Thursday, December 1, 2011

આ અબ લૌટ ચલે


કોઈ મોટી જેલની સઘન મુલાકાત લઈને બહાર નીકળો તો કદાચ એવું જરૂર થાય કે ‘આ દુનિયામાં અપરાધ સિવાય કશું થતું જ નથી કે શું? અલબત્ત, આ અનુભવ કોઈ મોટી હોસ્પિટલમાંથી બહાર નીકળતા ‘દુનિયામાં રોગ સિવાય કશું જ નથી કે શું’ની ભાવના જન્મે તેવો છે. પણ હવે અપરાધની દુનિયા ખાસ્સી મોટી થઈ ગઈ છે એ નક્કી. આ અપરાધીઓ રીઢા જ હોય તેવું તો કોઈ નહીં માને. ઘણીવાર સંજોગો, નિયતિ અચાનક જ માણસને એવા અપરાધમાં ધકેલી દે, જે તેણે ખુદે પણ કદી કલ્પ્યો ન હોય. આજકાલ તો જીવનની ભારે અફરાતફરી મચી છે અને જીવનના નીતિ-મૂલ્યોના આગ્રહોનાં ધોરણો પણ ઘણાં નીચાં ગયાં છે. ‘કોઈ પણ ભોગે જીવી લો, પછી જે થવાનું હશે તે થશે’નું વલણ એક મોટા વર્ગમાં પ્રચલિત છે. આ કારણે અપરાધ સતત વધી રહ્યા છે. દેશમાં કુલ ૧૧૪૦ જેલો છે તેમાંની જે ૧૦૭ સેન્ટ્રલ જેલ છે તેના અપરાધીઓ અખબારોના પાને ચર્ચા જગાવ્યા પછી જેલજીવન ભોગવતા હોય તેવા છે. તેમાંય આર્થર રોડ અને બિહાર જેલના કેદીઓ વળી ચર્ચામાં રહે છે. ભારતની જેલો ૨,૩૩,૫૪૩ કેદીઓને સંઘરી શકે એમ છે અને અત્યારે ૩,૨૬૫૧૯ જેટલા કેદીઓથી તો ભરચક છે. આ કેદીઓમાં ૩,૧૩,૭૯૩ પુરુષ કેદીઓ (૯૬.૧ ટકા) અને ૧૨,૭૮૦ મહિલા કેદીઓ (૩.૯ ટકા) છે. આ આંકડા સ્વયં સૂચવે છે કે અપરાધની માત્રા કેટલી વધી છે. સામાન્યપણે અપરાધીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનું વલણ સમાજ ધરાવતો નથી. અલબત્ત, આજથી કેટલાંક દાયકા પહેલાં સાવ ઉપેક્ષા કરાતી તેવું આજે નથી પણ તેના સહાનુભૂતિ નહીં બલકે ‘તે તેનું ફોડે, આપણે આપણું ફોડો’ એવું વલણ કામ કરે છે. પણ શું તેઓ સાચી અને સક્રિય સહાનુભૂતિના અધિકારી નથી? શું કોઈ વ્યક્તિ એક અપરાધ કરે તેથી તેની બીજી બધી જ ક્ષમતાઓ નકામી થઈ જાય છે? તે કોઈ કામનો રહેતો જ નથી? બંગાળના લેખક જરાસંઘે ‘ઉજળા પડછાયા કાળી ભોંય’ નામે પુસ્તક લખેલું. જરાસંઘ જેલર હતા અને સ્વપરિચયે તેમણે કેદીઓના જીવનમાં ડોકિયું કરેલું. (તેમના એ પુસ્તકની એક સાચી કથા પરથી ‘બંદિની’ ફિલ્મ બનેલી) વ્હી. શાંતારામની ‘દો આંખે બારાહ હાથ’ પણ અપરાધીઓને માનવીય સંવેદનથી જુએ છે. જયપ્રકાશ નારાયણ જેવાએ ચંબલના ડાકુઓ પાસેથી બંદૂક છોડાવેલી. રાજ કપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ એ જ રીતે અપરાધી (ડાકુઓને) બદલવાનું આહવાન હતી. વિદેશમાં જ્યાં જેને જેવા સર્જકને જેલમાંથી શોધી વિશ્વ સમક્ષ મૂકવાનું કામ જ્યાં પૉલ સાર્ગએ કરેલું. 

આ ત્રીજી ડિસેમ્બરે અમદાવાદની સાબરમતી જેલમાં ૫૬ કેદી વિદ્યાર્થીઓને પદવી આપવાનો સમારોહ યોજાવાનો છે. આ રીતે અગાઉ કદી જેલમાં પદવી દાનનો સમારોહ નથી થયો. આ એક ખરેખર જ ગમે એવું પગલું છે. આ પ્રસંગ સાથે તિહાર જેલમાં ગયા ફેબ્રુઆરીમાં થયેલા અને હવેના મહિનામાં થનારા કેમ્પસ ઈન્ટરવ્યુને પણ યાદ કરવા જોઈએ. ફેબ્રુઆરીમાં જ્યારે આ પ્રકારે ઈન્ટરવ્યુ થયા ત્યારે ૪૬ જેટલા કેદીઓને જુદી જુદી કંપનીઓએ નોકરી આપેલી. હવેના ઈન્ટરવ્યુ વેળા નવ મોટી કંપનીઓ પેલા કેદી - ગ્રેજ્યુએટસને સમાવવા તત્પર છે. આ જ એક ઉત્તમ રસ્તો છે. અપરાધ કરનારને સમાજ ગૌરવપૂર્વક પાછો પોતાનામાં સમાવે તો પેલી વ્યક્તિનું આત્મબળ વધી જતું હોય છે. આમ પણ તિહાર અને એવી મોટી જેલોમાં વધુ ભણેલા કેદીઓ ઓછા ભણેલા કેદીઓને ભણાવે એવું હવે અપનાવાયું છે. મતલબ કે જેલમાં ગયા એટલે પથ્થર તોડવા જેવા કપરા કામ જ કરવાનું એવું હવે નથી. આખર તો આ માનવસમાજ છે અને કોઈ અપરાધ કરે તો તે માત્ર વ્યક્તિગત જ નથી હોતો, તેમાં સામાજિક અન્યાયની અને વ્યક્તિની ખુદની પ્રકૃતિ, નિયતિનો ય હિસ્સો હોય છે. પણ આપણે ત્યાં તકલીફ બીજી પણ છે. હજુ ૧૮૯૪ અને ૧૯૦૦મા જેલ માટે જે કાયદાઓ બનેલા તે ચાલે છે. કાયદાઓ બદલાય, સરકારના અને સમાજમાં અભિગમ બદલાય તો ઘણું બદલાય શકે છે. અમદાવાદની સાબરમતી જેલ અને તિહાર જેલમાં જે બની રહ્યું છે તે ઉદાહરણ માત્ર ન રહેતાં જાગૃતિ બને તે અપેક્ષિત છે. બાકી આજે તો થોડા - ઘણાં અપરાધી માનસ સિવાય જીવન વ્યવહાર જ શક્ય નથી એવું બની ચૂૂક્યું છે. કહો તો, કોણ નથી અપરાધી? 

No comments:

Post a Comment