Thursday, January 26, 2012

અંગ્રેજી શીખવામાત્રથી જિંદગી બદલાય?

થોડા સમયથી સમાચારપત્રોમાં ખબરો આવે છે કે અમેરિકા દેવાળું કાઢવાનો છે, ત્યાંનું અર્થતંત્ર ડામાડોળ થવા માંડ્યું છે! ભારત અને અન્ય વિકસિત થતાં દેશો પોતાના ભવિષ્યને અમેરિકા જેવું બનાવવાના પ્રયત્નો અહોરાત્ર કરે છે. ભારત અને અન્ય વિકસિત થતાં દેશો અમેરિકાને પોતાનો ‘આદર્શ’ માને છે. આ ‘આદર્શ’ હવે દેવાળું ફૂંકવાનો છે!!

ભારતના છેલ્લામાં છેલ્લા તબક્કાની વ્યક્તિના મનમાં આ વાત સરસ રીતે અને ખૂબ જ વ્યવસ્થતિ રીતે બેસાડવામાં આવી છે કે અંગ્રેજી ભણશો તો જ તમારો ઉદ્ધાર થશે! ‘અંગ્રેજી શીખો, જિંદગી બદલો’ની જાહેરાતો આપણે દરેકે દરેક જણે વાંચી હશે. જો અંગ્રેજી શીખવાથી ઉદ્ધાર થઈ જવાનો હોત, તો અમેરિકામાં તો દરેકે દરેક વ્યક્તિ અંગ્રેજી બોલે છે, ત્યાંનો તો ભિખારી પણ અંગ્રેજીમાં ભીખ માગે છે, ઝાડુવાળો પણ અંગ્રેજીમાં બોલે છે, તો અમેરિકા દેવાળું કાઢવા કેમ બેઠો છે? ‘અંગ્રેજી શીખો, જિંદગી બદલો’ની ઠેકાણે હવે લખાવું જોઈએ ‘અંગ્રેજી શીખો, અમેરિકાની જેમ દેવાળું કાઢો!!’

