હોય પરંતુ અંદરખાને પ્રજાના રોષના સાક્ષી તો રહ્યા જ છે.

પ્રશ્ન એ પણ છે કે ખરેખર આ ‘લાફા-પ્રકરણ’ પબ્લિકના રોષનું બેરોમીટર છે કે પછી કોઈ રાજકીય સાઝિશ?એ થિયરી પાછળનું એકમેવ કારણ છે થપ્પડ પ્રકરણના દિવસે આકાર લઈ રહેલી ઘટનાઓ. જેમ કે સવારના પહોરમાં લાફા પ્રકરણે અન્ય તમામ અત્યંત મહત્ત્વના સમાચારોને એક તરફ હડસેલી દીધા. એ વાત જ સંદેહ જન્માવે તેવી છે.મોંઘવારીવાળી, અઢી કિલોના હાથે પડેલી થપ્પડની ગુંજે પ્રચારમાધ્યમોને, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમોને એવાં મૂક-બધિર કરી નાખ્યાં કે ભારતમાં પાછલે બારણે પ્રવેશી રહેલી વિદેશી કંપનીઓને રીટેલ ક્ષેત્રે મંજૂરી મળી ગઈ તેની સારી-નરસી બાજુઓ કે વાંધા-વિરોધ પ્રદર્શિત કરવાનો, સમજવાનો કોઈને મોકો જ ન મળ્યો.રજૂ કરાયો મુદ્દો આર્થિક સુધારાને વેગ આપવાનો, સરકારે મલ્ટિ બ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા અને સિંગલ બ્રાન્ડમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી જે સાથે જ વિદેશમાં જોવા મળતા ટેસ્કો, વોલ્માર્ટ, કેરફોર જેવા મેગા મોલ ભારતમાં જોવા મળશે અને ગ્રાહકોને તો બખ્ખાં થઈ જશે તેવી વાતો થઈ રહી છે. આ વિદેશી ચેઈન્સના આગમનથી ગ્રાહકને ખરીદીમાં ૫થી ૧૦ ટકા બચત, ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા વધુ વળતર, ૩૦થી ૪૦ લાખ નવી નોકરીની તક અને તે ઉપરાંત સરકારને ૨૫૦થી ૩૦૦ લાખ કરવેરાની આવક. આટલી બધી અધધધ... સર્વાંગી, ફાયદાકારક લાગતી સિચ્યુએશન ખરેખર એવી છે ખરી તે ક્ષીરનીર કરવાની તક હરવિંદરે મિડિયાને (બિઝનેસ ચેનલોને બાદ કરતાં) ન આપી.પરિવર્તન એ જ પ્રાણ એ સૂત્ર સ્વીકારી પણ લેવામાં આવે તો પણ ઘરઆંગણાના વ્યાપાર, વાણિજ્ય વિશેષરૂપે નાના એકમોને મૃતઃપ્રાય કરી નાખવાના સરકારના આ પગલાં વિશે ઝાઝી ચર્ચા જ ન થઈ શકી. અલબત્ત, આ વિશે લોકસભામાં ચર્ચા તો થઈ જ ચૂકી હતી પરંતુ, નાના એકમોને પોતાનો સૂર બુલંદ કરવાનો કોઈ મોકો ન મળ્યો.અત્યારે કદાચ આવી રહેલાં ભારેખમ રોકાણ, ચમકદમકવાળા શોરૂમવાળા મોલ ખરેખર કેટલા ફાયદાકારક છે તે તો સમજાશે ત્યારે પરંતુ નાની નાની રીટેલ શોપ, કરિયાણાંની દુકાનો, સ્થાનિક વેપારીઓનું અસ્તિત્વ જરૂરથી જોખમાશે એ વાત નક્કી છે. એક તરફ કહેવાય છે ૩૦થી ૪૦ લાખ નોકરી રોજગારની તક ઊભી થશે પરંતુ, નાના એકમોના બંધ થવાથી કે મંદ પડવાથી જનારા રોજગાર અને વધનારી બેકારીના આંક ધ્યાનમાં લેવાયા નથી. સૌથી મહત્ત્વની વાત છે ખેડૂતોની. અત્યારે એવો પ્રચારઢંઢેરો પિટાઈ રહ્યો છે કે આ વિદેશી ચેઈન સ્ટોર્સ ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા ફાયદો કરી આપશે. વાસ્તવિકતા જેટલી ગુલાબી ચિત્રિત કરી શકાય તેટલી ક્યારેય હોય છે ખરી? હકીકત એ છે કે ભારતીય ખેડૂતો આ વિદેશી ચેઈન સ્ટોર્સના મોહતાજ થઈ જશે. અત્યારની મંડી અને સ્થાનિક બજારોના બંધારણ જો મૃતઃપ્રાય થઈ જશે તો ખેડૂતોને આ ચેઈન સ્ટોર્સની દયા પર આધાર રાખવો પડશે જેનો સીધો અર્થ થાય છે શોષણ.અત્યારે જે રીતે આખું ચિત્ર ઉપસાવાઈ રહ્યું છે તે પ્રમાણે તો જાણે વિદેશી વેપારીઓ અહીં ખેરાત કરવા આવતા હોય તેમ લાગે છે. ભારતની સવા અબજ જનતાને સસ્તા ભાવે ખાદ્યાન્ન, રેડીમેડ ગાર્મેન્ટ લૂંટાવવા આવે છે. વાતની ગહનતા સૌ સમજે છે. અંદાજે ૫૯૦ અબજની રીટેલ માર્કેટ ભલભલા વેપારીના મોઢામાં પાણી લાવી દે તેવી પાણીદાર છે, વાત માત્ર પોતાના ઘરઆંગણાનાં હિતોને જાળવવાની છે.

ટેમ્પો ડ્રાઈવર હરવિંદરની થપ્પડે સમગ્ર દેશમાં કંપન તો જરૂર સર્જ્યાં. 
શક્ય છે તે કદાચ કોઈ સાઝિશનો ભાગ ન પણ હોય, પરંતુ ૨૪ નવેમ્બર, ’૧૧ની તારીખ ભારતીય ઈતિહાસમાં બે રીતે મહત્ત્વની બનીને રહી જવાની છે. એક, રાષ્ટ્રનેતાને રસીદ થયેલી કરારી થપ્પડ અને બે, ભારતભરના નાના વેપારીઓને પડેલી જોરદાર થપ્પડ. જેણે અત્યારે તો આ કમ્યુનિટીનું વિઝન ધૂંધળું કરી દીધું છે. 
-----
છેલ્લે છેલ્લે...

નયીં તહઝીબ મેં દિક્કત જ્યાદા તો નહીં હોતી
મઝાહિબ રહેતે હૈ કાયમ, ફક્ત ઈમાન જાતા હૈ
- અકબર ઈલાહાબાદી

વજન ઘટાડવાનો કીમિયો તમારા કિચનમાં જ!


વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે ઘરગથ્થું છે, શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્થૂળતા ઓછી કરી બીજી બીમારીઓથી પણ બચાવે છે.

હળદરઃ હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં જીન્સનો નાશ કરે છે. હળદરનો નિયમિત વપરાશ શરીરમાં ઉત્ત્પન્ન થતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે, લોહીનું પરિભ્રમણ વધારે છે અને ધમનીઓમાં લોહીને જામી જતું અટકાવે છે. જેથી હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

એલચીઃ આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

મરચાંઃ મરચાંવાળો આહાર શરીરમાં રહેલી ચરબીને બાળવામાં સહાયક છે. મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું તત્ત્વ ચયાપચયની ક્રિયાને પ્રદીપ્ત કરે છે. કેપ્સેસિન ઉષ્ણ હોય છે જેથી મરચાંવાળો આહાર આરોગ્યા પછી શરીરમાં રહેલી વધારાની કેલરીને માત્ર ૨૦ મિનિટમાં બાળવાની શરૂઆત કરે છે.

મીઠા લીમડાનાં પાનઃ દરરોજના આહારમાં મીઠા લીમડાનાં પાનને અન્ય આહારમાં ભેળવીને લેવાથી શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. આ પાન ચરબી અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, એ સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે. 

લસણઃ લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. 

રાઇનું તેલઃ રાઇનું તેલ બીજા કોઇ પણ ખાદ્યતેલ કરતાં ઓછી ચરબી ધરાવે છે. તેમાં ફેટી એસિડ, ઓલીક એસિડ, એરૂસીસ એસિડ અને લીનોલેઇસ એસિડ જેવાં તત્ત્વો છે. જેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જે હૃદય માટે સારું ગણાય છે.

કોબીજઃ કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

મગની દાળઃ મગની દાળ વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઓછી ચરબી હોવાને કારણે ડાયેટિંગ કરનારાઓને તે ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે અને લોહીમાં સાકરનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. તેમજ જમ્યા પછી આહારના પાચન દરમ્યિાન સાકરને ઝડપથી ઉત્પન્ન થતી અટકાવે છે.

મધઃ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે ૧૦ ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

છાશઃ છાશમાં ૨.૨ ગ્રામ ચરબી અને ૯૯ કૅલરી હોય છે, જ્યારે દૂધમાં ૮.૯ ગ્રામ ચરબી અને ૧૫૭ કૅલરી હોય છે. દરરોજના આહાર સાથે છાસ પીવાથી તે શરીરમાં ચરબી અને કૅલરીનું પ્રમાણ વધવા દેતી નથી. તેથી છાશ વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે.

અનાજઃ ફાઇબરથી ભરપૂર અનાજ જેવા કે જુવાર, બાજરા, રાગી વગેરે આહારમાં લેવાથી તે કોલેસ્ટ્રોલને શોષી લે છે અને લીવરમાં વધુ પ્રમાણમાં રસ ઉત્પન્ન કરે છે. જે ચરબીને સપ્રમાણમાં ઓગાળે છે.

તજ અને લવિંગઃ ભારતીય આહારમાં વપરાતાં આ બંને તેજાના ઇન્સ્યુલીનની કામગીરી સુધારે છે અને ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીમાં શુગરના સ્તર ઉપરાંત કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના પ્રમાણને પણ ઘટાડે છે.

Friday, November 25, 2011

જ્યારે ગણગણાટ લપડાક સ્વરૂપે ઉભરે ત્યારે...



