આ પરિસ્થિતિ મતદારો ક્યાં સુધી જોયા કરશે!
પ્રજાજનો પોતે જ મોટા પાયે હાલની પદ્ધતિ બદલવા માટે ચળવળ નહીં ઉપાડે ત્યાં સુધી હાલની પદ્ધતિમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આ પદ્ધતિ બદલવા માટે જેમ આપણા વડવાઓએ બ્રિટિશ શાસન સામે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે ચળવળ ઉપાડી હતી તે જ જોશ, ધગશ અને નિઃસ્વાર્થ વૃત્તિથી આગળ આવવાની જરૂર છે. ફક્ત હાલની શાસન પદ્ધતિની ટીકા કરતા રહેવાથી કશું જ નહીં વળે. આ પરિવર્તન લાવવા માટે આપણે સૌએ ભેગા થઇને સંસદસભ્યો ઉપર દબાણ લાવવું પડશે યાતો એક એવા પક્ષની સ્થાપના કરવી પડે કે જેનું મુખ્ય ધ્યેય સત્તા પ્રાપ્ત કરવા માટે નહીં, પણ હાલની પદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવાનું જ હોવું જોઇએ. એ એક હકીકત છે કે આ દેશમાં સામાન્ય જનતા ‘સેલિબ્રિટી’થી વધારે દોરવાતી રહી છે. જેમ કે આંધ્રમાં જાણીતા ફિલ્મસ્ટાર એન.ટી. રામરાવે તેલગુ દેશમ નામનો પક્ષ સ્થાપી રાજકારણમાં ઝંપલાવ્યું અને પહેલી જ ચૂંટણીમાં જંગી બહુમતી પ્રાપ્ત કરી સરકાર સ્થાપી તેવી જ રીતે એમ.જી. રામચંદ્રનને ડી.એમ.કે. સાથે મતભેદ થતા એ આઇ.ડી.એમ.કે. નામનો નવો પક્ષ સ્થાપી પહેલી ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવામાં સફળતા મેળવી. (શ્રી એમ.જી. રામચંદ્રનને અવસાન પામ્યાને વર્ષો વીતી ગયા પછી આજે પણ એ.આઇ.ડી.એમ.કે. પક્ષ ચૂંટણી સમયે બેનરોમાં શ્રી એમ.જી. રામચંદ્રનની તસ્વીરને સામેલ કરે છે.) આજે જાણીતા ફિલ્મસ્ટાર રજનીકાંતના પક્ષને પણ વ્યાપક સમર્થન મળ્યું છે. બહુ ઓછા દેશોમાં આવું થતું જોવામાં આવ્યું છે. આજે આમીર ખાન કે રજનીકાંત જેવા ફિલ્મ સ્ટારો કે બાબા રામદેવ કે અણ્ણા હઝારે અને તેમના ટેકેદારો વગેરે સૌએ હાલની રાજકીય શાસન પદ્ધતિના વિકલ્પની ચર્ચામાં ધ્યાન પરોવી લોકોને માર્ગદર્શન આપી આવા પક્ષના સૂત્રધાર તરીકેનો ભાગ ભજવી આવી ચળવળને આગળ ધપાવવાની જરૂર છે.
No comments:
Post a Comment