Tuesday, December 28, 2010

દાઢી ડગ-ડગ થશે, દાંત કટ-કટ થશે: સૌરાષ્ટ્રમાં 6 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ પછી કોલ્ડવેવ: પારો ૬ ડિગ્રીએ પટકાશે
દિલ્હીની જેમ જ ગાઢ ધુમ્મસ છવાશે
ઋતુની શરૂઆતથી જ ઠંડીનું જોર વધારે અનુભવાઇ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી સત્તાવાર રીતે થઇ છે. કાંઠાળ વિસ્તારોને બાદ કરતાં મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન ઘણું નીચું જશે. બે દિવસ વાતાવરણમાં વાદળાં રહેશે જ્યારે તે પછી ગાઢ ધુમ્મસ પણ સવારના ભાગે રહેશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક સ્થળે તાપમાનનો પારો ૬ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાન નીચું છે અને સીઝન દરમિયાન બે-ત્રણ કોલ્ડવેવ આવશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું કે હવે પછીના બે દિવસ આકાશ વાદળછાયું રહેશે, બે દિવસ પછી ધુમ્મસ છવાશે. સૌરાષ્ટ્રના અમરેલી તથા કચ્છમાં ભૂજ અને નલિયામાં તાપમાન નીચું જશે. જો શરૂઆતમાં પણ નવ કે આઠ ડિગ્રી સુધી પારો ઉતર્યો હોય તો હવે તે ૬ ડિગ્રી સુધી જઇ શકે છે. ગીરમાં પણ તાપમાન નીચે ઉતરશે.જે રીતે આગાહી થઇ રહી છે તે જોતાં કદાચ ઠંડી રાજકોટ કે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પાછલા વર્ષોનો રેકોર્ડ પણ તોડે તેવું લાગી રહ્યું છે.
આ વર્ષે ઠંડી વધુ પડશે
હવામાનખાતાની અમદાવાદ સ્થિત ઓફિસના ઉચ્ચ અધિકારી કમલજિત કૌરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, એમ એકઝેટ આંકડો આપવો મુશ્કેલ છે અને તે યોગ્ય પણ નથી. પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પારો વધારે નીચે ઉતર્યો છે અને હજી ઉતરે તેવી શક્યતા છે. કોલ્ડવેવ પણ આવશે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળાં છવાયેલાં રહે છે. તેમણે ઉમેર્યું કે બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધશે તે ચોક્કસ છે.

No comments:

Post a Comment