સંવેદના નહીં સમજી શકનારાને પ્રજા ફટકારે છે


પ્રજામાં અસંતોષ અને નારાજગીનો ચરૂ ઉકળી રહ્યો છે. આ બાબતે અવારનવાર નિર્દેશ આપવા છતાં શાસકોમાં અને શાસન વ્યવસ્થામાં કોઈ જ સુધારો દેખાતો નથી. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને જાહેર કાર્યક્રમમાં તમાચો મારવાની ઘટનાની યોગ્યતાનું મૂલ્યાંકન પ્રજા પર છોડીએ, પરંતુ તે બાબત આવનારા દિવસોના એંધાણ દર્શાવે છે.વારંવારની વિનંતી- કાકલૂદી અને વંચના છતાં પ્રજાની કોઈ જ વાતને ધ્યાનમાં લેવાતી નથી તે કઈ જાતની લોકશાહી? જનલોકપાલ બિલ માટે પ્રજાની અપેક્ષાઓ પર પાણી ફેરવવા માટે તનતોડ પ્રયાસ થઈ રહ્યા છે. હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થતી નથી કે ન્યાયતંત્ર- વડા પ્રધાન અને પ્રચાર માધ્યમોને તેમાં આવરી લેવાશે કે નહીં.જનલોકપાલ માટે વિશાળ આંદોલન થવા છતાં તે વાતને ધ્યાનમાં લેવાતી નથી. આવું જ જીવન આવશ્યક ચીજવસ્તુના ભાવનું છે. વારંવારની ખાતરી છતાં એક પણ ચીજવસ્તુના ભાવ ઘટતા નથી. વર્તમાન શાસકો પ્રજાને મૂર્ખ બનાવીને માત્ર સમય પસાર કરી રહ્યા છે. તેઓ એમ જ માને છે કે વર્ષ ૨૦૧૪માં પણ સત્તા પર આવી જવાના છે.....
ઈજિપ્તમાં જે રીતે ક્રાંતિની જવાળા જોવા મળી રહી છે તેવું ભારતમાં બનવાનું નથી. કારણ કે પ્રજામાં જ કંઈ દમ નથી. પ્રજા દ્વારા આક્રોશ વ્યક્ત થાય છે, પરંતુ સંગઠન નથી. વિવિધ વર્ગમાં પ્રજાનો બટવારો કરીને એવું વિભાજન કરી નાખવામાં આવ્યું છે કે કદી કોઈ સંગઠિત લડત આપી શકે તેવું હાલમાં દેખાતું નથી.કેન્દ્ર સરકારની તમામ સત્તા હાલમાં તો પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે છે. વિદેશી પ્રચાર માધ્યમો દર બે મહિને એક જ વાત ઠોકી બેસાડે છે કે વિશ્વની પાંચ શક્તિશાળી મહિલામાં એક સોનિયા ગાંધી છે, પરંતુ દેશમાં જે અરાજકતા વ્યાપ્ત છે તે માટે સૌથી જવાબદાર વ્યક્તિ એ જ છે.સમગ્ર વિશ્વમાં વ્યાપાર અને અર્થકારણમાં નબળા ટર્નઓવરની પરિસ્થિતિ છે તેવે વખતે ભારતમાં યુવાન વર્ગને રોજગારી મેળવવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, પરંતુ કોઈ જ રાજકીય પક્ષને આર્થિક બાબતોમાં ચિંતા થતી હોય તેવું દેખાતું નથી. માત્ર દોષારોપણ કરવા સિવાયનું કોઈ જ કાર્ય થતું નથી.ઉદારીકરણની શરૂઆત વખતે ૧૯૯૧માં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે કરવેરાનું તેમ જ સરકારી નિયંત્રણનું પ્રમાણ ઘટશે, પરંતુ આજે વાસ્તવિકતા એ છે કે કરવેરા વધ્યા છે અને નાની વ્યક્તિ માટે તે વેપાર શરૂ કરવો અતિ મુશ્કેલ બની ગયો છે.પ્રજાની નારાજગી માત્ર કેન્દ્ર સરકારની અનિર્ણાયકતા પ્રતિ જ નથી, પરંતુ લુચ્ચાઈ અને છેતરપિંડી ભરેલી તમામ આર્થિક નીતિને કારણે પ્રજા ગળે આવી ગઈ છે, કેટલા વર્ષો સુધી આવું સહન કરવું તેવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. પ્રજાનો ગણગણાટ તુમાખીભર્યા શાસકોને કાને સંભળાતો નથી......
વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને માત્ર ન્યૂકલીઅર ઈલેક્ટ્રિસિટી સિવાયના કોઈ જ મુદ્દામાં રસ નથી. સૌથી વધુ જોખમી એવા પાવર પ્લાન્ટ સામે પ્રજાને કઈ સુરક્ષા મળે છે તેની કોઈ વાત થતી નથી, પરંતુ એનર્જી સિક્યોરિટી માટેનો મુદ્દો આગળ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રના બીજા પ્રશ્ન કયાંય પાછળ ધકેલાઈ ગયા છે.કૃષિ મંત્રી તરીકે શરદ પવાર નિષ્ફળ છે છતાં માત્ર ૧૦-૧૨ સાંસદોના ટેકા માટે તેમની પર લોકસભામાં આધાર રાખવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શરદ પવારના પક્ષ વચ્ચે ગઠબંધન છે. બન્ને એક જ મુદ્દે સહમત છે કે ગમે તે પ્રકારે સત્તા જાળવવી અને પૈસા ખંખેરવા!!કૃષિ મંત્રાલયનો એક પણ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો નથી. તેમ છતાં વર્ષ ૨૦૦૪થી સતત શરદ પવાર તે વિભાગ સંભાળી રહ્યા છે. કૉંગ્રેસ પક્ષની એવી તો કઈ મજબૂરી છે કે જેથી તેમને કંઈ જ થઈ શકતું નથી. ખાંડ અને કાંદાની નિકાસમાં પણ તેઓ જ પોતાનું ધાર્યું કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે કૉંગ્રેસ પક્ષ જ નિર્માલ્ય છે.કૉંગ્રેસ પક્ષ હાલમાં સાવ દિશાશૂન્ય છે. જેટલા હોદ્દેદાર છે તેટલા વિચાર અને તેટલી જ વિચારધારા છે. દરેક મહામંત્રી જુદું-જુદું બોલે છે. વળી બોલવામાં પણ કોઈ વિવેક અથવા શિસ્ત દેખાતા નથી. આવે વખતે પ્રજાનો રોષ આ પ્રકારના પ્રતિભાવરૂપે ન ઉભરે તે જ નવાઈની વાત હોય શકે.લોકશાહી અને ગઠબંધન સરકાર બન્નેની મર્યાદા જોવામાં આવી રહી છે માત્ર મર્યાદા નહીં, પરંતુ દરેક ક્ષેત્રે માત્ર ને માત્ર નિષ્ફળતા છે. એક પણ ક્ષેત્રે સંતોષ લઈ શકાય તેવું નથી. આથી તો બહેતર છે કે મધ્યસત્ર ચૂંટણી જાહેર થાય. 

Tuesday, November 22, 2011

ઇશરત એન્કાઉન્ટર નકલી

‘સિટ’ના ત્રણેય સભ્યોનો એકમતઃ કસૂરવારોની ધરપકડની તૈયારી


ઇશરત નિર્દોષ જાહેર થતાં ખુદા પર મારો એતબાર વધ્યો છે. મારી દીકરીનું ખોટું એન્કાઉન્ટર કરનાર દોષી ગુજરાત પોલીસ અધિકારીઓને સખત સજા થાય એમ હું ઇચ્છું છું. - ઇશરતની માતા શમીમ કૌસર જહાં ----- મને લાગે છે કે આરોગ્યની મર્યાદા છતાં મારા લાંબા સંઘર્ષનું સારું પરિણામ આવ્યું છે. મને ન્યાય મળ્યો છે. હું ન્યાય મેળવવા માટે લડી રહ્યો હતો અને અદાલતના આ આદેેશથી ઇશ્વરમાં અને ન્યાયતંત્રમાં મારો વિશ્વાસ વધુ દઢ થયો છે. - જાવેદના પિતા 


અમદાવાદઃ અમદાવાદના સીમાડે કોતરપુર વોટર વર્ક્સ નજીક ૧૫ જૂન, ૨૦૦૪ની વહેલી પરોઢે મુંબઈની યુવતી ઇશરત જહાં સહિત ચાર શકમંદને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હોવાનો ધડાકો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની તપાસમાં થયો છે. સોમવારે હાઇ કોર્ટમાં રજૂ થયેલા તપાસ અહેવાલના આધારે અદાલતે નવી ફરિયાદ દાખલ કરવાનો પણ હુકમ કરતા સરકાર અને તંત્રમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ ઉપર નકલી એન્કાઉન્ટરનું આ બીજું નક્કર આળ છે. આ અગાઉ ૨૦૦૫માં સોહરાબ-તુલસી એન્કાઉન્ટરકાંડમાં ડી.જી. વણઝારા સહિત બે ડઝન જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે જેલની હવા ખાઇ રહ્યા છે તે ટાણે જ આ ઘટસ્ફોટ થતા તંત્ર ધ્રૂજી ઉઠ્યું છે.
ગુજરાત હાઇ કોર્ટના આદેશના પગલે ઇશરત એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરતી કેન્દ્રીય આઇપીએસ અધિકારી આર.આર. વર્માના વડપણ હેઠળની સિટએ એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તે દર્શાવતો અહેવાલ ગત ૧૮મી નવેમ્બરના રોજ સીલબંધ કવરમાં રજૂ કર્યો હતો. સોમવારે યોજાયેલી આ કેસની સુનાવણીમાં ન્યાયમૂર્તિ જયંત પટેલ અને ન્યાયમૂર્તિ અભિલાષાકુમારીની ખંડપીઠે ડાયસ ઉપર બેસતાની સાથે જ બપોરના ૨.૪૫ કલાકે ‘સિટ’ના અહેવાલને ટાંકીને એન્કાઉન્ટર બોગસ હોવાનું જાહેર કર્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આઇપીએસ આર.આર. વર્માના વડપણ હેઠળની ટીમના ત્રણેય સભ્યોએ એન્કાઉન્ટર બોગસ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ઇશરત સહિત ચારેયનાં મોત અને પોલીસે એન્કાઉન્ટરનો દર્શાવેલો સમય અલગ-અલગ છે. જેથી ચારેયને કયા કારણોસર ઠાર મરાયા? તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે? તથા તમામની શું ભૂમિકા છે ? તેની તપાસ માટે નવી પોલીસ ફરિયાદ નોંધી હત્યાનો ગુનો નોંધવો જોઈએ.કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આ કેસ જેન્યુઇન એન્કાઉન્ટરનો નહીં પરંતુ હત્યાનો છે. જેથી કેસની વધુ તપાસ માટે સીબીઆઇ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) હાલની ‘સિટ’ કે રાજ્યની એજન્સી મારફતે કરાવી શકાશે. ‘સિટ’ને એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તે તપાસવા માટે આદેશ કરાયો હોવાથી સિટના વડા આર.આર. વર્માએ આખરી અહેવાલ રજૂ કરીને મુક્ત કરવા અરજી કરી છે.
ઇશરત કેસની હવે પછીની તપાસ માટે ‘સિટ’ દ્વારા અસહમતી દર્શાવાતા કોને તપાસ સોંપવી તે બાબતે સુનાવણી યોજાઇ હતી. જેમાં અરજદારોએ કેસની વધુ તપાસ ‘સિટ’ કે એનઆઇએ મારફતે કરાવવા માંગણી કરી હતી. જ્યારે સરકારી વકીલે અરજદારોની માગણીનો વિરોધ કરીને વધુ તપાસ ગુજરાત પોલીસ મારફતે કરાવવા રજૂઆત કરી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારના એડવોકેટે આ કેસમાં નવી ફરિયાદ નોંધવાની રજૂઆત કરી હતી તેમજ ‘સિટ’ તપાસ કરે તો તેને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત સીબીઆઇ અને એનઆઇએનો તપાસ લેવા માટે અભિપ્રાય મેળવીને ૨૩મી નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો. જેથી હાઇ કોર્ટે વધુ સુનાવણી ૨૩મી નવેમ્બર પર મુલતવી રાખી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે હાઇ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં એન્કાઉન્ટર સાથે સંકળાયેલા એક પણ પોલીસ કર્મચારી હાજર રહ્યાં ન હતા.
--------
સમયનો કાંટો ગાળિયો બન્યો

ઇશરત સહિત ચારેય કથિત ત્રાસવાદીઓના એન્કાઉન્ટરનો દર્શાવેલો સમય તથા ચારેયના મૃત્યુના સમયનો તાળો નહીં મળતા ‘સિટ’ના ત્રણેય સભ્યોએ મેજિસ્ટ્રેટ તામંગની જેમ એન્કાઉન્ટર બોગસ હોવાનો અભિપ્રાય અહેવાલમાં વ્યક્ત કર્યો હતો.ગત ૧૫મી જુલાઈ ૨૦૦૪ના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ઠાર મારવા આવેલા ઇશરત અને જાવેદ સહિત ચાર કથિત ત્રાસવાદીઓને વહેલી સવારે લગભગ ૪.૩૦ કલાકે ક્રાઇમ બ્રાન્ચે કોતરપુર વોટર વકર્સ નજીક એન્કાઉન્ટર ઠાર માર્યાં હતાં. જ્યારે તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હોજરીમાં અર્ધપચેલો ખોરાક મળી આવ્યો હતો. જેથી મેજિસ્ટ્રેટ તામંગે પી.એમ. રિપોર્ટ તથા એફએસએલના અહેવાલને ધ્યાનમાં રાખીને પ્રણેશ પિલ્લાઇ ઉર્ફે જાવેદનું ૧૪મી જુલાઇના રોજ રાત્રે ૮.૩૦થી ૯ની વચ્ચે તેમજ ઇશરત સહિત ત્રણેયનાં મોત ૧૪મી જુલાઇના રાત્રે ૧૧થી ૧૨ની વચ્ચે થયાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 
જ્યારે ગુજરાત હાઇ કોર્ટના આદેશના પગલે તપાસ કરતી સિટે પણ ચારેયનાં એન્કાઉન્ટર અને મૃત્યુનો સમય મેચ નહીં થતો હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તેમજ એઇમ્સની ટીમની મદદથી આખી ઘટનાનું ત્રણ વખત રિકન્સ્ટ્રકશન કરીને ‘સિટે’ ચારેયનાં મોત એન્કાઉન્ટર સ્થળે નહીં થયા હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

