Monday, February 7, 2011

મોદીએ શ્રીકુમારના આ દાવાને દમ વગરનો ગણાવ્યો

પ્રશ્ન : આર.બી. શ્રીકુમારે એડિશનલ ડીજી(ઈન્ટેલિજન્સ) તરીકે ચાર્જ સંભાળ્યા પછી સરકારને અમદાવાદમાં સંભવિત કોમી હિંસા અંગે કોઈ ગુપ્તચર અહેવાલ મોકલ્યો હતો ? જો હા, તો તે અંગેની વિગત આપો.

મોદી : તેણે ડીજીપી કે એસીએસ(ગૃહ)ને આવો અહેવાલ મોકલ્યો હશે. મેં આવો કોઈ અહેવાલ જોયો હોવાનું મને યાદ નથી.

પ્રશ્ન : તમે અમદાવાદ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર પી.સી. પાંડે દ્વારા ૧૯-૦૪-૨૦૦૨ના રોજ ડીજીપીને લખેલા ડીઓ લેટરની કોપી જુઓ. એડશિનલ ડીજી(ઈન્ટેલિજન્સ) અને એસીએસ(ગૃહ)ને પણ તેની નકલ મોકલવામાં આવી હતી જેમાં તે સમયે સરકારમાં મંત્રી ભરત બારોટની હિંસામાં કથિત સંડોવણી વિશે કહેવાયું છે. આ પત્ર વિશે તમને જાણ કરાઈ હતી ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં હતાં ?

મોદી : તત્કાલીન એસીએસ(ગૃહ) અશોક નારાયણે મૌખિક વાત કરીને આ બાબત મારા ધ્યાન પર લાવી હતી અને મેં સંબંધિત અધિકારીઓને અગાઉ મુજબ જ સ્પષ્ટ સૂચના આપી હતી.

પ્રશ્ન : તમે અમદાવાદ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર પી. સી. પાંડે દ્વારા ૨૨-૦૪-૨૦૦૨ના રોજ લખેલા ડીઓ લેટરની કોપી જુઓ. ડીજીપી અને એડિશનલ ડીજી(ઈન્ટેલિજન્સ)ને પણ તેની નકલ મોકલવામાં આવી હતી જેમાં સંઘ પરિવારના કાર્યકરોની અનિચ્છનીય પ્રવૃત્તિઓ વિશે કહેવાયું હતું. આ પત્ર વિશે તમને જાણ કરાઈ હતી ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં હતાં ?

મોદી : આ બાબત મારા ધ્યાન પર લાવવામાં આવી હતી કે કેમ તે મને અત્યારે યાદ નથી. પરંતુ મારો અને મારી સરકારનો પહેલા દિવસથી જ એ અભિગમ રહ્યો છે કે ગુનેગાર આખરે ગુનેગાર છે, પછી ભલે તેની જ્ઞાતિ, ધર્મ અને સામાજિક-રાજકીય પશ્વાદ્ભૂ ગમે તે હોય, કારણ કે કોઈ જ કાયદાથી પર નથી.

પ્રશ્ન : તત્કાલીન એડિશનલ ડીજી(ઈન્ટેલિજન્સ) આર.બી. શ્રીકુમાર દ્વારા એસીએસ(ગૃહ)ને ૨૨-૦૪-૨૦૦૨ના રોજ લખાયેલા ડીઓ લેટરની કોપી જુઓ. તત્કાલીન ડીજીપીને પણ તેની કોપી મોકલવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરમાં વર્તમાન કોમી પરિસ્થિતિની વાત હતી. તમને આ પત્રની જાણ કરવામાં આવી હતી ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં ?

