Wednesday, February 23, 2011

નદીમાંથી હાથ-પગ બાંધેલી લાશનું પોટલું મળ્યું

અજાણ્યા યુવાનની ઠંડે કલેજે હત્યા કરાયાની આશંકા

વાંકાનેરના મહીકા ગામના પાદરમાંથી પસાર થતી મચ્છુ નદીમાંથી એક અજાણ્યા યુવાનની હાથ-પગ બાંધેલી લાશનું પોટલું મળી આવતાં ભારે સનસનાટી સર્જાઇ છે. યુવાનની ઠંડે કલેજે હત્યા કરી, લાશને પોટલામાં બાંધીને ફેંકી દેવાઇ હોવાના પ્રાથમિક તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

મચ્છુ નદીમાં એક મોટું પોટલું પડ્યું હોવાની તથા તેમાંથી ભયાનક દુર્ગંધ આવતી હોવાની મહીકાના સરપંચે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસના પી.એસ.આઇ. ટીલવા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ધરાવતા એ પોટલાને ખોલતા તેમાંથી એક અજાણ્યા યુવાનની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. અજાણ્યા યુવાને ક્રીમ કલરનું પેન્ટ તથા કાળુ, કેસરી અને ગ્રે કલરનું ચેકસ વાળું શર્ટ પહેર્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ આ કેસ હત્યાનો જણાય છે. બનાવ ત્રણ દિવસ પહેલાં બન્યો હોવાનું અનુમાન છે. લાશ અત્યંત કોહવાઇ ગયેલી હાલતમાં મળી છે. હતભાગી યુવાનના ચહેરાને તથા પગના ભાગે માછલાઓએ ફોલી ખાધો હોવાનું નજરે પડે છે. પોલીસે લાશને પી.એમ. માટે વાંકાનેર હોસ્પિટલે ખસેડી, અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.

લાશ છણિયા જેવા કપડામાં બાંધી હતી -

યુવાનના હાથ રસ્સી વડે બાંધી દેવાયા હતા. પગ પણ ઘુંટણમાંથી બેવડા વાળી કમર સુધી બાંધેલા છે. એ હાલતમાં લાશને છણિયા જેવા કપડામાં કસોકસ રીતે બાંધી દેવાઇ હતી. કોઇ વ્યક્તિને આપઘાત કરવો હોય તો પણ આ રીતે પોતાનું શરીર બાંધી ન શકે. યુવાનની અન્ય સ્થળે હત્યા કરીને બાદમાં લાશ આ નદીમાં નાંખી દેવાઇ હોય એવી સંભાવના પણ નકારી શકાતી નથી.

Monday, February 7, 2011

સર્વકાલિન નેતાઓની યાદીમાં મહાત્મા ગાંધી મોખરે: ટાઇમ

અકબર ઉપરાંત આતાતાયી ચંગેઝખાનનો પણ સમાવેશ

મહાત્મા ગાંધીને ટાઇમ મેગેઝિનની વિશ્વના ૨૫ સર્વકાલિન નેતાઓની યાદીમાં સૌથી ટોચ પર સ્થાન મળ્યું છે. યાદીમાં દલાઇલામા અને અકબરનું નામ પણ સામેલ છે. નવાઇની વાત એ છે કે, આ યાદીમાં આતાતાયી ચંગેઝખાનનું નામ પણ સમાવિષ્ઠ છે.

ટાઇમમાં ગાંધીજી અંગે કહેવાયું છે કે, બ્રિટિશરાજમાં શાંતિપૂર્ણ વિરોધી પ્રદર્શન કરવાને કારણે ભારતીય આઝાદીની લડાઇના પ્રાણવાયુ બની ગયા છે. આપ તો રાષ્ટ્રનું વિભાજન થતાં જ ગાંધીજીની હત્યા કરી દેવાઇ હતી. પરંતુ, તેમના બતાવેલા માર્ગે અન્ય દેશોમાં પણ સામાજિક આંદોલન થયા છે. જેમાં, અમેરિકાનું નાગરિક આંદોલન પણ એક હતું.

દલાઇલામા અંગે કહેવાયું હતું કે, તેઓ ફરી તિબેટના અધિકારો અને બૌધ્ધ શિક્ષા માટે જ નહીં પરંતુ, પૂરી દુનિયામાં ધાર્મિક સહિષ્ણુતા તથા શાંતિના સૌથી મોટા પ્રવક્તા છે. તિબેટમાં અસંખ્ય લોકો તેમને ધાર્મિક ગુરુ અને નેતા માને છે તે પણ મહાત્મા ગાંધી અને લૂથર કિંગની માફક અહિંસા અને સહિષ્ણુતાના માર્ગે ચાલવાવાળાઓમાં છે. પોતાની નમ્રતાને કારણે દલાઇલામા દુનિયાભરમાં રાજકીય અને ધાર્મિક નેતાઓમાં પ્રાપ્ય છે. જેનો ફાયદો તેમને તિબેટિયાનોના સંઘર્ષમાં આંતરરાષ્ટ્રિય સહયોગ હાસલ કરવામાં મળે છે.ટાઇમે આ અંગને અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનની ૧૦૦મી જયંતી પર પ્રસિધ્ધ કર્યો છે.

