ચિત્ર એવું ઉપસાવાઇ રહ્યું છે કે વિદેશી કંપનીઓ વેપાર કરવા નહીં ખેરાત કરવા આવી રહી છે
ભારતકુમાર મનોજકુમારની ‘રોટી, કપડા ઔર મકાન’ ફિલ્મમાં પ્રેમનાથને મોંઘવારી એવી હાડોહાડ લાગે છે કે લલકારે છેઃ પહેલે મુઠ્ઠી મેં પૈસા દેકર થેલે મેં શક્કર લાતેં થે, અબ થેલે મેં પૈસે જાતેં હૈ, મુઠ્ઠીભર શક્કર આતી હૈ... બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ.
પ્રેમનાથનો એ ચિત્કાર ત્રણ-સાડાત્રણ દાયકામાં કેટલો હિંસક બની ગયો છે તેનું પ્રમાણ સૌએ ‘લાઈવ’ નિહાળ્યું. સ...ટા...ક એક થપ્પડ ૭૧ વર્ષના કૃષિપ્રધાનને ૨૭ વર્ષના શીખ હરવિંદર સિંહે જડી દીધી અને રાષ્ટ્રીય સ્તરે હીરો બની ગયો. એ આખી વાતને નાદાન માણસની પબ્લિસિટી ભૂખ કહી વગોવી ઠેકાણે પાડી દેવી કદાચ રાજકીય કૂટનીતિ ભલે હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશભરમાં આબાલ-વૃદ્ધ, શિક્ષિત-અશિક્ષિત, ગરીબ-તવંગર તમામ વર્ગના પ્રત્યાઘાત સરખા જ પડ્યા છે. તેનો પડઘો છેઃ આખરે માણસ કરે તો કરે શું? તમામ પક્ષના રાજકારણીઓએ ગંભીર વદને પોતાનો વિરોધ, વખોડનીતિ ભલે દર્શાવી હોય પરંતુ અંદરખાને પ્રજાના રોષના સાક્ષી તો રહ્યા જ છે.
પ્રશ્ન એ પણ છે કે ખરેખર આ ‘લાફા-પ્રકરણ’ પબ્લિકના રોષનું બેરોમીટર છે કે પછી કોઈ રાજકીય સાઝિશ?એ થિયરી પાછળનું એકમેવ કારણ છે થપ્પડ પ્રકરણના દિવસે આકાર લઈ રહેલી ઘટનાઓ. જેમ કે સવારના પહોરમાં લાફા પ્રકરણે અન્ય તમામ અત્યંત મહત્ત્વના સમાચારોને એક તરફ હડસેલી દીધા. એ વાત જ સંદેહ જન્માવે તેવી છે.મોંઘવારીવાળી, અઢી કિલોના હાથે પડેલી થપ્પડની ગુંજે પ્રચારમાધ્યમોને, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમોને એવાં મૂક-બધિર કરી નાખ્યાં કે ભારતમાં પાછલે બારણે પ્રવેશી રહેલી વિદેશી કંપનીઓને રીટેલ ક્ષેત્રે મંજૂરી મળી ગઈ તેની સારી-નરસી બાજુઓ કે વાંધા-વિરોધ પ્રદર્શિત કરવાનો, સમજવાનો કોઈને મોકો જ ન મળ્યો.રજૂ કરાયો મુદ્દો આર્થિક સુધારાને વેગ આપવાનો, સરકારે મલ્ટિ બ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા અને સિંગલ બ્રાન્ડમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી જે સાથે જ વિદેશમાં જોવા મળતા ટેસ્કો, વોલ્માર્ટ, કેરફોર જેવા મેગા મોલ ભારતમાં જોવા મળશે અને ગ્રાહકોને તો બખ્ખાં થઈ જશે તેવી વાતો થઈ રહી છે. આ વિદેશી ચેઈન્સના આગમનથી ગ્રાહકને ખરીદીમાં ૫થી ૧૦ ટકા બચત, ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા વધુ વળતર, ૩૦થી ૪૦ લાખ નવી નોકરીની તક અને તે ઉપરાંત સરકારને ૨૫૦થી ૩૦૦ લાખ કરવેરાની આવક. આટલી બધી અધધધ... સર્વાંગી, ફાયદાકારક લાગતી સિચ્યુએશન ખરેખર એવી છે ખરી તે ક્ષીરનીર કરવાની તક હરવિંદરે મિડિયાને (બિઝનેસ ચેનલોને બાદ કરતાં) ન આપી.