હજારો ઉપદેશ કરતાં થોડું કલ્યાણકારી કાર્ય લાખ દરજ્જે સારું ગણાય છે

ગુણવત્તા સાથેનું શિક્ષણઃ હજુ વ્યાપક કાર્ય બાકી છે



શિક્ષણક્ષેત્રે જાતજાતના પ્રયોગ થઈ રહ્યા છે. નવી નવી પદ્ધતિ લાવવામાં આવી રહી છે. હવે શિક્ષણની ગુણવત્તા સુધારવાનો વ્યૂહ અપનાવાયો છે. શિક્ષણમાં અનામત પ્રથાને કારણે કેટલું નુકસાન થયું છે તેનો કોઈ અંદાજ રાજકીય પક્ષોને નથી. માત્ર ઉપરછલ્લાં પગલાં લેવામાં આવી રહ્યા છે.આજના સમયમાં ટેક્નિકલ શિક્ષણની માગ વધી છે. તે માટે સંકલિત પ્રયાસ થઈ રહ્યા છે. ટેકિનકલ શિક્ષણમાં કમ્પ્યુટર્સ શિક્ષણનો પણ સમાવેશ થાય છે તે સિવાયના હુન્નર અને કુનેહ વિકસાવે તેવી શિક્ષણ પદ્ધતિ સમાજને માટે પથદર્શક બની રહેવી જોઈએ. આ દિશામાં વિચારવાની જરૂર છે.ખરેખર મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવામાં આવે તો હજુ આપણે ત્યાં પ્રભાવશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો અને તજજ્ઞોની ભારે અછત છે. લગભગ દરેક ક્ષેત્રના ઉચ્ચ કક્ષાની બુદ્ધિ પ્રતિભા ધરાવનારા નિષ્ણાતો બહુ મર્યાદિત છે. સંશોધનલક્ષી ઉચ્ચ સંસ્થાઓ મર્યાદિત છે. આવી સંસ્થાની સંખ્યામાં વૃદ્ધિ થશે તે વખતે જ શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાનો છે.છતાં એ બાબત આવકારદાયક છે કે શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણનો આશય માત્ર માનસિક વિકાસ નથી, પરંતુ સમગ્ર સમાજના કલ્યાણકારી વિકાસની વાત તેમાં છે. કમનસીબે શિક્ષણનું નેતૃત્વ ખોટા લોકોના હાથમાં જતું રહ્યું છે. એટલે સાચાં અને સારા પરિણામ જોવાં મળતાં નથી.

શિક્ષણપ્રથાના કેન્દ્રમાં શિક્ષક છે. શિક્ષક સત્ત્વશીલ હોય તો શિક્ષણપ્રથામાં કૌવત રહે છે. શિક્ષકનો સામાજિક દરજ્જો સમાજે ઉર્ધ્વગામી બનાવવાની જરૂર છે. વળી શિક્ષણ એટલે માત્ર પાકા મકાન - ઓરડા અને શાળાનું કમ્પાઉન્ડ નથી તે સિવાયની ઘણી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. કોઈપણ સમાજ માટે શિક્ષણપ્રથા એક દર્પણ છે. સમાજ અને સંસ્કૃતિ - પરંપરા વગેરેની ગુણવત્તા કેવી છે તે શિક્ષણપ્રથા પર નિર્ભર છે. કમનસીબે રાજકીય નેતૃત્વ શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી. કારણ કે દર પાંચ વર્ષે સત્તા બદલાતી હોય છે તેમાં નક્કર કાર્ય થતાં નથી. છેલ્લાં ૧ હજાર વર્ષના ગુલામીના ઈતિહાસના કારણે આપણે આપણી મૌલિક શિક્ષણપ્રથા ગુમાવી બેઠા છીએ. હાલમાં જે કંઈ છે તે માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણપદ્ધતિ છે. સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપવામાં આવે છે, પરંતુ તેમાં પોતાના વિચાર અને પોતાની મૌલિક સર્જકતા ખૂબ જ ઓછી હોય છે.ટેક્નિકલ અને વૈજ્ઞાનિક શિક્ષણક્ષેત્રે હજુ વિશાળ કામગીરી કરવાની બાકી છે. આજે આવો વર્ગ અલ્પસંખ્યક છે તેમને કેટલાક વિશેષાધિકાર અને નાણાકીય પ્રોત્સાહન પૂરા પાડીને આગળ લાવવા પ્રયત્ન થવા જોઈએ. બાકી બીજી રાહતો જે અન્ય વર્ગને મળે છે તે આવા પરિણામલક્ષી કામગીરી કરનારા વૈજ્ઞાનિકોને મળે છે ખરી? વર્તમાન સમયમાં જ્યાં સત્તા અને સંપત્તિનું જોર છે તેવે વખતે ગુણગ્રાહી - સત્ત્વશીલ કામગીરી કરનારા કેટલા? જે સમાજ માત્ર અર્થલક્ષી બને છે તેનું પતન અવશ્ય થતું હોય છે. શિક્ષણશાસ્ત્રીઓ - સમાજશાસ્ત્રીઓ અને નીતિ વિષયક આયોજન કરનારાઓ વગેરે માટે આવી બાબત એક પડકાર છે.તેમ છતાં છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધ્યો છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સંસ્થા પણ વધી છે તેમ છતાં ગુણવત્તા બાબતે બહુ સંતોષ લઈ શકાય તેવું નથી. ખમતીધર વર્ગના લોકો તો શિક્ષણ લેવા માટે વિદેશ જતાં રહે છે, પરંતુ દરેકને તે પરવડે તેવું નથી. આથી જ ઘરઆંગણે તેમાં સુધારાના પ્રયાસ થવા જોઈએ.જે કંઈ કામગીરી થશે તે ભલે ધીમી હોય, પરંતુ તબક્કાવાર હોવી જોઈએ. એક પછી એક બાબતે વર્તમાનને ધ્યાનમાં રાખીને જો નિર્ણય થશે તો સમાજને તેનો ફાયદો અવશ્ય મળવાનો છે. સમાજને મળનારો લાભ એ મોટી બાબત બની રહે છે. આથી શિક્ષણને કેન્દ્રમાં રાખીને સઘળા નિર્ણય કરવાના રહે છે. શિક્ષણ એ રાજ્યનો વિષય છે. જ્યારે કેન્દ્ર સરકાર માત્ર નીતિ વિષયક સૂચન કરે છે, પરંતુ શિક્ષણ લોકભોગ્ય બને અને રાષ્ટ્ર ઘડતરમાં ફાળો આપે તે માટે સર્વસંમતિ હોવી જોઈએ. આવી બાબતમાં મતમતાંતર ચાલે નહીં. રાષ્ટ્રપ્રેમને વિકસાવે તેવી બાબતો શિક્ષણના અભ્યાસક્રમમાં આવરી લેવી જોઈએ. શિક્ષણમાં રાષ્ટ્રનો ઈતિહાસ અને નામી - અનામી લોકોએ આપેલા ફાળાની પણ યોગ્ય સ્તરે નોંધ લેવાવી જોઈએ. રાષ્ટ્રાભિમાન વિકસાવે તેવા મુદ્દાઓ આવરી લેવાની ખાસ જરૂર છે. ચારિત્ર્ય - સદાચાર અને નિષ્ઠાને પુષ્ટિ આપે તેવી શિક્ષણપ્રથા માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. 

Thursday, November 3, 2011

વિશ્વ અને જનસંખ્યા


  • વિશ્વની જનસંખ્યા સાત અબજની થઈ છે. ઘરમાં નવું બાળક જન્મે તે આનંદ અને હર્ષની વાત બને છે તેને બદલે પૃથ્વી પર સાત અબજ જીવ છે તે વાતથી ભવિષ્ય માટેની ચિંતા પણ થઈ રહી છે!! વિરોધાભાસ ઘણા છે અને વિશ્લેષણ તે રીતે થઈ રહ્યા છે.
  • લોકશાહી રાષ્ટ્રમાં ભારત એ સર્વપ્રથમ રાષ્ટ્ર છે કે જેમણે નાનું કુટુંબ અને કુટુંબ આયોજન એ મુદ્દાને રાજ્યના વિષય તરીકે સ્વીકારીને સરકારી રાહે ૧૯૫૨માં કુટુંબ નિયોજન સ્વીકાર્યું હતું. આ વાતને ૬૦ વર્ષ થયા પછી ભારતની જનસંખ્યા ૧૨૦ કરોડની છે. જનસંખ્યા વધવા છતાં આજે ભારત પોતાનું ભરણપોષણ કરે છે.સરકારી રાહે નાના કુટુંબના પ્રચાર છતાં કેટલીક ચોક્કસ કોમ અને વર્તુળ આવી બાબતમાં માન્યતા ધરાવતા નથી. આથી પરિણામ એવું આવ્યું છે કે ભારત જેવા રાષ્ટ્રમાં સમગ્ર ડેમોગ્રાફી બદલાઈ રહી છે. બુદ્ધિશાળી કોમ અને જ્ઞાતિની સંખ્યા ઘટી રહી છે અને નઠારા - નિરક્ષર લોકોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેમાં કોમવાદીઓ પણ વધ્યા છે.ભારતમાં દર વર્ષે અઢી કરોડની જનસંખ્યા વધે છે એટલે ૧૦ વર્ષે અંદાજે ૨૫ કરોડની સંખ્યા વધે છે. આટલી વિશાળ જનસંખ્યા માટે અનાજ - પાણી - શિક્ષણ - રહેઠાણ - આરોગ્ય વગેરે માટેની સુવિધા માટે આયોજન થાય છે ખરું? આ બાબતે સરકારી વિભાગ સાવ મૌન છે. તેમના તરફથી કોઈ જ સ્પષ્ટતા થતી નથી.
  • સમગ્ર વિશ્વમાં ૨૦૧ રાષ્ટ્ર છે. તેમાંથી ૪૨ રાષ્ટ્ર સાવ નાના છે - તેની જનસંખ્યા અડધા મુંબઈ જેટલી ગણવી રહી. જ્યારે તેનાથી નાના ૪૪ રાષ્ટ્ર છે. આ રાષ્ટ્રોની વસતિ ૧૦ લાખથી ૫૦ લાખ જેટલી ગણી શકાય. જ્યારે ૮૩ રાષ્ટ્ર એવા છે કે તેમની જનસંખ્યા ૫૦ લાખથી પાંચ કરોડની છે.વળી ૫ કરોડથી ૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં ૧૦ દેશ છે. તેમાં પાકિસ્તાન, બંગલાદેશ, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા, જાપાન, વગેરે છે. પરંતુ ભારત-અમેરિકા અને ચીન એ ત્રણ રાષ્ટ્ર જનસંખ્યાની દષ્ટિએ અગ્રેસર છે. તેમાં અમેરિકાની વસતિ ૩૦ થી ૩૨ કરોડની હોવાનો અંદાજ છે.ભારત ૧૨૦ કરોડ તો ચીનની જનસંખ્યા ૧૩૦ કરોડની છે. ઔદ્યોગિકરણ બાદ વિભક્ત કુટુંબો થવાથી જનસંખ્યા વધી - અને યુરોપને તેનો અનુભવ થયો. તે વખતે માલ્થુસની જનસંખ્યા થિયરી અને આધુનિક એમ બે વિચારધારા હતી. વસતિ વધે છે તેવે વખતે કુદરત આફત લાવે છે તેવો નિષ્કર્ષ પણ ફેલાવાયો હતો.પ્રશ્ન જનસંખ્યાનો નથી, પરંતુ સંચાલનનો છે. ગ્રામ્ય વિસ્તારની વસતિ શહેરમાં આવે તેને સરકારી રેકર્ડ વસતિના વધારા તરીકે ઓળખાવે છે!! પરંતુ તેઓ ગામડા શા માટે ત્યાગે છે તેના કારણો શોધવાની ફૂરસદ તેમની પાસે નથી. ભારત જેવા રાષ્ટ્રમાં જનસંખ્યા, વિસ્તાર, વસતિ, જ્ઞાતિ, સામાજિક સમૂહ અને તેને લગતી બાબત એ વિશદ્ છણાવટનો મુદ્દો છે.ભારતમાં પશ્ચિમનાં વિસ્તારો તરફ વસતિનો ધસારો વધારે જણાય છે જ્યારે પૂર્વ અને ઈશાન ભારતમાંથી વસતિનું સ્થળાંતર પશ્ચિમ - ઉત્તર તરફ થઈ રહ્યું છે. માત્ર વસતિ વધી છે તેમ કહેવાને બદલે આ જાતના તારણ શોધીને તેના ઊંડાણના કારણ તપાસવાની ખાસ જરૂર છે.
  • એક સમયે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ - ધર્મ વગેરે એશિયાના દૂર દૂરના વિસ્તાર અને અફઘાનિસ્તાન સુધી હતો. પરંતુ જનસંખ્યા સંચાલન ક્ષેત્રે માર ખાવાથી ભારતે ઘણી બાબતે નિયંત્રણ ગુમાવ્યું. આ બાબતે ઘણાં પુરાવા આપી શકાય તેવું છે. પરંતુ નિષ્ણાતોએ વર્તમાન સમયને અનુરૂપ નવેસરથી ડેમોગ્રાફીનું વિશ્લેષણ કરવું જોઈએ.આફ્રિકા અને એશિયામાં જનસંખ્યાને ટાર્ગેટ બનાવીને વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ કાર્ય ભાજપ પેદા થયો નહોતો ત્યારથી ચાલી રહ્યું છે. જનસંખ્યાના મુદ્દાને ચર્ચામાં લેતી વખતે ભારત જેવા રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. હાલમાં આવી કોઈ જ બાબતને ધ્યાનમાં લેવાતી નથી.જનસંખ્યા માત્ર અર્થશાસ્ત્રને લગતી જ બાબત નથી. જનસંખ્યા વિશાળ બજારને મંચ પૂરો પાડે છે. જનસંખ્યાથી ધર્મ - સંસ્કૃતિ સંગઠિત રીતે વિકસે છે. જનસંખ્યા શ્રમબજારનું સાધન છે. બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા અને તેને આનુષંગિક બાબત કેન્દ્રમાં રાખીને જનસંખ્યા જેવા વિષય પર સમાજમાં ચર્ચા અનિવાર્ય બની છે.રાષ્ટ્રના કુદરતી સાધનો અને સંપત્તિ જોતાં જનસંખ્યા રાષ્ટ્રનું નવસર્જન કરી શકવાને શક્તિમાન છે.