ટોચના સર્વકાલિન નેતાઓ

૧) મહાત્મા ગાંધી
૨) એલેકઝાંડર ધ ગ્રેટ
૩) માઓત્સેતુંગ
૪) વિન્સ્ટન ચર્ચીલ
૫) ચંગેઝખાન
૬) નેલ્સન મંડેલા
૭) અબ્રાહમ લિંકન
૮) એડોલ્ફ હિટલર
૯) અર્નેસ્ટ ચે ગ્વેરા
૧૦) રોનાલ્ડ રેગન
૧૧) કિલયોપેટ્રા
૧૨) ફ્રેંડમિન રુઝવેલ્ટ
૧૩) દલાઇલામા
૧૪) મહારાણી વિક્ટોરિયા
૧૫) બેનિહો મુસેલિની
૧૬) અકબર ધ ગ્રેટ
૧૭) લેનિન
૧૮) માર્ગારેટ થેચર
૧૯) સિમોન બોલિવટ
૨૦) ક્વિન શી હુસાંગ
૨૧) કિમ-૨ સંગ
૨૨) ચાર્લ્સ દગોલ
૨૩) લુઇ-૧૪મો
૨૪) હેલી સૈલાસી
૨૫) કિંગ રિચર્ડ દલાવન હાર્ટ
૨૬) સલાદિન

‘નીતિન-નારાયણ પટેલે હિંસા,મહિલા પર જાતીય હુમલાની આગેવાની લીધી હતી?’

પ્રશ્ન : તે સમયે સરકારમાં મંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ અને નારાયણ લલ્લુભાઈ પટેલે અનુક્રમે કડી અને ઊંઝામાં હિંસા, આગજની અને મહિલાઓ પર જાતીય હુમલાની આગેવાની લીધી હતી ?

મોદી : આ વાહિયાત આક્ષેપ છે. આવી કોઈ ઘટના ક્યારેય બની જ નથી.

પ્રશ્ન : ૨૮-૦૨-૨૦૦૨ના રોજ અને ત્યારપછી થયેલી હિંસા દરમિયાન જયદીપ પટેલ, બાબુ બજરંગી અને માયાબેન કોડનાની તમારા સંપર્કમાં હતાં?

મોદી : મને બાબુ બજરંગી અંગે મીડિયા મારફતે માલૂમ થયું અને તેને હું ઓળખતો નથી. ડૉ. માયાબેન કોડનાની ભાજપનાં ધારાસભ્ય છે અને તેઓ મને ઘણી વાર મળતાં હતાં. જયદીપ પટેલ વિહિપના નેતા છે જેમને પણ હું જાણું છું. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, હિંસા દરમિયાન તેમણે મને ક્યારેય ફોન પર સંપર્ક કર્યો નથી.

પ્રશ્ન : તત્કાલીન ધારાસભ્ય હરેશ ભટ્ટ, બાબુ બજરંગી અને અમદાવાદ શહેર વિહિપના પ્રમુખ રાજેન્દ્ર વ્યાસે આશિષ ખેતાનને આપેલા ઈન્ટરવ્યૂ જુઓ, જે તહેલકાના ૨-૧૧-૨૦૦૭ના વિશેષાંકમાં પ્રસિદ્ધ થયા હતા. તેમાં રજુ થયેલી વિગતો સાચી છે કે નહીં તે કહો.

મોદી : કોઈપણ વ્યક્તિ દ્વારા મારા પર લગાવાયેલા આરોપો ખોટા છે. આ ચોક્કસ મુદ્દો તહેલકા મેગેઝિન મારફતે ઘટનાના છ વર્ષ પછી નવેમ્બર-૨૦૦૭માં ઉઠાવાયો હતો અને એ પણ ચૂંટણીના સમયે જ ઉઠાવાયો હતો, ચૂંટણી ડિસેમ્બર-૨૦૦૭માં યોજાઈ હતી. આ જ મુદ્દો ફરી એપ્રિલ-૨૦૦૮માં સુપ્રીમ કોર્ટ દ્વારા સીટની નિમણુક કરવામાં આવી ત્યારે પણ ઉઠાવાયો હતો. ત્યારબાદ ફરી જ્યારે હું સીટ સમક્ષ ઉપસ્થિત થવાનો હતો ત્યારે આ સપ્તાહમાં ૨૨-૦૩-૨૦૧૦ના રોજ પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. આ તમામ પરબિળોને ધ્યાનમાં લેતાં હું કહું છું કે સમગ્ર એપિસોડ ચોક્કસ હેતુ પ્રેરિત અને ગોઠવણ કરાયેલો છે. કહેવાતી સીડીની યથાર્થતા અંગે મને વ્યક્તિગત જાણકારી નથી.

