Thursday, January 26, 2012

અલ્લાહની હિકમતથી થતી ગેબી હિફાઝત

  • સૃષ્ટિના સર્જનહારે દુનિયામાં વસનારાઓ માટે એકથી અનેક પોતાની કુદરતના નમૂનાઓની નવાજેશ ફરમાવી છે. કરોળિયો પોતાની લાળથી જાળું બનાવે છે જેમાંથી તે પોતાની આસપાસના મચ્છરો અને માખોનો શિકાર કરી ખોરાક મેળવે છે. ફુંક મારતા ઊડી જાય એવું એ જાળું કુદરતનો નમૂનો બને છે ત્યારે તે લોખંડી દીવાલની ગરજ સારી રહે છે. અલ્લાહના મહાન પયગંબર રહેમતુલ્લીલ આલમીન હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહે વસલ્લમ જ્યારે હિજરત કરે છે અને ગારેહીરામાં આપ અને આપના સાથી હઝરત અબુબકર સીદ્દીક અલૈયહિસલ્લામ આસરો લે છે ત્યારે તે ગાર પર કુદરતના હુકમથી કરોળિયો જાળું બાંધે છે. ત્યાં જે ઝાડ હોય છે તે ગારના (ગુફાના) મુખદ્વાર પર નમી જાય છે અને તેના ઉપર એક માદા કબૂતર ઈંડા મૂકે છે અને બેસી રહે છે. કુફફારે મક્કા શોધમાં નીકળે છે ને ભોમિયો તેને ગુફા બતાવી કહે છે કે અહીં હોવા જોઈએ પણ તે લોકો થાપ ખાઈ જાય છે. ગાર (ગુફા)ને ઉજ્જડ સમજી ત્યાં જવાનો માર્ગ નહીં દેખાતા પાછા ફરે છે અને આપ તથા આપના સાથી વહેલી સવારે ઊંટ ઉપર સવાર થઈ આગળ વધે ત્યારે કુફ્ફારે મક્કા આપને પકડી લાવવા માટે સો ઊંટોનું ઈનામ જાહેર કરે છે. રસુલ્લલ્લાહ પાછળ એક ઘોડેસવાર આવે છે. આપના સાથી ચેતવે છે કે દુશ્મન આવી પહોંચ્યો છે. આપ ફરમાવો છો - ‘અલ્લાહ આપણી સાથે છે.’ અને તે સવાર નજીક આવતા આપ જમીનને ઈશારો કરો છો અને સવાર ઘોડા સહિત જમીનમાં ઊંડો ઉતરવા લાગે છે, આથી બુમ મારે છે - ‘યા રહેમતુલ્લીલ આલમીન સલ્લલ્લાહો અલૈયહે વસલ્લમ, મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ.’ આપના ઈશારાથી પાછો સવાર ઘોડા સહિત બહાર નીકળે છે, પરંતુ ફરી તે હરકત કરે છે ત્યારે પણ તે જ હાલ થાય છે. આવું ત્રણ વખત થાય છે અને આપ માફ કરતા જાય છે. પછી તે સવાર ઈમાન લાવે છે અને શરમથી રડી કહે છે કે- ‘મારા શું હાલ થશે?’ આપ તેને દુવા કરો છો કે - ‘તમારા હાથોમાં શાહે ઈરાનના કંગન બંધાશે.’ આપની વિદાય પછી ખલિફા હઝરત ઉમર ફારૂક અલૈયહિ સલ્લામના વખતમાં ખબર આવે છે કે - ‘સુરાખાની આખરી ઘડિયો છે, ચાલો ને જુઓ!’ હઝરત ઉમર ફારૂક અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે - ‘જ્યાં સુધી ઈરાન ફતેહ થઈને કંગન તેઓના હાથમાં બંધાશે નહીં ત્યાં સુધી તેઓને કંઈ થશે નહીં. કેમકે આ આગાહી સરવરે કાએનાતની છે.’ અને પછી જ્યારે ઈરાન ફતેહ થાય છે ત્યારે મુજાહિદો પાસેથી સૌ પ્રથમ શાહે ઈરાનના કંગન મગાવી સુરાખાના હાથમાં બંધાવવામાં આવે છે તે પછી જ રૂહ પરવાઝ થાય છે. આ રીતે પરવરદિગારના પયગંબરને જમીન અને આકાશની રજેરજ સાથ આપતી હતી. કદિક લડાઈમાં હારજીત, ક્યાંક મુસીબતો સહન કરવી તો ક્યારેક સ્વબચાવ માટે આશરો શોધવો અને દરેક પ્રસંગે અલ્લાહની હિકમતથી થતી ગેબી હિફાઝત (રક્ષા)ની હકીકત સાબિત કરી આપે છે કે આપ હુઝુર (સ.અ.વ.) મે ઈસ્લામનો ફેલાવો અખલાક (સદાચરણ)થી કર્યો અને આપના ઉમ્મતિઓ માટે આપે એવા નમૂના પેશ કર્યા જેને અનુસરનાર બંને જહાંના ભયથી મુક્ત બની શકે છે. આપના મુબારક જન્મદિવસની ઉજવણી ‘જશ્ને વિલાદત’ (જેને ઈદે મિલાદ તરીકે પણ સંબોધવામાં આવે છે)ના મહાન અવસરને હવે ગણતરીના દિવસો બાકી છે.

No comments:

Post a Comment