Friday, October 14, 2011

આપણે જે કરવાને સજ્જ છીએ તે આપણી શક્તિની પરીક્ષા છે.

જીવનની મુશ્કેલી તેમાં નથી કે ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાયું નહીં. મુશ્કેલી તો એ છે કે જીવનમાં કોઈ લક્ષ્ય છે કે નહીં. - બૅન્જામિન મૅયસ

કલાકારો મોટે ભાગે એક વાક્ય સૌને ઈમ્પ્રેસ કરવા છૂટથી વાપરતા હોય છે, ‘મારો શ્રેષ્ઠ અભિનય તો હજી આવવાનો બાકી છે.’ વાસ્તવમાં આ વાક્યમાં જે સૌંદર્ય છે તેનો સૌના જીવનમાં અમલ થવો આવશ્યક છે. આપણે જે કરી ચૂક્યા છીએ તે આપણી તવારીખ છે, આપણો ભૂતકાળ છે. આપણે જે કરવાને સજ્જ છીએ તે આપણી શક્તિની પરીક્ષા છે. અંગ્રેજોએ ભારતમાં મુંબઈથી થાણે વચ્ચે રેલવે લાઈન નાખી હતી. તેના પછી એમણે જો, ‘ચાલો, ભારતમાં ટ્રેન શરૂ કરી નાખી, લક્ષ્ય હાંસલ થઈ ગયું,’ ‘તેવું વિચાર્યું હોત તો? આજે વિશ્વમાં સૌથી વિસ્તૃત રેલવે લાઈનનું માળખું ભારત પાસે છે એ કેવી રીતે બન્યું? એ પછી હજી રેલવે લાઈનના વિકાસ માટે કેટલીયે શક્યતાઓ તો છે જ. આગળ વધવાની મર્યાદા પર્વત પર હોય, જીવનપ્રવાસીના સ્વભાવમાં કેવી રીતે હોઈ શકે? હમણાં સુધી જે થયું તેની વાત જવા દો. સવારે જાગીને પહેલો વિચાર એ કરવાનો છે કે હવે પછી શું થઈ શકે છે? જેમની પાસે વ્યસ્તતા છે, વિચાર છે તેમને વળી ક્યારેય કંટાળો આવે કે? જેમને માની લેવું છે કે બસ, હવે ઘણું થયું, તેમના જીવનમાં જ કંટાળા સિવાય કોઈ વાત આવે નહીં. હવે તો જાગો, નવા કોઈક ધ્યેય ઠરાવો પછી જુઓ તો ખરા, પછી શું થાય છે તે જુઓ, જીવનની મુશ્કેલીઓ રફેદફે થઈ જ જશે. 


Wednesday, October 12, 2011

કોણ વધારે હાનિકારક ?

કોણ વધારે હાનિકારક છે, મનમાં છવાયેલી નિરાશા કે વધુ પડતી આશા? આ પેચીદા પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો લાગે છે? તો ફરી વિચારો કે મનમાં નિરાશા આવી ક્યાંથી? નિરાશા જન્મી છે ફળીભૂત નહીં થયેલી આશામાંથી. એક આશા જે ક્યારેક કરી હતી અને આજે પૂરી થઇ નથી, તેણે તો નિરાશાને જન્મ આપ્યો છે. તેણે પાછું મનને એવું હચમચાવી નાખ્યું છે કે નવી આશા જગાવતા એને ભય લાગી રહ્યો છે. પણ જો નવી આશા જાગશે, ફરી કંઇક કરી બતાવવા માટે થનગનાટ અનુભવાશે તો શું થશે? તો વીતી ગયેલી વાત તડકે મૂકાઇ જશે અને નવી આશાને આકાર આપવામાં આખું ચિત્તતંત્ર વ્યસ્ત થઇ જશે. વાસ્તવમાં વધુ પડતી આશા જેવું જગતમાં કશું નથી. માણસે માનવદેહ મેળવીનેય ભગવાન જેવું સ્થાન મેળવ્યું છે, ઝૂંપડામાં મોટા થઇને અપાર સંપત્તિ સર્જી છે અને એલેકઝાંડર તરીકે દુનિયા પર જીત મેળવવાની મહત્ત્વકાંક્ષા પણ સેવી છે. પોતાની નાનકડી આશાને વધુ પડતી ગણવાની જ બંધ કરી નાખો. થયું તેને ભૂલીને મનમાં ગણગણવા માંડો કે નાસીપાસ થઇને એક ક્ષણ બગાડવી પાલવે તેમ નથી. એટલું કરશો તો આ ક્ષણથી સાવ નવા માણસ થઇ જ જશો. 

Tuesday, October 11, 2011

ભૂખ લાગે તો શું ખાવું તેની ચિંતા ગરીબોને છે, તો શું કરીએ તો ભૂખ લાગે એ ચિંતા શ્રીમંતોની છે. - શ્રી રત્નસુંદરસૂરિ
છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર રાષ્ટ્રનું રાજકારણ સંઘર્ષ અને નકારાત્મક માર્ગે જઈ રહ્યું છે. એક પણ બાબતે સંતોષ લઈ શકાય તેવું દેખાતું નથી. પ્રજાના સુખાકારીના કે કલ્યાણના કોઈ કાર્ય થતાં દેખાતાં નથી. આર્થિક નિર્ણયોમાં સાવ ટાઢક જોવા મળે છે. રાષ્ટ્ર તરીકે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ?