તમારો મત....

શું ગોધરાકાંડની ઘટના પૂર્વઆયોજીત હતી? તમે આ સમગ્ર ઘટના અંગે કોને જવાબદાર ગણાવો છો? આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાતનું નામ વિશ્વભરમાં ખરડાયું હતુ. ત્યારે તમે શું લાગે છે કે આ ઘટનામાં જે લોકો દોષિત સાબિત થાય તેને શું સજા થવી જોઈએ, તમારો મત અમને નીચે આપેલ ફિડબેક બોક્સમાં લખીને મોકલો...

મોદીએ શ્રીકુમારના આ દાવાને દમ વગરનો ગણાવ્યો

પ્રશ્ન : આર.બી. શ્રીકુમારે એડિશનલ ડીજી(ઈન્ટેલિજન્સ) તરીકે ચાર્જ સંભાળ્યા પછી સરકારને અમદાવાદમાં સંભવિત કોમી હિંસા અંગે કોઈ ગુપ્તચર અહેવાલ મોકલ્યો હતો ? જો હા, તો તે અંગેની વિગત આપો.

મોદી : તેણે ડીજીપી કે એસીએસ(ગૃહ)ને આવો અહેવાલ મોકલ્યો હશે. મેં આવો કોઈ અહેવાલ જોયો હોવાનું મને યાદ નથી.

પ્રશ્ન : તમે અમદાવાદ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર પી.સી. પાંડે દ્વારા ૧૯-૦૪-૨૦૦૨ના રોજ ડીજીપીને લખેલા ડીઓ લેટરની કોપી જુઓ. એડશિનલ ડીજી(ઈન્ટેલિજન્સ) અને એસીએસ(ગૃહ)ને પણ તેની નકલ મોકલવામાં આવી હતી જેમાં તે સમયે સરકારમાં મંત્રી ભરત બારોટની હિંસામાં કથિત સંડોવણી વિશે કહેવાયું છે. આ પત્ર વિશે તમને જાણ કરાઈ હતી ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં હતાં ?

મોદી : તત્કાલીન એસીએસ(ગૃહ) અશોક નારાયણે મૌખિક વાત કરીને આ બાબત મારા ધ્યાન પર લાવી હતી અને મેં સંબંધિત અધિકારીઓને અગાઉ મુજબ જ સ્પષ્ટ સૂચના આપી હતી.

પ્રશ્ન : તમે અમદાવાદ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર પી. સી. પાંડે દ્વારા ૨૨-૦૪-૨૦૦૨ના રોજ લખેલા ડીઓ લેટરની કોપી જુઓ. ડીજીપી અને એડિશનલ ડીજી(ઈન્ટેલિજન્સ)ને પણ તેની નકલ મોકલવામાં આવી હતી જેમાં સંઘ પરિવારના કાર્યકરોની અનિચ્છનીય પ્રવૃત્તિઓ વિશે કહેવાયું હતું. આ પત્ર વિશે તમને જાણ કરાઈ હતી ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં હતાં ?

મોદી : આ બાબત મારા ધ્યાન પર લાવવામાં આવી હતી કે કેમ તે મને અત્યારે યાદ નથી. પરંતુ મારો અને મારી સરકારનો પહેલા દિવસથી જ એ અભિગમ રહ્યો છે કે ગુનેગાર આખરે ગુનેગાર છે, પછી ભલે તેની જ્ઞાતિ, ધર્મ અને સામાજિક-રાજકીય પશ્વાદ્ભૂ ગમે તે હોય, કારણ કે કોઈ જ કાયદાથી પર નથી.

પ્રશ્ન : તત્કાલીન એડિશનલ ડીજી(ઈન્ટેલિજન્સ) આર.બી. શ્રીકુમાર દ્વારા એસીએસ(ગૃહ)ને ૨૨-૦૪-૨૦૦૨ના રોજ લખાયેલા ડીઓ લેટરની કોપી જુઓ. તત્કાલીન ડીજીપીને પણ તેની કોપી મોકલવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરમાં વર્તમાન કોમી પરિસ્થિતિની વાત હતી. તમને આ પત્રની જાણ કરવામાં આવી હતી ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં ?

મોદી : આવો કોઈ જ પત્ર ક્યારેય મારી સમક્ષ રજુ કરાયો નથી અને તત્કાલીન એસીએસ(ગૃહ) અશોક નારાયણે મૌખિક રીતે પણ મને ક્યારેય તે વિશે જાણ કરી નથી. અલબત્ત, અહીં એ નોંધવું જોઈએ કે માર્ચ-એપ્રિલ, ૨૦૦૨ દરમિયાન રાજ્યની ૧૭૦૦ પંચાયતોની શાંતિપૂર્વક ચૂંટણી યોજાઈ હતી, ૬૦૦૦ હજ યાત્રાળુઓ રાજ્યમાં પરત આવ્યા ત્યારે તેમના સંબંધિત ગામ-શહેરમાં તેમનું સ્વાગત થયું હતું, વિવિધ પરીક્ષાઓ પણ શાંતિપૂર્વક યોજાઈ હતી. આ બાબતને ધ્યાનમાં લેતાં આર. બી. શ્રીકુમારનો એવો દાવો કે મુસ્લિમોએ વહીવટીતંત્ર, પોલીસ અને ન્યાયતંત્રમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે તેમાં દમ લાગતો નથી.