પરિવર્તન એ જ પ્રાણ એ સૂત્ર સ્વીકારી પણ લેવામાં આવે તો પણ ઘરઆંગણાના વ્યાપાર, વાણિજ્ય વિશેષરૂપે નાના એકમોને મૃતઃપ્રાય કરી નાખવાના સરકારના આ પગલાં વિશે ઝાઝી ચર્ચા જ ન થઈ શકી. અલબત્ત, આ વિશે લોકસભામાં ચર્ચા તો થઈ જ ચૂકી હતી પરંતુ, નાના એકમોને પોતાનો સૂર બુલંદ કરવાનો કોઈ મોકો ન મળ્યો.અત્યારે કદાચ આવી રહેલાં ભારેખમ રોકાણ, ચમકદમકવાળા શોરૂમવાળા મોલ ખરેખર કેટલા ફાયદાકારક છે તે તો સમજાશે ત્યારે પરંતુ નાની નાની રીટેલ શોપ, કરિયાણાંની દુકાનો, સ્થાનિક વેપારીઓનું અસ્તિત્વ જરૂરથી જોખમાશે એ વાત નક્કી છે. એક તરફ કહેવાય છે ૩૦થી ૪૦ લાખ નોકરી રોજગારની તક ઊભી થશે પરંતુ, નાના એકમોના બંધ થવાથી કે મંદ પડવાથી જનારા રોજગાર અને વધનારી બેકારીના આંક ધ્યાનમાં લેવાયા નથી. સૌથી મહત્ત્વની વાત છે ખેડૂતોની. અત્યારે એવો પ્રચારઢંઢેરો પિટાઈ રહ્યો છે કે આ વિદેશી ચેઈન સ્ટોર્સ ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા ફાયદો કરી આપશે. વાસ્તવિકતા જેટલી ગુલાબી ચિત્રિત કરી શકાય તેટલી ક્યારેય હોય છે ખરી? હકીકત એ છે કે ભારતીય ખેડૂતો આ વિદેશી ચેઈન સ્ટોર્સના મોહતાજ થઈ જશે. અત્યારની મંડી અને સ્થાનિક બજારોના બંધારણ જો મૃતઃપ્રાય થઈ જશે તો ખેડૂતોને આ ચેઈન સ્ટોર્સની દયા પર આધાર રાખવો પડશે જેનો સીધો અર્થ થાય છે શોષણ.અત્યારે જે રીતે આખું ચિત્ર ઉપસાવાઈ રહ્યું છે તે પ્રમાણે તો જાણે વિદેશી વેપારીઓ અહીં ખેરાત કરવા આવતા હોય તેમ લાગે છે. ભારતની સવા અબજ જનતાને સસ્તા ભાવે ખાદ્યાન્ન, રેડીમેડ ગાર્મેન્ટ લૂંટાવવા આવે છે. વાતની ગહનતા સૌ સમજે છે. અંદાજે ૫૯૦ અબજની રીટેલ માર્કેટ ભલભલા વેપારીના મોઢામાં પાણી લાવી દે તેવી પાણીદાર છે, વાત માત્ર પોતાના ઘરઆંગણાનાં હિતોને જાળવવાની છે.
ટેમ્પો ડ્રાઈવર હરવિંદરની થપ્પડે સમગ્ર દેશમાં કંપન તો જરૂર સર્જ્યાં.
શક્ય છે તે કદાચ કોઈ સાઝિશનો ભાગ ન પણ હોય, પરંતુ ૨૪ નવેમ્બર, ’૧૧ની તારીખ ભારતીય ઈતિહાસમાં બે રીતે મહત્ત્વની બનીને રહી જવાની છે. એક, રાષ્ટ્રનેતાને રસીદ થયેલી કરારી થપ્પડ અને બે, ભારતભરના નાના વેપારીઓને પડેલી જોરદાર થપ્પડ. જેણે અત્યારે તો આ કમ્યુનિટીનું વિઝન ધૂંધળું કરી દીધું છે.
-----
છેલ્લે છેલ્લે...
નયીં તહઝીબ મેં દિક્કત જ્યાદા તો નહીં હોતી
મઝાહિબ રહેતે હૈ કાયમ, ફક્ત ઈમાન જાતા હૈ
- અકબર ઈલાહાબાદી
No comments:
Post a Comment