મોદી : આવો કોઈ જ પત્ર ક્યારેય મારી સમક્ષ રજુ કરાયો નથી અને તત્કાલીન એસીએસ(ગૃહ) અશોક નારાયણે મૌખિક રીતે પણ મને ક્યારેય તે વિશે જાણ કરી નથી. અલબત્ત, અહીં એ નોંધવું જોઈએ કે માર્ચ-એપ્રિલ, ૨૦૦૨ દરમિયાન રાજ્યની ૧૭૦૦ પંચાયતોની શાંતિપૂર્વક ચૂંટણી યોજાઈ હતી, ૬૦૦૦ હજ યાત્રાળુઓ રાજ્યમાં પરત આવ્યા ત્યારે તેમના સંબંધિત ગામ-શહેરમાં તેમનું સ્વાગત થયું હતું, વિવિધ પરીક્ષાઓ પણ શાંતિપૂર્વક યોજાઈ હતી. આ બાબતને ધ્યાનમાં લેતાં આર. બી. શ્રીકુમારનો એવો દાવો કે મુસ્લિમોએ વહીવટીતંત્ર, પોલીસ અને ન્યાયતંત્રમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે તેમાં દમ લાગતો નથી.

પ્રશ્ન : આર. બી. શ્રીકુમારે તત્કાલીન એડિશનલ સેક્રેટરી(કાયદો અને વ્યવસ્થા) પી. એસ. શાહને મોકલાવેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવતા અહેવાલની કોપી જુઓ જેમાં બહુમતી અને લઘુમતી સમુદાય વચ્ચે નક્કર શાંતિ અને સદભાવનાનો માહોલ ન થાય ત્યાં સુધી જુલાઈ-૨૦૦૨ની રથયાત્રા રદ કરવા અંગે કહેવાયું હતું. આ પત્ર તમારા ધ્યાન પર લવાયો હતો ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં હતાં ? તમે એડીજી(ઈન્ટેલિજન્સ)ના મંતવ્ય સાથે સંમત હતા ?
મોદી : આ બાબત અશોક નારાયણ દ્વારા મને ધ્યાન પર લાવવામાં આવી હતી. મેં અશોક નારાયણને પૂછ્યું હતું કે આ અહેવાલ ચોક્કસ છે કે જનરલ પરસેપ્શન છે. અશોક નારાયણે મને માહિતી આપી હતી કે શ્રીકુમારે કોઈ ચોક્કસ બાબતની વાત કરી નથી, પરંતુ તેમનો અહેવાલ જનરલ(સામાન્ય) પ્રકારનો હતો. તે બાબતને ધ્યાનમાં લઈને હું શ્રીકુમાર સાથે સંમત થયો ન હતો. રથયાત્રા ૧૨-૦૭-૨૦૦૨ના રોજ યોજાઈ હતી અને તે શાંતિપૂર્વક પસાર થઈ ગઈ હતી. આ તમામ બાબતો દર્શાવે છે કે જે શંકા દર્શાવાઈ હતી તે કોઈ આધાર વગરની હતી.

પ્રશ્ન : શ્રીકુમાર નાણાવટી તપાસ પંચ સમક્ષ હાજર થાય તે પહેલાં તેમને માહિતગાર કરવા અને તેમને પંચ સમક્ષ કોઈ વિગત ન આપવા પ્રભાવિત કરવા માટે તમે ગૃહ વિભાગના તત્કાલીન સેક્રેટરી (કાયદો અને વ્યવસ્થા) જી. સી. મુર્મુ અને સરકારી વકીલ અરવિંદ પંડ્યાને કહ્યું હતું ?

મોદી : ના. આ આક્ષેપ ખોટો અને પાયા વગરનો છે.

પ્રશ્ન : તમે તત્કાલીન એડિશનલ ડીજી(ઈન્ટેલજિન્સ) આર. બી. શ્રીકુમાર દ્વારા કરાયેલી એન્ટ્રી જુઓ અને તેની ખરાઈ(ઓથેન્ટિસિટી) કરો.

મોદી : શ્રીકુમાર દ્વારા તૈયાર કરાયેલી આવી પર્સનલ ડાયરીની કોઈ જાણ નથી. મને ઘણાં સમય પછી મીડિયાના અહેવાલો દ્વારા તે અંગે જાણ થઈ. આ ડાયરી સરકારી રેકોર્ડ નથી તે બાબતને ધ્યાનમાં લઈને હું તેની ખરાઈ કરવા કે અન્ય કોઈ રીતે કંઈ કહેવા ઈચ્છતો નથી.

No comments:

Post a Comment