પ્રશ્ન : આર. બી. શ્રીકુમારે તત્કાલીન એડિશનલ સેક્રેટરી(કાયદો અને વ્યવસ્થા) પી. એસ. શાહને મોકલાવેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવતા અહેવાલની કોપી જુઓ જેમાં બહુમતી અને લઘુમતી સમુદાય વચ્ચે નક્કર શાંતિ અને સદભાવનાનો માહોલ ન થાય ત્યાં સુધી જુલાઈ-૨૦૦૨ની રથયાત્રા રદ કરવા અંગે કહેવાયું હતું. આ પત્ર તમારા ધ્યાન પર લવાયો હતો ? જો હા, તો તે અંગે તમે શું પગલાં લીધાં હતાં ? તમે એડીજી(ઈન્ટેલિજન્સ)ના મંતવ્ય સાથે સંમત હતા ?
મોદી : આ બાબત અશોક નારાયણ દ્વારા મને ધ્યાન પર લાવવામાં આવી હતી. મેં અશોક નારાયણને પૂછ્યું હતું કે આ અહેવાલ ચોક્કસ છે કે જનરલ પરસેપ્શન છે. અશોક નારાયણે મને માહિતી આપી હતી કે શ્રીકુમારે કોઈ ચોક્કસ બાબતની વાત કરી નથી, પરંતુ તેમનો અહેવાલ જનરલ(સામાન્ય) પ્રકારનો હતો. તે બાબતને ધ્યાનમાં લઈને હું શ્રીકુમાર સાથે સંમત થયો ન હતો. રથયાત્રા ૧૨-૦૭-૨૦૦૨ના રોજ યોજાઈ હતી અને તે શાંતિપૂર્વક પસાર થઈ ગઈ હતી. આ તમામ બાબતો દર્શાવે છે કે જે શંકા દર્શાવાઈ હતી તે કોઈ આધાર વગરની હતી.

પ્રશ્ન : શ્રીકુમાર નાણાવટી તપાસ પંચ સમક્ષ હાજર થાય તે પહેલાં તેમને માહિતગાર કરવા અને તેમને પંચ સમક્ષ કોઈ વિગત ન આપવા પ્રભાવિત કરવા માટે તમે ગૃહ વિભાગના તત્કાલીન સેક્રેટરી (કાયદો અને વ્યવસ્થા) જી. સી. મુર્મુ અને સરકારી વકીલ અરવિંદ પંડ્યાને કહ્યું હતું ?

મોદી : ના. આ આક્ષેપ ખોટો અને પાયા વગરનો છે.

પ્રશ્ન : તમે તત્કાલીન એડિશનલ ડીજી(ઈન્ટેલજિન્સ) આર. બી. શ્રીકુમાર દ્વારા કરાયેલી એન્ટ્રી જુઓ અને તેની ખરાઈ(ઓથેન્ટિસિટી) કરો.

મોદી : શ્રીકુમાર દ્વારા તૈયાર કરાયેલી આવી પર્સનલ ડાયરીની કોઈ જાણ નથી. મને ઘણાં સમય પછી મીડિયાના અહેવાલો દ્વારા તે અંગે જાણ થઈ. આ ડાયરી સરકારી રેકોર્ડ નથી તે બાબતને ધ્યાનમાં લઈને હું તેની ખરાઈ કરવા કે અન્ય કોઈ રીતે કંઈ કહેવા ઈચ્છતો નથી.

મુખ્યમંત્રી કાર્યાલયે કરેલા હસ્તક્ષેપ અંગે સીટના સવાલો

પ્રશ્ન : હિંસાના એક કેસમાં હોમગાર્ડ કમાન્ડન્ટની ધરપકડ થઈ હતી, તેમાં મુખ્યમંત્રી કાર્યાલયે હસ્તક્ષેપ કર્યો હતો ? તે સમયે કચ્છના પોલીસ વડા વિવેક શ્રીવાસ્તવે મુખ્યમંત્રી કાર્યાલયનો આદેશ ન માનતાં માર્ચ-૨૦૦૨માં તેમની બદલી કરી દેવાઈ હતી તે સાચું છે ?