મોટા ભાગનો સમય કૌભાંડ, ગેરરીતિ અને અદાલતી કાર્યવાહીમાં જાય છે. જાણે તે સિવાય કોઈ કામધંધો જ રહ્યો નથી!! આવી નકારાત્મક ઊર્જા કોઈને પણ ફાયદો કરાવવાની નથી. કેન્દ્ર સરકાર ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં ગળાડૂબ છે તેવે વખતે ટેલિકોમ ક્ષેત્રમાં નવું મૂડીરોકાણ આવે તેવી શક્યતા નહિવત છે. આજે સૌથી વધુ જરૂરત એક પછી એક આર્થિક નિર્ણયોની છે. વહીવટીતંત્ર છેલ્લા કેટલાક સમયથી ઠપ્પ છે. કોઈ જવાબદારી લેવા માગતું નથી. દરેકને એમ લાગે છે કે બિનજરૂરી રીતે બદનામ થઈ જતાં વાર લાગતી નથી. દેખીતી રીતે જ વહીવટનો સ્ટાફ આવું વિચારતો હોય છે.

છેલ્લાં બે વર્ષથી કેન્દ્ર સરકારમાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાયા નથી. પોલીસતંત્ર અને ન્યાયતંત્ર બન્ને તનાવ હેઠળ છે. તેમને ત્યાં રાજકારણનો ગંદવાડ ઠલવાઈ રહ્યો છે, પરંતુ તેનો ઉપાય શું? બૌદ્ધિક વર્ગે આ બાબતે વિચારણા કરવાની જરૂર છે. કારણ કે હાલની પરિસ્થિતિ વ્યાપાર- ઉદ્યોગ- વાણિજયને માટે નુકસાનકારક છે.

દીપોત્સવીના તહેવાર નજીક આવી રહ્યા છે. એકંદરે સમગ્ર રાષ્ટ્રમાં કૃષિ ઉત્પાદન સંતોષકારક છે તેવે વખતે બજારમાં માગ વધવી જોઈએ. વપરાશી ચીજવસ્તુઓ, કપડાં, વાસણ અને એવી જ અન્ય વસ્તુની માગ વધવી જોઈએ જે પ્રક્રિયા દેખાય છે. અવશ્ય પરંતુ તેમાં ઝડપ વધવી જોઈએ.

નેતૃત્વ જ્યારે કમજોર થાય છે તેવે વખતે સમસ્યાનું પ્રમાણ વધે છે. દરેક બાબતે પ્રજા જોખીજોખીને આગળ વધી રહી છે. કારણ કે તેમને ખ્યાલ છે કે જોખમનું તત્ત્વ વધારે હોય છે. તેવે વખતે રાજકીય નેતૃત્વ કદી તેમને પીઠબળ પૂરું પાડતું નથી.

સૌથી મોટી બાબત એ છે કે રાષ્ટ્રને માટે આપત્તિરૂપ પાકિસ્તાન હાલમાં અસ્થિર છે. સમગ્ર ક્ષેત્રને અસમતુલ બનાવનાર પાકિસ્તાનને ઠેકાણે કરવાની શ્રેષ્ઠ તક ભારત પાસે છે. છતાં કોઈ તે દિશામાં વિચારતું નથી. ૧૯૭૨માં સીમલા કરાર વખતે પાકિસ્તાનને ૯૩ હજાર સૈનિકો પરત આપતાં અગાઉ જો કાશ્મીર અંગે આખરી નિકાલ થયો હોત તો ચિત્ર જુદું હોત.

સમયને ઓળખવામાં થાપ ખવાતી હોય છે તે વખતે સમસ્યા જટિલ બનતી હોય છે. ત્રાસવાદ, સરહદ પરથી ઘૂસણખોરી, બોમ્બધડાકા આ તમામ બાબતોનો નિકાલ જો માત્ર પાકિસ્તાન સાથે હિસાબ કરવામાં આવે તે વખતે જ શક્ય બનશે. આજે તે માટેની તક છે તેવે વખતે આંતરિક વિવાદમાં સમગ્ર રાષ્ટ્ર વ્યસ્ત છે.

એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં શાંતિથી સ્થિરતા સાથે વહીવટ ચાલી રહ્યો હોય. પ્રજાની અપેક્ષાને સમજવા અને સુલઝાવવામાં રાજકીય પક્ષો સાવ નિષ્ફળ રહ્યા છે. વળી એક રાષ્ટ્ર તરીકે આપણે કદી એકતા સ્થાપિત કરી શક્યા નથી. જે કંઈ હતું તે માત્ર આભાસી હતું.

રાષ્ટ્રનો છેલ્લાં ૫ હજાર વર્ષનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે બરાબર ત્રિભેટે હોઈએ તે વખતે જ ભૂલ કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં આર્થિક મહાસત્તા બનવા માટેના સૌથી વધુ ગુણ આજે ભારત પાસે છે તેવે વખતે અદાલતોમાં દરેક બાબત લઈ જઈને જે રીતે રાગ આલાપવામાં આવી રહ્યો છે તે ‘બેનમૂન’ છે!!

આજે યુવાનવર્ગ રોજગારી માગી રહ્યો છે, જ્યારે એક પછી એક સમસ્યા આવી રહી છે તેમાં આ બાબતને તો ક્યાંય પાછળ ધકેલી દેવામાં આવી છે. નોંધવા યોગ્ય આ બાબત છે. પ્રજાની અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું આવું ભયજનક અંતર સમાજમાં વિદ્રોહ અને વિપ્લવનું વાતાવરણ નિર્માણ કરશે.

આજે પણ વ્યાપાર ઉદ્યોગના એવા ઘણા ક્ષેત્ર છે કે જેમાં ખોટી સરકારી નીતિને કારણે નકારાત્મક વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. નકારાત્મક એટલે મૂડીરોકાણ પૂરતી જ વાત નથી, પરંતુ જે રીતે વૃદ્ધિદર હોવો જોઈએ તેનો અભાવ દેખાય તેવું વાતાવરણ.

રાજકીય પક્ષોએ પ્રજાના મનને સમજવાની જરૂર છે. દરેક બાબતે સંઘર્ષ અને મુકાબલાનું વાતાવરણ કોઈને પણ માટે યોગ્ય નથી. ૧૨૦ કરોડની પ્રજાને સમજવામાં નિષ્ફળ જનાર રાજકીય પક્ષો સામે પણ પ્રજા તેવો જ પ્રત્યાઘાત વ્યક્ત કરી શકે છે. 