ધરતીના પેટાળમાંથી ઉલેચાયું છે તેનાથી ક્યાંય વધારે સોનું માણસના વિચારોમાંથી મળ્યું છે. - નેપોલિયન હિલ


  • જમીનના એક વિશાળ પણ ખુલ્લા પ્લોટ પર ઉત્કૃષ્ટ ઈમારત બાંધવા માટે શાની જરૂર પડે? સૌથી પહેલા તો વિચારની જ પડે. નવલકથા લખવા માટે, ગીત સર્જવા માટે, ચળવળ ચલાવવા માટે અને પરિવર્તન લાવવા માટે, દરેક માટે શરૂઆત તો એક વિચારથી જ થઈ શકે છે. વિચારથી વધુ અમૂલ્ય જગતમાં કાંઈ ના હોઈ શકે. આટલું જેને સ્વીકાર્ય હોય તે માણસે શાના પર વધુ સમય ખર્ચવો જોઈએ? બેશક, વિચાર કરવા પાછળ જ. જીવનમાં જ્યારે પણ એમ લાગે કે આપણે પાછળ રહી ગયા ત્યારે તરત યાદ રાખવાનું, ‘બીજાની જેમ વિચારી ના શક્યા તેનું આ પરિણામ છે’, તેમાં સુધારો ગમે ત્યારથી થઈ શકે છે. પ્રયત્નોથી માણસ કોઈપણ કાર્ય શીખી શકે છે તેમ યોગ્ય રીતે વિચારતા પણ બેશક શીખી શકે છે. સારી સંગત રાખો, સારું વાચન કરો, સારી વાણી કેળવો અને સારું વિચારવામાં સહાય કરે તે દરેક વાતને અપનાવી લો. જૂની વિચારસરણીથી નવા વિચારો સુધી પહોંચવામાં પડતી તકલીફોને પણ ખમી લો. એકવાર આ સોનું હાથ લાગવાની શરૂઆત થશે પછી કોઈ આગળ વધતા અટકાવી શકશે નહીં. વિચારી તો જુઓ. 

Sunday, October 30, 2011

બહારના પરિબળોની જાસૂસી રાષ્ટ્રને ખોખલું બનાવી રહી છે

ક્ષતિ અને ખામી બતાવ્યા કરવાની વૃત્તિ એ નકારાત્મક દષ્ટિકોણ છે.


જાસૂસી તંત્રની કાર્યક્ષમતા અને વ્યાપ અંગે વારંવાર સમાચાર પ્રસિદ્ધ થાય છે, પરંતુ તે અંગેની વિગતવાર માહિતી કે સત્તાવાર આંકડા મળી શકતા નથી. રાષ્ટ્રનું જાસૂસીતંત્ર નબળું છે તેવી ઘણી બાબતો પરસ્પર વિરોધાભાસ સાથે બહાર આવે છે તેવે વખતે કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકને ચિંતા થાય છે.એક ચોંકાવનારા સમાચાર છે કે જેને દેખીતી રીતે યોગ્ય રીતે મૂલવવા રહ્યા. અમેરિકાની જાસૂસી સંસ્થા આપણા અણુ સંસ્થાન - મહત્ત્વના સુરક્ષા વિભાગના કાર્યાલય અને ‘ઈસરો’માં વ્યાપક જાસૂસી જાળ ધરાવે છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે. ભારતની તમામ માહિતી તેમને મળી રહી છે તે બાબત રાષ્ટ્રના વ્યાપક હિત માટે જોખમ છે.રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગના એક મહત્ત્વના અધિકારી રવીન્દ્રસિંઘ વર્ષ ૨૦૦૪માં અમેરિકા નાસી ગયા હતા. તે વખતે ઘણી ધમાલ થઈ હતી, પરંતુ ત્યાર બાદ કઈ કાર્યવાહી થઈ તે વિશે સંપૂર્ણ શૂન્યાવકાશ પ્રવર્તી રહ્યો છે. આવું તો ઘણું છે, પરંતુ તે સઘળું સામાન્ય વ્યક્તિના પરિપ્રેક્ષ્યની બહાર છે.
૧૯૯૮માં જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા તે વખતે ભારતે ભૂગર્ભ અણુપ્રયોગ કર્યો હતો. અમેરિકાના જાસૂસી ઉપગ્રહના કેમેરા તે વખતે મેઈન્ટેનન્સ માટે બંધ હતા. આ બાબતની જાણકારી ભારતને હતી. આથી ભૂગર્ભ અણુપ્રયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતે હજુ સુધી અમેરિકા ભૂલ્યું નથી.અમેરિકાએ તેના બદલામાં મહત્ત્વના વિભાગોમાં પોતાનો પથારો એટલો વધાર્યો છે કે તે જાસૂસી જાળના વ્યાપ વિશે કોઈને પણ પર્યાપ્ત માહિતી નથી. કારણ કે ઈન્ટેલિજન્સ અને તેના નેટવર્ક અંગે કોઈ જ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. આ બધી બાબત અંગે ખુદ સંસદમાં પણ શૂન્યાવકાશ પ્રવર્તે છે. જો કે કેટલાક અનુભવ બાદ ઈન્ટેલિજન્સ બ્યૂરોની ઓફિસમાં સેલ ફોન અને એડવાન્સ હાર્ડવેરના ઉપયોગનું નિયંત્રણ થઈ રહ્યું છે, પરંતુ આવી પદ્ધતિ ૧૦૦ ટકા સુરક્ષિત નથી. સાઈબર સિક્યોરિટીના નિષ્ણાતો કહે છે કે આ બાબત ટેકનોલોજી કરતાં વ્યક્તિની નિષ્ઠા સાથે વધુ છે.

ભારત - અમેરિકા વચ્ચે ન્યૂક્લીઅર સમજૂતી થઈ છે. અમેરિકા હજુ દબાણ કરી રહ્યું છે કે નાગરિક અને લશ્કરી હેતુ માટે થતાં અણુસામગ્રીના ઉપયોગનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવે અને તેની વિગત પૂરી પાડવામાં આવે, કારણ કે અમેરિકાને ભારતની કોઈ જ ખાતરીમાં વિશ્વાસ નથી.અમેરિકાએ ભારત પાસેથી માહિતી મેળવવા ઘણા અભ્યાસ જૂથની રચના કરી છે. તેમાં સુરક્ષા નીતિ અભ્યાસ જૂથ, ત્રાસવાદ નિષેધ જૂથ - હાઈ ટેકનોલોજી ગ્રુપ વગેરે પણ આ તમામની પાછળ આશય કંઈક ન સમજી શકાય તેવો છે. આવા જૂથ દ્વારા કોઈક તો માહિતી મળી જ રહે છે.ઈન્ટેલિજન્સ બ્યૂરો આંતરિક સુરક્ષાને લગતી બાબત સંભાળે છે - જ્યારે રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ દ્વારા વિદેશી બાબતોને લગતું વિશ્લેષણ કરવામાં આવે છે. પરંતુ એવું જણાય છે કે આ બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આપસનું કોઈ જ સંકલન નથી. એટલે કમનસીબી આપણા પક્ષે છે તેમ સ્વીકારવું રહ્યું.
લશ્કરી દળો અને અર્ધલશ્કરી દળોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વારંવાર ફરિયાદ આવે છે. અલબત્ત કેટલાક કિસ્સામાં તો કિન્નાખોરી પણ હોય છે. તેમ છતાં આવું બની રહ્યું છે તે હકીકત છે. ભ્રષ્ટાચાર અને બહારના પરિબળોની જાસૂસી એ બંને બાબત રાષ્ટ્રને ખોખલું બનાવી દેશે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ.
બંગલા દેશ અને પાકિસ્તાનના જાસૂસો ખૂબ જ વ્યાપ વધારી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત ભારતના દૂતાવાસમાં એક મહિલા અધિકારી થોડા સમય અગાઉ રંગેહાથ પકડાઈ ગઈ હતી. દરેક બાબતના પુરાવા હોતા નથી. આવી તો ઘણી બાબત છટકી જતી હશે તે વિશે કોણ વિચારતું હશે?જાસૂસો એ રાષ્ટ્રના આંખ-કાન છે અને તેના થકી જ દુશ્મનની ચાલનો અંદાજ મળી શકે છે. રાષ્ટ્રની આજુબાજુ ઘણા દ્રોહી તત્ત્વો કાર્યરત છે તેવે વખતે સજાગ રહેવાની ખાસ જરૂર છે. આ બાબત કોઈ એક વ્યક્તિને નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રને લાગુ પડતી વાત છે. રાષ્ટ્રના ભવિષ્યને સ્પર્શતી આ વાત છે.ભૂતકાળમાં આક્રમકો આવી જ રીતે આવતા હતા અને તેની જાણકારી કમજોર હોવાથી પ્રતિકાર નહિ થઈ શકયો અને શું પરિણામ આવ્યા તે નજર સમક્ષ છે. ભૂતકાળમાંથી શીખવવાની બાબત આવી છે. ઈતિહાસ અને ભૂગોળના જાણકાર હોય તેઓ જાસૂસી અને જાસૂસીતંત્રનું મહત્ત્વ સારી રીતે જાણે છે

Friday, October 28, 2011

પ્રજાની સહનશક્તિની પરીક્ષા ક્યાં સુધી?