મોદી : ના. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આવા કોઈ જ હસ્તક્ષેપનો બનાવ બન્યો નથી. પોલીસ અધિકારીઓની નિયુક્તિ અને બદલી ગૃહ વિભાગ દ્વારા ડીજીપી સાથે ચર્ચા-વિચારણા કરીને થાય છે. જેમાં મુખ્યમંત્રીની મંજુરી જરૂરી હોય તેવા કિસ્સામાં ફાઈલ મંજુરી માટે મારી પાસે આવે છે. મને આવી કોઈ ઘટના યાદ આવતી નથી અને વધુમાં કહું તો, મેં ક્યારેય આવી બાબતમાં હસ્તક્ષેપ કર્યો નથી.

પ્રશ્ન : એવા આક્ષેપ છે કે જે જાહેર કર્મચારીઓએ હિંસા માટે જવાબદાર લોકો સાથે સાઠગાંઠ કરી હતી તેમને રમખાણો પછી નવાજવામાં આવ્યા હતા અને જેમણે કાયદા મુજબ કામગીરી કરવાનો પ્રયાસ કર્યો તેમને બદલી અને સુપરસેશન્સ દ્વારા સજા કરવામાં આવી અને તેનાથી સરકાર સમક્ષ સંદેશો ગયો કે સરકારી કર્મચારીએ જે બંધારણનાં પાલનના સોગંદ લીધા હતા તેઓ બંધારણને બદલે મુખ્યમંત્રીના રાજકીય એજન્ડા પ્રત્યે વચનબદ્ધ હતા. તે અંગે તમારું શું કહેવું છે?

મોદી : આ આક્ષેપ સંદિગ્ધ, ખોટા અને કોઈ આધાર વગરના છે. એવું લાગે છે કે ફરિયાદીએ સરકારની તમામ હિલચાલ અને કામગીરીને મુખ્યમંત્રી સાથે જોડી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો છે. અધિકારીઓનાં પોસ્ટિંગ અને બદલી વહીવટી મંત્રાલયનો વિશેષાધિકાર છે અને રૂટિન બાબત છે. ચૂંટણીના વર્ષમાં જેમણે ત્રણ વર્ષ એક જ પોસ્ટ ખાતે કામ કર્યું હોય તેમની સરકાર દ્વારા બદલી કરવામાં આવે છે અથવા ચૂંટણીપંચ તે કામ કરે છે. બદલીના આ ક્રમમાં જેમણે ત્રણ વર્ષથી ઓછા સમય સુધી એક જગ્યાએ રહ્યા હોય તેમની પણ બદલી થાય છે. આ બાબતને ધ્યાનમાં લેતાં પોસ્ટિંગ કે બદલી સજારૂપે કરાઈ છે તેવું ન કહી શકાય.

પ્રશ્ન : એવો આક્ષેપ છે કે તે સમયે મહેસાણા જિલ્લાના પોલીસ વડા અનુપમસિંઘ ગેહલોતની એટલા માટે બદલી કરી દેવાઈ હતી કારણ કે તેમણે કડીના નગરસેવક રમેશ પચુભાઈ પટેલ સહિતના નામાંકિત લોકો જે કેસમાં આરોપી હતા તે કેસમાં સરકારે કહ્યા મુજબ ન કર્યું.

મોદી : મેં આગળ કહ્યું તેમ પોસ્ટિંગ અને બદલી એ રાબેતા મુજબની વહીવટી બાબત છે, જે સંબંધિત વહીવટી મંત્રાલયનો મામલો છે અને જરૂર પડે ત્યાં મારી મંજુરી લેવાય છે. આથી આ આરોપ કોઈપણ આધાર વગરનો છે.

પ્રશ્ન : ફરિયાદમાં એવો આક્ષેપ છે કે ગુજરાતમાં રમખાણોના કેસમાં જે સરકારી વકીલ નિયુક્ત કરાયા હતા તે શાસક પક્ષ કે સંઘ પરિવારના સભ્યો હતા અથવા સમર્થક હતા અથવા તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા અને મોટાભાગના કેસમાં આરોપીઓ છૂટી જાય તેવો ઈરાદાપૂર્વકનો પ્રયાસ કરાયો હતો. તે અંગે તમારું શું કહેવું છે?

મોદી : સરકારી વકીલની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે, જેમાં જિલ્લા જજ જિલ્લા કલેક્ટરને ખાલી પડેલી જગ્યા અંગે લેખિત જાણ કરે છે અને જિલ્લા કલેક્ટર તે પદ માટેની જાહેરખબર પ્રસિદ્ધ કરાવે છે. જે અરજદાર અરજી કરે તેના ઈન્ટરવ્યૂ એક સમિતિ અને જિલ્લા કલેક્ટર દ્વારા લેવાય છે. ઈન્ટરવ્યૂના આધારે દરેક પોસ્ટ માટે ત્રણ એડવોકેટની પેનલ સરકાર સમક્ષ રજુ કરાય છે. આ એડવોકેટની પેનલમાંથી જ સરકારે નિમણુક કરવાની હોય છે. આથી સરકારી વકીલની પસંદગીમાં સરકારની કોઈ ભૂમિકા હોતી નથી અને આ પ્રક્રિયા ૧૯૬૦થી અમલમાં છે.