Thursday, October 6, 2011

ખોટા/ખોટા = સાચા?

પોતે જ્યોતિષી ન હોય તો પણ આગાહી કરી શકે અને તે પણ સાચી નીવડશે તેની સો ટકા (ઘણા લોકો ૧૦૧ ટકા, બસો ટકાની ખાતરી આપે છે, પણ ખાતરી ૧૦૦% જ હોઈ શકે) ખાતરી આપી શકે એવી આગાહી એ છે કે ૨૦૧૪ સુધીમાં ભારતના જે રાજનેતા પર સૌથી વધુ આરોપો થશે, જે રાજનેતાને સૌથી વધુ વિવાદોમાં ઘેરવામાં આવશે, તે રાજનેતા નરેન્દ્ર મોદી છે. ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ વડા પ્રધાન પદના સક્ષમ દાવેદાર હોવાનું દેશમાં મનાય રહ્યું છે એટલે અનેક મહત્ત્વાકાંક્ષી પક્ષો અને નેતાઓ તેમની પર આરોપો લગાવશે, વિવાદો ઊભા કરશે. આજના રાજકારણમાં મેલી મથરાવટી એવી ભણેલી છે કે કોણ સાચું, કોણ ખોટું કાંઈ નક્કી જ ન થઈ શકે. વાસ્તવમાં તો રાજકીય પક્ષો અને તેમના નેતાઓ જ કેસ ઊભા કરે, તેની દલીલો કરે અને જેને આરોપી ઠેરવવું હોય તેને ઠેરવે. લોકોને તો તેઓ વિચારવાની તક જ આપવા માગતા નથી. સામે ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે તો નાના નાના મુદ્દાઓ પર પણ દળકટક લઈ આક્રમણ શરૂ થતું હોય છે. મૂળ તો આજના દરેક મોટા રાજકીય પક્ષો અને તેમના મોટા નેતાઓ મોટા મોટા આરોપાથી ઘેરાયેલા છે અને એવા આરોપોથી બચવા તેઓ સામેના પક્ષના નેતાઓ પર તેનાથી મોટા આરોપ લગાડી બેલેન્સ કરવા મથે છે. લોકો માટે હવે સારા નેતા ચૂંટવા એ કસોટી બની ગઈ છે. બધા આરોપો, વિવાદો વચ્ચે તેઓ કોણ વધુ સક્ષમ, મર્યાદા વચ્ચે પણ કોણ વધુ સારું પરિણામ લાવી શકે, તે જોતો હોય છે. રાજકીય પક્ષો અને નેતાઓ બીજા પક્ષનેતા પર જે આરોપો લગાડે તેને પણ તેઓ સ્વસ્થતાથી જોતા હોય છે.

હમણાં ચિદમ્બરમ પોતે જ મોટા આરોપીથી ઘેરાયેલાં છે અને સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પ્રણવ મુખરજીની ગરજે તેમને બચાવાઈ રહ્યાં છે. મનમોહન સરકારે મોટા મોટા મંત્રીઓ, નેતાઓને જેલમાં ધકેલવા પડે તેનો અર્થ જ એ થાય કે તેમની સરકારના શાસનમાં અપરાધી કૃત્યોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે કેન્દ્રની સત્તા તેમના હાથમાં છતાં એ સત્તાના પહેરામાંથી પણ અપરાધો બહાર ફૂટી જાય. ચિદમ્બરમ જેલમાં જાય તો છેવટે મનમોહન સિંહ પણ બચવા જેવા ન રહે. જન લોકપાલ બિલમાં વડા પ્રધાન ન આવે તેની તકેદારી આ માટે જ તો રાખવામાં આવી હતી! હવે એવા ચિદમ્બરમ નરેન્દ્ર મોદી સામેના આક્રમણનું નેતૃત્વ સંભાળતા હોય તો તેમાં સચ્ચાઈ - જુઠ્ઠાઈ નહીં માત્ર રાજકીય વસૂલી જ કેન્દ્રમાં રહે. સંજીવ ભટ્ટનાં પત્ની ચિદમ્બરમને પત્ર લખે તેમાં પણ કોની દોરવણી છે તે સ્પષ્ટ સમજી શકાય એમ છે. ખરેખર તો કેન્દ્રનાં ગૃહ પ્રધાન રાજ્યની આવી બાબતોમાં પડી નહીં શકે, પરંતુ ગુજરાત કૉંગ્રેસ અને કેન્દ્રીય કૉંગ્રેસે (યુપીએ સરકાર) સાથે મળી મોરચો ઘડી કાઢ્યો છે.

