Tuesday, December 28, 2010

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા બાદ કરાયેલી જાહેરાત મુજબ


જિલ્લા પંચાયતમાં સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ વખત મળેલી કારોબારી મિટિંગમાં ૧૬૧ ફાઈલોની ૮૦૦ એકર જમીન બિનખેતી કરવા માટે પારદર્શક પધ્ધતિથી સૈધ્ધાંતિક હુકમ કરવામાં આવ્યા હતા. એક જ કારોબારીમાં આટલી મોટી જમીનને બિનખેતીની મંજુરીની મહોર મારી હોય તેવું જિલ્લા પંચાયતના વહીવટમાં પ્રથમ વખત બન્યું છે. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે કારોબારીમાં વપિક્ષ કોંગ્રેસના તમામ ૧૩ સભ્યો ગેરહાજર રહ્યા હતા.

કોંગ્રેસના શાસનમાં કારોબારીમાં બિનખેતીની મંજુરી માટે કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. પરંતુ ભાજપે શાસન હસ્તગત કર્યા બાદ બિનખેતીને ભ્રષ્ટાચાર રહિત બનાવવાના વચન સાથે રેસકોર્સના ઈન્ડોર સ્ટેડિયમમાં સરાજાહેર મંજુરીના હુકમ આપવા કારોબારી મિટિંગ યોજી હતી. આ અંગે ચેરમેન નાગદાનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જે તે અરજદારે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી નિયમ મુજબ નાણા ભરી વહીવટી હુકમ મેળવવાની આગળની કાર્યવાહી કરવાની રહેશે. આ તકે ડીડીઓ એન.બી. ઉપાધ્યાય, પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ કિયાડા, કારોબારી ચેરમેન નાગદાનભાઈ ચાવડા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કારોબારી મિટિંગમાં સાંસદ વિજય રૂપાણી, ધારાસભ્ય મોહનભાઈ કુંડારિયા, ભાનુબેન બાબરિયા, મેયર જનકભાઈ કોટક, ડે.મેયર ભીખાભાઈ વસોયા, સ્ટેન્ડિંગ ચેરમેન નરેન્દ્ર સોલંકી, લાલજીભાઈ સાવલિયા, દિનેશ પરસાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કારોબારી મિટિંગ ૨૦ જાન્યુઆરીએ જાહેરમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં પણ બિનખેતીનાઓર્ડરો તેમના માલિકોને જાહેરમાં જ અપાશે તેવી જાહેરાત પણ કરાઇ હતી.

કારોબારી મિટિંગથી સ્ટેડિયમની ઘોર ખોદાઈ

કોર્પોરેશન સંચાલિત ઈન્ડોર સ્ટેડિયમમાં જિલ્લા પંચાયતની કારોબારી મિટિંગ યોજાતા માણસોની અવરજવર અને ટેબલ, ખુરશી સહિતના સાધનોની ગોઠવણ કરાતા સ્ટેડિયમની ઘોર ખોદાઈ ગઈ હતી. જેમાં બેડમિન્ટન કોર્ટની સપાટીને નુકસાન થતાં રમત પ્રેમીઓ રોષે ભરાઈ ગયા હતા.

No comments:

Post a Comment