‘મને એહસાન જાફરીનો ફોન નહોતો આવ્યો’

-‘હું ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીને ઓળખતો ન હતો’

પ્રશ્ન : ગુલબર્ગ સોસાયટી ખાતે એક ટોળાએ હુમલો કર્યો હોવાની તમને માહિતી મળી હતી? જો હા, તો ક્યારે અને કોના મારફતે મળી હતી ? તે અંગે તમે શું પગલાં લીધાં ?

મોદી : મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, મને રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પુન:સમીક્ષા બેઠક મળી તેમાં માહિતી અપાઈ હતી કે મેઘાણીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટી અને નરોડા પાટિયા ખાતે હુમલો થયો છે.

પ્રશ્ન : તમે ગુલબર્ગ સોસાયટીમાં રહેતા ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીને ઓળખતા હતા ?

મોદી : હું ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીને ઓળખતો ન હતો કારણ કે તેઓ ૧૯૭૦ના દાયકામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તે સમયે હું રાજનીતિમાં ન હતો. મને ત્યારબાદ કહેવાયું હતું કે ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરી ગુલબર્ગ સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં થયેલા હુમલામાં તેમની હત્યા કરી દેવાઈ છે.

પ્રશ્ન : ભૂતપૂર્વ સાંસદ સ્વ. એહસાન જાફરીએ મદદ માટે ફોન પર તમારો સંપર્ક કર્યો હતો ? જો હા, તો તમે શું પગલાં લીધાં હતાં ?

મોદી : આ અંગે હું કહેવા માગું છું કે મારા પર કોઈ જ ફોન આવ્યો ન હતો.

‘તમે અધિકારીઓને કહ્યું હતું, હિન્દુઓને ગુસ્સો ઠાલવવા દો?’

ગુજરાતનાં રમખાણો અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગત 29 માર્ચ,2010ના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ સવારના નવથી રાતના એક વાગ્યા સુધી, લગભગ 16 કલાક સુધી બાંબીલચક પૂછપરછ કરી હતી. સીટના સિનિયર અફસર એ.કે.મલ્હોત્રાએ કરેલી પૂછપરછને અહીં કોઈ પણ જાતની ટીકા-ટિપ્પણી વિના પાંચ ભાગમાં પ્રકાશિત કરવામાં આવી છે...

-‘મને છેક (૨૭-૦૨-૨૦૦૨ની) રાત્રે ખબર પડી કે વિહિપ દ્વારા બંધનું એલાન અપાયું છે’
-‘મંત્રીઓની (પોલીસ) કંટ્રોલ રૂમમાં હાજરી અંગે મને વ્યક્તિગત રીતે કોઈ જાણકારી નથી’

-‘તે (જયદિપ પટેલ )ગોધરામાં મને મળ્યા હોય તેવું મને યાદ નથી

પ્રશ્ન :તમે ગોધરાકાંડની ઘટનાને પૂર્વઆયોજિત ગણાવી હતી અને તેની પાછળ પાકિસ્તાન કે આઈએસઆઈનો હાથ હોવાનું કહ્યું હતું? જો હા, તો તેનો આધાર શું?

મોદી : મેં ક્યારેય વિધાનસભામાં આવા શબ્દો ઉચ્ચાર્યા નથી. અલબત્ત, મીડિયાએ મારી સમક્ષ કેટલાક પ્રશ્નો મૂક્યા હતા, પરંતુ મેં કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કંઈ જ કહી શકાય નહીં.

પ્રશ્ન :મૃતદેહો અમદાવાદ લઈ આવવાનો નિર્ણય કોણે લીધો અને ક્યા આધાર પર લીધો?
મોદી : કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ત્યાં હાજર રહેલા તમામ લોકોએ સામૂહિક રીતે ચર્ચા-વિચારણાને અંતે નિર્ણય લીધો હતો કે ભોગ બનેલાઓના મૃતદેહ અમદાવાદ લાવવા જોઈએ. મેં સૂચના આપી હતી કે મૃતદેહ અમદાવાદની હદ પાસે આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાખવા જોઈએ જેથી તનાવ વધે નહીં. આ નિર્ણય એ બાબતને ધ્યાનમાં લઈને લેવાયો હતો કે મૃતકો પૈકી મોટાભાગના અમદાવાદના અને અન્ય ગામના હતા અને તેમ કરવાથી તેમના સંબંધિતોને મૃતદેહની ઓળખ માટે ગોધરા આવવાની જરૂર ન પડે કારણ કે ગોધરામાં કરફ્યૂ લાગુ કરી દેવાયો હતો.