આપણને આપણી જ પ્રાચીન ‘ગુરુકુલ’ - ગુરુ શિષ્ય - શિક્ષણની પદ્ધતિ ‘અછૂત’ અને ‘ગમાર’ લાગે છે? માટે આપણે હાર્વર્ડ, ઑક્સફર્ડ, કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં ફક્ત ભણેલા (ગણેલા નહીં હોં કે) અને અંગ્રેજીમાં પોપટની જેમ ગોખણપટ્ટી કરીને પટર પટર કરનારાં મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ, પૃથ્વીરાજ ચૌહાણ જેવાં લોકોને આપણે નેતા બનાવ્યા છે! જ્યાંથી આ નેતાઓને આપણે ‘આયાત’ કર્યા છે, એવી આ હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ, સ્ટેનફોર્ડ, મિશિગન જેવી દુનિયાની પ્રથમ દસ ક્રમાંકની યુનિવર્સિટીઓ ધરાવતો અમેરિકા પોતે દેવાળું ફૂંકવા ઊભો છે! કેમ? તો ત્યાં મોટા મોટા ‘મેનેજમેન્ટ ગુરુઓ’ ભરેલાં પડ્યાં છે, જેઓ એમ જ માન્યા કરે છે કે જાણે આ પૂરી દુનિયાને ચલાવવાનો ઠેકો તેમણે જ લીધો છે!! ગામડાઓની જે સંસ્કૃતિ ભારતમાં વિકસિત થયેલી છે, એ ગામડાઓએ ભારતને બચાવી લીધો હતો!! આજના ‘વ્યવહારિક જ્ઞાની’ કરતાં ‘પુસ્તિકિયા કીડાં’ વધારે એવા અર્થશાસ્ત્રીઓની નજરમાં જે દેશમાં વધુ શહેરીકરણ થયું હોય એ દેશ વધુ વિકસિત, સમૃદ્ધ છે! તો અમેરિકામાં તો લગભગ ૧૦૦ ટકા શહેરીકરણ થયેલું છે, તો એ દેશ કઈ રીતે નાદાર થવા બેઠો છે? ભારતમાં તો હજી પણ ૬૦ ટકા લોકો ગામડામાં રહે છે! ફક્ત મોટી મોટી ઈમારતો કે ફલાયઓવર બ્રિજો કે કોર્પોરેટ કંપનીઓ, મોલના ઢાંચા ઊભા કરી દેવાથી કે અંગ્રેજી બોલવાથી કોઈ દેશ વિકસિત કે સમૃદ્ધ નથી બનતો, હકીકતમાં જે દેશ પાસે ખેતીલાયક જમીન, ગાય, ભેંસ જેવું પશુધન વિપુલ પ્રમાણમાં છે, એ દેશ વધુ વિકસતિ, સમૃદ્ધ ગણાય છે! જે રાજાશાહીમાં ભારત ‘સોનેરી પંખી’ બન્યું હતું તે રાજાશાહીને તોડીને, આપણે દેવાળું કાઢતા અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણેલા લોકોને આપણા નેતા તેમ જ મંત્રી બનાવ્યા છે. રાજાશાહી વ્યભિચારી, જુલ્મી હતી એવી છાપ આપણા મન પર બાળપણથી પુસ્તકો, અખબારો, ચલચિત્રોનાં માધ્યમથી વ્યવસ્થિત રીતે પાડવામાં આવી છે. અહીં એ વાત યાદ કરાવવી ખૂબ જ જરૂરી છે કે આપણી બધી જ કળાઓ, સાહિત્ય, વેદ, પુરાણો, યોગશાસ્ત્ર, નૃત્યકળાઓ, નૃત્યશાસ્ત્ર, ભારતની બધી જ વિવિધ ભાષાઓ, એમના વ્યવસ્થિત વ્યાકરણ સાથે રાજાશાહીમાં જ વિકાસ પામી છે! લોકશાહીમાં તો આપણે બે પૈડાંવાળી ‘સાઈકલ’ માટે હિન્દી કે ગુજરાતીમાં કશો શબ્દ શોધીને, એ શબ્દને પ્રચલિત નથી કરી શક્યાં!! આની સામે રાજાશાહીમાં, પૂરેપૂરું, આયુર્વેદશાસ્ત્રી, એની હજારો જડીબુટ્ટીઓ, દરેકે દરેક જડીબુટ્ટીનું અલગ અલગ, તેનાં ગુણધર્મ પ્રમાણે નામ સહિત વિકસિત થયેલું. સૂરજ દેવતા માટે દિવાકર, આશુતોષ, ભાસ્કર વગેરે પ્રભાવશાળી નામો આપણા પૂર્વજો આપી ગયા. કમળ માટે પદ્મ, નલીન, જલજ, સરોજ જેવાં શબ્દો આપણી ભાષાઓમાં છે. ‘મેઘદૂતમ્’નું સર્જન રાજાશાહીમાં જ થયેલું! ટૂંકમાં જે જે વસ્તુઓ માટે આજે ભારત ગર્વ લે છે, એ બધું જ રાજાશાહીમાં વિકસિત થયેલું છે. ત્યારે કોઈ અંગ્રેજી ભાષા આ દેશમાં નહોતી! આપણમા મનમાં રાજાશાહી વિશે એ હદે ઝેર રેડવામાં આવ્યું છે કે આજે મોટા મોટા બુદ્ધિવાનો, બુદ્ધિજીવીઓ પણ રાજાશાહીનું નામ સાંભળતા જ મોઢું મચકોડે છે! આની સામે આપણને લોકશાહીના પાઠ ભણાવનારો ઈંગ્લૅન્ડ પોતે રાજાશાહીનો ગુલામ છે!! સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાત કરનારા બાબા રામદેવ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘ઠગ’ કે ‘કટ્ટર’ કહેવડાવાય છે, જ્યારે વિદેશી કંપનીઓને ખુલ્લમખુલ્લા ભારતમાં પ્રવેશ આપીને, ભારતીયોને ઠગતાં મનમોહનસિંહ કે ચિદમ્બરમ કે પ્રણવ મુખરજી ‘ઉદારમતવાદી’ કહેવાય છે! હકીકતમાં ‘અંગ્રેજી શીખો, જિંદગી બદલો’ની જાહેરાતો આપતી, અંગ્રેજી શીખવતી આ સંસ્થાઓમાં, અંગ્રેજી શીખવા જનારાઓની જિંદગી તો કેટલી બદલાઈ છે એ એક સર્વેક્ષણનો વિષય છે, પરંતુ આ સંસ્થાઓ ચલાવનારાઓની જિંદગી અવશ્ય બદલાઈ ગઈ છે. આ સંસ્થાઓના માલિકો દર વર્ષે કરોડો - અબજો રૂપિયાનો વેપલો કરી નાખે છે. આપણે એ જાણવાની કોશિશ કરીએ છીએ ખરાં કે આ મોટી મોટી સંસ્થાઓનો વહીવટ ક્યાંથી થાય છે? ઘેટાંની જેમ એકની પાછળ એક આ સંસ્થાઓમાં દાખલો લેવા દોડતા આપણે, આ વિચારીએ છીએ ખરા કે આ બધો પૈસો ક્યાં દેશમાં જાય છે? આ સંસ્થાઓ હકીકતમાં શું છે?

આપણે આ અંગ્રેજો પાસેથી ઘણી અંગ્રેજી શીખી લીધી!! હવે શું આપણે એમને હિન્દી કે ગુજરાતી શિખવાડવાનું વિચારી શકીએ ખરાં?

No comments:

Post a Comment