રાતોરાત મળેલી સફળતા પાછળ વર્ષોના ઊજાગરા કામ કરતા હોય છે.


વિક્રમ સંવત ૨૦૬૮ના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે તેવે વખતે જો મૂલ્યાંકન કરવામાં આવે તો હવે ખોટું બહુ લાંબુ ચાલવાનું નથી. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સફળ થયું કે કેમ અને જનલોકપાલ ખરડો ક્યારે આવશે તે બાબતે ચર્ચા પછી, પરંતુ એકંદરે પ્રજા જાગૃત થઈ ગઈ છે.

દરેક બાબતને એક ચોક્કસ દષ્ટિકોણ હોય છે, ચોક્કસ દિશા અને સૂઝ હોય છે. પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. તેમના પર કાયદા અને નિયમોને જોરે દમન કરવામાં આવ્યું, પરંતુ હવે પ્રજા બરાબર જાણી ગઈ છે. માત્ર વિફરી નથી તેટલો જ પાડ શાસક પક્ષે માનવાનો છે. જ્યારે વિફરશે તે વખતે સમગ્ર ચિત્ર અલગ જોવા મળશે.

કાયદાઓ અને ન્યાયતંત્ર છતાં ભ્રષ્ટાચારનો જે વ્યાપ છે તે અસહ્ય છે. આ બાબત ન્યાયતંત્રને માટે પણ એક પડકાર છે. કોમવાદ કરતાં વધુ ભયાનક ભ્રષ્ટાચાર છે તે વાતનો પ્રજાએ સ્વીકાર કર્યો છે. બીજી વાતોમાં પડવાને બદલે ન્યાયતંત્રએ ભ્રષ્ટાચારની પદ્ધતિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

સ્વ. નાની પાલખીવાલાએ એક વાર જણાવ્યું હતું કે સરકારી તંત્ર છે પરંતુ વહીવટ ઘણો ઓછો છે, કાયદા ઘણા છે પરંતુ ન્યાય ઓછો છે, સરકારી કર્મચારીઓ છે પરંતુ પ્રજાને તેમના તરફથી સેવાનો સંતોષ નથી. જ્યારે ઘણાં નિયંત્રણો છે પરંતુ પ્રજાનું કલ્યાણ મર્યાદિત છે. આજે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.

અઢળક કરવેરા ભરવા છતાં પ્રજા બેહાલ કેમ રહે છે? સરકારની કલ્યાણ યોજનાઓ દ્વારા પ્રજાનું કોઇ કલ્યાણ થતું નથી, કારણ કે આવી યોજનાની નાણાકીય રકમ તો ભ્રષ્ટાચારમાં જ ખતમ થઈ જાય છે. તમામ સમસ્યાના મૂળમાં ભ્રષ્ટ રીતરસમ પડેલી છે. હવે પ્રજા આ તમામ બાબતથી માહિતગાર થઈ રહી છે.

શિક્ષણ જેવી પાયાની બાબત પણ આજે તેનું મૂલ્ય ગુમાવી રહી છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે તે હવે જૂની વાત છે. તેને સ્થાને હવે તો ચર્ચા એવી છે કે શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે. તબીબી અને ઇજનેરી શિક્ષણની ગુણવત્તા નીચે ઊતરી રહી છે. આ બાબતના ભયસ્થાન ઘણાં છે જે વિચારવા જેવા છે. કળિયુગમાં પ્રજાની સંઘશક્તિ હશે તો જ પરિણામ મળવાના છે. ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માગણી થઇ તો શરૂઆતમાં ધ્યાન અપાયું નહોતું પરંતુ બાદમાં પ્રધાનોએ નમતું મૂકવું પડ્યું હતું. આ એક જ બાબત પુરવાર કરે છે કે જો લોકો સંગઠિત હશે તો જ કંઇક હકારાત્મક બાબત આકાર લઈ શકશે.

સમગ્ર વિશ્વમાં મંદીનો નવો તબક્કો તોળાઈ રહ્યો છે તેવે વખતે આપણે તેમાંથી બાકાત રહીએ તે માટે ‘હોમવર્ક’ કરવાની જરૂર છે. વ્યવહારુ કરકસર અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જીવન જીવવાની કળાનો સ્વીકાર થવો જોઇએ. આ બાબત આપણા માટે જરા પણ અશક્ય નથી. આપણે તેનો પૂરો અનુભવ ધરાવીએ છીએ.

બદલાતી જતી રાજકીય વ્યવસ્થા અને વૈશ્વિક સ્તરે પ્રજાની માનસિકતામાં આવેલું પરિવર્તન નવા નવા પડકાર લાવ્યું છે, પરંતુ રાજકીય સંચાલકો, વ્યવસ્થાપક અને નીતિ ઘડનારા આવું કંઇ જોઇ શકતા નથી અથવા તો સમજી શકતા નથી. પ્રજાની લાગણીને નહીં સમજનારા અંતમાં ફેંકાઈ જતા હોય છે. રાષ્ટ્રની પાસે જે કુદરતી સાધનો છે તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી. આથી આર્થિક પ્રશ્ન ઉકેલાતા નથી. કેટલાક પ્રશ્ન તો ૪૦ વર્ષ અગાઉ હતા તેવા જ આજે છે. ‘અન્ન સુરક્ષા’ જેવી બાબત હવે ચિત્રમાં આવી છે. કૃષિ ક્ષેત્ર સામે જબરો પડકાર ઊભો થયો છે. જો અનાજનું ઉત્પાદન વધે તેવા સંકલિત પ્રયાસ નહીં થાય તો આગળ જતાં શું થશે તે પ્રશ્ન છે. યુરોપે ખેતીવાડીની ઉપેક્ષા કરી અને અનાજની આયાત પરનુ અવલંબન વધાર્યું પછી શું થયું તે નજર સમક્ષ છે. આજે મંદીના ઓછાયા હેઠળ સમગ્ર યુરોપ છે. નાણાકીય કટોકટીનો તેઓ સામનો કરી રહ્યા છે. આવી બાબત આવતી કાલે આપણી સાથે ન થાય તે માટે સતત જાગૃત રહેવાની જરૂર ગણી શકાય.

સમગ્ર વિશ્વ આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા સગવડતા, સુવિધામાં વધારો થવા સાથે એક નિશ્ચિત વાતાવરણનો સામનો કરી રહ્યું છે. આવતી કાલે શું થશે તેની કોઇ જ ખાતરી આપી શકાય તેવું નથી. આ એક બાબતને કેન્દ્રમાં રાખીને હવે પછીના વ્યૂહ અને નીતિનું આયોજન થવું જોઇએ.

સમસ્યા અને પ્રશ્ન ઘણાં છે. નેતૃત્વની અછત છે, સાથે પ્રજામાં દષ્ટિ મર્યાદિત છે, અસંગઠિત હોવાથી પ્રજા લાચાર છે. આવે વખતે વ્યક્તિગત જાગૃતિ અને પ્રત્યાઘાત પણ મહત્ત્વના પુરવાર થાય છે. એક વ્યક્તિ શું કરી શકે તેનું ઉદાહરણ અણ્ણા હઝારેએ પૂરું પાડ્યું છે તેમના પરથી પ્રેરણા લેવા જેવી છે. 



Saturday, October 22, 2011

કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે!

  • કોર્પોરેટ કલ્ચર અને સામાજિક દાયિત્વ

  • ‘બીઈંગ હ્યુમન’નું ટી શર્ટ પહેરેલાં કેટલા કોલેજિયનોને તમે જોયા છે? લગભગ દરેક ગલી ને દરેક નુક્કડ પર. પરંતુ તમને ખબર છે કે ‘બીઈંગ હ્યુમન’ સૂત્ર અને એનો સૂત્રધાર કોણ છે? લોકપ્રિય ફિલ્મ અભિનેતા સલમાન ખાન. ચેરિટી માટે જાણીતા સલમાન ખાને ‘બીઈંગ હ્યુમન’ના નેજા હેઠળ પુષ્કળ દાન કર્યું છે. તેણે ગરીબોને નિઃશુલ્ક સારવાર મળે એ માટે એક દવાખાનુ પણ શરૂ કર્યું છે જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડૉક્ટર્સ જરૂરતમંદ દર્દીઓને સારવાર આપે છે. તાજેતરમાં જુહી ચાવલાએ ગરીબ બચ્ચાં માટે શાળા ખોલવાની જાહેરાત કરી, નીતા અંબાણી તો ઘણા વખતથી કન્યાકેળવણી ક્ષેત્રે પ્રવૃત્ત છે અને હજુ હમણાં જ અલવિદા લેનાર જગજિત સિંહ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને અંગત ધોરણે પણ તેમણે ઘણું દાન કરેલું. વાત છે જે સમાજે તમને માન-અકરામ, સિદ્ધિ-પ્રસિદ્ધિ અને અઢળક નાણાં આપ્યાં છે એ સમાજને કંઈક પરત આપવાની. કંઈક પરત કરવાના સંકલ્પ માટે દિવાળીથી રૂડો અવસર કયો હોઈ શકે? 
  • માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કેન્સર પીડિત, ગરીબ, નબળાં અને અશક્ત બાળકોની તંદુરસ્તી માટે વિવિધ સંસ્થાઓમાં દાન આપે છે.
  • ક્રિકેટ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના શહેર રાંચીની હોસ્પિટલમાં ત્રણ એમ્બ્યુલન્સ દાન કરી હતી. જાણીતા ઉદ્યાગપતિ કુમારમંગલમ્ બિરલાનાં પત્ની નિરજા બિરલા એજ્યુકેશન પ્રોજેક્ટનાં વાઈસ ચેરમેન છે તથા મેક અ વિશ ફાઉન્ડેશન, મુક્તાંગન, આકાંક્ષા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. અન્ય કેટલાક ફિલ્મસ્ટાર્સ પણ ચેરિટી સાથે સંકળાયેલાં છે જેમાં પ્રિયંકા ચોપરા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં સહયોગ આપે છે, ઐશ્વર્યા રાય બચ્ચને ‘ઐશ્વર્યા રાય ફાઉન્ડેશન’ સ્થાપ્યું છે જેમાં ગત વર્ષે એ ‘સ્માઈલ ટ્રેન’ની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી અને કદરૂપા હોઠ ધરાવતાં બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરતી હતી. તેણે કહ્યું હતું કે મારા ચહેરા પર સ્મિત રેલાય એવાં અનેક કારણો ભગવાને મને આપ્યાં છે તો હું શા માટે એ સ્મિત બાળકોના ચહેરા પર ન રેલાવું?’’ રિતીક રોશને પણ થોડા વખત પહેલાં દસ લાખ રૂપિયાની સ્કૂલ બસ ભેટ આપી હતી. રવિના ટંડન અને કટરીના કૈફ અનાથ છોકરીઓ માટે તેમજ ભ્રૂણહત્યા અટકાવવા પ્રતિબદ્ધ છે. વાત મૂળ થોડા માનવીય બનવાની છે. સમાજે જો તમને ભરપૂર આપ્યું હોય તો તમારે કોઈક રીતે પાછું વાળવું જોઈએ એ તમારી નૈતિક જવાબદારી છે. 
  • કોઈ તમને હાથ પકડીને દાન કરાવવાનું નથી, પરંતુ, જેમની પાસે કરોડો-અબજો રૂપિયાની મિલકત છે એ ધનિકો સમાજોપયોગી કાર્યમાં થોડોક અંશ આપે, સાંસ્કૃતિક સમૃદ્ધિ વિકસાવવા થોડોક ભાગ આપે તો એમને કોઈ ઘસારો નહીં પહોંચે, પરંતુ સમાજને, વંચિતોને, જરૂરતમંદોને એનાથી બેશુમાર ફાયદો થાય છે. સામાન્ય રીતે મોટાભાગનાં કોર્પોરેટ હાઉસીઝ આ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. બેંકિંગ ક્ષેત્રના એક અગ્રણી, જેમને પ્રસિદ્ધિની જરાય પડી નથી, એ દર વર્ષે કન્યાશિક્ષણ પાછળ રૂ. પાંચથી દસ લાખ ખર્ચે છે. અન્ય એક મહાનુભવે પણ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દર નવા વર્ષે તેઓ અનાથ બાળકોના ભણતર પાછળ મોટી રકમનું દાન કરે છે. દિવાળી નિમિત્તે આપણે આપણા અંગત સ્વજનોને નાની-મોટી ભેટ આપીએ છીએ પરંતુ, સમાજમાં એવી કેટલીય પ્રવૃત્તિઓ છે જેમાં નાનું મોટું દાન-પ્રદાન બહુ મોટો ફરક લાવી શકે છે. સ્મોલ થિંગ, બિગ ડિફરન્સ! અરે, કંપનીઓનું બોનસ પણ કર્મચારીઓના હોઠ કેવું સ્મિત લાવી દે છે! તો ચાલો આ દિવાળીએ નક્કી કરીએ કે કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાય, કોઈક એકાદ કન્યાને ભણાવી-ગણાવીને આત્મનિર્ભર બનાવીએ અથવા તો ગરીબ-બીમાર-અશક્ત અને વૃદ્ધોને માટે કંઈક કરી છુટીએ.