સવાલ એ નથી કે નરેન્દ્ર મોદી આમાં ખોટા છે કે ખરા. પોતાના બચાવ માટે જ સંજીવ ભટ્ટને જેલમાં નાખ્યા છે કે સંજીવ ભટ્ટ ખરેખર એને લાયક હતા. આ લડાઈ સત્તા પર બેસીને લડાઈ તેની જ છે અને નરેન્દ્ર મોદી તેમાં તેવા કુશળ છે યા નથી કે તે જ પુરવાર થશે. વણઝારાથી માંડી ગુજરાતના ગૃહમંત્રીને જેલ મોકલવાના મામલે અને અમિત શાહને તડીપાર કહેવાય એ રીતે ગુજરાત બહાર રખાયા ત્યારે નરેન્દ્ર મોદી રાજકીય ચાતુર્યથી ચૂપ રહ્યા છે. કેન્દ્ર શું, લગભગ દરેક રાજ્ય સરકારોએ હવે રાજકીય પેચીદગી માટે તૈયાર રહેવું પડે છે. તમે ખેલંદા તો અમે તમારાથી ઉપરના ખેલંદા. ગુજરાતના કૉંગ્રેસી નેતાઓને મોદી ગાંઠતા નથી તેથી આ વેળા કૉંગ્રેસમાં નર્યા ઉપેક્ષિત, ઓશિયાળા બનાવી દેવાયેલા શંકરસિંહ વાઘેલાને મોદીને ઝાલવા સુકાન સોંપાયું છે. ૨૦૧૨ની રાજ્યની ચૂંટણીમાં વાઘેલા ગુજરાત જીતાડી આપે તેવી શરત તેમાં કામ કરે છે ને વાઘેલા માટે આ છેલ્લો મોકો છે તેથી તે પણ એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. આ બધા સંજોગોમાં આરોપો, આક્રમણો થવાના જ! સંજીવ ભટ્ટના મુદ્દે દિલ્હીમાં અને પટણામાં પણ દેખાવો થાય તેમાં બીજું કાંઈ નથી, મુદ્દાને મોટો કરવાનો અને નરેન્દ્ર મોદી ભાવિ વડા પ્રધાન તરીકે લાયક નથી તેવું દેશની પ્રજાને સંદેશો આપવાનું વલણ છે. મતલબ કે હવે મોદીનો વિરોધ પણ ‘રાષ્ટ્રીય’ સ્તરે કરાઈ રહ્યો છે. આનો સીધો અર્થ ૨૦૧૪ની ચૂંટણી માટે મોદીને અત્યારથી નબળા ચીતરવાનો છે.

સામાન્યજને આમાં વકીલ દષ્ટિ કેળવવાની જરૂર નથી. સંજીવ ભટ્ટની ખોટી રીતે ધરપકડ થઈને જેલમાં નખાયા અને પછી જે થઈ રહ્યું છે યા નરેન્દ્ર મોદીના ઉપવાસ વેળા હરેન પંડયાની પત્ની જે રીતે જાહેરમાં આવવા આક્રમક બન્યાં એ બધું જ રાજકારણ છે. ન્યાય - અન્યાયનું રાજકીયકરણ આ રીતે હજુ આગળ વધશે. રાજકીય કૌશલ્ય હવે બદલાયેલી વિભાવના સાથે આગળ વધી રહ્યું છે, આમાં બધા જ કહેશે, અમે વધુ સાચા અને જે ખોટા હશે તે એવું વધુ કહેશે. ખોટાઓ ખોટાને મોટા ખોટા પાડી પોતાને સાચા પાડવા મથી રહ્યા છે. આ અત્યારના રાજકારણની તાસીર છે. આવામાં પેેલા કુતુબુદ્દીન અન્સારીને અમદાવાદ પોલીસ કમિશનરને અરજી કરવી પડી છે કે મારી તસવીરો હવે વધુ ન ચમકે એ માટે કાંઈ કરો. પ્રતીકાત્મક રીતે તેને ગોધરા પછીનાં કાંડનો પ્રતિનિધિ, રાષ્ટ્રીય પ્રતિનિધિ બનાવી દેવાયો છે. 

સીમાંકન અને સીમોલ્લંઘન

આજનો દશેરાનો દિવસ એટલે સીમાંકન અને સીમોલ્લંઘનનો દિવસ. પોતપોતાની આજીવિકાનાં સાધનની પૂજા કરી તેના પ્રત્યેનો આદર પ્રગટ કરવાનો દિવસ. નથી આપણે રાજા-મહારાજ કે નથી આપણે અબજોપતિ ઉદ્યોગપતિ. અઢળક સત્તા અને સંપત્તિ અને બીજું ઘણું બધું મેળવી શકાય એવા રાજકારણી આપણે નથી તો આકારણ અનશીન કરનાર પણ આપણે નથી. તો આપણે ક્યાં સીમાંકન કરશું? કઈ સીમાનું ઉલ્લંઘન કરી વિજય પ્રસ્થાન કરશું? આપણું સાધન તો છે અક્ષર, ભાષા. ‘અક્ષર’ એટલે જેને અંગ્રેજીમાં લેટર કહે છે તે જ માત્ર? ના. આપણો ‘અક્ષર’ એ ‘અ-ક્ષર’ પણ છે. જે કદી નાશ પામતો નથી. તેવો અ-ક્ષર ‘અક્ષર’.તો ચાલો, આજે પહેલી સીમા પાર કરીએ આ ‘અક્ષર’ને લગતી કેવળ ક્ષણજીવી એવા બોલાતા શબ્દને લિપિએ સ્થિર રૂપ આપ્યું. મુદ્રણે તેને લાંબુ આયુષ્ય આપ્યું. પણ હવે શબ્દને અક્ષર બનાવનારા બીજાં સાધનો, માધ્યમો આપણી સામે આવ્યાં છે. કમ્પ્યુટર, સીડી, ઈન્ટરનેટ જેવા આ નવાં સાધનોને ભાષાના, પુસ્તકના દુશ્મન માનવાની સીમાનું આપણે હવે ઉલ્લંખન કરવું જ રહ્યું. છાપેલું હોય તે જ પુસ્તક એવી માનસિક મર્યાદામાંથી બહાર આવવું જ રહ્યું.બીજી સીમા પાર કરવાની છે તે આપણી માતૃભાષા અંગેની. ‘ગુજરાતી ભાષા મરવા પડી છે’ એવાં રોદણાં રડવાનું હવે બંધ કરીએ આવાં રોદણાંનો ઉપયોગ પોતાના લેખન, અભિનય, સંગીત વગેરેની ભાખરી શકેવા માટે કરવાનું બંધ કરીએ. છ-આઠ કરોડ લોકોની ભાષા એમ કાંઈ ટપ દઈને મરી જતી નથી. હા, જરૂર છે એની તંદુરસ્તી અને મનદુરસ્તી માટેના સાચકલા પ્રયત્નો કરવાની. એવા પ્રયત્નો કરીએ, ભાષાના ઉઠમણાની તૈયારીઓ નહીં.

