Thursday, December 8, 2011

મુસ્લિમ મહિલાઓની ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ?


ઈસ્લામે ઔરતને ઊંચો દરજ્જો આપ્યો છે. કુરાને મજીદમાં ફરમાવાયું છે કે, પરવરદિગારથી ડરતા રહો કે જેણે તમને એક વ્યક્તિથી પેદા કર્યા અને તેનાથી જ તેનું જોડું પેદા કર્યું અને તે બંનેથી ઘણા પુરુષો અને સ્ત્રીઓને દુુનિયામાં ફેલાવ્યાં. સ્ત્રીઓ પુરુષો માટે પોષાક સમાન છે અને તમે સ્ત્રીઓ માટે પોષાક સમાન છો. જેવા અધિકારો સ્ત્રીઓ પર પુરુષના છે તેવા જ હકો સ્ત્રીઓ માટે પુરુષો પર છે. નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિવસલ્લામનું કથન છે - સ્ત્રી પુરુષો સાથે અવતરેલા બે સરખા ભાગમાંની એક છે. એક સદ્ગુણી સ્ત્રી ઘણી મૂલ્યવાન છે. સ્ત્રી સાથે સારો વ્યવહાર કરવાનો અલ્લાહનો આદેશ છે, કારણ કે એ જ સ્ત્રી જાત તમારી માતા, બહેન, દીકરી વગેરે છે. ઔરતના અધિકારો સર્વ માન્ય રીતે પવિત્ર છે અને તેઓના હક-અધિકારો બરાબર સચવાતા રહે એ જોવાની પુરુષોની ફરજ છે. 

૧૪૦૦ વરસ પૂર્વે દીને ઈસ્લામનું આગમન થયું. જગતમાં જેટલા ધર્મો આવ્યા તેમાં સૌથી છેલ્લે ઈસ્લામનો ઉદય થયો. ઈસ્લામના આવવા પૂર્વે લોકો એમ સમજતા હતા કે સ્ત્રીઓને રૂહ છે જ નહીં એટલે તેઓ પવિત્ર સ્થાનોમાં દાખલ થઈ શકે નહીં. કુરાને મજીદે આ અસત્ય માન્યતાના જવાબમાં ફરમાવ્યું કે ઔરત નીતિ અને રૂહાની ખિલવણીના બંને દષ્ટિબિંદુથી પુરુષને એકસરખી ઉપયોગી છે. આગળ ફરમાવાયું - ઔરત જન્નત (સ્વર્ગ)માં દાખલ થઈ શકશે કે રૂહ જે (આત્મા)નું છેલ્લું સ્થાન છે. રસૂલ્લલ્લાહ (સલ.) ફરમાવે છે, તમારામાંનો ઉત્તમ માનવી તે છે જે પોતાની પરણેતર માટે ઉમદા પુરુષ છે. એક સદ્ગુણી સ્ત્રી પુરુષનો સૌથી શ્રેષ્ઠ ખજાનો છે. જો તમે તમારી ઔરતોને ઠપકો આપો તો પણ તે કાર્ય નરમાશ અને દયાની લાગણી સાથે થવું જોઈએ. પુરુષે પોતાની સ્ત્રીને ધિક્કારવી જોઈએ નહીં. તે તેની કોઈ અણગમતી આદતને લીધે નાખુશ હોય તો તેની બીજી સારી ટેવને માટે તેણે ખુશ થવું જોઈએ. તમે જમો ત્યારે તમારી સાથે તમારી ઔરતને પણ જમાડો. તમે કપડાં બનાવો તો તમારી સ્ત્રી માટે પણ બનાવો. તેને અપશબ્દો બોલશો નહીં અને તેને મારશો નહીં. 

સ્ત્રી સાથે જુલ્મો સીતમના વ્યવહારથી દૂર રહેવા ઉપરાંત તલાક આપવા સંબંધે કુરાને મજીદ તેના અનુયાયીઓને ગંભીર ચેતવણી આપતા ફરમાવે છે - તલાકથી અર્શ પણ કંપી ઊઠે છે. પયગંબરસાહેબે એક જ શબ્દથી સ્ત્રીને સૌથી શ્રેષ્ઠ દરજ્જો અપાવ્યો છે. આપ ફરમાવો છો, તમારી માતાના પગ તળે જન્નત છે. ઈસ્લામી કાનૂન અનુસાર સ્ત્રીઓ પુરુષજાત તરફથી ભરણપોષણ મેળવવાનો હક ધરાવે છે. એક ઔરત પોતાના હાથે પરિશ્રમ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. સ્ત્રીનું ગુજરાન ચલાવવા ઉપરાંત તેનું રક્ષણ કરી સંભાળ રાખવાનું પણ ઈસ્લામમાં પુરુષ પર ફરજિયાત ઠેરવવામાં આવ્યું છે. 

ઈસ્લામે સ્ત્રીઓને અનેક અધિકારો આપ્યા હોવા છતાં એ હકો - અધિકારોની જાળવણી માટે કોમમાં અનેક ઉણપો જોવા મળે છે. ઉપરાંત અમલી સ્વરૂપોનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે. જોકે આ માટે દોષ કોમના અગ્રણીઓ તથા ખુદ સ્ત્રીઓનો પણ ઓછો નથી. જો ઈસ્લામી ઔરતો શિક્ષિત હોત, તાલીમ હાંસલ કરી હોત તો આજે તેઓની સામાજિક અને આર્થિક સ્થિતિ બેશક ગૌરવભરી હોત. પ્રગતિકર્તા રાજ્યો અને શહેરોમાં જે મુસ્લિમ મહિલાઓ શિક્ષિત છે તેઓ પોતાની તાલીમનો ઉપયોગ કોમની સ્ત્રીઓને શિક્ષણ લેતી કરી સ્વાવલંબી બનાવવા માટે પણ કરે તો એ સમય દૂર નહીં હોય જ્યારે મુસ્લિમ ઔરતો પણ પુરુષ સમોવડી બની પોતાના હકો-અધિકારો પ્રાપ્ત કરવા કામિયાબ નિવડી શકશે. અલ્લાહ અને તેના રસૂલ તરફથી પોતાની ઉમ્મતને મળેલ બોધને તે આ રીતે જગતભરમાં રોશન કરી ઈસ્લામને ઔર બુલંદ સ્થાને પહોંચાડી શકશે. 

No comments:

Post a Comment