માટી, તને મૃદુ ફૂલ બનીને મહેંકવાનું સૂઝયું ક્યાંથી? - ઉમાશંકર જોશી

માર્કેટમાં ક્યાંય માટીની સુગંધવાળું પરફયુમ મળતું હોય તેવું હજી ખ્યાલમાં નથી. અપરંપાર જીવનું સર્જન કરવામાં માટીનો જોટો જડવો મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ છે તેની મીઠી સુગંધની બરોબરી કરી શકે તેવા પદાર્થને શોધવો. માટી જેવું જ માણસોનું પણ ખરું. અમુક માણસોને મહેંકવાનો નૈસર્ગિક પરવાનો મળ્યો હોય છે. તેમને મહેલમાં રાખો કે ઝૂંપડામાં, ટોળામાં રાખો કે એકાંતમાં, તેમના વ્યક્તિત્વની સુગંધથી તેમની આસપાસનું વાતાવરણ મઘમઘી જ ઊઠે. આવા માણસ હોવું એ આનંદની વાત છે. ના હોઈએ તો આવા માણસ બની બતાવવું એ સાધનાની વાત છે. દરેક જણે બીજી બધી દ્વિધા સાથે એક દ્વિધાનો કાયમ વિચાર કરવો જોઈએ કે મારી હાજરીથી આસપાસના સૌ રાજી થાય છે કે નહીં. જેની પાસે આનો જવાબ માટીની મહેંક જેટલો મીઠો છે તે માણસે બીજી બધી ખામીઓની ચિંતા કરવી જ નહીં. મહેંકવાનો સદ્ગુણ મળ્યા પછી શ્રીમંતાઈ કે ગરીબી બધું ગૌણ બની જાય છે. હવા જેમ સુગંધ લઈ ફર્યા કરે છે તેમ મહેંકતા માણસની વાહ વાહ કરતા લોકો તેમનું માન વધાર્યા કરે છે. એવા બન્યા પછી જીવનમાં ક્યારેય કોહવાઈ ગયા જેવું નહીં લાગે. 

સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં હાલકડોલક વાતાવરણ છે

આવક અને ખર્ચા પર નિયંત્રણ સાથે સમતોલન હશે તે પરિસ્થિતિ આદર્શ છે.



રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વધતા જતા ભાવ અને ફુગાવા સામે ચેતવણી ઉચ્ચારી છે પરંતુ આવી બાબતોનો હવે કોઈ જ અર્થ નથી. ભાવ વધે એટલે પગાર વધારો અપાય છે. પગાર અને મોંઘવારી વધે એટલે ફરીથી ભાવમાં વધારો થાય છે!! આવો ક્રમ છેક ૧૯૫૦થી ચાલુ છે અને દરેક તેના વિશે જાણે છે.

ખાધાખોરાકીની ચીજવસ્તુમાં જે ભાવવધારો થઈ રહ્યો છે તેના કારણ જાહેર થતાં નથી. સારો વરસાદ છતાં શાકભાજીના ભાવ વધે છે તે અચરજની વાત ગણાય. જેમ જેમ કરવેરાનું પ્રમાણ વધે છે તેટલી જ અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર વધી રહ્યા છે. તમામ ગેરરીતિના મૂળ માત્ર કરવેરા વ્યવસ્થામાં પડેલા છે.સર્વિસ ટેક્સ શરૂ થયો છે. પરંતુ શા માટે? ઉદારીકરણ વખતે સ્પષ્ટ કહેવાયું હતું કે ઓછામાં ઓછા ખર્ચા અને ઓછી સરકારી દખલગીરી હશે. પરંતુ આ બાબતે ૨૦ વર્ષ પછી શું પરિસ્થિતિ છે. સૌથી વધુ સરકારી દખલગીરી આજે વ્યાપાર - વાણિજય ક્ષેત્રમાં છે.હજુ તો આરોગ્ય સેવા નિઃશુલ્ક પૂરી પાડવા નવા નવા પ્લાન બની રહ્યા છે. નોકરીમાં હોય તેમના પગારમાંથી કપાત કરીને આરોગ્યની સેવા પૂરી પાડવા તૈયારી થઈ રહી છે. અંદાજે ૩ કરોડ નોકરિયાતના પગારમાંથી ટકાવારી અનુસાર આરોગ્ય કર કપાત કરવાની દરખાસ્ત છે.

ભ્રષ્ટાચારના નવા નવા વિકલ્પ ખૂલી રહ્યા છે. તેમાં આ રીતે કરવેરા વધારા દ્વારા ભ્રષ્ટાચાર વધવાનો છે. આવકવેરા અને વેટ જેવા ટેકસથી કેવાં કેવાં કૌભાંડ થાય છે તે હવે કોઈને જાણ કરવાનો મુદ્દો રહ્યો નથી. તેવી જ રીતે એકસાઈઝ અને કસ્ટમ તો ભ્રષ્ટાચારના અડ્ડા છે. આવી રીતે કોને ટેક્સ ભરવાનું મન થાય તેવું છે?

સરકારની ખોટી નીતિને કારણે જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેની નકારાત્મક અસર અર્થતંત્ર પર થઈ રહી છે. છતાં કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. વેપાર ઉદ્યોગે એ વાત સ્વીકારી લીધી છે કે ભ્રષ્ટાચાર એ કોઈ નવી બાબત નથી તેની સામે પ્રતિકાર કે આંદોલન એ કોઈ ઉપાય નથી. ભ્રષ્ટાચારને વેપાર - ઉદ્યોગનો ભાગ ગણીને જ ચાલવાનું છે.

આવી માનસિકતા છે એટલે જ પ્રજાને લૂંટવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભાવ - વધારા સામે કોઈ પગલાં લેવાતાં નથી માત્ર આશ્વાસન આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રીએ ફરીથી વાયદો કર્યો છે કે ભાવો ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી જશે!! પરંતુ આવી ખાતરી અનેકવાર આપવા છતાં કંઈ જ પરિણામ મળ્યા નથી.

હજુ વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં હાલકડોલક થઈ રહી છે. મંદીનો દોર આગળ વધે તેવું છે. જર્મનીમાં મુશ્કેલી શરૂ થઈ છે. ગ્રીસને આપવાના થતાં ભંડોળમાં જર્મનીનો નોંધપાત્ર હિસ્સો હતો. આવો ફાળો અપાશે કે કેમ તે અંગે અનિશ્ચીત વાતાવરણ ઊભું થયું છે.

વિશ્વમાં જો આમ જ ચાલ્યું તો લોકશાહી વ્યવસ્થા સામે જબરો પડકાર ઊભો થશે. તેને પહોંચી વળવું મુશ્કેલ બની રહે તેમ છે. પ્રજાને સ્થાપિત યંત્રણામાંથી વિશ્વાસ ઊઠી જાય તેવું છે. કારણ કે તમામ બાબતોમાં અનિશ્ચીત વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રે સાતત્યતા અને એકસૂત્રતા દેખાતી નથી.

ભાવ સપાટી જાળવવા જેવું એક સર્વમાન્ય કાર્ય જો સરકારી વિભાગ ન કરી શકે તો તેમની પાસેથી બીજી કઈ અપેક્ષા રાખી શકાય? કેટલાક લોકોને મન માત્ર શેરબજાર અને તેનો સૂચક આંક એ જ વિકાસની પારાશીશી છે. આવું યોગ્ય નથી. આનો અર્થ મતલબ પરસ્તી જ કહી શકાય.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં વિશ્વમાં તમામ ક્ષેત્રે પરિવર્તન જોવામાં આવ્યું, પરંતુ હવે તેના માત્ર નકારાત્મક પાસાં જોવા મળી રહ્યાં છે. આવી બાબતોના બન્ને પ્રકારના પ્રત્યાઘાત પ્રજા આપી રહી છે. તેમ છતાં એટલું કહી શકાય કે ગરીબીનું પ્રમાણ વધ્યું છે પછી ભલે ગમે તેટલી ઊંચા પ્રકારની આર્થિક નીતિ પ્રવર્તમાન હોય.

હાલમાં જે આર્થિક બખડજંતર ચાલી રહ્યું છે તે માત્ર આર્થિક રીતે નબળા રાષ્ટ્રમાં જ છે તેવું નથી. સમૃદ્ધ અને આર્થિક મજબૂતાઇ ધરાવતાં રાષ્ટ્રમાં તે વધુ છે. આર્થિક ગુનાખોરીને વ્યાપ પણ વધી રહ્યો છે. જેમાં ભાવ - વધારો નિયંત્રણમાં લેવા નિષ્ફળતાનો પણ સમાવેશ થાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજ દર વધારશે એટલે બેન્કમાંથી ધિરાણ લેનારાને વધુ વ્યાજ ચૂકવવું પડશે તેનાથી કિંમત અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે. આવો ક્રમ સતત ચાલ્યા કરે છે. તેનો અંત કોઈપણ નાણાં મંત્રી લાવી શકે તેવું હાલમાં તો દેખાતું નથી. 

