કેન્દ્ર સરકારનો એવો દાવો છે કે તેમણે દેશની ઊર્જા સમસ્યા હલ કરવાના શુભ આશયથી કોલસાના બ્લોકોની મફતમાં ફાળવણી કરી હતી
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના હેવાલ મુજબ કોલસા કૌભાંડને કારણે દેશની તિજોરીને ૧.૮૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. વિપક્ષો કહે છે કે આ કૌભાંડની જવાબદારી સ્વીકારીને વડા પ્રધાન મનમોહનસિંહ જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે સંસદની કાર્યવાહી ચાલવા નહીં દઈએ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારી કહે છે કે ‘કેગ’ને નાહકનાં મીંડાંઓ લગાવવાની આદત છે. કેન્દ્ર સરકાર કહે છે કે ‘કેગ’ તેની જવાબદારીથી આગળ વધી ગયું છે. આ બાબતમાં સચ્ચાઈ જાણવી હોય તો ‘કેગ’ દ્વારા ૧.૮૬ લાખ કરોડનો આંકડો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો એ સમજવા જેવું છે.
પહેલી વાત તો એ કે કેન્દ્ર સરકાર એમ સમજીને બેઠી છે કે દેશનાં કુદરતી સંસાધનો તેની અંગત મૂડી છે, માટે તેની કોઈને પણ ફાળવણી કરવાનો તેને અબાધિત અધિકાર છે. પહેલાં સ્પેક્ટ્રમની બાબતમાં જે બન્યું એ હવે કોલસાની બાબતમાં બની રહ્યું છે. ‘કેગ’ના હેવાલ મુજબ કેન્દ્ર સરકારે ઇ. સ. ૨૦૦૬ અને ૨૦૧૨ના જાન્યુઆરી મહિના વચ્ચે કોલસાની ૧૪૮ ખાણોની લહાણી કરી હતી, જેમાંથી કુલ ૪૧ અબજ ટન કોલસો મળે તેમ હતું. આ લહાણી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે કોઈ પણ જાતનાં ટેન્ડરો મંગાવ્યા વિના ‘વહેલો તે પહેલો’ના ધોરણે કરવામાં આવી હતી.
ભારતની ભૂમિના પેટાળમાં આશરે ૨૮૬ અબજ ટન કોલસો હોવાનો અંદાજ છે. આ પૈકી ૪૧ અબજ ટન એટલે કે લગભગ ૧૫% કોલસો કેન્દ્ર સરકારે મફતમાં આપી દીધો. કોઈ ખાણમાં જેટલો કોલસો હોય તે બધો બહાર કાઢી શકાતો નથી પણ તેમાંથી ૮૦થી ૯૫% કોલસો જ બહાર કાઢી શકાય છે. આ ગણતરીએ જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ આશરે ૩૨ અબજ ટન કોલસો જમીનમાંથી બહાર કાઢીને તેનું વેચાણ કરી શકે તેમ છે. સરકાર હસ્તકની ‘કોલ-ઈન્ડિયા’ કંપનીએ છેલ્લાં સાત વર્ષમાં જેટલા કોલસાનું ઉત્પાદન કર્યું છે તેના કરતાં આ જથ્થો ૮૩ ગણો વધુ છે.
ખાનગી કંપનીઓને કોલસાના બ્લોકની મફતમાં લહાણી કરવા પાછળ એવું લોજીક કામે લગાડવામાં આવ્યું હતું કે સરકારી માલિકીની ‘કોલ-ઈન્ડિયા’ કંપની દેશની જરૂરિયાતોને સંતોષે એટલા કોલસાનું ઉત્પાદન ન કરી શકતી હોવાથી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને મફતમાં કોલસાની ખાણો આપી દેવામાં આવી છે, જેથી દેશનું કોલસાનું ઉત્પાદન વધી શકે અને હાલમાં દેશમાં ઊર્જાની જે કટોકટી પેદા થઈ છે, તેમાંથી દેશ બહાર આવે.
‘કેગ’ના હેવાલ મુજબ કોલસાના જે કુલ ૧૪૮ બ્લોકની લહાણી કરવામાં આવી તે પૈકી ૨૫ ખાનગી કંપનીઓને કોલસાના ૫૭ બ્લોકની તદ્દન મફતમાં ફાળવણી કરવામાં આવી હતી. આ બધી કંપનીઓ સ્ટીલ અથવા પાવર સેક્ટરની હતી. ‘કેગ’ દ્વારા જે ૧.૮૬ લાખ કરોડની નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે તે આ ખાનગી ક્ષેત્રની કંપનીઓને ફાળવવામાં આવેલા બ્લોક્સને લક્ષમાં રાખીને મેળવવામાં આવ્યો છે. તેમાંથી જાહેર ક્ષેત્રની કંપનીઓને બાકાત રાખવામાં આવી છે. આ નુકસાન ગણવા માટે તેમણે ઇ. સ. ૨૦૧૦-૧૧ના કોલસાના ભાવો ગણતરીમાં લીધા છે.