સીમોલ્લંખન કરી વિજય પ્રસ્થાન કરનારને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ લડાઈ જીતી શકાય તેમ છે, કઈ જીતી શકાય તેમ નથી. અંગ્રેજી માધ્યમ અંગેની લડાઈ જીતવાનું અશક્ય નહીં તોય અત્યંત અઘરું છે. ‘સિગરેટ પીવાથી કેન્સર થાય છે’ એવી રાતીચોળ ચેતવણી દરેક પાકિટ પર છાપી હોય છે છતાં લોકો સિગરેટ પીતાં અચકાતા નથી. અંગ્રેજી માધ્યમનાં દૂષણો અને ગુજરાતી માધ્યમનાં ભૂષણો અંગે ગમે તેટલું બોલીએ - લખીએ, પણ તેની અસર પેલી રાતીચોળ ચેતવણી કરતાં વધુ થવાની નથી. અંગ્રેજી માધ્યમના જ ફાયદા લોકોને તેમની નજરે દેખાય છે તેને કારણે આ દોટ મૂકાઈ છે. લોકોનાં પર્સેપ્શનને બદલવાનું સહેલું નથી હોતું. ગમે તેટલી વાતો કે હકીકતોનાં ગાડાં એ પર્સેપ્શનને બદલી નહીં શકે. એટલે માધ્યમની લડાઈ લડવાનું હાલતુરત તો મોકૂફ રાખી શકીએ.

દશેરાને દિવસે આપણે શેની પૂજા કરશું? આપણી સફળતાનાં સાધનો ક્યાં? પણ એ સાધનો ઘરમાં હશે તો તેની પૂજા કરી શકશું ને? એટલે પહેલો સંકલ્પ કરવાનો તે તો આ સાધનોને ઘરમાં અને હૈયામાં સ્થાન આપવાનું. પહેલું સાધન ગુજરાતી છાપું, બીજું સાધન ગુજરાતી સામયિક, ત્રીજું સાધન ગુજરાતી પુસ્તક. આપણી જાતને જ વચન આપીએ કે ઘરમાં રોજ ઓછામાં ઓછું એક ગુજરાતી અખબાર તો આવશે જ. ઘરના સેન્ટર ટેબલ પર બે-ચાર ગુજરાતી સામયિકો તો હશે જ. દર મહિને, બે મહિને એકાદ ગુજરાતી પુસ્તક ખરીદીને વાંચશું જ. એ ઉપરાંત સક્રિય ટેકો આપશું ગુજરાતી નાટકને, ગુજરાતી સુગમ સંગીતને, ગુજરાતી સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને.અને આ સપરમા દિવસે આપણે શી પ્રતિજ્ઞા લેશું? માતૃભાષા માટે બીજાએ શું કરી શકે, બીજાઓએ શું કરવું જોઇએ* તેની સલાહ આપવાને બદલે હું શું કરી શકું, હું શું કરીશ એનો વિચાર કરશું. પણ આવી પ્રતિજ્ઞા લીધા પછી આગળ લખી કઈ રીતે શકાય? 

સુખી જીવન જીવવાની ખ્વાહીશ છે?

તાજેતરમાં શેખ સા’દીના જીવન સાથે સંકળાયેલો એક સરસ પ્રસંગ જાણવા મળ્યો. એકવાર એમના પગના અંગૂઠાનો નખ ઊખડી ગયો. ખૂબ પીડા થઈ. લોહી નીકળ્યું. શેખસાહેબ મસ્જિદમાં જઈને શિકાયત કરવા લાગ્યાઃ યા પરવરદિગારે આલમ! હું તો તારો નમ્ર બંદો છું. રોજ પાંચવાર અચૂક નમાઝ પઢું છું. રોજા રાખું છું. ગરીબો-હાજતમંદોને મદદ કરું છું છતાં મને જ તકલીફ કેમ? હૈયાવરાળ નીકળી જતાં શેખ બહાર નીકળ્યા ત્યાં ગોઠણથી બંને પગ કપાઈ ગયેલા એવા એક શખસને પૈડાંવાળા લાકડાના પાટિયા પર ઘસડાતો જોયો. પેલો તો એની મોજમાં હતો. શેખસા’દી સાહેબને તરત મનમાં બત્તી થઈ. ત્વરિત દોડ્યા. મસ્જિદમાં જઈને રબની માફી માગવા લાગ્યાઃ આ અદના સેવકને માફ કરી દો બંદાપરવર. મેં ખોટી ફરિયાદ કરી. અંગૂઠાનો નખ ઊખડી ગયો તેમાં ઘણું બોલી નાખ્યું. પેલાને તો બે પગ પૂરા નથી તોય પોતાની મસ્તીમાં જીવ્યે જાય છે. હું બેકદર છું. હું સ્વાર્થી છું. તારી દયા, દુવા અને રહેમોકરમને પિછાણી ન શક્યો. મને ક્ષમા કર મારા પરવરદિગાર...!

આજે આદમી ઘડિયાળને કાંટે સતત દોડ્યા કરે છે. મશીનની જેમ કામ કરે છે, પણ એના મનને જંપ નથી. તે પોતાના દુઃખનાં ગાણાં ગાયાં કરે છે.સાવ નાની નાની વાતે ઓછું લાવે છે. તાણમાં જીવવું જાણે તેની આદત બની ગઈ છે. તે આધુનિક ઉપકરણોને વસાવી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ પોતાના નિર્દોષ હાસ્યને વહાવી નથી શકતો. હરપળે તેનું જીવન ભારે જ લાગે છે. તે જીવનને માણી શકતો નથી. આર્થિક સદ્ધરતા તો છે, પણ માનસિક સદ્ધરતાનો નાશ થયો છે. ગુસ્સો, ચિંતા, નફરત, દોષ તેને શાંતિથી જીવવા દેતાં નથી.જીવનની દરેક ક્ષણ તે તાણમાં જ વિતાવતો હોય છે. તે પોતાના સાથી-સંગાથીઓને પણ વિશ્વાસમાં રાખી શકતો નથી. કારણ કે તેને પોતાનામાં વિશ્વાસ રહ્યો નથી. ગમે તેટલું મળવા છતાં શિકવા, શિકાયત તેની રોજિંદી આદત બની જવા પામી છે.