Thursday, October 20, 2011

અમે અજાણ્યા ક્યાં લગ રહીશું કહો તમારા ઘરમાં


સામી દિવાળીએ સારા સમાચાર કયા હોઇ શકે તે આમ તો વ્યકિતગત સંદર્ભે જ પામી શકાય. અત્યારે રાજકીય પક્ષોની વાત કરી દિવાળી બગાડવી નથી. વળી પ્રજાના ઉત્સવો નહીં, રાજકીય હાર-જીતમાં તેમના ઉત્સવો હોય છે. પણદેસનાં હિન્દુ સમાજને ગમે તેવા એક સમાચાર એવા છે કે યુનાઇટેડ આરબ અમિરાતમાં બહુધાર્મિક અંતિમવિધિ સ્થાન શરૂ થયું છે. આ સમાચાર ખરેખરા અર્થમાં તો માત્ર હિન્દુ સમાજ અંગેના જ નથી બલ્કે હે વિશ્વભરના સમાજો માત્ર પોતાના દેશમાં જ રહીને જીવનયાપન કરી શકે તેમ નથી. લોકો વિશ્વનાગરિક બન્યા કે નહીં તે જરા જુદો પ્રશ્ન છે, પણ કામધંધા માટે હવે તે વિશ્વના અનેક દેશોના ફરતો, રઝળતો સ્થાયી થયો છે. વૈશ્વિકીકરણના આરંભ પહેલાંથી આ પ્રક્રિયા ચાલુ હતી અને વિત્યા વીસ વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે. ખાડીના દેશોમા તો ૧૯૭૫-૮૦થી ભારત, પાકિસ્તાન, બાંગલાદેશના લોકોએ નોકરી ધંધાર્થે જવું શરૂ કરેલું અને વીત્યા ચાર-પાંચ દાયકામાં એ દેશોની શિકલ -સૂરત બદલવામાં બિનમુસ્લિમ લોકોનો મોટો ફાળો છે. ત્યાં બહાઇ મંદિર છે તે પણ આ કારણે. દેશનાં જુદાં જુદાં ક્ષેત્રના કલાકારો ત્યાં નિયમિત કાર્યક્રમો કરતા થયા તેમાં પણ બહુસંસ્કૃતિવાદનો સ્વીકાર થતો જોઇ શકાય. વળી જે દેશ અન્ય દેશોના લોકોનાં કૌશલ્ય, કાર્યક્ષમતાના, આધારે જ પોતાના આર્થિક માળખાના વિકાસને સાધી શકતો હોય તેણે ધીમે ધીમે જે તે દેશથી આવી વસેલા લોકોના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો પડે છે. બ્રિટન અને અમેરિકામાં એવું ઘણું વહેલું થયું અને તે તેમની સતત બદલાતી વિઝા-નીતિ અને નિયમોમાં પણ પ્રમાણી શકો. બ્રિટનમાં વસતા હિન્દુઓ માટે અગ્નિસંસ્કાર એક મોટી સમસ્યા હતી, પરંતુ તે દેશે પોતાના નિયમોમાં રહી તે વ્યવસ્થા ઊભી કરી. હિન્દુઓ માટે પોતાના વિદાય પામેલા સ્વજનના અસ્થિફૂલ નદીમાં વહાવવા એ એક મહત્ત્વનું ક્રિયા-કર્મ છે. બ્રિટનની નદીમાં અસ્થિ વિસર્જન કરી શકાતા નહોતા, પરંતુ હવે તે પણ લાંબા સમયની લડતે થઇ શકે છે. થેમ્સ નદીમાં ગંગાની ધારા તો વહાવી ન શકાય તો ય હિન્દુઓ માટે આ પૂરતું છે.

પરંતુ મુસ્લિમ દેશોમાં હિન્દુઓ પોતાની ધાર્મિક પ્રણાલીઓ, સામાજિક પ્રણાલીઓ જાળવી શકે તે ઘણું મુશ્કેલ રહ્યું છે. ઇસ્લામ ધર્મમાં અન્ય ધર્મીઓ માટે અમુક સ્તરનો જ સ્વીકાર છે. અન્ય ધર્મનાં લોકો ઇસ્લામધર્મી દેશોમાં વસવા, વ્યવસાય -નોકરી કરવા સહજ ઉત્સુક નથી હોતા. વળી એ દેશોની ઇકોનોમી પણ ભારત યા અન્ય દેશોના વ્યવસાય, નોકરી ઉત્સુકો માટે લલચાવે એવી નથી હોતી. એવું બન્યું ખાડીના દેશોમાં અને તેથી મુખ્યત્વે તેની આસપાસનાં દેશોના નાગરિકો ત્યાં જતા થયા એ બધા માટે હજુ આજ સુધી પણ એવું માળખું તો અલબત્ત નથી જ રચાયું કે સામાજિક, સાંસ્કૃતિક મોકળાશ અનુભવે. જેણે પોતાનો ધર્મ પાળવો હોય તે તેમના ઘરના ખૂણે ચૂપચાપ પાળે. જાહેર ભૂમિકાએ ત્યાંના મુખ્ય ધર્મનાં સામાજિકોને ડિસ્ટર્બ થાય તેવું ન કરવું. એક અર્થમાં આ વિશે કોઇ દબાણ પણ ન કરી શકાય. કારણ કે જે તે દેસ પોતાના નિયમોનો આગ્રહ ન રાખે તો તેમની ઓળખ પણ ભૂંસાતી જાય, પરંતુ જો મોટા પ્રમાણમાં તેઓ વિદેશીઓને વસાવવા મજબૂર હોય તો કેટલીક બાબતે તેમણે ખુલ્લા થવું પડે. યુએઇમાં બિનમુસ્લિમ રહીશો માટે અંતિમવિધિ સ્થાન શરૂ થવું એ અર્થમાં મોટી ઘટના છે. આમ તો વિત્યા પાંચ વર્ષથી એ સ્થાન બનીને તૈયાર હતું પણ તેના માટે સંચાલક નહોતા મળતા. હવે અબુધાબીના એ શબઘરનું સંચાલન એક બ્રિટિશ નાગરિક કરવાના છે. ૪૦,૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલા આ સ્થાનમાં કબ્રસ્તાન અને અગ્નિસંસ્કાર કેન્દ્ર છે. ચર્ચ, પ્રતીક્ષાખંડ પણ છે. આજ સુધી અબુધાબીમાં અગ્નિસંસ્કારને સત્તાવાર પરવાનગી ન હતી. તેથી કચરાના ઢગ પાસે પરવાનગી લીધા પછી મૃત સ્વજનનાં શરીરને નષ્ટ કરવું પડતું હતું. પોતાના મૃત સ્વજનને આ રીતે અંતિમ વિદાય આપવી ખાસ્સું અપમાનજનક કહેવાય અને માનવસંસ્કારની ય વિરુદ્ધ ગણાય. જો કોઇ પણ દેશમાં એવું થતું હોય તો તે અયોગ્ય જ ગણાય. વિત્યા પાંચ વર્ષથી દુબઇમાં હિન્દુ મંદિરમાં અગ્નિસંસ્કારની વ્યવસ્થા હતી હવે અબુધાબીમાં અધિકૃત વ્યવસ્થા થઇ અને સ્વયં તેની સરકારે એ માટે તત્પરતા દાખવી તે સૂચવે છે કે ત્યાંના સમાજમાં સાંસ્કૃતિક, ધાર્મિક ઉદારતા આવી રહી છે. શતાબ્દિઓથી જોવાયું છે કે ધંધા, વ્યાપાર કરનારા સમૂહો જ મોટા પરિવર્તક બન્યાં છે. અહીં પણ કદાચ એવું જોઇ શકાય. ઇસ્લામી દેશમાં અનુભવાતી આ હકારાત્મક વર્તણૂકનો વિશ્વનો કોઇ પણ ઉદાર સમાજ આદરથી સ્વીકાર કરશે.

માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય.

માણસનો ભાવ કેટલો? અહીં કિંમતને બદલે ભાવ શબ્દ સારા અર્થમાં જ લખ્યો છે. શું છે કે કિંમત તો એક જ અર્થમાં વિચારાય, ભાવ તો સારા અને ખરાબ અર્થમાં બેઉમાં બોલાય. સાત્વિક અને ધાર્મિક અર્થમાં પણ માણસનો ભાવ ઠરાવાય, કહેવાય કે આના ભાવ કેવા છે. અને કાળ ચડે તો એવું પણ કહેવાય કે આનો કોઇ ભાવ પૂછતું જ નથી. જો કે માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય. જેનો ભાવ જેવો હોય, એવું એનું જીવન બને. બીજા કોઇને આપણે આપણા જીવનની દશા કે અવદશા માટે દોષિત ઠરાવીએ તો એ સદંતર ખોટું ગણાય. દિવસભરની પ્રવૃત્તિઓનો વિચાર કરજો ક્યારેક તો સમજાશે, સાચું તરત સમજાશે. આપણાથી જેવા વિચાર કરાય છે તેવા જ દિવસો તેના ફાળે આવે છે. જાતે સારા હશું તો આપોઆપ ખરાબ સ્થિતિમાં પણ ગમે ત્યાંથી સારું જીવન સામે આવીને આલિંગન આપે છે. ભાવ ખરાબ હશે તો આનાથી સાવ ઊંધું થશે જ થશે. તહેવારોના દિવસોમાં ચાલો એકવાર ફરી આત્માનો ભાવ ઉજવીએ. ઠરાવીએ કે આપણે કેવા છીએ, કેવા ભાવથી છીએ અને કેવા થવાની જરૂર છે. 

સિદ્ધાંત અને સદાચાર સાથેના નેતૃત્વની અછત જણાય છે

ઘરને શાંતિમય બનાવવું છે? તેનો એક જ મંત્ર છેઃ સ્વીકારભાવ.


જો ભારતવર્ષનો ઇતિહાસ તપાસવામાં આવે તો એમ લાગે છે કે આંતરિક ફાટફૂટ- થોડા લોભ કે લાલચ માટે સિદ્ધાંતોને દગો દેવો- પાટલી બદલવી- વિચારોમાં સ્વાર્થ સાથે પરિવર્તન લાવવું, આવું જ જોવા મળે છે. આથી તો દેશમાં ધર્માંતર થયું અને પછી રાષ્ટ્રાંતર થયું હતું.

આજે પણ તે જ સીલસીલો ચાલુ છે. ઇતિહાસના એવા જ પાત્રો જોવા મળે છે. ઇતિહાસનું તત્ત્વ એ જ રહ્યું છે, પરંતુ પાત્રો બદલાયાં છે. અણ્ણા હઝારે દ્વારા સારું કાર્ય કરવામાં આવ્યું હતું. પ્રચાર માધ્યમોએ પણ તેની સુખદ નોંધ લીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં પણ હવે ડખા જોવા મળી રહ્યા છે.

વિદેશી આક્રમણખોરો સફળ કેમ થયા? તુર્ક, મોંગોલ, અફઘાન, આરબ, ઇરાની આક્રમકો સફળ થયા તેની પાછળ રાષ્ટ્રમાં આંતરિક ખટપટ હતી. એકબીજાને પછાડવાના ખેલ થતા હતા તેનો લાભ વિદેશી આક્રમકોએ લીધો હતો. આજે પણ તેવો જ લાભ લેવાય છે તે જુદી રીતે છે જે સામાન્ય વ્યક્તિને સમજાય તેવું નથી.

રાષ્ટ્ર સમક્ષ સૌથી મોટો પડકાર નેતૃત્વના અભાવનો છે. સિદ્ધાંત અને સદાચાર સાથે નેતૃત્વ આપી શકે તેવા નેતાઓ જ દેખાતા નથી. જો કોઈ આગળ આવીને કોઈક પ્રયત્ન કરે તો પ્રજામાંથી જ કોઈ વિઘાતક પરિબળ આવીને તેને તોડી પાડવા- મોટા પાયે ભાંગફોડ કરે છે. આવો ક્રમ સતત ચાલુ છે.

આવે વખતે એમ થાય છે કે આના કરતાં સરમુખત્યારશાહી હજાર દરજ્જે સારી છે. ન્યાયતંત્રમાં માત્ર મુદતો જ પડે છે. એક સામાન્ય કેસ હોય તેના નિકાલમાં ત્રણથી પાંચ વર્ષ લાગે છે. આમાં ન્યાય મળે છે કે પછી અન્યાયને પ્રોત્સાહન મળે છે તે સમજવું મુશ્કેલ બની જાય છે.

વર્તમાન શાસકોમાં ઉદ્ધતાઈ અને તુંડમિજાજીપણું જોવા મળી રહ્યું છે તેમને નિયંત્રણમાં રાખનારું કોઈ જ પરિબળ નથી. હજારો કરોડ રૂપિયાના કૌભાંડ બદલ માત્ર જેલની સજા થાય છે અને પછી જામીન મળી જાય છે. તેમાં ન્યાય નથી, પરંતુ ન્યાયનું અપમાન છે. ખોટા અગ્રતાક્રમને કારણે જ આવું બને છે.

ચૂંટણી આવે છે તેવે વખતે શિક્ષિત વર્ગ મતદાન કરવા જતો નથી, પરંતુ ત્યાર બાદ થતાં વિશ્લેષણમાં સૌથી વધુ સક્રિય તેઓ જ હોય છે!! લોકશાહીમાં મતદાન ન થાય તો તેવી વ્યવસ્થાનો શું અર્થ? ૧૯૫૨ પછી થયેલી તમામ ચૂંટણીમાં માત્ર લઘુમતી સરકાર જ આવી છે. મતલબ કે ૫૦ થી ૬૦ ટકા મતદાન થયું છે તેમાં ૨૫ થી ૨૭ ટકા મત મેળવનાર પક્ષ શાસનમાં આવે છે.

