Thursday, December 30, 2010

માફ કરજે બેટા, તારું પેટ નથી ભરી શકતો, એટલે હત્યા કરું છું

રાજકોટના રત્નકલાકારે ચાર વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
કોઇપણ સંવેદનશીલ માનવીનું હૈયું રડી પડે, આંખો ભીંજવી જાય અને હૃદય ખિન્ન કરી જાય એવી એક અતિકરુણ ઘટનામાં કાળઝાળ મોંઘવારીને કારણે ભયંકર આર્થિક ભીંસ હેઠળ બે ટંકની રોટી રળવા અસમર્થ બનેલા એક પિતાએ પોતાના માત્ર ચાર વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી નાખી હતી.
ચોટીલા ખાતે પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ વહાલસોયા પુત્રની લાશને બન્ને હાથમાં ઉપાડી રસ્તા ઉપર ચાલતા પિતાને બેટી ગામના લોકોએ ઝડપી કુવાડવા પોલીસને હવાલે કર્યો હતો. જો કે આ ઘટના ખરેખર એક ગરીબ પિતાએ હતાશાના આવેશ હેઠળ કરેલી હત્યા છે કે બીજુ કાઇ કારણ છે એ અંગે પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કોઠારિયા રિંગ રોડ નજીક આવેલા શિવમપાર્કમાં રહેતો બાવાજી યુવાન નિલેશ કાંતિલાલ માધવાચાર્ય (ઉ.વ.૩૦) બુધવારે સવારે પોતાના ચાર વર્ષના પુત્ર કેવિનને લઇ ચોટીલા દર્શને ગયો હતો. પિતા સાથે ફરવા જવાનો મોકો મળતાં માસૂમ કેવિનની ખુશીનો પાર ન હતો પરંતુ તેની એ અંતિમ ખુશી છે તે વાતથી માસૂમ કે તેની માતાને જાણ ન હતી.
ચોટીલા દર્શન કર્યા બાદ પિતા-પુત્ર પરત રાજકોટ આવવા ખાનગી જીપમાં બેઠા હતા પરંતુ બામણબોર આવતા જ નિલેશ બાવાજી પુત્રને લઇ જીપમાંથી ઉતરી ગયો હતો અને બામણબોરની સીમમાં પહોંચ્યો હતો. બાવાજી યુવાન નિલેશ પર જાણે કાળ સવાર થયો હતો. તેણે પુત્ર કેવિનને પકડી બન્ને પગની પીંડીમાં બ્લેડથી છરકા કર્યા હતા. પિતાના આ રૂપને જોઇ માસૂમ ડઘાઇ ગયો હતો તેણે ચીસો પાડી હતી પરંતુ સાંભળનાર કોઇ ન હતું. પિતા દ્વારા અપાતી વેદનાથી માસૂમ તડપતો હતો. અંતે નિલેશે પુત્ર કેવિનનું ગળું દાબી તેને હંમેશા માટે સૂવડાવી દીધો હતો.
પુત્રના મૃતદેહને હાથમાં લઇ બાવાજી શખ્સ રાજકોટ તરફ ચાલવા માંડ્યો હતો. પરંતુ બેટી ગામ પાસેથી પસાર થતાં જ બાળકનો મૃતદેહ લોકોની નજરે ચડ્યો હતો કઇક અજૂગતુ થયાની શંકાએ ગ્રામજનોએ નિલેશ માધાવાચાર્યને પકડી લઇ પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ પરમાર, કિશોરસિંહ અને મૂળુભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે પૂછપરછ કરતા ભાંગી પડેલા નિલેશે પોતાના પુત્ર કેવિનની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. આર્થિક ખેંચને કારણે પરિવારનું ગુજરાન મુશ્કેલ બનતાં પુત્રની હત્યા કર્યાની પણ આરોપીએ કેફિયત આપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નિલેશના લગ્ન પાંચ વર્ષ પૂર્વે નીકિતા નામની યુવતી સાથે થયા હતા. બાવાજી યુવક રત્નકલાકાર તરીકે તેમજ નીકિતા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી પરંતુ બેફામ મોંઘવારીને કારણે બાવાજી પરિવારના બે છેડા ભેગા થતાં ન હતા અંતે નાસીપાસ થયેલા યુવકે પોતાના જ વહાલસોયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.

પુત્રની લાશ હાથમાં લઇ ત્રણ કિલોમીટર સુધી ચાલ્યો
આર્થિક ખેંચથી નાસીપાસ થયેલા નિલેશ બાવાજીએ બામણબોરની સીમમાં પોતાના ચાર વર્ષના પુત્ર કેવિનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશ લઇ નિલેશ ચાલીને ત્રણ કિલોમીટર સુધી બેટી ગામના બસ સ્ટોપ સુધી પહોંચ્યો હતો. અને ગ્રામજનોની નજરે તે ચડી જતાં અંતે પોલીસ હવાલે થયો હતો.

પુત્રની હત્યા અંગે માતા સાંજ સુધી અજાણ હતી
ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી નીકિતા માધવાચાર્યએ પોતાના કાળજાના કટકા કેવિનને સવારે પતિ નિલેશ સાથે ચોટીલા જવા રવાના કર્યો ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે એનો પુત્ર હવે ક્યારેય પરત નહીં આવે. નિલેશે પુત્રની હત્યા કરી નાખતા પોલીસે નિલેશની ધરપકડ કરી હતી જ્યારે માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવથી માધવાચાર્ય પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. મોડી સાંજ સુધી નીકિતા પુત્રની હત્યા અંગે અજાણ હતી.

No comments:

Post a Comment