ઈસ્લામ ધર્મના ઉપદેશ અનુસાર વ્યક્તિએ પોતાના જીવનને સુમધુર બનાવવા માટે પોતે જ પ્રયાસ કરવો પડે છે. તે વ્યક્તિ આનંદમાં નહીં રહે તો કોઈ પણ વ્યક્તિ તેને આનંદમાં રાખી નહીં શકે.‘ સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈની’ પંક્તિ મુજબ પોતે હસશે તો દુનિયા હસશે, પણ પોતે રડશે તો કોઈને પડી નથી કે તેની પાછળ રડવા લાગે.બીજાના દુઃખે દુઃખી થઈને પોતાના સુખને બરબાદ કરનારને આજના સમયમાં ‘બેકાર લાગણીશીલ’ માનવામાં આવે છે. તેને ‘દૂબળો’ ગણવામાં આવે છે - કમજોર લેખવામાં આવે છે.

સુખી જીવનની સૂફી સલાહ વર્ણવતી એક પ્રેરણાદાયક લઘુકથા જાણવા જેવી છે. પોતાને ત્યાં વરસો સુધી અભ્યાસ કરીને સંસારમાં જઈ રહેલા શાગીર્દને ઉસ્તાદે કહ્યું,‘એક વાત સદા યાદ રાખજે, સુખ અને દુઃખ બંને માણસના મનમાં હોય છે. ભૂખ્યા માણસને સમયસર ભોજન મળે તો એ સુખી થાય છે, પરંતુ પોતાનું ભોજન કોઈ અન્યને મળે તો એ દુઃખી થાય છે.ઘણીવાર તો માણસ સુખ - દુઃખની વ્યાખ્યા વિશે સ્પષ્ટ હોતો નથી, માટે તને ક્યારેક દુઃખની લાગણી થાય ત્યારે તારાથી નીચલા સ્તરના કોઈ માણસને જોજે. તું તારું દુઃખ ભૂલી જઈશ. કદી ઊંચે નહીં જોતો, નીચે જોજે.’સાચે જ ઊંચે જોનારને દુઃખની ભાવના જલદી પજવે છે. સૂફી, ઓલિયા, સંતો ઓછામાં ઘણું કહી દેતા હોય છે. એ સાંભળવાની અને સાંભળીને સમજવાની જરૂર હોય છે. સમજીને આચારમાં ઉતારો તો દુઃખ જેવો શબ્દ જીવનની ડિક્શનરીમાં રહે નહીં. 

કોઈને કંઈ નવું મળે તેનાથી આપણને શા માટે દુઃખ થવું જોઈએ?

દુઃખ ક્યારેક ઈર્ષામાંથી જન્મે છે. બે સગાં ભાઈ હોય અને બેમાંથી એકની તરક્કી, સંપત્તિ, જાહોજલાલી વધે ત્યારે બીજાને અદેખાઈ આવે તો એ દુઃખી થવાનો, પણ અદેખાઈને બદલે એમ વિચારે કે આ પ્રગતિ, સંપત્તિ મારા ભાઈની છે. ભાઈ ક્યાં પારકો છે? તો આપોઆપ દુઃખની લાગણી ઓગળી જવાની. એ અર્થમાં પણ સૂફી, ઓલિયાઓની વાત સમજવા જેવી છે. શબ્દો થોડા બદલીને કહીએ તો કંઈક આમ કહી શકાય. તને દુઃખની લાગણી થાય ત્યારે તારાથી વધુ દુઃખી કોઈને જોજે. તારી પીડા ઘટી જશે. તકલીફ મૂળ અહીં છે. આપણે પીડાની પળોમાં આપણાથી વધુ સુખી હોય એની તરફ જોઈએ છીએ. એટલે આપણું દુઃખ બમણું થઈ જાય છે. એનો છેડો ક્યાંય દેખાતો નથી. અંત આવતો જ નથી.બધા જ સંબંધ સ્વાર્થી નથી હોતા. તેને પરોક્ષ રીતે જોવાથી તેમાં રહેલા આનંદને માણી શકાય છે. સંબંધની પરીસીમાઓ નક્કી કરવાથી અનેક મુસિબતોમાંથી ઉગરી જવાય છે.ટૂંકમાં નીચું જુઓ, અપેક્ષા ઘટાડો. અસહ્ય થઈ પડે તો તમારાથી ઓછા સુખી કે વધુ દુઃખીને જુઓ. પછી એક જાણીતા શાયરે હિન્દી ફિલ્મના ગીતમાં કહેલી આ આશાસ્પદ વાતને તમારા જીવનમાં વણી લો અને તેને સતત વાગોળતા રહોઃ-

દુનિયા મેં કિતના ગમ હૈ

મેરા ગમ કિતના કમ હૈ,

લોગોં કા ગમ દેખા તો

મેં અપના સારા ગમ ભૂલ ગયા...

Saturday, October 1, 2011

શરમ એ કઇ બલાનું નામ?


