Thursday, August 23, 2012

શ્રીમંત રાષ્ટ્રોની શ્રીમંતાઈ!! [ઘણા માનવી બોલીને દુઃખ વેઠતા હોય છે.]

રાજકીય ઘમસાણમાં એક નાનકડા સમાચાર હતા તેના તરફ કોઈનું ધ્યાન બહું ખેંચાયું નથી. ભારતે ઈટલીને મદદ કરવા અને નાણાકીય સહાય પૂરી પાડવા વચન આપ્યું છે!! ઘરના ઠેકાણા નથી તેવે વખતે યુરો ડોલરના રાષ્ટ્રોને તેમની નાણાકીય કટોકટીમાં મદદરૂપ બનવા ભારતે પ્રયાસ શરૂ કર્યા છે.


યુરોપના તમામ રાષ્ટ્ર અને અમેરિકા દેવામાં ગળાડૂબ છે. યુરોપના આવા રાષ્ટ્રોએ પહેલાં તો સંસ્થાવાદ એટલે કે અન્ય રાષ્ટ્રોને ગુલામ બનાવીને અઢળક સંપત્તિ લૂંટી હતી. ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા ઉદ્યોગો- રેલવે વિકસાવીને સંસ્થાનોનું શોષણ કર્યું. તેમની કુદરતી સંપત્તિ સાથે ત્યાં રહેલી શ્રમશક્તિનું પણ શોષણ કર્યું હતું.

આવા યુરોપના લોકોએ વૈભવી જીવનશૈલી વિકસાવી હતી. આજે હવે તેમને આવું પોસાય તેવું રહ્યું નથી. કારણ કે ઉત્પાદન ખર્ચા વધ્યા છે અને મૂડીરોકાણની પણ મર્યાદા આવી ગઈ છે. હવે આવા દેશો દેવાળા કાઢવાની અણીએ પહોંચી ગયા છે. આથી સમગ્ર વિશ્વમાં મદદનું શકોરું લઈને ફરી રહ્યા છે.

યુરોપિયન કમિશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને યુરોપની મધ્યસ્થ બેન્ક તેમને મદદ કરવા આગળ આવી રહી છે. પરંતુ તેઓ નાણાં આપે તે પહેલાં કેટલીક શરતો છે. તેમાં સરકારી ખર્ચામાં કાપ, વેતન અને પેન્શન ઘટાડવા, સામાજિક સુરક્ષાના ખર્ચા ઓછા કરવા વગેરે છે. આથી ત્યાં ઘણા બેકાર બની જશે.

હાલમાં ગ્રીસ- પોર્ટુગલ અને આયર્લેન્ડમાં બેકારીનો દર ૧૪ ટકા છે. યુરોપના અન્ય રાષ્ટ્રની હાલત સંતોષકારક નથી. છતાં એમ કહી શકાય કે બાંધી મુઠ્ઠી છે. પરંતુ આવું કયા કારણથી થયું છે? એક જ જવાબ છે કે ઉધારીમાં થતો ધંધો છેવટે ખોટમાં હોય છે. આજે રોકડા કાલે ઉધારની નીતિ જ વ્યાજબી છે.

ગ્રીસનું ઘરગથ્થું ઉત્પાદન ૩૦૩ અબજ ડોલર છે અને તેનું દેવું ૪૮૯ અબજ ડોલર છે. આનો અર્થ એ થયો કે તેના પર માથાદીઠ ૩૫,૮૭૪ ડોલરનું દેવું છે. ક્યારે તે દેવું ભરપાઈ થશે? વ્યાજ અને ઉકરડો એ બેને કોઈ પહોંચી વળી શકતું નથી. જેઓ વ્યાજ ભરે છે તેમને તે વાતની જાણકારી છે.

ભારતમાં પ્રત્યેક નાગરિક પર માથાદીઠ ૭૨૨ ડોલરનું દેવું છે. તેના પરથી દાખલો લેવાની જરૂર છે. વિકાસની વ્યાખ્યા કેવી આભાસી છે કે અમેરિકા નાગરિકોએ કર ભર્યા પછી ૧૦૦.૫ ટકા ખર્ચ કર્યો હતો. આનો અર્થ એ થયો કે તેમણે દેવું કરીને ખર્ચા કર્યા હતા.

અમેરિકામાં દરેક વસ્તુ ઉધારીમાં હપ્તેથી મળે છે. મોટર અને મકાન પણ ઉધારીમાં મળે છે. એટલું જ નહીં વેકેશનમાં ફરવા જવા માટેના નાણાં પણ આપે છે. પછી નિરાંતે હપ્તા ભરવાના રહે છે!! જે કદાચ મહિનાઓ સુધી ચાલે છે. પછેડી તેવડી સોડ તાણવી તે બાબત તેમની જીવનશૈલીમાં કયાંય ફીટ બેસતી નથી.

હવે આ તમામનું ધ્યાન ભારત- ચીન જેવા રાષ્ટ્ર પર છે અને આ બંને રાષ્ટ્રના નાગરિકોને દેવું કરવાની આદત પાડવામાં આવી રહી છે. કહેવાનું એટલું જ છે કે જે પશ્ચિમી રાષ્ટ્રોના- તેના વિકાસ અને સંસ્કૃતિના હમણાં સુધી પેટ ભરીને વખાણ થતાં હતા તે આવા દેવાળિયાં કેમ બની ગયા?

પરંતુ ચીન દ્વારા ખૂબ જ સાવધાની અને સતર્કતા રાખવામાં આવી છે. તેની અર્થવ્યવસ્થામાં લોખંડી આર્થિક શિસ્ત છે. વળી શાસન વ્યવસ્થા સામ્યવાદી હોવાથી તેઓ પોતાના નિર્ણયનો અમલ પણ શિસ્ત સાથે કરાવી શકે છે. ભારત કયા માર્ગે છે તે નાગરિકોએ નક્કી કરવાની વાત છે. ભારતનું બાહ્ય દેવું વધી રહ્યું છે.

સમગ્ર વિશ્વનું અર્થતંત્ર હાલકડોલક થઈ રહ્યું છે. કોઈપણ એક આર્થિક વિચારધારા સફળ છે તેમ કહી શકાય તેવું નથી. અલબત્ત વૈદિક અર્થશાસ્ત્ર આજે પણ તેટલું જ ઉચિત અને યોગ્ય છે. પરંતુ તે દિશામાં જવા માટેના ઘણા અવરોધ છે. આ તમામ અવરોધ ક્રમશઃ દૂર કરવાની આવશ્યકતા છે.

આર્થિક- સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસારની આર્થિક નીતિ હોવી જોઈએ. આયાત કરવામાં આવેલી આર્થિક નીતિ દેવાળા તરફ લઈ જાય છે. કારણ કે તેમને કોઈ ‘લોકલ ટચ’ હોતો નથી. આવી બાબતને સમજવાની અને વ્યવહારું રીતે અમલમાં મૂકવાની જરૂર છે.

No comments:

Post a Comment