પ્રશ્ન :તે સમયે ગોધરાના કલેક્ટર શ્રીમતી જયંતી રવિએ મૃતદેહો અમદાવાદ ખસેડવા સામે વાંધો લીધો હતો?
મોદી : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોને લાવવા અંગેનો નિર્ણય તે બેઠકમાં સર્વસંમતિથી લેવાયો હતો કારણ કે મોટાભાગના લોકો અમદાવાદ અને આસપાસના હતા. વધુમાં, શ્રીમતી જયંતી રવિનું એવું મંતવ્ય હતું કે મૃતદેહો તાત્કાલિક ગોધરા ખાતેથી ખસેડી લેવા જોઈએ કારણ કે તેમ નહીં થાય તો ગોધરા શહેરમાં તનાવ ઊભો થશે.

પ્રશ્ન :વિહિપના મહામંત્રી જયદીપ પટેલને તમે ઓળખો છો? તે સમયે તમને ગોધરા ખાતે મળ્યા હતા? મૃતદેહો અમદાવાદ ખસેડતી વખતે તેમણે સાથે રહેવાની પરવાનગી તમારી પાસેથી માગી હતી?
મોદી : હું જયદીપ પટેલને ઓળખું છું. તે ગોધરામાં મને મળ્યા હોય તેવું મને યાદ નથી. મૃતદેહોને અમદાવાદ ખસેડવાનો નિર્ણય લેવાયા પછી તે કઈ રીતે લાવવા તે નક્કી કરવાની ફરજ જિલ્લા વહીવટી તંત્રની છે. મૃતદેહો ક્યારે અને કેવી રીતે અમદાવાદ ખસેડવામાં આવ્યા તેની વિગત મને ખબર નથી. હા, મૃતદેહોનો કબજો જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને હોસ્પિટલના અધિકારીઓ પાસે હતો.

પ્રશ્ન :૨૭-૦૨-૨૦૦૨ના રોજ ગોધરાથી પરત ફરતી વખતે તમે ગોધરામાં ટ્રેન સળગાવી દેવાની ઘટનાના પ્રત્યાઘાત સહિતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પુન:સમીક્ષાની વાત કરી હતી?
મોદી : ઘરે પરત ફરતી વખતે મેં કાયદો અને વ્યવસ્થા અંગેની બેઠક બોલાવવાનું કહ્યું હતું, જેમાં વહીવટીતંત્ર, ગૃહ મંત્રાલય અને પોલીસ વિભાગના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પ્રશ્ન : ૨૭-૦૨-૨૦૦૨ના રોજ આ બેઠક ક્યારે અને ક્યા સ્થળે મળી હતી? તે બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું હતું? બેઠકમાં ક્યા મંત્રીઓ-ધારાસભ્યોએ હાજરી આપી હતી?
મોદી : મારા નિવાસસ્થાને આ બેઠક અડધો કલાક માટે મળી હતી. બેઠકમાં તત્કાલીન કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતી સ્વર્ણકાંતા વર્મા, તત્કાલીન એસીએસ(ગૃહ) અશોક નારાયણ, તત્કાલીન ડીજીપી કે. ચક્રવર્તી, તત્કાલીન અમદાવાદ શહેર પોલીસ કમિશનર પી. સી. પાંડે, તત્કાલીન ગૃહ સચિવ કે. નિત્યાનંદમ, ડૉ. પી. કે. શર્મા અને મારા અન્ય પ્રિન્સપલ સેક્રેટરી અનિલ મુકીમ હાજર રહ્યા હતા. મને યાદ છે ત્યાં સુધી, તત્કાલીન એડીજી(ઈન્ટ.) જી. સી. રાયગર હાજર ન હતા. તત્કાલીન ડીસી(ઈન્ટ.) સંજીવ ભટ્ટ પણ હાજર ન હતા, કારણ કે આ ઉચ્ચસ્તરીય બેઠક હતી. આ બેઠકમાં મારી કેબિનેટના કોઈ જ સાથીએ હાજરી આપી ન હતી.

પ્રશ્ન : ૨૭-૦૨-૨૦૦૨ના રોજ રાત્રે યોજાયેલી એ બેઠકમાં શું ચર્ચા થઈ હતી? બેઠકમાં ભાગ લેનારા દરેક વ્યક્તિનાં ચોક્કસ મંતવ્યો અને સૂચનો વિશે વિગત આપો.

મોદી : બેઠકમાં મેં મારી ગોધરા ખાતેની મુલાકાતની વિગત આપી હતી. હાજર રહેલા અધિકારીઓએ તેમના દ્વારા લેવાયેલાં સાવચેતીનાં પગલાં અંગે મને વાકેફ કર્યો હતો. મેં તેમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા શાંતિ જાળવી રાખવા માટે જરૂરી તમામ શક્ય પગલાં લેવાની સૂચના આપી હતી. મેં એસીએસ(ગૃહ)ને લશ્કરના જવાનો ઉપલબ્ધ છે કે કેમ તેની સ્થાનિક આર્મી હેડક્વાર્ટર ખાતે તપાસ કરવા કહ્યું હતું. મેં પાડોશી રાજ્યોમાંથી વધારાનાં દળોની મદદ મળી શકે તેની તપાસ કરી લેવા તેમને કહ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મેં ગૃહ વિભાગના અધિકારીઓ અને પોલીસને સૂચના આપી હતી. અહીં એ ઉમેરી શકાય કે ત્યાં સુધીમાં મને વિહપિ દ્વારા ૨૮-૦૨-૨૦૦૨ના રોજ ગુજરાત બંધનું એલાન અપાયું છે તે અંગે માહિતી અપાઈ હતી.