બીફોર નવરાત્રિ ગરબાની રમઝટની હારોહાર બીફોર ચૂંટણીની પ્રચાર સભાના ઉધામા વચ્ચે ગુજરાત ખરેખર વાયબ્રન્ટ ગુજરાત સાબિત થઇ રહ્યું છે. નવરાત્રિ નવ દિવસની. દસમા દિવસે રાવણનું દહન થશે. ચૂંટણી આખું વર્ષ રાસડા લેવડાવશે! રાસલીલા અને રાજલીલા વચ્ચે ફરક છે! રાસલીલા ઉત્સવ છે. રાજલીલા ઉધામા છે. આ ઉધામા લાંબા સમયના પુરવાર થશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષની વાર છે અને અત્યારથી પ્રચારસભાઓ ગાજવા માંડી છે. એસ.ટી. બસો ભરીભરીને ગુજરાતના ચારે ખૂણેથી લોકો સભાસ્થળે ઠલવાયા અને બસની રાહ જોતા મુસાફર બસસ્ટેન્ડો પર અટવાયા! રાજ્યની તમામ રૂટની બસ એક જ રૂટ પર દોડવા માંડી હતી! કેટલી રોકડી થઇ અને કેટલા રૂપિયા બસ ભાડા પેટે સરકારના ખાતે ઉધારવામાં આવ્યા. એ તો એસ.ટી બોર્ડવાળા ને પૂછવું પડે! પણ અહીં કોને પડી છે કે એવું બધું પૂછવા જાય! પુછનારું જ કોઇ નથી! બોલવાવાળો કોઇ નથી! માત્ર નેતાઓ બોલે છે. એ બોલે છે પણ સાંભળતા નથી. સાંભળવાની કુટેવ એમણે કેળવી નથી!