કેન્દ્ર સરકારની માલિકીની કંપની ‘કોલ ઈન્ડિયા’ ઈ.સ. ૨૦૧૦-૧૧ દરમિયાન સરેરાશ ૧૦૨૮.૪૨ રૂપિયે ટનના ભાવે બજારમાં કોલસો વેચતી હતી. આ કોલસાનું ઉત્પાદન કરવા માટે તેણે ટેન દીઠ સરેરાશ ૫૮૩.૦૧ રૂપિયાનો ખર્ચો કરવો પડતો હતો. આ ઉપરાંત ટન દીઠ ૧૫૦ રૂપિયાનો ખર્ચ તેમને મૂડીરોકાણ સામે આવતો હતો. આ ખર્ચને બાદ કરતાં કોલ ઈન્ડિયા કંપનીને ૨૯૫.૪૧ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. કેન્દ્ર સરકારે જે કંપનીઓને કોલસાની ખાણોની લહાણી કરી છે, તેઓ પણ ટન દીઠ ૨૯૫.૪૧ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી શકે તેમ છે.
જે ૨૫ કંપનીઓને કોલસાના ૫૭ બ્લોકની ફાળવણી કરવામાં આવી તેમાંથી તેઓ ૬.૨૮૨ અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી શકશે, એવો અંદાજ ‘કેગ’ દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ જથ્થાને ૨૯૫.૪૧ રૂપિયા સાથે ગુણવામાં આવે એટલે ૧,૮૫,૫૯૧ કરોડ રૂપિયાનો તોતિંગ આંકડો મળે છે. ‘કેગ’ દ્વારા સરકારી તિજોરીને આટલું નુકસાન જવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. જો ભવિષ્યમાં કોલસાના ભાવો વધે તો આ અંદાજ પણ વધી શકે છે.
‘કોલગેટ’ બાબતમાં ‘કેગ’ દ્વારા અગાઉ જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં આશરે ૧૦.૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. તેમાં ખાનગી કંપનીઓ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની કંપનીઓને થનારો ૫.૯ કરોડ રૂપિયાનો નફો તેમાંથી બાદ કરવામાં આવ્યો હતો. આ વખતે ‘કેગ’ દ્વારા કુલ ૭૬ બ્લોકની ગણતરી કરવામાં આવી હતી, જેની ફાળવણી ખાનગી કંપનીઓને કરવામાં આવી હતી. આ પૈકી ૧૯ બ્લોક્સમાં ભૂગર્ભમાં ખાણકામ થવાનું હતું. ભૂગર્ભમાં ખાણકામને કારણે દેશની તિજોરીને કેટલું નુકસાન જશે તેની કોઈ પ્રમાણભૂત માહિતી ‘કેગ’ પાસે ન હોવાથી આ ૧૯ બ્લોક્સની ગણતરી પણ કરવામાં આવી નહોતી. આ કારણે સંભવિત નુકસાનનો આંકડો ૧૦.૭ લાખ કરોડથી ઘટીને ૧.૮૬ લાખ કરોડ ઉપર આવી ગયો હતો.
૧.૮૬ લાખ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડમાં જે કંપનીઓને ફાયદો થયો છે તેમાં ટાટા સ્ટીલ, એસ્સાર પાવર, અદાણી પાવર, ઝિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ઉષા માર્ટીન, રૂંગટા માઈન્સ વગેરે જાણીતી કંપનીઓ પણ છે. ટાટા સ્ટીલ કંપનીને કોલસાના ત્રણ બ્લોક મફતમાં ફાળવવામાં આવ્યા છે, જેમાં તેને ૨૫૪ કરોડ રૂપિયાનો નફો થવાનો છે. ઝારખંડમાં અભિજીત ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ત્રણ બ્લોક્સની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી તેમને ૫૨ કરોડ રૂપિયાનો નફો થવાનો છે. આ કંપની કેન્દ્રના વર્તમાન કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલના કોઈ સગાંની છે. આ બધી જ કંપનીઓ સામે ટૂંક સમયમાં સરકારી તિજોરીને લૂંટવા બદલ સીબીઆઈ ફરિયાદ દાખલ કરે તેવી સંભાવના છે.
કેન્દ્ર સરકારે જે કંપનીઓને મફતમાં કોલસાની લહાણી કરી છે, તેમાંની અનેક કંપનીઓએ હજી કોલસાનું ઉત્પાદન શરૂ નથી કર્યું ત્યાં નફો ગાંઠે બાંધી લેવાની શરૂઆત કરી દીધી છે. ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં બન્યું હતું તેમ આ કૌભાંડમાં પણ બની રહ્યું છે. વિદર્ભમાં કોલસા બ્લોકની પ્રાપ્તિ કરનારી બી.એસ. ઇસ્પાત નામની કંપનીના ત્રણ માલિકોએ ૨૮૦ કરોડ રૂપિયાનો નફો કરીને પોતાની કંપની જ વેચી મારી છે.