પ્રશ્ન : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ તમે ક્યાં-ક્યાં હતા?

મોદી : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ની બપોરે હું શાહીબાગના સર્કિટ હાઉસ એનેકસી ખાતે પત્રકારોને મળ્યો હતો. મેં સરકાર દ્વારા તપાસ પંચ નીમવાની જાહેરાત અંગે મીડિયાને વાકેફ કર્યું હતું અને મીડિયા મારફતે જાહેર જનતાને શાંતિ અને કોમી એખલાસ જાળવી રાખવાની અપીલ કરી હતી. અહીં એ વાત ઉમેરી શકાય કે તે જ દિવસે મેં લોકોને શાંતિ અને કોમી એખલાસ જાળવવાની અપીલ કરતો સંદેશો રેકોર્ડ કરાવ્યો હતો અને ત્યારપછી તે દૂરદર્શન પર સતત પ્રસારિત કરાતો રહ્યો હતો.

પ્રશ્ન : તમે પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે ‘કોમી હિંસામાં પોલીસ હિન્દુઓ અને મુસ્લિમો સામે સમાન ધોરણે પગલાં લે છે. પણ હવે એવું નથી કરવાનું, હિન્દુઓને તેમનો ગુસ્સો ઠાલવવાનો માર્ગ આપી દો.’? જો તેમ હોય તો બેઠકમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની શું પ્રતિક્રિયા હતી?
મોદી : આ પાયા વગરના આક્ષેપો છે. તેનાથી વિપરીત, મેં કોઈપણ ભોગે શાંતિ અને કોમી એખલાસ જાળવવાની ભારપૂર્વક અને સ્પષ્ટપણે સૂચના આપી હતી. અગાઉ આ જ પ્રકારની અપીલ ગોધરામાં પણ લોકોને મીડિયા મારફતે કરવામાં આવી હતી.

પ્રશ્ન : ૨૮-૦૨-૨૦૦૨ના રોજ ગુજરાત બંધનું અને ૧-૦૩-૨૦૦૨ના રોજ ભારત બંધનું એલાન કોણે આપ્યું હતું? શાસક પક્ષે આ બન્ને બંધને ટેકો આપ્યો હતો?
મોદી : ૨૭-૦૨-૨૦૦૨ના રોજ હું દિવસભર વ્યસ્ત હતો અને ગોધરાની મુલાકાત પણ લીધી હતી. મને છેક રાત્રે ખબર પડી કે વિહિપ દ્વારા બંધનું એલાન અપાયું છે. જોકે ૨૮-૦૨-૨૦૦૨ના રોજ મને અખબારોના અહેવાલો દ્વારા જાણવા મળ્યું કે બંધને ભાજપે ટેકો આપ્યો છે.

પ્રશ્ન : તત્કાલીન આરોગ્યમંત્રી અશોક ભટ્ટ અને તત્કાલીન શહેરી વિકાસમંત્રી આઈ. કે. જાડેજાએ બેઠકમાં હાજરી આપી હતી ?
મોદી : એ બંન્નેએ કેબિનેટની બેઠકમાં હાજરી આપી હશે, પરંતુ કાયદો અને વ્યવસ્થા અંગેની બેઠકમાં હાજરી આપી ન હતી કારણ કે તે તેમનો વિષય ન હતો.

પ્રશ્ન : તમે અશોક ભટ્ટ અને આઈ. કે. જાડેજાને સ્ટેટ કંટ્રોલ રૂમમાં અને અમદાવાદ સિટી કંટ્રોલ રૂમમાં બેસી રહેવાની મંજુરી આપવાનો નિર્ણય લીધો હતો ? જેને કારણે અમદાવાદ શહેરના ડીજીપી અને પોલીસ કમિશનરને હિંસાની સ્થિતિનું સુપરવિઝન કરવામાં વિપરીત અસર પડી ?
મોદી : આવા કોઈ નિર્ણય લેવાયા ન હતા અને બેઠકમાં આવી કોઈ ચર્ચા પણ થઈ ન હતી. ત્યારપછી મને મીડિયા મારફતે આવા આક્ષેપોની જાણ થઈ હતી. તેમ છતાં આ બન્ને મંત્રીઓની કંટ્રોલ રૂમમાં હાજરી અંગે મને વ્યક્તિગત રીતે કોઈ જાણકારી નથી.