રાજકીય અભ્યારણમાં વાચાળતાની મોસમ ખીલી છે! વાતો હવે ઘોંઘાટમાં ફેરવાઇ ગઇ છે. દિલ્હીના રામલીલા મેદાનથી ઉદ્દભવેલો ઘોંઘાટ હવે ગુજરાત પર ઝીંકાવા માંડ્યો છે. એકને ઊપડેલો સનેપાત બીજાને ધુણાવે છે. ન.મો. સદ્ભાવના મંચ પર ઉપવાસ પર બેઠા એટલે સામે મૂળ ભાજપના પણ કોંગ્રેસનું પાણીગ્રહણ કરીને વટલાઇ ગયેલા શંકરસિંહ વાઘેલા ઉપવાસ પર ઊતરી ગયા. બંને ઉપવાસ પર હતા ત્યારે પ્રજાને ખાતરી થઇ ગઇ કે મોદી ખાતા નથી ને ખાવા દેતા નથી! કૉંગ્રેસમાં એક સગો ને બે સાવકા પુત્રો હોવાથી પક્ષમાં કુટુમ્બ કજિયો નિવારી શકાતો નથી. સગા અને સાવકાઓ, બધાને કુટુમ્બના મોવડી બનવું છે. કૉંગ્રેસમાં મૂળભૂત કૉંગ્રેસી સગા દીકરાની ભૂમિકામાં છે. ચિમનભાઇ પટેલ છોડી દીધેલી કૉંગ્રેસમાં પાછા વળ્યા એમની સામે એમના સાથીદારોનું આખું ટોળું કૉંગ્રેસમાં આવી ગયું. શંકરસિંહ પણ કૉંગ્રેસમાં પોતાનું આખું ટોળું લઇને પ્રવેશ્યા! આ ત્રણે જૂથો પક્ષમાં પ્રભુત્વ જમાવવા રચ્યાપચ્યા રહેતા હોવાથી પક્ષને આંતરિક કજિયો પજવે છે અને ધરખમ હરીફ સામે ટક્કર લેવાની ચિંતા પણ જંપવા દેતી નથી!ભાજપમાં પણ આંતરિક સ્થિતિ ખૂબ જ ખરબચડી હોવા છતાં કોઇ બોલી શકતું નથી એટલે કૉંગ્રેસની જેમ ભાજપનો કજિયો બહાર આવતો નથી! ન.મો. ભાજપના એકલવાયા છે એટલે લાડીલા છે. એ એક સિવાય બાકીના સાવકા ન હોવા છતાં સાવકાપણું વેઠે છે, કારણ કે એકલવાયાને એમનાથી કશું કહી શકાતું નથી. તાજેતરમાં ન.મો.ને વડાપ્રધાન બનાવવાની વાતે ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પણ એ ઉત્સાહ મોદી વડાપ્રધાન બને એ પૂરતો નથી પણ એ બહાને મોદી અહીંથી જાય તો બીજા કોઇને મુખ્યમંત્રી બનવાની તક મળે! બાકી તો મોદી આજીવન મુખ્યમંત્રી જ રહેશે. નરેન્દ્ર મોદી સિવાય ભાજપના અન્ય ઉમેદવારોએ મુખ્યમંત્રી બનવાનાં સ્વપ્નો જોવાનું છોડી દેવું જોઇએ. કારણ કે આમ જોતાં કૉંગ્રેસ કરતા ંભાજપની સ્થિતિ વધુ ખરાબ છે.કૉંગ્રેસમાં ત્રણ જૂથો હોવા છતાં કૉંગ્રેસપક્ષ ટકી રહ્યો છે. ભાજપની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ભાજપ નથી ચાલતો, મોદી ચાલે છે. મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમની સામે પ્રચંડ વિરોધાત્મક વાવાઝોડાં ફૂંકાયાં એમાં મોદીના બચાવ માટે ભાજપની કોઇ ભૂમિકા નજરે ચડતી નથી. ઊલટાનો મોદીએ જાતે ખુદનો બચાવ કર્યો એ સાથે ભાજપનો પણ એમણે બચાવ કર્યો છે! એ દિલ્હીવાળા પણ જાણે છે અને વડાપ્રધાનપદના લાલકૃષ્ણ અડવાણીએ પણ સ્વૌચ્છિક રીતે પોતાના એ દાવો પડતો મૂક્યો છે! છતાં એ પૂર્વે જાહેર કરેલી રથયાત્રાને પડતી મૂકવામાં પ્રતિષ્ઠા ઘાયલ થવાનો ભય એ ખાળી શક્યા નથી. રથયાત્રાનો હવે પૂર્વવત પ્રભાવ પડવાનો નથી. અણ્ણા હઝારે પણ એવી જ કોઇ યાત્રા માટે થનગની રહ્યાં છે! એમની લડત ભ્રષ્ટાચાર સામે છે પણ ભ્રષ્ટાચાર દૂર થવાની શક્યતા નથી, કારણ કે ભ્રષ્ટાચારનાં મૂળ પ્રજામાં પડ્યાં છે.પ્રજાને નેતાગીરીમાં વિશ્વાસ નથી એટલે પ્રજા પોતાનાં કામો પોતાની રીતે કરાવી લે છે. નેતાઓના કાલાવાલા કરવા છતાં જે કામો થઇ શકતાં નથી એ કામો લાંચ આપવાથી થઇ જાય છે. પ્રજાને એ માર્ગ સરળ લાગ્યો છે. અને પ્રજાએ એ માર્ગ સ્વીકારી લીધો છે. સભામાં પાંચ હજાર કે પચાસહજારની ભીડ એકઠી કરવાથી કશું વળતું નથી! ભીડ એ સફળતાનું પ્રમાણપત્ર નથી!રાજકીય ક્ષેત્રે જે ઉધામા શરૂ થયા છે તે ચૂંટણીલક્ષી છે. એ માટે લોકોની ભીડ એકઠી કરવામાં આવે છે પણ હેતુ લોકલક્ષી નથી. જંતરમંતરથી રામલીલા મેદાન અને રામલીલા મેદાનથી ગુજરાત સુધી સભાઓને છલકાવતી ભીડ વચ્ચે સામાન્ય માણસની સમસ્યાનો કોઇ ઉલ્લેખ ક્યાંય સંભળાયો નથી. ર-જી સ્પેક્ટમ, આદર્શ સોસાયટી, કલમાડી ગેમ, કનીમોઝી, મધુકોંડા અને સ્વિસ બેંકના સંદર્ભે કરોડો રૂપિયાની વાતોમાં પાંચપચાસ રૂપિયામાં દિવસ ગુજારતા માણસની સમસ્યા પ્રત્યે કોઇનું ધ્યાન જતું નથી. સ્વિસ બેંકમાંનું કાળું નાણું કઢાવવા માટે ઉધામા થયા કરે છે, પરંતુ સામાન્ય માણસ સુધી રોજીરોટી પહોંચાડવાનાં કોઇ પ્રયાસો થતા નથી. સ્વિસ બેંકમાં કાળું નાણું હોવાને કારણે ગરીબો ભૂખે મરે છે. એવું તો નથી જ! સ્વિસ બેંકમાં નાણાં આવી જાય તો પણ ગરીબોની સ્થિતિ સુધરવાની નથી. સુધારવાની દાનત પણ નથી! કારણ કે ગરીબની ખરી વ્યાખ્યા શું છે, એ કોઇને સમજાતું નથી. ગરીબ માણસને રોજના બત્રીસ રૂપિયા બહુ થઇ ગયા એવો નાણાકીય બાબતના નિષ્ણાત મોન્ટેકસિંહ અહલુવાલિયાએ ફતવો જાહેર કરી દીધો છે. આવો ફતવો જાહેર કરતા પહેલાં અહલુવાલિયાએ પોતાના ડ્રાઇવરને, વોચમેનને અને માળીને જ પૂછી લીધું હોત કે બત્રીસ રૂપિયામાં માણસ દિવસ ગુજારી શકે ખરો? પૂછવામાં નાનમ લાગતી હોય તો વોચમેન અને ડ્રાઇવરને એ કેટલો પગાર આપે છે, એ પ્રત્યે ધ્યાન આપ્યું હોત તો પણ બત્રીસ રૂપિયામાં દિવસ ગુજારવાની વાત એમણે કરી ન હોત! ગરીબને માત્ર દિવસ જ ગુજારવાનો છે? કપડાંલત્તાનું શું? માંદગી અને તેની તબીબી સારવારનું શું? એને પણ સંતાનોને ભણાવવાના ન હોય? વળી આયોજનપંચનું તારણ તો એવું છે કે શહેરી માણસ મહિને નવસો પાંસઠ રૂપિયા અને ગ્રામીણ માણસ મહિને સાતસો એંસી રૂપિયા ખર્ચી શકતો હોય તો એને ગરીબ ના કહેવાય? રોજના માત્ર બત્રીસ રૂપિયામાં દિવસ ગુજારવા પ્રજાને મજબૂર કરતી સરકારને પોષણ અને કુપોષણ વચ્ચેનો ભેદ સમજાતો નથી? પણ એવાય લોકો છે જેમને રોજના બત્રીસ રૂપિયા પણ મળતા નથી, એમને કઇ કેટેગરીમાં મૂકશો તમે? કેટેગરી પણ એક કન્ડિશનલ ઓફિસોમાં બેસીને નક્કી કરવામાં આવતી હોય છે. પરિણામે આજે પણ સવાસો કરોડની વસ્તીવાળા દેશમાં ચાળીસ કરોડ લોકો ગરીબીરેખા નીચે મોત નથી આવતું માટે જીવતા હોય છે! આ અત્યાચાર પણ છે અને ભ્રષ્ટાચાર પણ છે.સ્વિસબેંક સુધી લાંબા થતા સવાયા સેવકોનાં ધ્યાનમાં એ વાત નથી આવતી કે ખાધેપીધે સુખી સંપન્ન એવા સાઠ ટકા લોકોએ બી.પી.એલ.નું પ્રમાણપત્ર મેળવી લીધું છે. અને જે ખરેખર બી.પી.એલ.ની સંજ્ઞામાં આવે છે, એવા વીસ ટકા લોકો બી.પી.એલ.ના પ્રમાણપત્રથી વંચિત છે! શું આ ભ્રષ્ટાચાર નથી? આવા લોકો માટે જ્યાં કોઇ વ્યવસ્થા નથી એવા દેેશમાં ‘નોટ ફોર વોટ’ના નામે કરોડો રૂપિયા ભરી સંસદમાં ઉછાળવામાં આવે છે. એ તો અત્યંત શરમજનક ભ્રષ્ટાચાર છે! પરંતુ શરમ કઇ બલાનું નામ છે એ જ કોઇ જાણતું નથી ત્યાં શરમાવાનું વળી કેવું?