ચૂંટણી માત્ર પૈસા હોય તે જ જીતી શકે છે અને જામીન જેમને વગ છે તેમને જ મળે છે. આવો ક્રમ ધરાવતી લોકશાહી વ્યવસ્થા આપણે ત્યાં છે. વાસ્તવમાં આ પદ્ધતિ ખરેખર લોકશાહી છે? ચૂંટણી એ લોકશાહીનો ભાગ છે કે પછી સ્થાપિત હિતો સત્તામાં જ રહે તેવી કોઈ ગોઠવણ છે?

પ્રજા મર્યાદિત સરમુખત્યારશાહીને ઇચ્છે છે. દીવાલ પરના અક્ષરો શાસકોએ વાંચી લેવાની જરૂર છે કે આવી રીતે બહુ લાંબુ ચાલવાનું નથી. યુરોપ - અમેરિકામાં શરૂ થયેલો જુવાળ સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં પહોંચી શકે છે. આવી બાબતોથી ચેતી જવાની જરૂર છે. ક્રાંતિની આગ કોઈને પૂછીને શરૂ થતી નથી. પ્રજામાં કેટલી નારાજગી છે તેનો અનુભવ થશે તે વખતે ઘણું મોડું થઈ ગયું હશે.

આજની સૌથી મોટી આવશ્યકતા સત્ય આધારિત ચારિત્ર્યની છે. જો સમગ્ર બાબત અસત્ય પર આધારિત હશે તો તે બહુ લાંબુ ટકવાની નથી, કારણ કે તે આંતરિક વિરોધાભાસવાળી હશે. વિશ્વનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સત્ય આધારિત બાબત જ ટકી છે તે સિવાયનું સઘળું કાળની ગર્તામાં વિલીન થયું છે.

રાષ્ટ્રમાં આંતરિક પડકાર, સુરક્ષા, આર્થિક વ્યવસ્થા, રોજગારી અને સુરક્ષિત ભવિષ્ય વગેરે જેવા મુદ્દાઓ પર તો કોઈ ધ્યાન અપાતું જ નથી. વળી જે કંઈ કાર્ય થઈ રહ્યું છે તે માત્ર ચોક્કસ વર્ગ અને કોમ પૂરતું જ થતું હોય તેમ લાગે છે. પ્રજાના વિશાળ વર્ગની ઉપેક્ષા થઈ રહી છે તેના સેંકડો પ્રમાણ છે.

મોકો આવ્યે પ્રહાર થશે તેવી જે નીતિ છે તે અયોગ્ય છે. ખોટું થતું હોય ત્યાં તુરત જ અટકાવવું જોઈએ. વિદેશી આક્રમકો પહેલા તો મંદિરની સંપત્તિ લૂંટવા આવતા હતા, પરંતુ તેનો મુકાબલો થતો નહોતો એટલે પછી લૂંટીને નાસી જવાને બદલે તેમણે અહીં જ રહેવાનું યોગ્ય લાગ્યું- પછીનો ઇતિહાસ નજર સમક્ષ છે.
ઇતિહાસમાંથી આપણે કંઈ જ શીખ્યા નથી તેમ ઇતિહાસ પુરવાર કરે છે. આ માટે હવે કોઈ જ પ્રમાણની જરૂર નથી. વેપાર કરવાને બદલે અંગ્રેજોએ રાજસત્તા કબજે કરી હતી. આ દષ્ટાંત પરથી શું શીખવાનું મળ્યું છે? જો વિશ્લેષણ કરવામાં આવે તો ઘણી જ અસંતોષકારક બાબત બહાર આવે છે. 

Wednesday, October 19, 2011

જમાનાથી જુદી વાટ કેમ ના પકડીય ?

હમણાં એક સમાચાર આવ્યા હતા કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અર્થાત પુરાતત્ત્વ વિભાગમાં અનેક સારી નોકરીઓ હોવા છતાં યોગ્ય ઉમેદવારો મળતા નથી. માનવ સંશાધનની આ ખેંચને કારણે દેશનાં કેટલાંય ભવ્ય સ્થાપત્યોની અપેક્ષા મુજબની જાળવણી થઈ શકતી નથી. આના પરથી એક વાત મનમાં આવવી જોઈએ કે શા માટે દરેક વિદ્યાર્થીએ એવો અભ્યાસ જ કરવાનો જે આજકાલ ટ્રેન્ડ છે એવી વ્યાખ્યામાં બેસતો હોય વરસો પહેલાં બધાને ડોક્ટર કે એન્જિનિયર થવું હતું, પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનો ટ્રેન્ડ આવ્યો. હવે જાતજાતના એમબીએના કોર્સ ડિમાન્ડમાં છે. સૌ કરે છે તેથી મારા પરિવારના વિદ્યાર્થી બાળકે પણ આવું જ કરવાનું એ યોગ્ય છે ખરું? એવું કરીને આપણે પોતે જ નવી પેઢીને એ વિશ્વમાં ધકેલતા નથી જ્યાં સફળ વ્યવસાયિક થવા માટે કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડે? તેની બદલે જમાનાથી જુદી વાટ કેમ ના પકડી શકાય એવો અભ્યાસ, એવા કામ, એવી દિશા અને એવા વિચાર શા માટે અપનાવી ના શકાય જે અસામાન્ય હોય? જુદા થવા માટે જુદી રીતે જ આગળ વધવું પડે છે એ કોણ જાણતું નથી? ટ્રેન્ડ તો જાણે સમજ્યા, જિંદગીના આનંદનું, ઓછી સ્પર્ધાનું અને ભરપૂર સંતોષનું પણ ક્યારેક વિચારવાનું કે નહીં? 

Tuesday, October 18, 2011

પ્રજાને હવે રાજકીય પક્ષોની કોઈ વાતમાં ભરોસો નથી,

લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પક્ષો ભાગ્યે જ એકસરખા વિચાર ધરાવે છે. તેમને દરેકને પોતાનો એજન્ડા અને વિચારધારા છે. તેઓ આ મુદ્દે જ એકબીજાની સાથે આખડી રહ્યા છે. એકબીજાને ચમકી આપવા તત્પર છે. લોકોને તો હવે રાજકીય પક્ષોની કોઈ જ વાતમાં તસુભાર વિશ્વાસ રહ્યો નથી. રાજકીય પક્ષોના અગ્રણીઓ અને નેતાઓની ખાતરીમાં પ્રજાને આદર સન્માન જેવું કશું જ રહ્યું નથી. વાસ્તવમાં તમામ રાજકારણીઓ તિરસ્કારને પાત્ર છે. સંસદનો કોઈ વિકલ્પ નથી, પરંતુ ત્યાં કંઈ જ થતું નથી. તે માત્ર વાતોનાં વડાં કરવાનું મથક છે. બીજી બાજુ રાજકીય પક્ષો પાસે કોઈ એજન્ડા નથી. તેમની એકમાત્ર મહેચ્છા સત્તા કબજે કરવાની છે. વિરોધાભાસી બાબત એ છે કે રાજકીય પક્ષો પ્રજાની નજીક આવવા પ્રયાસ કરે છે તો તેઓ તેનાથી વધુ દૂર ધકેલાતા જાય છે. નિરાશ થયેલા અડવાણી હવે રથયાત્રાએ નીકળ્યા છે. આ માટે તેમણે જયપ્રકાશ નારાયણના જન્મસ્થળને પસંદ કર્યું છે. અડવાણીની રથયાત્રા પાછળનો આશય વિદેશી બેન્કમાં પડેલા ભારતીય પ્રજાના નાણાં પરત લાવવાની વાત છે. ભ્રષ્ટાચાર નાબૂદીની તેમની માગણી છે, પરંતુ આ બાબત અણ્ણા હઝારેએ ક્યારનીય કરી છે, પરંતુ મને તો આ સમગ્ર બાબત કોમવાદી લાગે છે. અડવાણીની રથયાત્રા એ ભાજપના આંતરિક રાજકારણનો ભાગ છે. અડવાણી વડા પ્રધાન બને કે પછી નરેન્દ્ર મોદીને આગળ કરે રાષ્ટ્રને તેમની કોઈ જ પરવા નથી. લોકોને તેઓ જે રાજકારણ ખેલે છે તેનાથી નુકસાન થાય તેવું છે. સમાજમાં ભાગલા પડી રહ્યા છે. ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ તો યાત્રામાં એક છોગું ઉમેરવા જેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા ખાતે રામમંદિરનો મુદ્દો હજુ ભાજપના એજન્ડામાં છે. બીજી બાજુ કોર્પોરેટ જગત નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદે લાવવા માગે છે. તેમણે મોદીને સીઈઓ તરીકે નવાજ્યા હતા. જ્યાં સુધી કૉંગ્રેસને લાગુ પડે છે તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા સાવ તળિયે પહોંચી ગઈ છે. કૉંગ્રેસ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી આજે વર્ષોથી બેકસીટ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. તેમણે પક્ષ પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. કદાચ આરોગ્ય પણ એક કારણ હશે. તેમને સૌથી મોટી ચિંતા તેમના પુત્ર રાહુલ ગાંધીની છે. રાહુલ રાજકારણમાં કોઈ નવા પરિમાણ લાવવામાં નિષ્ફળ છે. તેઓ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્થાન લઈ શકે તેવું દેખાતું નથી. કૉંગ્રેસ તેના સિવાય કોઈને આગળ આવવા દે તેવું નથી. મધ્યમ વર્ગને હવે કૉંગ્રેસમાં કોઈ ભરોસો રહ્યો નથી. કૉંગ્રેસ પક્ષે લોકોના કલ્યાણ, ગરીબી નાબૂદી માટે યોજનાઓ આપી તેને કારણે તેની લોકપ્રિયતા વધી હતી. હજુ કૉંગ્રેસ વધુ લોકપ્રિય યોજના અમલી બનાવશે. કૉંગ્રેસ પક્ષે સીબીઆઈને સુપ્રીમ કોર્ટના નિયંત્રણ હેઠળ મૂકવાની જરૂર હતી. કૌભાંડમાં ઘણી મોટી રકમની સંડોવણી છે. અણ્ણા હઝારેની ટીમ માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ અકાર્યક્ષમતાની પણ વિરુદ્ધમાં છે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે, છતાં અણ્ણાની ટીમમાં કોઈએ તેમને સંસદની ઉપર જણાવ્યા છે. આવું બોલવું તે જરા પણ યોગ્ય નથી. અણ્ણાની ટીમમાં કોઈકને સત્તા કબજે કરવામાં રસ છે. સંસદમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોની જરૂર છે. ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણની ચળવળ તે હેતુથી જ હતી. સંસ્થાઓનું કદી અવમૂલ્યન નહીં થવું જોઈએ. કૉંગ્રેસ પક્ષે અણ્ણા હઝારેને આરએસએસના ટેકેદાર ગણાવ્યા તે યોગ્ય નથી. તે અગાઉ વર્ષો પહેલાં કૉંગ્રેસે જયપ્રકાશ નારાયણને સીઆઈએના માણસ ગણાવ્યા હતા. જ્યારે અણ્ણાએ સ્પષ્ટતા કરી છે તેવે વખતે બાબત બંધ થવી જોઈએ. મૂળભૂત પ્રશ્ન એ છે કે હવે કઈ રીતે વ્યવસ્થાતંત્રને અસરકારક બનાવવું કારણ કે ભ્રષ્ટાચારને કારણે કંઈ જ થઈ શકતું નથી. શું આ માટે સામૂહિક વિચારણા કરવી જોઈએ? તેના માટે તમામ રાજકીય પક્ષોને ભેગા કરવા કે પછી સર્વસંમત વાતાવરણ ઊભું કરવું? જ્યાં સુધી રાજકારણમાં નૈતિકતા નહીં આવે આવું કંઈક જ કરવું અશક્ય છે.