- એક લાખ દીઠ 34.2 આત્મહત્યાઓ સાથે રાજકોટ દેશભરમાં ત્રીજુ શહેર
- 18.9 આત્મહત્યાઓ સાથે સુરત દસમા સ્થાને
રાજ્યના બે ઔદ્યોગિક શહેરો આત્મહત્યાઓ બાબતે દેશભરમાં મોખરે રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે રાજકોટમાં દર એક લાખની વસતિ દીઠ 34.2 આત્મહત્યાઓ નોંધાઇ છે. જેના કારણે રાજકોટ ત્રીજા સ્થાને આવ્યું છે. 2008માં રાજકોટમાં આત્મહત્યાનો દર 31.5 હતો. જ્યારે રાજ્યના બીજા શહેર સુરતે પણ 18.9 આત્મહત્યાઓ સાથે દેશભરમાં દસમુ સ્થાન મેળવ્યું છે. 2008માં સુરતમાં આત્મહત્યાઓનો દર 17.9 હતો.
એનસીઆરબીના નવા આંકડાઓ રાજ્ય માટે ચિંતાજનક બની રહ્યા છે. જો કે આત્મહત્યાઓના દરમાં ગુજરાત 17મા સ્થાને છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં આત્મહત્યાઓનો દર 12.9 % ઓછો નોંધાયો છે. જ્યારે રાજકોટ અને સુરતમાં વધારો નોંધાયો છે.
15થી 29 વર્ષની વયના યુવાનોની આત્મહત્યાનું પ્રમાણ 40% નોંધાયું છે. આ વયના યુવાનોની આત્મહત્યાઓનું સૌથી વધુ પ્રમાણ અમદાવાદમાં (180) નોંધાયું છે. આવી આત્મહત્યાઓ પાછળ પારિવારિક પ્રશ્નો બાદ બીમારી વધુ જવાબદાર હોય છે.
સુરતમાં એઇડ્સ અને કેન્સર જેવી બિમારીઓને કારણે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં નોંધાયેલા 54 કિસ્સાઓમાં કોઇપણ ઘટનાનો ભોગ બનનારનું ગાંડપણ જવાબદાર હોય છે. પરીક્ષામાં નાપાસ થવાથી વિદ્યાર્થીઓએ જિંદગીનો અંત આણ્યો હોય તેવા 99 કિસ્સાઓ રાજ્યમાં નોંધાયા છે. પારિવારકિ પ્રશ્નોને કારણે રાજકોટમાં સૌથી વધુ (214) આત્મહત્યાઓ નોંધાઇ છે.
- આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો અને વ્યાવસાયિકો વધુ
વર્ષ 2009માં સૌથી વધુ ગૃહિણીઓએ આત્મહત્યાઓ કરી હતી. અમદાવાદમાં 175 અને રાજકોટમાં 164 આત્મહત્યાઓ નોંધાઇ છે. ઘરેલુ હિંસા અને પારિવારિક પ્રશ્નો આવી આત્મહત્યાઓ પાછળ વધુ જવાબદાર રહ્યા છે. રાજકોટમાં પ્રાઇવેટ સેક્ટરમાં આત્મહત્યાઓનું પ્રમાણ 30% નોંધાયું છે. રાજ્યમાં બેરોજગારોની આત્મહત્યાઓનો આંકડો 600 પર પહોંચ્યો છે. આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો (588) અને વ્યાવસાયિકો (552) પણ આગળ છે.
એક અભ્યાસ મુજબ આત્મહત્યા કરનારાઓમાં પરિણીતોનું પ્રમાણ વધુ છે. આત્મહત્યાઓ કરનારામાં 70% લોકો પરિણીત છે. જેમાં 60% પરિણીત સ્ત્રીઓ છે.
આત્મહત્યાઓ પર શિક્ષણની કોઇ અસર નથી થતી. સેકેન્ડરી સુધી અભ્યાસ કરનારાઓની (2244) આત્મહત્યા નોંધાઇ છે. જ્યારે અભણ લોકોની 1273 આત્મહત્યાઓ નોંધાઇ છે. રાજ્યમાં 84 ગ્રેજ્યુએટ અને 7 પોસ્ટ ગ્રેજ્યુએટે આત્મહત્યા કરી છે.
ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરવાનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. 20% લોકો પોતાના જ ઘરે પોતાની જાતને લટકાવીને મોતને ભેટ્યા છે. જ્યારે 1454 લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. તો 1041 વ્યક્તિઓએ અગનપછેડી ઓઢીને મોત વ્હાલું કર્યું છે. 2008ની સરખામણીએ 2009માં ઉંઘની ગોળીઓ દ્વારા અને ઉંચાઇથી કૂદીને મોતને ભેટવામાં 25% નો ઘટાડો નોંધાયો છે.
No comments:
Post a Comment